Thursday, 24 April 2014

બોરડીના ખેડૂતે એકરમાં ૯૦ ટન ટામેટાં પકવ્યાં

એકરે ખેડૂતને રૃ.પ લાખની ચોખ્ખી આવક મેળવી : ખેડૂતની ૧૨ એકરમાં ટામેટાંની ખેતી: અનુભવને આધારે વાતાવરણ પ્રમાણે ખાતર, દવા અને પાણી આપી ખેડૂતે લાંબો સમય સુધી છોડને ટકાવી રાખ્યો 
સામાન્ય રીતે અઢીથી ત્રણ મહિના સુધી ચાલતો ટામેટાંનો પાક આઠ મહિના સુધી ટકાવીને બોરડીના ખેડૂતે એકરે ૯૦ ટન જેટલું અધધ ઉત્પાદન મેળવ્યું છે. ગત ૧પમી ઓગસ્ટથી શરૃ થયેલું ઉત્પાદન આજે પણ તેઓ મેળવી રહ્યા છે. છોડવા જોઈને વાતાવરણ પ્રમાણે અનુભવને આધારે ખાતર, દવા અને પાણી આપી લાંબા સમય સુધી ટામેટાંનું ઉત્પાદન મેળવી ખેડૂતે એકરે રૃ.પ લાખની ચોખ્ખી કમાણી કરી છે.
ટામેટાંની સફળ ખેતી કરનાર અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામના મધુભાઈ સાવલિયા નામના આ ખેડૂતે ગત ૧પ જૂન આસપાસ પોતાના ૧ર એકર ખેતરમાં ટામેટાંનું વાવેતર કર્યું હતું. પાક અંગે જણાવતાં તેઓ કહે છે કે, ધરુ તૈયાર કર્યા પછી એક મહિને ફેરરોપણી કરી હતી અને તેના પછી અઢી મહિને ધીમે ધીમે ઉત્પાદન આવવાની શરૃઆત થઈ હતી. શરૃઆતમાં ૧ર એકરમાંથી વીણી કરવામાં આવતી ત્યારે પ૦૦થી ૬૦૦ મણ જેટલું ટામેટાંનું ઉત્પાદન મળતું હતું. અત્યારે પણ વીણીમાં ૪૦૦ મણ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે. વરસાદને લીધે દિવાળીના સમયમાં એકાદ મહિના સુધી ઉત્પાદન બંધ રહ્યું હતું. બાકીના સમયમાં સતત ઉત્પાદન આવી રહ્યું છે. કિલો ટામેટાંના ર.પ રૃપિયાથી ૧૮ રૃપિયા સુધીના ભાવ મળ્યા હતા. શરૃઆતથી લઈને આજ સુધીમાં સરેરાશ કિલોના રૃ. ૯ જેટલો ભાવ ઉપજ્યો છે અને એકરે ૮૫થી ૯૦ ટન જેટલું ઉત્પાદન લઈ લીધું છે. હજુ પંદરેક દિવસ સુધી ઉત્પાદન મળવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.

ટેલિફોન પદ્ધતિથી તેઓએ ટામેટાંનું વાવેતર કર્યું હતું. જેમાં બિયારણ, ખાતર, દવા, પાણી, મજૂરી વગેરે મળી એકરે કુલ રૃ. અઢીથી ત્રણેક લાખ જેટલો ખર્ચ થયો હતો. જેની સામે આશરે રૃ. આઠ લાખનું વેચાણ થતાં એકરે રૃ. પ લાખનો ચોખ્ખો નફો થયો છે. તેઓ જણાવે છે કે, સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પ્રતિ વીઘે ર૦થી રપ ટન સુધી ઉત્પાદન મેળવે છે. બહુ બહુ તો ૩૦-૩પ ટન ઉત્પાદન થાય છે અને ખેડૂતો અનુભવને અભાવે ત્રણથી સાડા ત્રણ મહિના સુધી જ પાકને ટકાવી શકે છે, પરંતુ તેઓના ખેતરમાં આજ સુધી સતત ઉત્પાદન લઈ રહ્યા છે. છોડને લાંબો સમય ટકાવી રાખવાના રહસ્ય વિશે આ ખેડૂતના મત પ્રમાણે ખાતર, દવા અને પાણી વાતાવરણને જોઈને જરૃરિયાત પ્રમાણે આપવામાં આવે તો કોઈ પણ ખેડૂત લાંબા સમય સુધી પાકને ટકાવી શકે છે.

   સંંપર્ક : ૯૮૭૯૯ ૯૩૬૯૦

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment