૩૦મી સપ્ટેમ્બર બાદ કઠોળની આયાત
ફ્રી ડયૂટીનો નિર્ણય લંબાયો તો કઠોળના ખેડૂતોને ભાવમાં સીધો ફટકો પડશે : કૃષિ મંત્રાલયે
૧૦ ટકા આયાત ડયૂટી લગાવાની કરી ભલામણ : મોંઘવારી રોકવામાં વિદેશી ખેડૂતો કમાશે દેશના
કઠોળના ખેડૂતોનો મરો થશે : ૧૦ હજાર ટન કઠોળની આયાતના ટેન્ડર બાદ શુક્રવારે નવું ૫,૦૦૦
ટન તુવેરની આયાત કરવાનો નિર્ણય લેવાયો : કઠોળની રેકોર્ડબ્રેક ૬૦ લાખ ટન આયાત થશે : વરસાદની ઘટથી કઠોળનું ઉત્પાદન ઘટવાનો અંદાજ
'ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને
આટો' આ કહેવત હાલમાં કઠોળના ખેડૂતો માટે બંધ બેસતી છે, એટલા માટે કે કઠોળના ભાવ પ્રતિ
કિલો રૃ.૧૩૦થી ૧૪૦એ પહોંચતાં શુક્રવારે ૫,૦૦૦ ટન તુવેરનું આયાતનું એક નવું ટેન્ડર બહાર
પાડવાના આદેશો જાહેર થયા છે. ૧૦ હજાર ટન આયાત કરાયેલી તુવેર અને અડદની દાળ ૨૩મી સપ્ટેમ્બર
સુધી ભારતમાં પહોંચે તેવી સંભાવના વચ્ચે મોંઘવારી રોકવાના પ્રયાસમાં ખેડૂતોની ઘોર ખોદાઇ
રહી છે. ગ્રાહક મંત્રાલય ૩૦મી સપ્ટેમ્બરે પૂરી થતી આયાત ફ્રી ડયૂટીની મુદત વધારવાના
પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. ગ્રાહક અને ઉપભોક્તા મંત્રાલયના આ પ્રયત્નોને રોકવા
કૃષિ મંત્રાલયે વિરોધ નોંધાવી ૩૦મી સપ્ટેમ્બર બાદ કઠોળની આયાત પર ૧૦ ટકા ડયૂટી લગાવાની
ભલામણ કરી છે પણ મોંઘવારીના વધતા જતા ભોરિંગ સામે કૃષિ મંત્રાલયની ભલામણને નજર અંદાજ
કરાઇ તો દેશના કઠોળના ખેડૂતોના ભોગે વિદેશના ખેડૂતો માલામાલ થશે એ નક્કી છે. દેશમાં
કઠોળની ૨૩૦થી ૨૪૦ લાખ ટનની જરૃરિયાત સામે દર વર્ષે ઓછા ઉત્પાદનથી ૩૦થી ૪૦ લાખ ટન કઠોળની
આયાત થાય છે. આ વર્ષે તો આયાત તમામ રેકોર્ડ તોડી ૬૦ લાખ ટને પહોંચે તેવી સંભાવના છે.
ગત વર્ષે ભારતે ૪૬ લાખ ટન કઠોળની આયાત કરી હતી.
દેશમાં સૌથી વધુ કઠોળની આયાત કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા
અને મ્યાનમારમાંથી થાય છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ચણા, મસૂર અને તુવેરનું ઉત્પાદન
વધ્યું છે. ઓસ્ટ્રેલિયા આ કઠોળની નિકાસ ભારતમાં વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. ભારતના
આયાત ટેન્ડરોથી વિશ્વ બજારમાં પણ કઠોળના ભાવ ઊંચકાઇ રહ્યા છે. ભારતમાં કઠોળના એક વર્ષમાં
ભાવ ૬૫ ટકા ઊંચકાયા છે. કઠોળનું દેશભરમાં ૧૧ ટકા વધારે વાવેતર સામે વરસાદની ઘટથી કઠોળના
ઉત્પાદનને અસર થવાની સંભાવનાથી ભાવ ભડકે બળી રહયા છે પણ સામે વધતી આયાતથી દેશના કઠોળ
પકવતા ખેડૂતો માટે વરસાદના અભાવે નુક્સાન બાદ ભાવમાં પણ માર ખાવો પડે તેવી સ્થિતિ ઉભી
થઈ શકે છે. સરકારે કઠોળની આયાત કરતી એજન્સીઓને ૨૦૦૬થી ૨૦૧૧ સુધી કઠોળની આયાત પેટે થયેલા
નુક્સાનના રૃ.૧૧૩ કરોડનું ચૂકવણું કરવાનો નિર્ણય લેતાં આ વર્ષે કઠોળની આયાત વધે તેવી
પૂરી સંભાવના છે.
આ વર્ષે મગનું દેશમાં ૨૪.૫૭ લાખ
હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષે ઓગસ્ટના અંત સુધીમાં ૨૦ લાખ હેક્ટરમાં વાવેતર
થયું હતું. એકમાત્ર રાજસ્થાનમાં જ ૧૧ લાખ હેક્ટરમાં મગની ખેતી થઇ છે. વરસાદની અછતથી
હવે સ્ટોકિસ્ટોએ સંગ્રહ શરૃ કરતાં મગના ભાવમાં તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. મગની
નવી આવક બાદ ભાવમાં ઘટાડો થશે પણ વરસાદ પર હવે મગના ભાવનો આધાર ટકેલો છે. ગુજરાતમાં
પણ મગના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૫,૫૦૦થી ૭,૦૦૦ સુધી પહોંચી ગયા છે. રાજસ્થાનમાં મગની
સૌથી વધુ ખેતી થાય છે. જ્યાં છેલ્લા ૨૫ દિવસથી વરસાદનું એક ટીપું પણ નથી પડયું. આ સિવાય
૧૧.૫૦ લાખ હેક્ટરમાં મઠની ખેતી કરાઈ છે. રાજસ્થાનમાં આ સપ્તાહમાં વરસાદ ન પડે તો મગ
અને મઠમાં ભારે નુક્સાનની સંભાવના કૃષિ વિભાગ દ્વારા લગાવાઇ રહી છે. આમ એકમાત્ર રાજસ્થાનમાં
મગ અને મઠના પાકને વરસાદના અભાવે ભારે નુકસાન થવાની શક્યતા છે.
દેશમાં ખરીફ સિઝનમાં કઠોળનું
૧૦૫ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૫૫થી ૬૦ લાખ ટનની વચ્ચે રહે છે. મધ્ય પ્રદેશ,
મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સારા વરસાદથી હવે કઠોળની સ્થિતિમાં સુધારો
થયો છે. ઓગસ્ટમાં વરસાદની ઘટ બાદ સપ્ટેમ્બરની શરૃઆતે વરસાદ થતાં પાકને જીવતદાન મળ્યું
છે. કઠોળના ભાવ હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે. તુવેરના ભાવ ૧૦મી સપ્ટેમ્બર સુધી ઊંચકાઇને
દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં પ્રતિ કિલો રૃપિયા ૧૪૫, અડદના પ્રતિ કિલો
રૃ.૧૨૫, મગના પ્રતિ કિલો રૃ.૧૧૫ અને મસૂરના ઊંચકાઇને પ્રતિ કિલો રૃ.૯૫એ પહોંચી ગયા
હતા. કઠોળના ભાવ વધતાં ગ્રાહક મંત્રાલય પણ હરકતમાં આવી જતાં શુક્રવારે તુવેરની દાળનું
૫,૦૦૦ ટનનું નવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લેવાયો હતો. ૧૦ સપ્ટેમ્બર સુધી વરસાદની
૧૫ ટકા અછત વચ્ચે રવી સિઝનમાં જમીનમાં ભેજના અભાવે કઠોળના વાવેતરને અસર પડવાની સંભાવનાથી
પણ કઠોળના ભાવ ઊંચકાઇ રહ્યા છે. હવે કઠોળનો પાક બજારમાં આવવાની તૈયારીમાં છે ત્યારે
કઠોળની આયાતથી ખેડૂતોનો બંને બાજુ મરો થાય તેવી સંભાવના છે. આયાતને પગલે ભાવમાં ઘટાડો
અને વરસાદની અછતથી ઉત્પાદનમાં ફટકાથી કઠોળના ખેડૂતો માટે તો એક બાજુ કૂવો અને બીજી
બાજુ ખાઇ જેવી સ્થિતિ છે.
રાજ્યોને કઠોળના સ્ટોકની સીમા
નક્કી કરવા પણ જણાવાયું છે. હાલમાં ૧૦ હજાર ટન કાબૂલી ચણા અને સજીવ કઠોળની નિકાસ સિવાય
તમામ કઠોળની નિકાસ પર પ્રતિબંધ છે. આયાત ડયૂટી ફ્રી હોવાથી કઠોળની આયાત વધી રહી છે.
આફ્રિકન દેશોમાંથી ડિસેમ્બર સુધી ૨.૫૦ લાખથી ૩ લાખ ટન અડદની આયાત થાય તેવા સંજોગો છે.
ચણા અને પીળા વટાણાની ૧૦ લાખ ટન આયાત માટે ખાનગી આયાતકારોએ સોદા કર્યા છે. ઓસ્ટ્રેલિયામાંથી
પણ ૮૦ હજાર ટન ચણાની આયાત થવાની સંભાવના છે. ૪૦ હજાર ટન ચણાની આયાતના સોદા પણ થઇ ચૂક્યા
છે. પીળા વટાણાની સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી ૮૦,૦૦૦ ટન આયાતની સંભાવના છે. કઠોળની
આયાત સબસિડી પાછળ સરકાર અત્યાર સુધી રૃ. ૮૧ કરોડની ચૂકવણી કરી ચૂકી છે.
કઠોળની એમએસપીમાં આ વર્ષે વધારો થતાં ખેડૂતોએ કઠોળનું
વાવેતર વધારતાં ૧૧ ટકા વાવેતર વધ્યું છે. કૃષિ વિભાગ પણ ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો
પ્રયત્ન કરી રહ્યો છે. એમએસપીના ભાવથી કઠોળની ખરીદી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ૨૦૧૩-૧૪માં
સારા વરસાદથી કઠોળનું ૧૯૨ લાખ ટન ઉત્પાદન થયું હતું. ગત વર્ષે ચોમાસામાં વરસાદનો અભાવ
અને કમોસમી વરસાદથી કઠોળનું વાવેતર ઘટતાં ઉત્પાદનમાં સીધો ફટકો પડતાં ૧૭૩ લાખ ટન કઠોળનું
ઉત્પાદન થયું હતું. ચાલુ ખરીફ સિઝનમાં જૂન અને જુલાઇમાં સારા વરસાદથી કઠોળનો વાવેતર
વિસ્તાર ઊંચકાઇને ૧૦૮ લાખ હેક્ટરે પહોંચ્યો છે. પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની
ઘટને પગલે ચિત્ર બદલાયું છે. જેમાં મોંઘવારી રોકવા કઠોળની આયાત માટે લેવાઇ રહેલા નિર્ણયોને
પગલે ડિસેમ્બર સુધી સતત કઠોળની આયાત થતી રહેશે અને દેશના ખેડૂતોને ભાવમાં ફટકો સહન
કરવો પડશે. દેશમાં કઠોળના ઓછા થતા વાવેતરને પગલે ખેડૂતોને પ્રોત્સાહન આપી કઠોળના ખેડૂતોને
સારા ભાવ મળે તેવા પ્રયત્નો કરવાને બદલે કઠોળના ખેડૂતોને ઓછા ભાવ મળે તેવી સ્થિતિ સર્જાઇ
રહી છે. કૃષિ વિભાગની સપ્ટેમ્બર બાદ આયાત પર ૧૦ ટકા ડયૂટી લગાવાના નિર્ણયને નજર અંદાજ
કરાયો તો કઠોળના ખેડૂતો માટે નવી મુશ્કેલી ઉભી થશે તેમાં શંકાને સ્થાન નથી.
No comments:
Post a Comment