Friday, 2 October 2015

અનાજના ઉત્પાદન અને સ્ટોકમાં ૬ વર્ષનો કડાકો


દેશમાં ૨૦૧૩-૧૪માં ૧૩૬૪ લાખ ટન ઉત્પાદિત થયેલા અનાજ સામે ચાલુ ખરીફ સિઝનમાં ૧૨૪૦ લાખ ટન અનાજ પાકશે ,  સરકારી ગોડાઉનમાં સપ્ટેમ્બર સુધી ૪૮૩ લાખ ટન અનાજનો સ્ટોક જે ગયા વર્ષે ૫૨૮ લાખ ટન હતો : ચોખા અને ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં વરસાદની મોટી ઘટ : મકાઇ, બાજરીના ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની સંભાવના :  સપ્ટેમ્બરમાં વરસાદની પડેલી ઘટ ઘઉંના વાવેતરને અસર કરશે

ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવાતા ભારતમાં અનાજનું ૨૫૦૦ લાખ ટન ઉત્પાદન છતાં અછત સર્જાય તેવા સંજોગો  છે. વરસાદની ઘટથી અનાજનું ઉત્પાદન ખરીફ સિઝનમાં ૨૦૧૩-૧૪ના વર્ષની તુલનાએ ૧૪૭ લાખ ટન ઘટી જશે. આ માત્ર પ્રાથમિક અંદાજ છે. દેશમાં અનાજના સ્ટોકમાં પણ છેલ્લા છ વર્ષમાં સૌથી મોટો ઘટાડો આ વર્ષે છે. સરકારી ગોડાઉનોમાં સપ્ટેમ્બર સુધી ૪૮૩ લાખ ટન અનાજ સચવાયેલું પડયું છે જે ૨૦૧૪-૧૫માં ૫૨૮ લાખ ટન હતું. સરકારી આંક અનુસાર એફસીઆઇના ગોડાઉનમાં હાલમાં ૩૪૪ લાખ ટન ઘઉંનો સ્ટોક છે જે ગયા વર્ષ કરતાં ૩ ટકા ઓછો છે. ૨૦૧૪-૧૫માં ઘઉંનો સ્ટોક ૩૫૫ લાખ ટન હતો. સરકારે આ વર્ષે ૨૮૧ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જેમાં ઘઉંની ક્વોલિટી ઘણી નબળી છે. ચોખાની પણ આ જ સ્થિતિ છે. ચોખાનો સ્ટોક ૧૩૮ લાખ ટન છે જે ૨૦૧૪-૧૫માં ૧૭૩ લાખ ટન હતો. ચોખા અને ઘઉંનો આયાતકાર દેશ ખેડૂતોની મહેનતને પગલે નિકાસકાર દેશ બની ગયો છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં વરસાદની સતત અછતે સ્થિતિમાં બદલાવ કર્યો છે. દેશમાં ચોખાનો ૯૦૦ લાખ ટનની આસપાસ અને ઘઉંનો પણ ૮૫૦ લાખ ટનની આસપાસ ર્વાિષક વપરાશ છે. સરકારી ગોડાઉનમાં રહેલા સ્ટોકને પગલે ડિસેમ્બરના અંત સુધી ઘઉંનો ૨૬૦ લાખ ટન અને ચોખાનો ૯૦ લાખ ટનની આસપાસ સ્ટોક રહે તેવી સ્થિતિ હાલમાં છે.
અનાજ એ માનવીની મૂળભૂત જરૃરિયાત છે. ેદેશમાં ૨૦૧૪-૧૫માં વરસાદની ૧૨ ટકા અને ૨૦૧૫-૧૬માં વરસાદની ૧૫ ટકા ઘટ વચ્ચે ધાન્ય પાકોના ઉત્પાદનની સ્થિતિમાં ઘટાડો ખતરાની નિશાની છે. ૨૦૧૩-૧૪માં પાકેલા ૨૬૫૦ લાખ ટનની તુલનાએે ૨૦૧૪-૧૫માં ૨૫૨૬ લાખ ટન ધાન્યપાકોનું ઉત્પાદન રહ્યું હતું. ૨૦૦૯-૧૦માં દુષ્કાળ રહેતાં ધાન્યપાકોનું ખરીફ ઉત્પાદન ૧૨૦૯ લાખ ટન રહ્યું હતું ત્યારબાદ સતત ઉત્પાદનમાં વધારો થતો રહ્યો છે. ૨૦૧૪-૧૫માં ધાન્યપાકોનું ઉત્પાદન ખરીફ સિઝનમાં ૧૨૬૩ લાખ ટન રહ્યું હતું. જે આ વર્ષે ૧૨૪૦ લાખ ટન રહેવાનો અંદાજ મૂકાયો છે. ૨૦૧૩-૧૪માં ખરીફ સિઝનમાં ૧૩૬૪ લાખ ટન અનાજ પાક્યું હતું.


 દેશમાં સૌથી વધુ ધાન્ય પાકોનું ઉત્પાદન પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં થાય છે. આ વર્ષે મધ્ય પ્રદેશને બાકાત કરતાં સૌથી મોટી વરસાદની ઘટ ઉપરોક્ત તમામ રાજ્યોમાં છે. વરસાદની ઘટ હરિયાણામાં ૨૬ ટકા, પંજાબમાં ૪૦ ટકા, ઉત્તર પ્રદેશમાં ૪૩ અને બિહારમાં ૨૮ ટકા છે. ચોખા અને ઘઉંનું મુખ્ય ઉત્પાદન આ રાજ્યોમાં થાય છે. હાલમાં આ રાજ્યોમાં વરસાદના અભાવે ચોખાના ઉત્પાદનમાં પ્રથમ અંદાજમાં ગત વર્ષની તુલનાએ ૯૦૬ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂકી ગત વર્ષની તુલનાએ માત્ર ૨ લાખ ટનનો ઘટાડો દર્શાવાયો છે. જોકે, ઉત્પાદનની ઘટ વરસાદના અભાવે વધુ પણ રહી શકે છે. ઉત્તર ભારતમાં હવે વરસાદ થવાના સંજોગો નહિવત્ છે. હાલમાં જળાશયોમાં પાણીના અભાવે અને જમીનમાં સપ્ટેમ્બરમાં ઓછા વરસાદને અભાવે ભેજ ના હોવાથી રવિ સિઝન માટે ઓક્ટોબર અને નવેમ્બરમાં વાવેતર કરાતા ઘઉંના વાવેતરને પણ ફટકો પડે તેવી સંભાવના છે. ઉપરોક્ત રાજ્યો ઘઉંના કુલ ઉત્પાદનમાં ૯૦ ટકાનો ફાળો ધરાવે છે. જેથી સરેરાશ ધાન્યપાકોના ઉત્પાદનમાં ૨૦૧૫-૧૬માં પણ ઘટાડો થવાની સંભાવના છે.
 હાલમાં ધાન્ય પાકોનો ગોડાઉનમાં સ્ટોક છેલ્લા છ વર્ષના તળિયે છે. એમ પણ કહી શકાય કે ૨૦૦૮-૦૯ પહેલાં ધાન્યપાકોના ઉત્પાદનનો સ્ટોક ઓછો કરાતો હોવાથી ૨૦૦૮-૦૯ની સાથે તુલના કરી શકાય છે. ૨૦૦૮-૦૯માં સપ્ટેમ્બરમાં અનાજનો સ્ટોક ૩૧૮ લાખ ટન હતો. આ વર્ષે અનાજનો સ્ટોક ૪૮૩ લાખ ટન છે. ૨૦૧૪-૧૫માં આ સ્ટોક ૫૨૮ લાખ ટન હતો.
ગુજરાતમાં પણ ધાન્ય પાકોનું ઉત્પાદન ૯૦ લાખ ટનની આસપાસ થાય છે. ૨૦૧૦-૧૧માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક ધાન્યપાકોનું ઉત્પાદન ૧૦૦ લાખ ટન થયું હતું ત્યારબાદ ધાન્યપાકોના ઉત્પાદનમાં સતત ઘટાડો થતો જાય છે. ૨૦૧૪-૧૫માં માત્ર ૬૬ લાખ ટન ધાન્ય પાકોનું ઉત્પાદન થયું છે. જે ૨૫થી ૩૦ લાખ ટનનો ઘટાડો દર્શાવે છે. આ વર્ષે ડાંગરનું વાવેતર વધતાં કૃષિ વિભાગે ચોખાનું ૧૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. જોકે, આ લક્ષ્યાંક સુધી હવે વરસાદ જ પહોંચાડી શકે તેમ છે. સપ્ટેમ્બરના અંતમાં વરસાદ સારો રહ્યો તો જ ઘઉંનું વાવેતર વધી શકે તેમ છે.

દેશમાં ૧૪૦૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર છતાં ખેડૂતોની આકરી મહેનતને પગલે ભારતે ધાન્યપાકોના ઉત્પાદનમાં સધ્ધરતા મેળવી લેતાં એક તબક્કે ઘઉંનો આયાતકાર દેશ આજે નિકાસકાર બની ગયો છે. ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધ્યું છે પણ વધતી જતી વસતી સામે વપરાશ વધતાં આજે ઉત્પાદન અને વપરાશના આંક લગભગ નજીક પહોંચી ગયા છે. સતત બે વર્ષથી વરસાદની ઘટથી અનાજના ઘટની અસર આ વર્ષે નહીં દેખાય પણ ૨૦૧૬-૧૭માં અનાજના ઉત્પાદનની ઘટ ઉડીને આંખે વળગશે. ભારતમાં કઠોળની માગ સામે વપરાશ વધુ હોવાથી દર વર્ષે ૩૦થી ૪૦ લાખ ટન કઠોળની આયાતનો આંક આ વર્ષે ૬૦ લાખ ટને પહોંચે તેવી સ્થિતિ પેદા થઇ છે. તેલીબિયાંમાં પણ માંગ સામે ઉત્પાદન ઓછું હોવાથી વધતી જતી ખાદ્યતેલની આયાત રોકવા આયાતડયૂટી વધારવાની માગ કરી રહ્યા છે.
ભારતમાં આ વર્ષે વરસાદની ઘટને પગલે મકાઇ, બાજરી, રાગી, જુવારના ઉત્પાદનને પણ અસર પહોંચી શકે છે. મકાઇના ગત વર્ષે થયેલા ૧૬૩ લાખ ટન ઉત્પાદન સામે પ્રથમ એડવાન્સ અંદાજમાં ૧૫૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂકાયો છે. બાજરીના ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના છે. ૨૦૧૪-૧૫માં ૯૦ લાખ ટન થયેલા ઉત્પાદન સામે ૮૬ લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે. અનાજ એ મૂળભૂત જરૃરિયાત છે. ઘઉં, ચોખા અને બાજરીના ઉત્પાદનમાં ઘટાડો એ સામાન્ય માનવીને પણ અસર કરતો વિષય હોવાની સાથે ઉત્પાદનનો ઘટાડો સીધો જ ભાવ સાથે સંકળાયેલો હોવાથી અનાજના ભાવ આ વર્ષે વધારે રહે તેવી પણ સંભાવના છે. સરકાર હાલમાં અનાજનો પૂરતો સ્ટોક હોવાનું જણાવી રહી છે પણ અનાજના ઉત્પાદનમાં ઘટ અને હાલમાં સરકારી ગોડાઉનમાં ઓછો અનાજનો સ્ટોક એ કડવી વાસ્તવિકતા છે.

દેશમાં અનાજનો સ્ટોક
વર્ષ               સ્ટોક
૨૦૦૮                   ૩૧૮
૨૦૦૯                   ૪૭૭
૨૦૧૦                   ૫૦૭
૨૦૧૧                   ૫૬૪
૨૦૧૨                   ૭૧૮
૨૦૧૩                   ૫૮૯
૨૦૧૪                   ૫૨૮
૨૦૧૫                   ૪૮૩

નોંધ ઃ આંક સપ્ટેમ્બર સુધીના લાખ ટનના છે.

No comments:

Post a Comment