Tuesday, 25 February 2014

ગુજરાતમાં કૃષિ ઉત્પાદનના અંદાજો જાણવા ક્લિક કરો

  • ૪૮ લાખ ટન ઘઉં, ૨૧ લાખ ટન ડુંગળી અને ૧૭ લાખ ટન બટાટા પાકશે
  • રવી સીઝન રાજ્યના ખેડૂતો માટે ફાયદાકારક રહેશે
  • રાજ્યમાં ધાન્ય પાકોનું ૯૧ લાખ ટન, કઠોળ પાકોનું ૭.૮૮ લાખ ટન અને તેલીબિયાં પાકોનું ૭૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજઃ
  • જીરુંનું ૩.૧૪ લાખ ટન ઉત્પાદન થશે



રાજ્યમાં સારા વરસાદને પગલે વાવેતર વધતાં ઉત્પાદનના ઊંચા અંદાજો બહાર આવ્યા છે. રાજ્યમાં રવી સીઝનમાં ૩૮.૫૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩૫.૭૪ લાખ હેક્ટર છે. ૨૦૧૨-૧૨માં રવી સીઝનમાં ૨૯.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ, ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વાવેતર થતાં ઉત્પાદનના અંદાજો પણ રેકોર્ડબ્રેક બહાર આવ્યા છે.
૧૪ લાખ ટન બાજરી પાકશે :
ઉનાળુ અને ચોમાસુ સીઝનમાં બાજરીનું ઉત્પાદન થાય છે. ઉનાળામાં ૨૦૧૩-૧૪ની સીઝનમાં ૩.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૯.૪૨ લાખ ટન ઉત્પાદન થયું હતું. ખરીફમાં પણ ૩.૪૪ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૪.૭૪ લાખ ટન રહ્યું હતું. આમ, ચાલુ વર્ષે બાજરીનું રાજ્યમાં ૧૪.૧૬ લાખ ટન ઉત્પાદન થયું છે.

૮.૭૧ લાખ ટન મકાઇનું ઉત્પાદન થશે
રાજ્યમાં મકાઇની ખેતી મધ્ય ગુજરાતમાં થાય છે. મકાઇ રાજ્યમાં ત્રણેય સીઝનમાં થતો પાક છે. ૨૦૧૩-૧૪ના વર્ષમાં મકાઇનું  ૪.૯૦ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૮.૭૧ લાખ ટન થવાનો અંદાજ છે.

૪૮ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે
રવી સીઝનમાં સૌથી વધુ વાવેતર ઘઉંના પાકનું થાય છે. ઘઉંનો સરેરાશ વાવેતર વિસ્તાર રાજ્યમાં ૧૩ લાખ હેક્ટર છે. ચાલુ રવી સીઝનમાં ઘઉંનંુ ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ઘઉંની પ્રતિ કિલો હેક્ટરદીઠ ઉત્પાદકતા પણ ૩૦૧૫ કિલો રહેતાં ઘઉંનું ૪૮ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ રાજ્યના કૃષિ વિભાગે મૂક્યો છે.

કપાસ ૯૫ લાખ ગાંસડી પાકશે
રાજ્યમાં ખરીફ સીઝનમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે કપાસનું ૨૬.૯૧ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૯૫ લાખ ગાંસડી રહેશે. ૨૦૧૨-૧૩માં પણ ૮૫ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું.

૧૯ લાખ ટન ચોખા પાકશે
ડાંગરનું સૌથી વધુ વાવેતર રાજ્યમાં ચોમાસાની સીઝનમાં થાય છે. ૨૦૧૩-૧૪ની ખરીફ સીઝનમાં રાજ્યમાં ડાંગરનું ૭.૯૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૬.૭૪ લાખ ટન થયું છે. ઉનાળામાં ૮૦ હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થતાં ચોખાનું ઉત્પાદન ૨.૪૦ લાખ ટન થવાનો અંદાજ છે. ચોખાનું સૌથી વધુ વાવેતર રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થાય છે.

ગુવારનું ઉત્પાદન ૨.૯૩ લાખ ટન રહેશે
ગવારગમના સારા મળતા ભાવોને પગલે ખેડૂતોએ ગુવારની ખેતીમાં ઝંપલાવતાં ગુવારનું વાવેતર ૪.૮૪ લાખ હેક્ટરમાં થયું છે. જેમાં હેક્ટરદીઠ ઉત્પાદકતા માત્ર ૬૦૫ કિલો જ આવવાની સંભાવનાથી ઉત્પાદન ૨.૯૩ લાખ ટન રહેવાનો અંદાજ છે.

૩.૧૪ લાખ ટન જીરું થશે

રાજ્યમાં રવી સીઝનમાં વાવેતર થતા જીરુંના પાકનું ૩.૧૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ કૃષિ વિભાગ દ્વારા લગાવાયો છે. જીરુંનું ચાલુ સીઝનમાં ૪.૪૮ લાખ હેક્ટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું. જેથી ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. જીરુંના સારા ભાવથી ખેડૂતોએ આ વર્ષે  વાવેતરમાં વધારો કર્યો છે.  
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment