Wednesday, 5 February 2014

અમેરિકાના સંશોધનથી દેશમાંથી હજારીગલના ફૂલની નિકાસ વધશે



ફાર્મા સેક્ટરમાં ઔષધિ તરીકે હજારીગલના ફૂલનો પાવડર ઘણો જ ઉપયોગી

દેશના વિવિધ રાજ્યોમાં કુલ ૪૪,૦૦૦ હેક્ટરમાં હજારીગલના ફૂલોની ખેતી થાય છે અને વર્ષે કુલ ૩ લાખ ૮૧ હજાર ટન હજારીગલના ફૂલોનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં હજારીગલના ફૂલોની ખેતી મોટાભાગે મધ્ય ગુજરાતના ખેડૂતો કરે છે. ગુજરાતમાં કુલ ૬,૦૦૦ હેક્ટરમાં હજારીગલના ફૂલોની ખેતી થતાં કુલ ઉત્પાદન ૫૯,૦૦૦ ટનની આસપાસ રહે છે. જો કે હવે હજારીગલના ફૂલોની ખેતી કરતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. કારણ કે વૈશ્વિક સ્તરે ચીન બાદ હવે ભારત પણ હજારીગલના ફૂલોની નિકાસ પર વધારે મજબૂત પકડ બનાવી શકે છે. અમેરિકાના એક હેલ્થ ઈન્સ્ટિટયૂટે કરેલી નવી શોધ અનુસાર ભારતના હજારીગલના ફૂલોની નિકાસમાં વધારો જોવા મળશે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા હજારીગલના ફૂલોની નિકાસ વધશે તો ખેડૂતોને પણ ભાવ ઊંચા મળે તેવી શક્યતાઓ ચોક્કસ સર્જાશે. ખેડૂતો હજારીગલના ફૂલોની વધારે ખેતી કરે તેવું પણ બની શકે છે. કારણ કે અમેરિકન હેલ્થ ઇન્સ્ટિટયૂટે કરેલા સંશોધન મુજબ હજારીગલના ફૂલોના પાવડરનો ઉપયોગ દુનિયાભરના પોલ્ટ્રીફાર્મમાં પોલ્ટ્રી ફીડ તરીકે એટલે કે મરઘીઓને ખોરાક તરીકે આપવામાં આવે છે અને આ પાવડર મરઘીઓના ઈંડાઓને રંગ આપવામાં પણ મદદરૃપ થાય છે. સાથે જ આ પાવડર માનવ જાત માટે પણ ફાયદાકારક અને ગુણકારી સાબિત થયો છે.  અમેરિકન હેલ્થ ઇન્સ્ટિટયૂટે કરેલા સંશોધન અનુસાર આ પાવડરનો ઉપયોગ આંખોની કાળજી લેવા માટે  વપરાય છે. આ સિવાય ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં એટલે કે ઔષધિ તરીકે પણ હજારીગલના ફૂલોનો પાવડર ઉપયોગમાં લઈ શકાય છે.
દેશમાં હજારીગલના ફૂલોની ખેતીનો વ્યાપ વધતા કેટલાંક વર્ષો પહેલાં ભારત હજારીગલના ફૂલોની નિકાસ કરતો પહેલો દેશ બન્યો હતો. જો કે કેટલાંક સમય બાદ ચીને ભારતના આ પદને છીનવી લીધું હતું અને આક્રમક રીતે ખૂબ જ ઓછી કિંમતે હજારીગલના ફૂલોની નિકાસ કરવાનું શરૃ કરી દીધું હતંુ. જેેને કારણે ભારતની નિકાસ ગતિ ધીમી પડી ગઈ હતી અને ભારત હજારીગલના ફૂલોની નિકાસમાં બીજા ક્રમાંકે ધકેલાઈ ગયુ હતું. જો કે વર્તમાન સમયમાં ફીડ ગ્રેડ એટલે કે ખોરાકી સ્થાન ધરાવતા હજારીગલના ફૂલોની નિકાસમાં ચીનનો દબદબો યથાવત છે. પરંતુ આ તરફ ન્યુટ્રાસ્યુટિકલ સેક્ટર માટે ફૂડ ગ્રેડવાળા હજારીગલના ફૂલમાંથી બનતા પાવડરની ઉત્પાદકતામાં ભારત હજુ પણ મજબૂતીથી ટકી રહ્યું છે અને ભારતીય હજારીગલની નિકાસ ૨૨૦ કરોડ રૃપિયાની આસપાસની રહી છે. અમેરિકન સરકારના નેશનલ આઈ ઇન્સ્ટિટયૂટે પોતાના તાજા સર્વેમાં જણાવ્યું છે કે કૈરોટેનોયડ્સ લ્યુટીન અને જેક્સાનથિનથી આંખોમાં એડવાસ્ડ મેક્યુલર ડીઝનરેશનનો ખતરો ઓછો થાય છે.

અમેરિકાએ કરેલા આ સંશોધનના સમાચાર હજારીગલના નિકાસ વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો માટે ખુશીના સમાચાર માનવામાં આવે છે.  કેટલાંક નેચરલ પ્રોડક્ટના ઉત્પાદકોનું માનવું છે કે થોડાક વર્ષોમાં ન્યુટ્રાસ્યુટિકલ સેક્ટરમાં હજારીગલનો નિકાસ વ્યવસાય ધીમો રહ્યો છે. જો કે અમેરિકાના આ નવા સંશોધનથી નિકાસ ગ્રોથ ડબલ થઈ શકે છે. જેનાથી ભારતના વ્યવસાયમાં તેજી આવી શકે છે. જો કે આ તરફ સરકાર તરફથી મળતી સબસીડી અંગે પણ કેટલાંક વ્યવસાયકારો નારાજ છે તેમનું કહેવું છે કે, સરકાર તરફથી ૫ ટકા સબસિડી આપવામાં આવે છે જે પૂરતી નથી. વ્યવસાયકારોનું કહેવું છે કે તેમની પ્રોડક્ટ્સની કિંમત ૧૪ સેટ્સ પ્રતિ ગ્રામ થઈ જાય છે જેને કારણે તેમની પ્રોડક્ટની માંગ ઓછી થઈ જાય છે. માંગ ઓછી થવાને કારણે હજારીગલના પાવડરની પ્રોડક્ટ્સનો મોટો જથ્થો પડી રહે છે. જો કે આ નવા સંશોધન બાદ હવે વ્યવસાય ધીમે ધીમે ગતિ પકડશે તેમ માનવામાં આવે છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment