Friday, 2 October 2015

ખાંડની નિકાસ : સફળતાની ટકાવારી ઘણી ઓછી


સુગર મિલોને ફરજિયાત ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવી પડશે : ખાંડના ઘટતા ભાવ સામે સ્ટોક ઓછો કરવા માટે લેવાયેલો નિર્ણય : ગુજરાતને ૧.૭૫ લાખ ટન ખાંડની નિકાસનો ક્વોટા ફળવાયો : નોટિફિકેશન સબસિડીની જોગવાઇ ન હોવાની સાથે વિશ્વ બજારમાં મંદી અને સ્ટોક સામે સુગર મિલોને ફાયદો થાય તેવી સંભાવના ઓછી : નુક્સાન ભોગવીને પણ નિકાસ કરવી પડશે


ભલે ને શેરડીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા, કપાસ અને મગફળીના ઉત્પાદનમાં પ્રથમ અને બીજા ક્રમે હોય છતાં કપાસ અને મગફળીના ઓછા ભાવ હોબાળાના અંતે શમી જાય છે.ખેડૂતોને કરોડોનું નુક્સાન મૂગા મોઢે સહન કરવું પડે છે, પણ શેરડીના કે ખાંડના ભાવ ઘટે તો તુરંત મુદે બની જાય અને સબસિડીની પણ જાહેરાત થઇ જાય, કારણ કે શેરડી અને ખાંડના ભાવ સાથે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સંકળાયેલું હોવાની સાથે રાજકારણીઓના આર્િથક હિતો જોડાયેલા હોય છે. અહીં શેરડીના ખેડૂતોને સારા ભાવ મળે તેનો વિરોધ કરવાનો નથી પણ શેરડીની જેમ જ કપાસ અને મગફળી, તેલીબિયાં અને ધાન્ય પાકોના ભાવો બાબતેની તકેદારી પણ એટલી જ જરૃરી છે. હાલમાં ખાંડના ભાવ સાત વર્ષમાં સૌથી નીચા છે. એટલા નીચા કે પ્રતિ કિલો સુગર મિલોને રૃ.૩૦ની પડતર સામે હાલમાં ૨૩થી ૨૪ રૃપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે. શેરડીના ખેડૂતોનું ૧૪ હજાર કરોડનું સુગરમિલો પાસે લેણું બાકી હોવાથી સરકારે નવી સિઝનની શરૃઆત પૂર્વે જ સુગર મિલોએ ફરજિયાત ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાનું નોટિફિકેશન બહાર પાડયું છે. હાલમાં વિશ્વ માર્કેટમાં ખાંડના ભાવમાં મંદી ચાલી રહી છે. વિશ્વમાં ૪૨૪ લાખ ટન એન્ડિંગ સ્ટોક અને ૧,૭૩૪ લાખ ટન ઉત્પાદનથી ખાંડના ભાવ ઘટી રહ્યા છે. ભારતમાં પણ છેલ્લા પાંચ વર્ષથી વધતા ખાંડના ઉત્પાદનથી હાલમાં દેશમાં એક કરોડ ટન ખાંડનો જથ્થો છે. જેનો નિકાલ ના થાય ત્યાં સુધી ખાંડના ભાવ ઊંચકાય તેવી સ્થિતિ નથી. દેશમાં ખાદ્યમંત્રાલયના અધિકારીઓએ પણ વિદેશમાં બાર્ટર સિસ્ટમથી ખાંડની નિકાસ કરવાના પ્રયત્નો કરી જોયા તેમાં પણ જોઇએ તેવી સફળતા મળી નથી, કારણ કે વિશ્વ બજારમાં મંદીથી હાલમાં આ વિક્લ્પ ન સફળ રહેતાં સરકારે સુગર મિલોને ફરજિયાત નિકાસના આદેશો કર્યા છે. ૪૦ લાખ ટન ખાંડની નિકાસ સામે નિકાસ બજારનો ભૂતકાળ જોઇએ તો આ જ દિન સુધી ફક્ત ૨૦૧૨-૧૩માં ૨૭ લાખ ટન ખાંડની નિકાસ કરાઇ છે. ભારત ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરશે તો બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ બની જશે. હાલમાં વિશ્વમાં ખાંડની નિકાસમાં બ્રાઝિલ પ્રથમ અને થાઇલેન્ડ બીજા ક્રમે છે. ભારત નિકાસમાં છઠ્ઠા ક્રમનો નિકાસકાર દેશ છે.
ભારત પાસે ખાંડની નિકાસ સિવાય સ્ટોક ઘટાડવા અને ભાવ વધારવા માટે બીજો કોઇ વિકલ્પ નથી. હાલમાં ભારત પાસે ખાંડનો એક કરોડ સ્ટોક સામે ૨૦૧૫-૧૬ની નવી સિઝનમાં ૨૮૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાના અંદાજો ઇસ્માએ મૂક્યા છે. જેથી નવી સિઝનમાં પણ ખાંડનો ભરાવો ના થાય માટે સરકારે લાંબગાળાની નિતી અંતર્ગત ફરજિયાત સુગર મિલોને ખાંડની નિકાસ કરવાના આદેશો કર્યા છે. જેને ઇસ્માએ સારા સંકેતો ગણાવી ખાંડના ભાવ જાળવવા માટે મદદરૃપ થશે તેવો મત વ્યક્ત કર્યો છે. જોકે, આ અંગે ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે, ભારત પાસે ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાની સુવિધા જ નથી. હાલમાં વિશ્વ બજારમાં નીચા ભાવથી ખેડૂતોને ફરજિયાત ખાંડની નિકાસના આદેશોથી ઓછા ભાવે ખોટ ખાઇને પણ ખાંડની નિકાસ કરવી પડે તેવી સ્થિતિ છે. ગત વર્ષે સરકારે રો સુગર પર પ્રતિ ટન ૪,૦૦૦ રૃપિયા સબસિડી જાહેર કરી હોવા છતાં ફક્ત ૧૧ લાખ ટન ખાંડની નિકાસ થઇ શકી છે. સુગર મિલો સબસિડી હોવા છતાં પણ ખાંડની નિકાસ કરી શકી નથી. આ વર્ષે ફરજિયાતના નિયમથી ખોટ ખાઇને પણ નિકાસના વેપલાની અસર સીધી શેરડીના ભાવ પર જોવા મળશે.
 ખાંડ ઉદ્યોગ સંઘના ચેરમેન માનસિંહભાઇ પટેેલે જણાવ્યું હતું કે, આ સરકારની લાંબાગાળાની નિતી છે. હાલમાં નુક્સાની દેખાશે પણ ખાંડનો સ્ટોક ઘટતાં તેનો ફાયદો સુગર મિલો અને ખેડૂતોને થશે. હાલમાં સુગર મિલોને થનારું નુક્સાન એસડીએફટીમાંથી ચૂકવાય તેવી નીતિ પર કામગીરી ચાલી રહી છે. જોકે, આ બાબતે સપ્ટેમ્બર સુધી કોઇ નોટિફિકેશન બહાર પડયું ન હોવાની એ કડવી વાસ્તવિકતા છે કારણ કે ઓક્ટોબરથી નવી સિઝનની શરૃઆત સમયે જ નોટિફિકેશન બહાર પડતા હોય છે.
 ગણદેવી સુગરના ચેરમેન જયંતિભાઇ પટેલે પણ સરકારની ખાંડનો સ્ટોક ઓછો કરવાની નિતીને યોગ્ય ગણાવી હતી પરંતુ ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવી શક્ય ન હોવાનું જણાવ્યું હતું. હાલમાં વિશ્વ બજારમાં મંદીની સાથે મહારાષ્ટ્ર અને ગુજરાત પાસે બંદરો છે. ગુજરાતને ૧.૭૫ લાખ ટનનો અને મહારાષ્ટ્રને દેશમાં સૌથી વધુ ૧૩ લાખ ટન ખાંડની નિકાસનો ક્વોટા ફળવાયો છે. ઉત્તર પ્રદેશ એ બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. ઉત્તર પ્રદેશની મિલોએ ખાંડની નિકાસ ગુજરાત, મહારાષ્ટ્ર કે કલક્ત્તાથી કરવી પડશે, જેમાં મિલોને સીધો ખર્ચ વધી જશે. હાલમાં દેશમાં ખેડૂતોને રૃ.૧૪ હજાર કરોડના લેણામાં સૌથી વધુ લેણું ઉત્તર પ્રદેશની મિલોનું ૫,૫૦૦ કરોડ બાકી છે. જેમાં આ ખર્ચ વધશે તો સુગરમિલોએ ઓછા ભાવે અને વધુ ખર્ચે ખાંડની નિકાસ કરવી પડવાની સ્થિતિમાં ઉલટું મિલોેને નુક્સાન વધશે. સામે વિશ્વ બજારમાં પણ મંદી હોવાથી આ લક્ષ્યાંક સુધી પહોંચવું જ મુશ્કેલ છે.



   સરકારનો ખાંડનો સ્ટોક ઓછો કરી ભાવ વધે તો શેરડીના ખેડૂતોને લાભ મળે તેવી લાંબાગાળાની નિતી યોગ્ય ન હોવાનો કહેવાનો હેતુ નથી પરંતુ અડચણોનું લિસ્ટ લાંબુ છે. તમામ સમસ્યા વચ્ચે પણ નિકાસ આંક સાંગોપાંગ પાર ઉતરી ગયો તો ખાંડનો સ્ટોક ઓછો થશે એ ચોક્કસ છે. જોકે, સફળતાની ટકાવારી ગણી ઓછી છે. ભારત એ કપાસના ઉત્પાદનમાં નંબર વન દેશ છે. છેલ્લા બે વર્ષથી રૃના વધતા ઉત્પાદન અને ચીનની નિકાસનીતિમાં ફેરફારથી ખેડૂતોને પડતર પણ મળતી નથી. આ વર્ષે રૃનું ઉત્પાદન ઘટવાની સંભાવનાથી ભાવ જળવાય તેવા સંજોગો વરસાદ બાદ બદલાયા છે. ગત વર્ષે તો કપાસના ખેડૂતોએ તો ગુજરાતમાં હોબાળો મચાવ્યો છતાં ખેડૂતો નુક્સાનીમાંથી તો બચી શક્યા ન હતા. શેરડી કરતાં દેશમાં કપાસના ખેડૂતોની સંખ્યા વધારે છે. આ સ્થિતિ ઘઉં, ચોખા અને કઠોળના ખેડૂતોની પણ છે. દિવસે દિવસે ખેતીખર્ચ વધવાની સામે ભાવ ઓછા મળી રહ્યા છે. શેરડીની જેમ લાંબાગાળાની નિતી અન્ય પાકો માટે અપનાવાય તો ખેતીક્ષેત્રનું ભવિષ્ય ઉજજ્વળ બની શકે છે. માટે જરૃર છે ફક્ત અન્ય પાકના ભાવ ઘટે ત્યારે સસ્તી થયેલી ખાંડ સમયે ફરજિયાત નિકાસ કરવાના જાહેર કરેલા આદેશો સમયે અપનાવાયેલી સમજદારીની.આમ છતાં આશા રાખીએ કે સરકારની લાંબાગાળાની નીતિનો પ્રયોગ અડચણો વચ્ચે પણ સફળ રહે તો શેરડીના ખેડૂતો માટે ફરી સુવર્ણદિવસો પાછા આવે.

No comments:

Post a Comment