Monday, 3 February 2014

જામફળની ખેતીમાં ખેડૂત કરશે રૃ.૧ કરોડની કમાણી


ભવપુરાના ખેડૂતે ૫૦ વીઘા જમીનમાં કરી હાઈટેક પદ્ધતિથી જામફળની ખેતીઃ ત્રીજા વર્ષે ઉત્પાદન ડબલ થતા આવક વધવાની આશા રાખતા ખેડૂત

બાગાયતી ખેતીમાં રસ ધરાવતા ખેડૂતો હવે ટેકનોલોજીના દમે અવનવી ખેત પદ્ધતિઓ અપનાવતા શરૃ થયા છે. નવી પદ્ધતિઓ અપનાવીને ખેડૂતો ઉત્પાદન પણ વધારી રહ્યા છે. એટલું જ નહી પણ પહેલા એવી વાયકા હતી કે ઓછો અભ્યાસ કરેલા ખેડૂતો પોતાની જમીનમાં બળદ સાથે હળ જોડીને ખેતી કરે તો વધારે સારું, પરંતુ હવે આ લોકવાયકાને આજના યુગના હાઈટેક ખેડૂતો નિરર્થક સાબિત કરી રહ્યા છે. વાત છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભવપુરા ગામના ખેડૂત રાજનભાઈ પટેલ અને બંકીમભાઈ પટેલની, કે જેમણે પોતાની ૫૦ વીઘા જમીનમાં હાઈટેક પદ્ધતિ અપનાવીને શરૃ કરી છે થાઈલેન્ડ અને ભારતની મિશ્ર પ્રજાતિના જામફળની ખેતી. અને મેળવે છે અધધ આવક.રાજનભાઈએ આમ તો એમએસસી એગ્રીકલ્ચર સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ નોકરી કરવાને બદલે તેઓ પ્રેરાયા આધુનિક ખેતી તરફ અને શરૃ કરી પોતાના મિત્ર બંકીમભાઈ પટેલની ૫૦ વીઘા જમીનમાં જામફળની ખેતી. રાજનભાઈ પોતાના મિત્રની જમીનમાં થાઈલેન્ડ અને ભારતની મિશ્ર પ્રજાતિના જામફળની નવી વેરાઈટીના નવ હજાર રોપાનું વાવેતર કર્યુ હતુ. અને આ વાવેતરમાં તેમની સલાહ સુચન અનુસાર પાકની તકેદારી લેવાતી હતી અને તેમના મિત્ર દ્વારા પણ પાકની જાળવણી કરવામાં આવતી. જામફળની નવી ખેતીમાં બન્નેએ સહિયારા ખર્ચે ખેતી શરૃ કરી હતી અને ખેતીમાં જે ખર્ચો થાય તેનો અડધો અડધો ભાગ આપવાનું નક્કી કર્યુ હતું.  બે વર્ષ પહેલા રાજનભાઈ અને તેમના મિત્ર બંકીમભાઈએ પોતાની ૫૦ વીઘા જમીનમાં જામફળની નવી વેરાયટી ગણાતા રોપાનું વાવેતર કર્યુ હતું. આ રોપા તેઓ છત્તીસગઢ રાયપુર જિલ્લાની એક નર્સરીમાંથી લાવ્યા હતા. ૧૫૦ રૃપિયા એક છોડ લેખે તેઓ ૯,૦૦૦ છોડ લાવ્યા હતા અને બીજા વર્ષે તેના પર ફળ આવવાનું શરૃ થયું હતું. પહેલા વર્ષે તેમને એક છોડ પરથી ૫ થી ૧૦ કિલો જેટલું ઉત્પાદન મળ્યું હતું જેનું વેચાણ કરી અંદાજે ખેડૂતને ૨૮ લાખ જેટલી આવક મળી હતી.આ ખેતીમાં બન્ને મિત્રોને વધારે રસ જાગતા તેમણે પાકની સારી એવી માવજત કરવાનું નક્કી કર્યુ હતું અને રાજનભાઈએ વધુ ઉત્પાદન મેળવવા માટે પોતાના મિત્રને જરૃરી સલાહ સુચનો આપી હતી અને ત્રીજા વર્ષે એક છોડ પર ૩૫થી ૪૦ કિલો ઉત્પાદન આવે તેવી આશા સાથે પાકની સારી એવી માવજત કરી રહ્યા છે. રાજનભાઈનું કહેવં છે કે જો ૮,૫૦૦ જેટલા છોડ પર આ વર્ષના એપ્રિલ માસમાં ૧૬૦ ટન જેટલું ઉત્પાદન આવશે તો અંદાજે ૧ કરોડ રૃપિયા જેટલી ચોખ્ખી કમાણી થશે.જામફળની ખેતી અંગે વાત કરતા રાજનભાઈએ જણાવ્યું હતું કે, આ જામફળની ખેતી સામાન્ય જામફળની ખેતી કરતા અલગ છે કારણ કે એક જામફળ અંદાજે ૧ કિલો ૩૦૦ ગ્રામની આસપાસનું હોય છે તેની પાછળનું કારણ એ છે કે રાયપુરની નર્સરી દ્વારા વિશેષ કલમ કરીને છોડને વિકસાવવામાં આવ્યા છે જેને કારણે તેનો ઉપરનો ભાગ શુટ સ્ટોક તરીકે ઓળખાય છે જે થાઈલેન્ડના જામફળની પ્રજાતિનો માનવામાં આવે છે જ્યારે નીચેનો ભાગ ભારતીય જામફળનો હોય છે. જેથી એક જામફળ દેખાવમાં મોટુ અને અંદાજે ૧ કિલો ૩૦૦ ગ્રામની આસપાસનું રહે છેતો આ ખેતીમાં માવજત અંગે પુછતા રાજનભાઈએ જણાવ્યું હતું કે દરેક છોડને ખાતર, પાણી, ફેન્સીંગ અને પેકહાઉસ કરવા પાછળ અંદાજે ૫૨ લાખ રૃપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો છે. અને પાકની સાચવણી માટે પ્લાસ્ટિક, કાગળ અને ફોંગ (જાળી) દરેક ફળને પહેરાવવામાં આવે છે. જેને કારણે આ જામફળ લગભગ બે અઠવાડિયા સુધી જાળવી શકાય છે. વળી આ જામફળમાં બીયાનું પ્રમાણ પણ ઓછું હોવાથી ખાવામાં પણ સરળતા રહે છે. રાજનભાઈનું કહેવુ છે કે ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિથી ખેતી કરતા શરૃ થાય તો સારી એવી આવક મેળવી ગુજરાન ચલાવા સાથે કમાણી પણ સારી થઈ શકે છે.

જામફળના ગ્રેડને આધારે નક્કી થતા ભાવ

જામફળ બાબતે વાત કરતા રાજનભાઈએ જણાવ્યું હતંુ કે આ વર્ષે એપ્રિલ માસમાં એક છોડ પરથી અંદાજે ૩૫થી ૪૦ કિલો જેટલો ફળનો ઉતારો આવવાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે જામફળના ફળ એ અને બી ગ્રેડની ક્ષમતા ધરાવતા હોય છે. જો એ ગ્રેડના જામફળ હોય તો  ૮૦ થી ૧૧૦ રૃપિયા પ્રતિકિલોની આસપાસ વેચવામાં આવે છે અને જો બી ગ્રેડના હોય તો બજારમાં ૫૦ થી ૭૦ રૃપિયા પ્રતિકિલોની આસપાસ વેચાય છે. જો આ વર્ષે ૮,૫૦૦ છોડ પર અંદાજે ૧૬૦ ટન જેટલો માલ ઉતરશે તો ૧ કરોડ રૃપિયાની ચોખ્ખી આવક મળશે.


 સંપર્ક ઃ૯૮૨૫૦ ૬૧૭૬૩ 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment