Wednesday, 19 February 2014

શેરડીનો ઓછો પાક ખાંડનું ઉત્પાદન ઘટાડશે




શેરડીના વાવેતરમાં ૨૦૧૨-૧૩ની તુલનાએ દેશમાં દોઢ લાખ અને રાજ્યમાં પાંચ હજાર હેક્ટરનો  ઘટાડો

દેશમાં ૫૦ લાખ હેક્ટરમાં વાવેતર થતાં શેરડીના પાક માટે આ સીઝન અપશુકનિયાળ રહી હોય તેમ શેરડીના પાકને વિવાદો કેડો જ મૂકતા નથી. પિલાણ સીઝનમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાવની સર્જાયેલી મડાગાંઠ બાદ સરકારે જાહેર કરેલું ૬૬૦૦ કરોડ રૃપિયાનું વિશેષ પેકેજ ફેબ્રુઆરીના અંતમાં મિલોને મળે તેવી શક્યતાઓ વચ્ચે શેરડીની ઉપજ ઘટતાં ઉત્પાદનમાં ૧૦થી ૧૧લાખ ટનનો ઘટાડો આવવાનો અંદાજ છે. દેશમાં ખાંડના સરેરાશ ૨૩૫ લાખ ટન વપરાશની વચ્ચે કૃષિ વિભાગે બહાર પાડેલા પ્રથમ અંદાજમાં ખાંડનું ઉત્પાદન ૨૫૧ લાખ ટન થવાની શક્યતાઓ દર્શાવી હતી, પરંતુ શેરડીની ઉપજમાં ઘટાડો આવતાં હવે ૨૩૯થી ૨૪૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની સંભાવના છે. ગુજરાતમાં પણ ૨૦૧૨-૧૩ની તુલનાએ પ્રતિ હેક્ટરદીઠ ૭૦૦૦ કિલો શેરડીની ઉપજ ઘટતાં ચાલુ સીઝનમાં શેરડીનું ઉત્પાદન ૧.૧૭ કરોડ ટન રહેશે. રાજ્યમાં શેરડીના વાવેતરમાં પણ ૫ હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષની તુલનાએ  શેરડીની ઉપજ ઘટતાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો આવશે.
દેશમાં કુલ ૫૦ લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે. દેશનાં વિવિધ રાજ્યોમાં શેરડીના પાક પર ખેડૂતો હવે વધારે ધ્યાન આપી રહ્યા છે. જો કે આ વર્ષે વાવેતર વિસ્તાર ઘટતાં શેરડીનું ઉત્પાદન પણ ઘટવાની શક્યતા છે. શેરડીનું ઉત્પાદન ઘટશે તો ખાંડના ઉત્પાદનમાં પણ ઘટાડો ચોક્કસ વર્તાશે. જેને કારણે ખાંડ મિલના નિકાસકારોમાં પણ નિરાશા જોવા મળશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં શેરડીનું ઉત્પાદન કરતાં વિવિધ રાજ્યોમાં ખરાબ હવામાનને કારણે વર્ષ ૨૦૧૩-૧૪માં શેરડીનું ઉત્પાદન ૨૪૦ લાખ ટન રહેશે. જેમાં ૪ ટકા જેટલો ઘટાડો જોવાશે. શેરડીના ઉત્પાદનમાં પાછલાં સાડા ત્રણ વર્ષની અંદર નોંધાયેલો આ ઘટાડો વૈશ્વિક બજારો પર પણ અસર કરશે.

એક તરફ દક્ષિણ એશિયાઈ દેશો વર્ષ ૨૦૧૪ની ૩૦ સપ્ટેમ્બર સુધી ૨૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવાનો અંદાજો લગાવી રહ્યા છે. જેમાંથી ૨૦ લાખ ટન ખાંડની માંગ સ્થાનિક બજારોમાં રહેશે, જ્યારે ૧૦ લાખ ટન ખાંડનો સ્ટોક બચશે તેવો અંદાજ છે. ઉદ્યોગકારોના મતે હેક્ટર દીઠ શેરડીની ઉત્પાદકતા ઘટતાં આવક પ્રાપ્તિનો દર પણ ઘટે તેવી શક્યતાઓ છે. સાથે જ ૨૪૦ લાખ ટનથી વધુ શેરડીનું ઉત્પાદન થવાનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૧.૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને  દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં શેરડીનો પાક લેવામાં આવે છે. ગુજરાતના ૪.૫૦ લાખથી પણ વધારે  ખેડૂતો શેરડીના પાક સાથે સંકળાયેલા છે. દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતની શેરડીનો પણ મોટો ફાળો રહેલો છે. મહારાષ્ટ્ર ખાંડ કમિશનરના ડિરેક્ટરનું કહેવું છે કે, કેટલાંક વિસ્તારોમાં શેરડીનો પુરવઠો અંદાજ કરતાં ઓછો છે. વળી રાજ્યમાં ચાર જેટલી ફેક્ટરીઓએ કામગીરી બંધ કરી દીધી છે. જેથી ખાંડના ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે, કારણ કે દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલું મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં ખાંડના કુલ ઉત્પાદનનો ત્રીજો હિસ્સો ધરાવે છે. જો કે ત્યાંં પણ પ્રતિ હેક્ટર દીઠ શેરડીના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જાણકારોના મતે પાણીની અછતને પગલે વર્ષ ૨૦૧૨માં શેરડીનું ઉત્પાદન ઘટયું હતું. તો આ તરફ દેશમાં બીજા ક્રમાંકે શેરડીનું ઉત્પાદન કરતાં રાજ્ય ઉત્તરપ્રદેશમાં દુષ્કાળને પગલે શેરડીના પાકને નુકસાન પહોંચ્યંુ હતું. જેને પગલે ખાંડ ઉત્પાદનમાં ૪ ટકાનો ઘટાડો જોવાઈ શકે છે. જો કે ઉત્તરપ્રદેશમાં આ વર્ષે ૭૦થી ૭૨ લાખ ટન શેરડીનું ઉત્પાદન થવાનો અંદાજો છે. શેરડીનું ઉત્પાદન ઘટતા અને ખાંડના ઉત્પાદનમાં ઘટાડો દેખાતા સરકાર ખાંડ નિકાસકારોને કાચી ખાંડની નિકાસ વધારવા માટે પ્રોત્સાહનો પૂરાં પાડવા વિચારણા કરી રહી છે, કારણ કે ભારતમાં સામાન્ય રીતે સફેદ ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ પુરવઠા પર અસર થતા સ્થાનિક બજાર ભાવ નીચા મળી રહ્યા છે. જેને કારણે સરકાર ઈચ્છી રહી છે કે ખાંડ મિલો હવે કાચી ખાંડનું ઉત્પાદન કરે જેના કારણે સફેદ ખાંડની સરખામણીએ કાચી ખાંડને વેચી શકાય. 

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક ૧૨ સુગર મિલો વેચશે

મહારાષ્ટ્રમાં વર્તમાન સમયમાં ખાંડ મિલોનો વ્યવસાય મંદ ચાલતાં મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક દ્વારા રાજ્યની ૧૨ જેટલી સુગર મિલોનું વેચાણ કરવાનું આયોજન કરી રહી છે. ખાંડ મિલોના મંદ પડેલા વેપારને પગલે બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ તરફ રાજ્ય સરકાર દ્વારા સુગર મિલોનું વેચાણ ન કરવા નિર્દેશ કરાયા છે. તેમ છતાં મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક આગામી પખવાડિયાની અંદર ૧૨ સુગર મિલોનું વેચાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ તરફ મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર ૨૦૧૩માં નિર્ણય લીધો હતો કે એમએસસી સહકારી ખાંડ મિલો ખાનગી સુગર મિલોને વેચાણ નહીં કરી શકે. તેમ છતાં મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક દ્વારા અહેમદનગર સહકારી શક્કર કારખાનાને ગયા મહિને પોતાનાં બાકી લેણાંની વસૂલાત માટે વેચી મારવામાં આવી હતી. તો આ તરફ બેન્ક દ્વારા ૧૩ જેટલી સુગર મિલોને ભાડે આપવા માટે ટેન્ડર પણ બહાર પાડયાં હતાં. જેમાંથી ૭ જેટલી સુગર મિલો માટે મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્કના આ નિર્ણય સામે ખાનગી સુગર મિલોએ રસ દાખવ્યો હતો. એમએસસી બેન્કના ડાયરેક્ટરનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયામાં સારો પ્રતિસાદ નહોતો મળ્યો જેને કારણે ૬ સુગર મિલો અત્યારે અને બાકીની ૬ સુગરમિલોને આગામી પખવાડિયાની અંદર વેચાય તેવી શક્યતા છે. એમએસસી બેન્ક હાલ ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા પહેલાં કેટલીક મિલોનું વેચાણ કરવા ઇચ્છે છે. 


ખાંડની નિકાસમાં  સબસિડીનો નિર્ણય અધ્ધરતાલ

એક તરફે શેરડીના ટેકાના ભાવમાં રૃ.૧૦નો વધારો થયો છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ સબસિડીનો નિર્ણય વિવાદોમાં સપડાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાંડની નિકાસ ઉપર સબસિડીનો નિર્ણય લંબાતો જાય છે. જેને કારણે ખાંડના ભાવ લઘુતમ ટેકાના ભાવથી પણ નીચલા સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક બજારમાં પણ ખાંડના ભાવ તળિયે પહોંચી ગયા છે. ખાંડની નિકાસ માટે સબસિડી અંગે કોઈ જ નિર્ણય નહીં લેવાતા ખાંડ ઉત્પાદકોની સ્થિતિ વધારે ગંભીર બનતી જાય છે. એક તરફ સરકારે ઓક્ટોબર ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૫ માટેની ખાંડની સીઝનમાં શેરડીની ખરીદી માટેના લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૧૦ વધારીને રૃપિયા ૨૨૦ કર્યા છે. ચાલુ વર્ષે શેરડીના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૨૧૦ ચાલી રહ્યા છે. ટેકાના ભાવ વધારા અંગે કૃષિ મંત્રાલયે કેબિનેટ સમક્ષ ભલામણ કરી હતી જેને મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ તરફ કાચી ખાંડની નિકાસ ઉપર સબસિડી આપવાનો નિર્ણય સતત ત્રીજી વાર ટાળી દેવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલય તરફથી કાચી ખાંડ ઉપર પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૫૦૦ની સબસિડીની ભલામણ કરાઈ છે. 

શેરડીની ઉત્પાદકતામાં આ વર્ષે ગુજરાતમાં મોટો ઘટાડો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે શેરડીની ખેતી થાય છે. શેરડીના વ્યવસાય સાથે ૪.૫ લાખ ખેડૂતો જોડાયેલા છે. શેરડીનું રાજયમાં ૧.૮૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ૨૦૧૧-૧૨માં ૧.૨૭ કરોડ ટન જ્યારે ૨૦૧૨-૧૩માં ૧.૩૩ કરોડ ટન શેરડીનું ઉત્પાદન થયું હતું, પરંતુ ચાલુ સીઝનમાં ૧.૧૭ કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય તેવી સંભાવના છે. આમ, છેલ્લાં ત્રણ વર્ષની તુલનાએ ચાલુ વર્ષે શેરડીની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયો છે, કારણ કે ગત સીઝન કરતાં આ સીઝનમાં શેરડીના વાવેતરમાં ફક્ત પાંચ હજાર હેક્ટરનો જ ઘટાડો નોંધાયો છે. 

સુગર મિલો સામે ઇન્કમટેક્ષની નોટિસ હાલમાં ચર્ચામાં

રાજ્યમાં ૧૭ સુગર ફેક્ટરીઓ દ્વારા ૧૦૦ કરોડ ટનથી વધુ શેરડીનું પિલાણ થાય છે. ગુજરાતમાં સમગ્ર ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે. પરિણામે ખેડૂતોને સારા ભાવ મળે માટે સુગર ફેક્ટરીઓ સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ભાવો કરતાં પણ શેરડીના વધારે ભાવો ચૂકવે છે.   જે સામે ઇન્કમટેક્ષ વિભાગે રિકવરી કાઢી પોષણક્ષમ ભાવોથી વધુ ચૂકવાયેલી કિંમતો પર ઇન્કમટેક્ષ ભરવા નોટિસ કાઢતાં સુગર મિલોએ વિરોધ શરૃ કર્યો છે. આ બાબતે રાજકારણ પણ ગરમાયું છે અને કેન્દ્ર સુધી પણ રજૂઆતો કરાઈ છે. 

દેશમાં ખાંડના ઉત્પાદનમાં ૧૭ ટકાનો ઘટાડો


ચાલુ માર્કેટિંગ સીઝન વર્ષ ૨૦૧૩-૧૪ના પહેલા ચાર મહિના એટલે કે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી દેશમાં ખાંડના ઉત્પાદનમાં ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન કુલ ૧૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન નોંધાયું છે. જો કે ગત વર્ષે ૧૩૮.૫ લાખ ટન ઉત્પાદન થયું હતું.  ઈસ્માના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં ચાર મહિનામાં ખાંડનું ઉત્પાદન ૪૦.૭૫ લાખ ટન થયું હતું. જે ગત વર્ષે ૪૮.૫ લાખ ટન રહ્યું હતું. આ જ રીતે ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૨૧.૫ લાખ ટન સામે ગત વર્ષે ઉત્પાદન ૨૪.૩ લાખ ટનની આસપાસ રહ્યુંં હતું. દક્ષિણનાં રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં ૨૧.૫ લાખ ટન ખાંડના ઉત્પાદન સામે ગત વર્ષે ૨૪.૩ લાખ ટન રહ્યંુ હતું. આંધ્રપ્રદેશમાં ૫.૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે જ્યારે તામિલનાડુમાં ૪ લાખ ટન ઉત્પાદન નોંધાયું છે. ગુજરાતમાં પણ ખાંડના ઉત્પાદનમાં પહેલા ચાર મહિનાની અંદર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ૩૧ જાન્યુઆરી સુધીમાં ૬.૧૦ લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું. જે ગત વર્ષે ૬.૮૨ લાખ ટન રહ્યું હતું.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment