નવી સીઝનમાં શેરડીના ખેડૂતોને
ઊંચા ભાવ મળે તેવી શક્યતા નહિવત્ : ૨૦૧૪-૧૫માં
૨૮૩ લાખ ટન ખાંડનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતાં ખાંડનો સ્ટોક નવી સીઝનમાં ૧૦૨ લાખ ટન
થયો : વાવેતર ૪૮ લાખ હેક્ટરે પહોંચ્યું : નવી સીઝનમાં પણ ખાંડનું ઉત્પાદન વધે તેવી
સંભાવના : દેશના સ્થાનિક ૨૪૦ લાખ ટન વપરાશ સામે ખાંડનો વધારો ખાંડના ભાવ ઘટાડશે
વર્ષભર ખાંડ સસ્તી મળશેના સમાચાર
જ મોંઢામાં ગળપણ લાવી દે માટે પૂરતા છે. આ સમાચાર ગૃહિણીઓ માટે ખુશખબર તો ખેડૂતો માટે
નવી સીઝન પણ મુશ્કેલીભરી રહેવાના એંધાણ છે. હવે ખાંડના ભાવ વધે તેવા કોઇ સંજોગો નથી
. દેશમાં પાંચ કરોડ ખેડૂતો જેના પર નિર્ભર છે એવો શેરડીનો વ્યવસાય ખેડૂતો માટે મુશ્કેલીઓ
ઉભી કરી રહ્યો છે. દેશભરમાં ખાંડમીલો પાસે ખેડૂતોને રૃ.૧૪ હજાર કરોડનું લેણું બાકી
છે. છેલ્લા પાંચ વર્ષથી સતત ખાંડનું ઉત્પાદન વધતું રહેતાં સ્થિતિ એવી સર્જાઇ છે કે
૨૦૧૫-૧૬માં નવી સીઝનમાં ખાંડનો ૧૦૨ લાખ ટન સ્ટોક રહેશે. દેશભરમાં ૨૧ ઓગસ્ટ સુધીમાં
૪૮.૮૪ લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું છે જે ગયા વર્ષે ૪૭.૧૭ લાખ હેક્ટરમાં હતું.
આમ શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. સામે ૨૦૧૪-૧૫ની નવી સીઝનમાં ઇન્ડિયન સુગર
મીલ એસો.ના અનુમાન અનુસાર દેશભરમાં જૂનના અંત સુધીમાં ૨૮૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું
છે અને હજુ ૨.૫ લાખ લાખ ટન નવું ઉત્પાદન થશે. આમ ઉત્પાદનનો આંક ૨૮૩ લાખ ટનને આંબી જશે,
જે ૨૦૦૭-૦૮ના રેકોર્ડબ્રેક ઉત્પાદનની સમકક્ષ પહોંચશે. શેરડીની નવી સીઝન ઓકટોબરથી શરૃ
થશે. જેમાં ૨૦૧૫-૧૬માં ૧૦૨ લાખ ટન ખાંડનો સ્ટોક દેશની જરૃરિયાતથી ૪૦થી ૪૫ લાખ ટન વધારે
છે. નવી સીઝનની શરૃઆતમાં ખાંડનો સ્ટોક અને શેરડીનું વાવેતર વધતાં નવી સીઝનમાં પણ ખાંડનું
ઉત્પાદન વધે તેવા પૂરા સંજોગો છે. પરિણામે આગામી સીઝનમાં પણ ખાંડના ભાવ સરેરાશ જળવાઇ
રહે તેવી પૂરી સંભાવના છે.
સરકાર ખાંડનો સ્ટોક ઓછો કરવા માટે તેલીબિયાં અને કઠોળની
આયાત સામે ખાંડની નિકાસ કરવાના પ્રયત્નો પણ કરી છે. જેનાથી ખાંડ ઉદ્યોગને ફાયદો થવાની
સંભાવના છતાં આ યોજનાનો તાત્કાલિક અમલ શરૃ થાય તે પણ શક્ય નથી.કેન્દ્ર સરકારે હવે પછીની
શેરડીની સીઝનમાં પેટ્રોલમાં ૧૦ ટકા ઇથેનોલ ઉમેરવાની યોજના બનાવી રહી છે. હાલમાં પેટ્રોલમાં
માત્ર ૨થી ૩ ટકા ઇથેનોલ તેલ કંપનીઓ ઉમેરી રહી છે. ૧૦ ટકા ઇથેનોલ ઉમેરાય તો લગભગ ૨૩૦
કરોડ લિટર ઇથેનોલની માંગ ઉભી થઇ શકે છે. જે માટે ૧૫ લાખ ટનથી વધુ ખાંડની જરૃરિયાત ઉભી
થઇ શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો, ઉત્પાદક દેશોમાં ખાંડનો સ્ટોક અને જૈવિક ઇંધણની
પણ માંગ ઘટતાં ખાંડનો વપરાશ ઘટી રહ્યો છે. ગુજરાતમાં શેરડીનું વાવેતર દક્ષિણ ગુજરાત
અને સૌરાષ્ટ્રમાં થાય છે. રાજ્યમાં શેરડીના વ્યવસાય સાથે ૪.૫ લાખ ખેડૂતો જોડાયેલા છે.
રાજ્યમાં સહકારી ધોરણે સુગરક્ષેત્રનો વિકાસ થયો છે. રાજ્યની ૨૧ સુગરો દ્વારા શેરડીના
ખેડૂતોના વિકાસ સાથે સારા ભાવ અપાવવાના પ્રયત્નો કરાતા હોય છે. જોકે, આ વર્ષે શેરડીના
નીચા ભાવથી ખેડૂતોમાં અસંતોષની લાગણી પેદા થઇ હતી. હાલમાં ખાંડની સ્થિતિ જોતાં નવી
સીઝનમાં પણ ગુજરાતના શેરડીના ખેડૂતોને શેરડીના ઉંચા ભાવ મળે તેવા સંજોગો ઘણા ઓછા છે.
તહેવારોની માંગને પગલે હાલમાં પ્રતિક્વિન્ટલ ભાવ રૃ.૨૨૦૦થી ૨૩૦૦ ઊંચકાયા છે, પણ આ સ્થિતિમાં
ફેરફાર નહીં થાય તો આ ભાવ લાંબો સમય જળવાય તેવા કોઇ સંજોગો નથી. ગત વર્ષે સરકારે ૧૪
લાખ ટન રો સુગર ખાંડ પર સબસીડીની યોજના જાહેર કરી હતી. જે સબસીડીની માંગ સુગર મીલોએ
સપ્ટેમ્બરમાં કરવા છતાં સરકારે માર્ચમાં મંજૂરી આપતાં આ સબસીડી યોજના હેઠળ ૫૦ ટકા ખાંડની
પણ નિકાસ થઇ શકી નથી કારણ કે આ પૂર્વે જ થાઇલેન્ડ અને બ્રાઝિલે ૫૫ ડોલર સબસિડી જાહેર
કરી નીચા ભાવે વિશ્વ બજારમાં ખાંડનું વેચાણ કરી દીધું હતું. આ વર્ષે પણ સરકાર નિકાસ
વધે તે માટે પ્રયત્નો કરી રહી છે પણ ૨૫ લાખ ટન ખાંડની નિકાસ શક્ય બની શકી છે. દેશમાં
લગભગ ૪૦ લાખ હેક્ટર જમીનમાં શેરડીની વાવણી થાય છે અને શેરડી ઉદ્યોગથી લગભગ ૨૦ લાખ મજૂરોને
રોજગારી મળે છે. પ્રતિ હેક્ટરે ૭૦ ટન શેરડીનું ઉત્પાદન થાય છે. પાછલા પાંચ વર્ષોમાં
ભારત પોતાના વપરાશ કરતા વધારે ખાંડનું ઉત્પાદન કરી રહ્યો છે. માત્ર વર્ષ ૨૦૦૮-૦૯માં
ખાંડનું ઉત્પાદન ઓછું રહેતા ૪૩ લાખ ટન આયાત કરવી પડી હતી. વર્ષ ૨૦૧૩-૧૪માં દેશમાં ૨૫૧
લાખ ટન ખાંડનું ઉત્પાદન રહ્યું હતું. જ્યારે કે સ્થાનિક માંગ ૨૪૦ લાખ ટનથી પણ વધારે
રહી હતી.
દેશમાં બે તૃત્યાંશ ખાંડનું ઉત્પાદન
મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં થાય છે. આંકડાઓ અનુસાર માત્ર ઉત્તરપ્રદેશમાં શેરડીની
મિલો પર ખેડૂતોને ૬૬ અબજ રૃપિયાનું ચુકવણું બાકી છે. લાંબા સમયથી ચુકવણું ન થતા પશ્ચિમ
ઉત્તરપ્રદેશના ખેડૂતો ગુસ્સે ભરાયેલા છે. ઉત્તરપ્રદેશ સરકારે પણ વર્ષ ૨૦૧૫-૧૬માં પોતાના
બજેટમાં મિલો માટે ૧૧ અબજ રૃપિયાની સબસીડીનું આયોજન કર્યું હતું. તેમ છતાં પણ ખાંડ
ઉદ્યોગની સ્થિતિમાં સુધારાના કોઈ સંકેત નથી.
કપાસ બાદ શેરડી એટલે કે ખાંડ કૃષિ આધારીત સૌથી મોટો
ઉદ્યોગ છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત દેશભરના લગભગ ૫ કરોડ જેટલા ખેડૂતો
આ ખેતી પર નિર્ભર છે. કહેવા માટે તો શેરડી એ રોકડીયો પાક છે. મિલો પર પણ ખેડૂતોના બે-બે
અને ત્રણ-ત્રણ વર્ષ સુધીના અબજોે રૃપિયાનું ચુકવણું બાકી છે. આજે ભારત ખાંડ ઉત્પાદન
પર જ આત્મનિર્ભર નથી, નિકાસથી પણ કરોડો રૃપિયા કમાઈ રહ્યો છે. તેમ છતાં દેશમાં શેરડીના
ભાવ નક્કી કરવા માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા તૈયાર નથી કરવામાં આવતી. દરેક રાજ્યમાં
ખેડૂતોને શેરડીના અલગ અલગ ભાવ મળી રહ્યાં છે અને વેચાણ કર્યા બાદ પણ ખેડૂતોને વર્ષો
સુધી રૃપિયા પણ ચુકવાતા નથી !
ભારત દર વર્ષે દુનિયાના વિવિધ બજારોમાં ૫૦ થી ૬૦
લાખ ટન ખાંડનું વેચાણ કરીને બ્રાઝિલ અને થાઈલેન્ડ બાદ ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ
બની શકે છે. પરંતુ વર્તમાન સમયમાં મુશ્કેલી એ છે કે, વિવિધ બજારોમાં ખાંડના ભાવ પાછલા
૬ વર્ષના સૌથી નીચલા સ્તરે છે. ભાવ મુદ્દે
સરકારે રંગરાજન કમીટીનું પણ ગઠન કર્યું હતું. જેમાં શેરડીના વેપારની ઉદારીકરણની ભલામણો
કરતા આઠ મુખ્ય મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો હતો. કમિટીએ જાહેર બજારમાં વેચાણ માટે
ખાંડ પુરી પાડવાની વ્યવસ્થા સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. જેને કેન્દ્ર સરકારે મંજુર
પણ કરી લીધી હતી. પરંતુ ખાંડના ભાવ નક્કી કરવા મુદ્દે આજે પણ વિવાદ ઠેરનો ઠેર રહ્યો
છે.
No comments:
Post a Comment