Friday, 14 February 2014

ગુજરાતમાં મગફળીના ખેડૂતોને રૃ.૨૪૦૦ કરોડનું નુક્સાન જશે


રાજ્યમાં મગફળીના ખેડૂતોને ૨૦૧૨-૧૩ની સીઝનમાં પ્રતિ મણે સરેરાશ રૃપિયા ૮૫૦ના મળેલા ભાવ સામે ચાલુ સીઝનમાં ખેડૂતોને મણે રૃપિયા ૬૫૦નો મળતો ભાવઃ ૨૫ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાના અંદાજ વચ્ચે માત્ર રૃપિયા ૮૦૦ના ભાવે નાફેડે ૯૦ હજાર ટન મગફળીની ખરીદી કરી ઃ ખેડૂતોએ ૨૪ લાખ ટન મગફળી સરેરાશ રૃપિયા ૬૫૦ના ભાવે વેચાણ કરવી પડશેઃ સૌરાષ્ટ્રમાં હજુ ૧૫ લાખ ટન મગફળીનો સ્ટોકઃ કૃષિ વિભાગ નઠોર બન્યોઃ ખેડૂતો મગફળીના પાકથી મોં ફેરવી લેશે

રાજ્યમાં મગફળીના ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખસ્તા થઇ રહી હોવા છતાં કૃષિ વિકાસના ગાણાં ગાતા કૃષિ વિભાગની નઠોર નીતિને પગલે ખેડૂતો મગફળીની ખેતીથી જ મોં ફેરવી લે તેવી સ્થિતિ પેદા થઇ છે. રાજ્યમાં મગફળીના ભાવ સતત ઘટતા જાય છે. હાલમાં રાજ્યના તમામ મગફળીના માર્કેટયાર્ડોમાં મગફળીના મણના ભાવ રૃપિયા ૫૦૦થી લઇને રૃપિયા ૭૫૦ ચાલી રહ્યા છે. છેલ્લી રહી સહી આશા એવા ટેકાના ભાવે થતી ખરીદી પણ બંધ થઇ જતાં હાલમાં મગફળીના ખેડૂતોને તેમની હાલત પર છોડી દેવાયા છે.
ખેડૂતોના નામે મોટા ઉપાડે ખેડૂતોના હામી હોવાના બણગાં ફૂંકતી સંસ્થાઓ પણ ચૂપચાપ તમાશો જોઇ રહી છે. રાજ્યમાં ચાલુ સીઝનમાં રેકોર્ડબ્રેક ૨૫ લાખ ટન ઉત્પાદન અને હેક્ટરદીઠ ઉત્પાદકતા વધવાના સમાચારો વાંચી હરખાનાર ખેડૂતો હાલમાં મૂંઝાઇ ગયા છે. રાજ્યમાં ૨૦૧૨-૧૩ની સીઝનમાં મગફળીના ખેડૂતોને સરેરાશ પ્રતિમણે રૃપિયા ૮૫૦ સુધીનો ભાવ મળ્યો હતો. મગફળીના ભાવ એક તબક્કે ઉંચકાઇને રૃ.૧૩૦૦ સુધી પણ જઇ આવ્યા હતા. પરિણામે ખેડૂતોએ આ વર્ષે વાવેતર વધારતાં ખેડૂતોને નુક્સાનીનો વારો આવ્યો છે. સરકારે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૃપિયા ૮૦૦ નક્કી કર્યો હોવા છતાં ખેડૂતો હાલમાં સરેરાશ પ્રતિ મણે રૃપિયા ૬૫૦ના ભાવે વેચી રહ્યા છે. નાફેડે ટેકાના ભાવે ૯૦ હજાર ટન મગફળીની ખરીદી કર્યા બાદ ખરીદી બંધ કરી દેતાં ખેડૂતોને બાકી રહેલી ૧૫ લાખ ટન મગફળી ઓછા ભાવે વેચાણ કરવી પડશે. પરિણામે ખેડૂતોને ગત વર્ષ કરતાં આ વર્ષે ૨૪૦૦ કરોડ રૃપિયાનું નુકસાન જશે. રાજ્યમાં મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો હિસ્સો છે. આ વર્ષે બમ્પર ઉત્પાદનથી ખેડૂતો પાસે ૧૪થી ૧૫ લાખ ટન મગફળી હજુ પણ પડી છે.

સીંગતેલની બારમાસી સીઝન પણ પૂરી થતાં ઓઇલમીલોની ખરીદી જરૃરિયાત મુજબની રહેશે. સીંગદાણાના ઉત્પાદકો તો અપેડાના નિયમોને પગલે લગભગ ખરીદી ઓછી કરી દેતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી થાય તેવી સંભાવના છે. મગફળીના ઓછા ભાવને કારણે આ સાલના ઉત્પાદનમાંથી માંડ ૩૫ ટકા મગફળી બજારમાં આવી છે. જો હાલની સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં થાય તો મગફળીના ખેડૂતોની હાલત ખરાબ થઇ જશે. જેથી ખેતીવાડી વિભાગ પણ આ અંગે જાગૃત બની ટેકાના ભાવે ફરી ખરીદી થાય તેવા પ્રયત્નો કરે તે જરૃરી છે.

No comments:

Post a Comment