Thursday, 6 February 2014

ડુંગળીનો ભાવ ડુલ : કિલોનો ભાવ ૨ રૃપિયા થયો


  • ગુજરાતમાં મણ ડુંગળીનો સરેરાશ ભાવ રૃપિયા ૪૦થી ૫૦ની વચ્ચે
  •  સાઉદી અરેબિયાનો નવો પાક બજારમાં આવતા ડુંગળીની નિકાસ પર અસર 
  •  માર્ચ-એપ્રિલ સુધી ડુંગળીના ભાવ ખેડૂતોને હજુ રડાવશેઃ
  •  રાજ્યમાં ૨૦૧૨ કરતાં ૪૦૦ ટકા વધુ વાવેતર 
  •  સપ્ટેમ્બરમાં દેશમાં ડુંગળીનો વિશ્વમાં સૌથી વધુ ભાવ હતો 
  •  છ જ મહિનામાં ૯૮ રૃપિયા ભાવ ઘટયો

સપ્ટેમ્બરમાં ગૃહિણીઓને રડાવતી ડુંગળી હાલમાં ખેડૂતોને રડાવી રહી છે. દેશમાં ડુંગળીના સૌથી મોટા બજાર એવી નાસિક મંડીમાં ડુંગળીનો કિલોનો ભાવ રૃપિયા ૪ તો ગુજરાતના ભાવનગર અને મહુવા યાર્ડમાં ડુંગળીનો ભાવ રૃપિયા ૨.૫૦ થી ૫ ચાલી રહ્યા છે. આમ ડુંગળી ૪૦થી ૫૦ રૃપિયે મણ વેચાઇ રહી છે. ડુંગળીના ભાવના છ મહિનામાં જ ડબ્બા ડુલ થઇ જતાં સૌરાષ્ટ્રમાં ખેડૂતો રસ્તા પર ડુંગળી ઠાલવી પોતાનો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. ડુંગળીના સારા ભાવ જોઇ ડુંગળીની ખેતી કરનાર ખેડૂતો માટે પેટ ભરીને પસ્તાવા સિવાય હવે કોઇ વિકલ્પ રહ્યો નથી હાલના ભાવ પ્રમાણે તો ખેડૂત ડુંગળીને બહાર કાઢી વેચાણ કરવા બજાર લઇ જાય તો નુક્સાન ભોગવે તેવી સ્થિતિ પેદા થઇ છે. વિશ્વ બજારમાં સાઉદી અરેબિયાનો માલ ઠલવાવાની સાથે ડુંગળીનો લઘુત્તમ નિકાસ ભાવ પ્રતિ ટન ૧૫૦ ડોલર હોવાથી વેપારીઓ આ ભાવથી નીચે નિકાસ કરી શકે તેમ નથી. પરિણામે કેન્દ્ર સરકારે પણ હરકતમાં આવી નિકાસ નિયંત્રણો દૂર કરવાની તૈયારીઓ આરંભી હોવા છતાં દેશમાં ડુંગળી ૧૯૦ લાખ ટન પાકવાની સંભાવનાથી ડુંગળીના ભાવ માર્ચ - એપ્રિલમાં હજુ ઘટે તેવી શક્યતા છે. ગુજરાતમાં એવા ઉદાહરણો પણ બહાર આવશે કે ખેડૂતો જમીનમાંથી ડુંગળી કાઢવાનો ખર્ચ બચાવવા ખેતર ખેડી નાખશે. ગુજરાતમાં કેબીનેટ અને રાજ્યકક્ષાના કૃષિ મંત્રી સૌરાષ્ટ્રના હોવા છતાં મગફળીના ખેડૂતોને બચાવી શકયા નથી ત્યાં ડુંગળીના ખેડૂતોને તો કેવી રીતે મદદ કરશે?. રાજ્યમાં મગફળીના ખેડૂતોને સરેરાશ રૃપિયા ૨૫૦૦ કરોડનું નુક્સાન જવાની શકયતા વચ્ચે રાજ્યમાં ૭૦ હજાર હેક્ટરમાં ડુંગળીની ખેતી કરનાર ખેડૂતોને તો માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીની ખેતીમાં હેક્ટરદીઠ ખેડૂતોને સરેરાશ રૃપિયા ૨૫ હજારના થતા ખર્ચ સામે હાલના ભાવથી ખેડૂતોને હેક્ટરદીઠ રૃપિયા ૧૫થી ૧૭ હજારનું નુક્સાન ભોગવવાનો વારો આવશે. વિશ્વ બજારમાં સપ્ટેમ્બરમાં ભારતમાં સૌથી વધુ  ડુંગળીનો ભાવ કિલોએ રૃપિયા ૧૦૦ હતો. આ છ મહિનામાં ડુંગળીના ભાવમાં રૃપિયા ૯૮નો ઘટાડો નોંધાયો છે.

ડુંગળીના ભાવ મહિના પ્રમાણે
માસ                              ભાવ (પ્રતિ કિલો)
સપ્ટેમ્બર                         ૧૦૦ રૃપિયા
ઓક્ટોમ્બર                      ૫૦ રૃપિયા
નવેમ્બર                          ૨૯.૮૩ રૃપિયા
ડિસેમ્બર                          ૧૩.૩૪ રૃપિયા
જાન્યુઆરી                       ૯ રૃપિયા

ફેબ્રુઆરી                         ૨ થી ૫ રૃપિયા
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment