Monday, 24 February 2014

દેશમાં પાકનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે

  • દેશના કૃષિ વિકાસદરમાં ત્રણ ગણો વધારો થવાનો અંદાજ
  • સારા વરસાદને પગલે રવી અને ખરીફ સીઝનને ફાયદો થતાં કૃષિ સેક્ટરની ટ્રેન તેજીના પાટા પર દોડવા લાગી
  • ઘઉં, ચોખા, મકાઈ અને રાઈનું ઓલટાઇમ ઊંચું ઉત્પાદન
  • દેશમાં ઠંડું અને વરસાદી વાતાવરણને કારણે ઘઉં અને કઠોળ પાકોને ફાયદો થશે 
  •  દેશ પાસે ચોખા અને ઘઉંની નિકાસ કરવાની ઉત્તમ તકઃ કઠોળ પાકોની આયાતમાં ઘટાડો થશે
  • દેશમાં કૃષિક્ષેત્રે ધિરાણ વધારીને આઠ લાખ કરોડ કરાયું ઃ ૪૫ અબજ ડોલરની કૃષિ નિકાસ થઇ 
  • અનાજનું ૨૬૩૨ લાખ ટન રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે
  • દેશમાં સારા ચોમાસાને પગલે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો 
  • મકાઈના ઉત્પાદનમાં દેશમાં એક દાયકામાં ૧૦૦ લાખ ટનનો વધારો થયો
  • ઘાન્ય, કઠોળ, રોકડિયા અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધ્યું
  • સારું ચોમાસું કૃષિક્ષેત્રમાં તેજી લાવ્યું


દેશમાં સારા ચોમાસાને પગલે કૃષિ વિકાસનો સિનારિયો બદલાઇ જવાની સાથે કૃષિ વિકાસ દરમાં પણ ત્રણ ગણો વધારો નોંધાયો છે. ૨૦૧૧-૧૨ના ૧.૭ ટકા કૃષિ વિકાસદર સામે ૨૦૧૩-૧૪માં ૪.૬ ટકા કૃષિ વિકાદર નોંધાયો છે. ચાલુ વર્ષે દેશમાં રેકોર્ડબ્રેક ધાન્ય , તેલીબિયાં અને કઠોળ પાકોનું ઉત્પાદન થવાના અંદાજો મંડાયા છે. કૃષિ સેક્ટરમાં તેજીની સાથે નિકાસ બજારનો આંક પણ ઊંચકાવાની સંભાવના છે. ૨૦૧૩-૧૪માં ૪૫ અબજ ડોલરની નિકાસ થઇ છે. ખરીફ સીઝનમાં સારા વરસાદથી રવી સીઝનને પણ ફાયદો થતાં કૃષિ સેક્ટરની ટ્રેન તેજીના પાટા પર દોડવા લાગી છે. ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે. ગત વર્ષે અછતને અભાવે ઉત્પાદનમાં માર ખાનાર ગુજરાતમાં પણ રવી સીઝનમાં ઉત્પાદનના ઉંચા અંદાજો બહાર આવ્યા છે. રાજ્યમાં ૪૮ લાખ ટન ઘઉં, ૨૧ લાખ ટન ડુંગળી, ૧૯ લાખ ટન ચોખા અને ૪.૫૮ લાખ ટન રાઇ સહિત ૩.૧૪ લાખ ટન જીરું પાકવાનો અંદાજ છે.

 કેન્દ્ર સરકારે તાજેતરમાં કૃષિ ઉત્પાદનના જાહેર કરેલા બીજા અંદાજ અનુસાર દેશમાં ધાન્ય, રોકડિયા, તેલીબિયાં અને કઠોળ પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. દેશમાં ૭ ફેબ્રુઆરી સુધીમાં ૬૫૪ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુંં હતું જે ગત વર્ષે ૬૧૮ લાખ હેક્ટર હતું. આમ, વાવેતરમાં વધારાનો ફાયદો ઉત્પાદનમાં બહાર આવ્યો છે. ચાલુ વર્ષે પાકોનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાના અંદાજ મુકાયા છે. સરકારે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર વાતાવરણમાં અચાનક આવેલો પલટો અને ખાસ કરીને ઠંડી અને વરસાદી વાતાવરણને કારણે દેશમાં ઘઉં અને કઠોળ પાકોનું ઉત્પાદન વધશે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં ઠંડી અને વરસાદી માહોલને કારણે પણ પાકનું ઉત્પાદન વધવાની શક્યતા છે. તો આ તરફ ખાસ કરીને હિમાલયન સ્ટેટમાં ખેતી ક્ષેત્રે ભાવી ઉજળું બનવાની અને હરિયાળી ક્રાંતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બદલાતા હવામાનને કારણે બાગાયતી અને ફળઝાડના પાકો સહિત ઘઉં, કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો જોવામાં આવશે. રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થવાને કારણે અંતિમ તબક્કામાં ઘઉંની ઉપજમાં વધારો થશે. જો કે આ તરફ કૃષિ વૈજ્ઞાાનિકો અને હવામાનશાસ્ત્રીઓના મતે અલગ અલગ સ્થળોએ પાણી પાકને અસર કરી શકે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે તેમજ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી ફૂંકાતા પવનોને કારણે પણ પાકને આંશિક અસર થઈ શકે છે. એક તરફ હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ બિહાર અને ઉત્તર છત્તીસગઢ અને પંજાબના પાકને સામાન્ય અસર થઈ શકે છે તો આ તરફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે પણ પાકને આંશિક નુકસાન પહોંચશે. એક નજર કરીએ વિવિધ પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદન પર એક નજર કરીએ.

દેશમાં ચોખાનું ઓલટાઇમ હાઈ ઉત્પાદન થશે

ધાન્ય પાકોમાં ચોખાનું મસમોટું ઉત્પાદન થાય છે. ચોખાનું સૌથી વધુ વાવેતર ઉત્તર ભારતમાં થાય છે. હરિયાણા અને પંજાબ એ ઘઉંના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્યો છે. ચોખા એ સામાન્ય વર્ગનો પાક હોવાની સાથે ચોખાનો વપરાશ પણ દેશમાં વધારે થાય છે. ૨૦૦૯-૧૦માં ચોખાનું ઉત્પાદન ૮૯૦ લાખ થયું હતું. વર્ષ ૨૦૧૨-૧૩માં ચોખાનું ઉત્પાદન ૧૦૫૨ લાખ ટન થયું હતું, પરંતુ આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૩-૧૪ના બીજા અંદાજ અનુસાર ૧૦૬૧ લાખ ટન ઉત્પાદન થશે. સારા વરસાદને પગલે આ વર્ષે ચોખાનું ઉત્પાદન વધશે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આમ ચોખાનું ઉત્પાદન આ વર્ષે ઓલટાઇમ હાઇ થશે. ચોખાનું ઉત્પાદન વધતાં ભારત વિશ્વબજારમાં ચોખાની નિકાસમાં અગ્રીમ હરોળમાં આવી ગયું છે. ચાલુ વર્ષે દેશ પાસે ચોખાની નિકાસ કરી વિદેશી હૂંડિયામણ કમાવવાની ઉત્તમ તક છે.

ઘઉંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે

ઘઉંના પાકની વાત કરવામાં આવે તો ઘઉં એ દેશનો મુખ્ય ધાન્ય પાક છે. દેશમાં ઘઉંનું કુલ ૩૧૫ લાખ હેક્ટર વિસ્તારમાં આ સીઝનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જોકે ગત વર્ષે આ વાવેતર માત્ર ૨૯૮ લાખ હેક્ટર વિસ્તારમાં થયંુ હતું, આ વર્ષે સારો એવો વરસાદ અને તાપમાનમાં ઘટાડો ઘઉંના પાક માટે ફાયદાકારક માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૨-૧૩માં  ૯૩૫ લાખ ટન ઘઉંનું ઉત્પાદન નોંધાયું હતું જો કે, આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૩-૧૪માં ૯૫૬ લાખ ટન ઉત્પાદન થાય તેવો અંદાજ છે. ઘઉંનું આ વર્ષનુંું ઉત્પાદન રેકોર્ડબ્રેક છે. એક સમય એવો હતો કે ભારત એ ઘઉંની આયાત કરતો દેશ હતો, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં આયાત હવે નિકાસમાં બદલાઇ ગઇ છે. ૨૦૧૨-૧૩માં દેશમાંથી એક હજાર કરોડના ઘઉંની નિકાસ કરાઇ હતી. ચાલુ વર્ષે  ઘઉંની રૃપિયા ૧૦ હજાર કરોડની નિકાસ કરાઇ છે. આમ, ઘઉંની ખેતી ખેડૂતોએ વધારતાં ઘઉંનો સિનારિયો બદલાઇ ગયો છે. ૨૦૦૯-૧૦ની તુલનાએ ૧૦૦ લાખ ટન ઘઉંના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે.

મકાઈ ઉત્પાદનના રેકોર્ડ તોડશે

મકાઈના ઉત્પાદન અંગે વાત કરીએ તો વર્ષ ૨૦૧૨-૧૩માં ૨૧૦ લાખ ટન મકાઈનું ઉત્પાદન નોંધાયું હતું જો કે આ વર્ષે ૭ ફેબ્રુઆરી સુધીના બીજા અંદાજ મુજબ વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૩૨ લાખ ટન મકાઈનું ઉત્પાદન નોંધાશે. મકાઈનો હવે પોલ્ટ્રીફાર્મમાં ઉપયોગ વધવા લાગ્યો છે. મકાઈનું રવી સીઝનમાં પણ ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. મકાઈની ખેતીમાં એક દાયકામાં ઘણો જ સુધારો થયો છે. દાયકામાં ઉત્પાદનમાં ૧૦૦ લાખ ટનનો વધારો નોંધાયો છે. આ વર્ષે મકાઈનું અત્યાર સુધી સૌથી વધુ ઉત્પાદન થવાનો અંદાજ છે.


કઠોળ પાકોનું ઉત્પાદન ૨૦૦ લાખ ટનને આંબશે

કઠોળ પાકોની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૮૩ લાખ ટન કઠોળ પાકનું ઉત્પાદન નોંધાયંુ હતું. જો કે, વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૯૭ લાખ ટન કઠોળ પાકનું ઉત્પાદન થાય તેવો અંદાજ લગાવાયો છે. ચણાના ઉત્પાદનની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ચણાનો સારો એવો પાક આવશે તો લઘુતમ ટેકાના ભાવ ૩,૧૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રહે તેવી શક્યતાઓ છે. દેશમાં કઠોળ પાકોનો ૨૩૦થી ૨૪૦ લાખ ટન વપરાશ રહે છે. ભારત દર વર્ષે ૩૦થી ૪૦ લાખ કઠોળની આયાત કરે છે. સરકાર કઠોળ પાકોનું વાવેતર વધારવા માટે યોજનાઓ બહાર પાડી ખેડૂતોને સબસિડી આપે છે. કઠોળની જરૃરિયાત સામે ઉત્પાદન ઓછું હોવાથી કૃષિ વિભાગના પ્રયત્નોને પગલે હવે ઉત્પાદનનો આંક ૨૦૦ લાખ ટનને આંબવા આવ્યો છે. કઠોળનું સૌથી વધુ વાવેતર રવી સીઝનમાં થાય છે. ચાલુ વર્ષે રવી સીઝનમાં વાવેતર વધતાં ૧૩૫ લાખ ટન કઠોળ પાકવાનો અંદાજ છે. ખરીફમાં પણ ઉત્પાદન વધીને ૬૨ લાખ ટન થયું હતું. કઠોળમાં સૌથી વધુ ઉત્પાદન ચણાનું ૯૭ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. અડદનું પણ ૧૫ લાખ ટન ઉત્પાદન થશે. મગનું પણ ૧૨.૮૦ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે. દેશમાં તુવેરનું ૩૪ લાખ ટન ઉત્પાદન થશે.  આમ, કઠોળના ઉત્પાદનમાં વધારો ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.


દેશમાં તેલીબિયાં પાકોને પણ ખરીફ સીઝન ફળી

તેલીબિયાં પાકોનું પણ બમ્પર ઉત્પાદન થાય તેવી શક્યતા છે. સરકારના બીજા અંદાજ મુજબ વર્ષ ૨૦૧૩-૧૪માં ૯ તેલીબિયાં પાકોનું કુલ ૩૨૯ લાખ ટન ઉત્પાદન થશે. જો કે વર્ષ ૨૦૧૨-૧૩માં કુલ ઉત્પાદન માત્ર ૩૦૯ લાખ ટન થયું હતું તેનો પણ આ વર્ષે રેકોર્ડ તૂટશે. તો આ તરફ રાજસ્થાનમાં પણ આ વર્ષે થનારા પાકમાં સારી એવી ઉજ્જવળ તકો જોવાઈ રહી છે. જાણકારોના મતે રાઈનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્ય રાજસ્થાનમાં આ વર્ષે એપ્રિલ માસના પ્રથમ અઠવાડિયામાં જ રાઈના પાકમાં ૪૦ ટકાનો વધારો જોવા મળશે. વાવેતર વિસ્તાર વધતા ૧૦ ટકાના વધારા સાથે ગુજરાત અને રાજસ્થાનમાં ૭૫ લાખ ટનથી પણ વધારે રાઈનું ઉત્પાદન થાય તેવી શક્યતાઓ ચોક્કસ વર્તાયેલી છે.  દેશભરમાં રાઇનું કુલ ૮૨ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. મગફળીના ખેડૂતો માટે આ સીઝન ભાવને પગલે નિષ્ફળ રહી છે, પરંતુ મગફળીનું ૯૧ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે.
  ખરીફમાં ૭૦ લાખ ટન મગફળી પાકવાની સાથે રવી સીઝનમાં પણ ૨૧ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા છે. સનફ્લાવર અને સોયાબીનનું બમ્પર ઉત્પાદન થતા વૈશ્વિક ભાવો પણ સારા એવા જળવાઈ રહેશે. રાઈનું વધારે ઉત્પાદન થશે તો રાઈ અને સોયાબીન ઓઈલની અમેરિકા, આર્જેન્ટિના અને બ્રાઝિલમાં માર્ચ માસ દરમિયાન નિકાસ વધશે. નિષ્ણાતોના મતે પાછલા મહિનામાં રાઈના તેલમાં ૨થી ૩ રૃપિયા પ્રતિ લિટર વધ્યા હતા. જો વધારે ઉત્પાદન રહેશે તો વૈશ્વિક ભાવો પણ મજબૂત બનશે. તેલીબિયાં પાકોમાં સૌથી વધુ ઉત્પાદન સોયાબીનનું થશે. સોયાબીનનું ૧૨૪ લાખ ટન ઉત્પાદન થવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે. તલનું પણ ૬.૭૨ લાખ ટન અને એરંડાનું ૧૬.૪૬ લાખ ટન ઉત્પાદન થશે.
શેરડીની વાત કરવામાં આવે તો સરકારના બીજા અંદાજના રિપોર્ટ અનુસાર ૩૪૫૯ લાખ ટન શેરડીનું ઉત્પાદન થવાની શક્યતા છે જ્યારે કે વર્ષ ૨૦૧૨-૧૩માં ૩૪૧૨ લાખ ટન શેરડીનું ઉત્પાદન નોંધાયું હતું.

દેશમાં રવી સીઝનના વાવેતરનો અંદાજ  
પાકનું નામ  ૨૦૧૨-૧૩      ૨૦૧૩-૧૪
ઘઉં                    ૨૯૮     ૩૧૫
ડાંગર                  ૧૮        ૨૫
જુવાર                 ૩૮        ૩૬
મકાઈ                 ૧૪        ૧૫
તેલીબિયાં            ૮૭        ૯૦
કઠોળ                 ૧૫૨     ૧૬૧
ચણા                  ૯૫        ૧૦૨
અડદ                  ૯.૦૨    ૯.૦૭
મગ                    ૭.૦૪    ૭.૯૦
મગફળી              ૮.૭૪    ૭.૮૫
તલ                    ૬૮,૦૦૦  ૯૩,૦૦૦
નોંધઃ દેશમાં વાવેતરના આંક લાખ હેક્ટરમાં છે.

કૃષિ પાકોના ઉત્પાદનનો ૨૦૧૩-૧૪ના વર્ષનો અંદાજ
 પાક     ૨૦૦૯-૧૦     ૨૦૧૦-૧૧       ૨૦૧૧-૧૨      ૨૦૧૨-૧૩     ૨૦૧૩-૧૪        
ચોખા     ૮૯૦.૮             ૯૯૫.૮              ૧૦૫૩.૧            ૧૦૫૨.૪            ૧૦૬૧.૧
ઘઉં        ૮૦૮.૮            ૮૬૮.૭                ૯૪૦.૮               ૯૨૩.૦              ૯૫૬.૦
જુવાર     ૬૭.૦                ૭૦.૦                   ૬૦.૧                 ૫૨.૮                ૫૫.૩
બાજરી   ૬૫.૧               ૧૦૩.૭                ૧૦૨.૮                 ૮૭.૪                 ૮૮.૦
મકાઈ     ૧૬૭.૨             ૨૧૭.૩                ૨૧૭.૬               ૨૨૨.૬            ૨૩૨.૯
તુવેર       ૨૪.૬               ૨૮.૬                  ૨૬.૫                    ૩૦.૨              ૩૩.૪
ચણા      ૭૪.૮               ૮૨.૨                    ૭૭.૦                ૮૮.૩               ૯૭.૯
અડદ      ૧૨.૪               ૧૭.૬                   ૧૭.૭                 ૧૯.૦              ૧૫.૦૯
મગ        ૬.૦૯                 ૧૮.૦                ૧૬.૩                    ૧૧.૯             ૧૨.૮
કુલ કઠોળ ૧૪૬.૬           ૧૮૨.૪                ૧૭૦.૯                 ૧૮૩.૪         ૧૯૭.૭ 
કુલ અનાજ ૨૧૮૧.૧       ૨૪૪૪.૯            ૨૫૯૩.૨             ૨૫૭૧.૪            ૨૬૩૨.૨
સોયાબીન   ૯૯.૬             ૧૨૭.૪              ૧૨૨.૧                 ૧૪૬.૬             ૧૨૪.૪૮
કપાસ     ૨૪૦.૨             ૩૩૦.૦                ૩૫૨.૦              ૩૪૨.૦             ૩૫૬.૦૨
શણ       ૧૧૮.૨            ૧૦૬.૨                ૧૧૪.૦               ૧૦૯.૩               ૧૧૩.૦
મગફળી  ૫૪.૨૮            ૮૨.૬૫                ૬૯.૬૪                ૪૬.૯૫             ૯૧.૪૦
એરંડા     ૧૦.૦૯            ૧૩.૫૦                ૨૨.૯૫               ૧૯.૬૪             ૧૬.૪૬
તલ        ૫.૮૮               ૮.૯૩                  ૮.૧૦                 ૬.૮૫                 ૬.૭૨
રાઇ       ૬૬.૦૮             ૮૧.૯                  ૬૬.૦૪               ૮૦.૨૯               ૮૨.૫૧ 

નોંધઃ દેશમાં ઉત્પાદનના આંક લાખ ટનમાં છે. કપાસના આંક લાખ ગાંસડીમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment