Tuesday, 1 April 2014

રાજ્યમાં લાખણી યાર્ડમાં દાડમની પ્રથમવાર જાહેરમાં હરાજી


ગુજરાતમાં દાડમનો આજે પણ રૃમાલ નીચે થતોે વેપાર : દેશમાં દિલ્હીની આઝાદપુર મંડી અને જયપુરમાં દાડમની જાહેરમાં હરાજીથી વેચાણઃ  રાજ્યભરમાં પ્રથમ માર્કેટયાર્ડ : બનાસકાંઠા જિલ્લાના નાના ખેડૂતો માટે પહેલ આશીર્વાદરૃપ સાબિત થશે : 

રાજ્યમાં દાડમની ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. આજે ગુજરાતમાં દાડમની ૭૦૦૦ હેક્ટરમાં થતી ખેતીમાંથી ૭૯ હજાર ટન ઉત્પાદન થાય છે. આ આંક ૨૦૧૨-૧૩ના બાગાયત વિભાગ દ્વારા બહાર પડાયેલા છે. દાડમ એ રોકડિયો પાક હોવાની સાથે સારી આવક આપતો હોવાથી ખેડૂતો આ ખેતી તરફ ઝૂકી રહ્યા છે. દાડમના રોપા લેવા ખેડૂતોને મહારાષ્ટ્ર ન જવું પડે માટે બાગાયત વિભાગ દ્વારા ડીસામાં દાડમનું એક્સલન્સ સેન્ટર પણ સ્થપાયું છે. આજે બનાસકાંઠા જિલ્લો દાડમની ખેતીમાં હબ ગણાય છે. એમાંયે લાખણી તાલુકામાં તો આગામી પાંચ વર્ષમાં દાડમની ખેતીમાંથી એક પણ ગામ બાકાત નહીં રહે તેવી સ્થિતિ ઊભી થઇ છે. પરિણામે લાખણી માર્કેટયાર્ડે રાજ્યભરમાં પ્રથમ વાર ગત સપ્તાહે ખેડૂતો દાડમની જાહેરમાં હરાજી કરી શકે તે માટે માર્કેટયાર્ડમાં પહેલ કરી છે. અત્યારે ગુજરાતમાં રૃમાલ નીચે દાડમના પાકની હરાજી થાય છે.

  

 દાડમની રૃમાલ નીચે હરાજીથી ખેડૂતોને નુક્સાન જતું હોવાથી ખેડૂતો માટે લાખણી માર્કેટયાર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયે ભવિષ્યમાં આશાનું કિરણ જગાવ્યું છે. આ અંગે લાખણી માર્કેટયાર્ડના પ્રમુખ ડુંગરાભાઇ પટેલે જણાવ્યું હતું કે, હજુ શરૃઆત છે, પરંતુ આગામી વર્ષોમાં લાખણી પંથકના ખેડૂતો માટે લાખણી યાર્ડ દાડમના વેચાણ માટેનું હબ બનશે. નાના ખેડૂતો માટે તો યાર્ડનો નિર્ણય આશીર્વાદરૃપ સાબિત થશે. બનાસકાંઠા જિલ્લો દાડમની ખેતીમાં રાજ્યભરમાં અગ્રેસર હોવાની સાથે દાડમનું સ્થાનિકમાં માર્કેટ ન હોવાથી દલાલો દ્વારા વેપારીઓનો સંપર્ક કરી ખેડૂતો દાડમનું વેચાણ કરતા હતા. હવે આ ખેડૂતોને પણ દાડમના વેચાણની તક મળશે. દાડમની ખેતીનો લાખણી, વાવ, થરાદ અને છેક ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના જિલ્લાઓમાં વ્યાપ વધતો જોઇ હાલમાં લાખણી માર્કેટયાર્ડ દ્વારા કરાયેલી પહેલ આગામી વર્ષોમાં ખેડૂતો માટે ફાયદારૃપ સાબિત થશે. દેશમાં દિલ્હીના આઝાદપુર મંડી અને જયપુરમાં દાડમની જાહેરમાં હરાજીથી વેચાણ થાય છે. જ્યારે રાજ્યમાંં અમદાવાદના યાર્ડેામાં રૃમાલ નીચે દાડમનો વેપાર આજે પણ થાય છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment