Friday, 2 October 2015

દૂધ સેક્ટર : દૂઝણી ગાયને દોહી લેવા પડાપડી



દેશમાં રૃ.૪ લાખ કરોડનું દૂધના સેક્ટરનું ટર્નઓવર : ૨૦૨૦માં ૨૦૦ મિલીયન ટન દૂધની જરૃરિયાત ઉભી થશે : અમૂલ ફેડરેશનનું ટર્નઓવર રૃ.૨૦ હજાર કરોડે પહોંચ્યું : ૨૦૧૪-૧૫માં ૧૪૮ લાખ લિટર દૂધનું રોજ એકત્રિકરણ કરાયું  : નોનસ્ટોપ વિકાસ કરતા સેક્ટરમાં કરોડો રૃપિયાના વહીવટ માટે રાજ્યના સૌથી મોટા બે દૂધ સંઘો દૂધસાગર અને બનાસમાં સત્તા હસ્તગત કરવાના પ્રયાસો ચરમસીમાએ

સત્તામાં કોઇ પણ હોય પરંતુ પશુપાલકોને દૂધના સારા ભાવ અપાવી શકે તે સત્તાધીશ જ સૌથી સારો. રાજ્યમાં એગ્રીકલ્ચર ક્ષેત્રની સાથે સાથે પા પા પગલી ભરતો પશુપાલન વ્યવસાય આજે સ્વતંત્ર બની જતાં ૩૩.૭૦ લાખ પશુપાલકો માટે ભરણપોષણનું મુખ્ય સાધન દૂધ અને દૂધના ભાવો છે. ગુજરાતમાં ૨૫૦ લાખ લિટર દૈનિક દૂધના ઉત્પાદન વચ્ચે ૩૧ જિલ્લાના પશુપાલકોનું દૂધ એકત્રિત કરતા ૧૭ દૂધ સંઘો રોજનું ૧૪૮ લાખ લિટર દૂધ એકત્ર કરે છે. બાકીનું દૂધ અન્ય પ્રોડક્ટ અને ખાનગી સેક્ટરમાં વપરાશ માટે જાય છે. આજે સૌથી વિકસતા સેક્ટરમાં દૂધના સેક્ટરની ગણના થાય છે. કરોડોનો કારોબાર અને કમાણીની ગેરંટી આપતા દૂધના સેક્ટરમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો દબદબો છે. ઉત્તર ગુજરાતમાં ઓછી પિયતની સુવિધા વચ્ચે જીવન ટકાવવા ખેડૂતોએ પશુપાલનને પણ વ્યવસાય તરીકે અપનાવી લેતાં ઉત્તર ગુજરાતની ત્રણ ડેરી બનાસ, દૂધસાગર અને સાબર સૌથી વધુ દૂધ એકત્રિકરણનો રેકોર્ડ પણ ધરાવે છે. બનાસ, દૂધસાગર અને સાબર ડેરીના કુલ દૂધનો આંક રાજ્યના બાકીના ૧૪ દૂધ સંઘોની સમકક્ષ રહેતો હોવાથી રાજ્યના ૧૭ દૂધ સંઘોના બનેલા ફેડરેશન જીસીએમએમએફ પર ઉત્તર ગુજરાતના આ ત્રણ સંઘો વર્ચસ્વ ધરાવે છે. અમૂલ ફેડરેશનનો કારોબાર ૨૦૧૪-૧૫માં રૃ.૨૦ હજાર કરોડનો અને ૨૦૧૯-૨૦માં રૃ.૫૦ હજાર કરોડે પહોંચવાની શક્યતા છે. દેશમાં રૃ.૪ લાખ કરોડે દૂધનો વ્યવસાય પહોંચ્યો છે. સતત પ્રગતિ કરી રહેલા દૂધ સેક્ટરના વ્યવસાયની દૂઝણી ગાયને દોહી લેવા માટે હાલમાં રાજ્યમાં રીતસરની પડાપડી થઇ રહી છે. રાજ્યના સૌથી મોટા બે દૂધ સંઘો પૈકી દૂધસાગરમાં કસ્ટોડિયનની નિમણૂક સામે દૂધ મંડળીના પ્રમુખો અને મંત્રીઓએ રીતસરની બાંયો ચડાવી છે. તો બનાસ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક સામે બનાસ ડેરી બચાવો સમિતિ અને હિતરક્ષક સમિતીના બળિયાઓ બાહુબલનું પ્રદર્શન કરી રહ્યા છે. બનાસડેરીમાં રૃ.૪ હજાર કરોડનો અને મહેસાણા ડેરીનો કરોડોનો વહીવટ હસ્તગત કરવાનો મામલામાંથી ફેડરેશનના આર્િથક હિતો પણ બાકાત રહી શકે તેમ નથી. સાચા, ખોટાની ખરાખરીમાં મહેસાણાના ૫.૩૦ લાખ પશુપાલકો અને બનાસડેરીના ૨ લાખ પશુપાલકોના મહેનત વેડફાઇ રહ્યી છે.


ભારતમાં વધતી જતી વસતી સામે દૂધ અને દૂધ પ્રોડક્ટની વધતી જતી માગ સામે દૂધના વ્યવસાયનું ભવિષ્ય ઉજળું છે. દેશમાં ૨૦૧૬-૧૭માં ૧૫૫ મિલિયન ટન દૂધની જરૃરિયાત ઉભી થશે જે ૨૦૨૧-૨૨ સુધી ૨૦૦ મિલિયન ટન સુધી પહોંચશે. દિવસે દિવસે દેશમાં દૂધની માગ વધતી જતી હોવાથી હાલમાં દેશમાં દૂધનો વ્યવસાય ૪ લાખ કરોડ રૃપિયાએ પહોંચ્યો છે. દેશમાં દર વર્ષે ૪૦ લાખ ટન દૂધની માગ વધતી જાય છે. છેલ્લા ૧૦ વર્ષમાં તો દર વર્ષે ૭૮ લાખ ટન દૂધની માગ વધી છે. દેશના ૧૪ રાજ્યોમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. દેશમાં દૂધનું માર્કેટ ૪.૫ ટકાના દરે સતત વધતું જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં દૂધની ખરીદીમાં ૬૫ ટકાનો વધારો નોંધાયો છે. યુરોપિય સંઘ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ભારતના બજારને સર કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે. ભારતમાં દૂધના વ્યવસાયમાં ચાંદી જ ચાંદી હોવાથી આ ધીકતા ધંધાને સર કરવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં અમૂલ ફેડરેશને પણ ૧૫૯ ટકાની વૃદ્ધિ કરી છે. ૨૦૧૪-૧૫ના વર્ષમાં ફેડરેશનનો કારોબાર ૧૪.૩ ટકાની વૃદ્ધિ સાથે રૃ.૨૦,૭૩૩ કરોડે પહોંચ્યો છે. જે ૨૦૧૩-૧૪માં રૃ.૧૮,૧૪૩ કરોડ હતો. દૂધના વ્યવસાયમાં સતત પ્રગતિથી ૨૦૦૭-૦૮માં ફેડરેશનનું ટર્નઓવર ૫,૨૨૫ કરોડ રૃપિયાનું હતું જે ૨૦૧૯-૨૦માં ટર્નઓવર રૃ.૫૦ હજાર કરોડે પહોંચાડવાનો લક્ષ્યાંક મૂકાયો છે. અધધ પ્રગતિથી અને સંઘોની અઢળક કમાણીથી આ સત્તા હસ્તગત કરવા તેમજ એક હથ્થુ શાસન ચલાવવા ગુજરાતમાં હાલમાં મરણીયા પ્રયાસો થઇ રહ્યા છે. અમૂલ ફેડરેશન હાલમાં ૧૫૬ લાખ લિટર દૂધનું એકત્રિકરણ કરે છે. જે ૨૦૧૯-૨૦ સુધી ૨૭૦ લાખ લિટર સુધી લઇ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. ફેડરેશને ૨૦૧૪-૧૫માં સાડા પાંચ અબજ લિટર દૂધની ખરીદી કરી હતી. ૨૦૧૪-૧૫માં સરેરાશ પ્રતિ દિન દૂધની ખરીદી ૧૪૮ લાખ લિટર રહી હતી. રાજ્યમાં ફેડરેશનની સતત પ્રગતિ એ દર્શાવી રહી છે કે મહેનતની સાથે દૂધના આ વ્યવસાયમાં પૈસા જ પૈસા છે. પૈસા અને સત્તા હસ્તગત કરવા હાલમાં મહેસાણાની દૂધસાગર અને બનાસડેરીમાં કસ્ટોડિયનના મામલાએ જોર પકડયું છે.


બનાસકાંઠા સ્થિત બનાસડેરીનો રૃ. ૪ હજાર કરોડનો વહીવટ પરથીભાઇ ભટોળ સંભાળતા હતા.ગત ૧૮ સપ્ટેમ્બરે બનાસ ડેરીના ચેરમેન પરથી ભટોળની સંચાલક મંડળની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ ચૂંટણીનું જાહેરનામું બહાર ન પડતાં રાજ્ય સરકાર દ્વારા કસ્ટોડિયનની નિમણૂક કરી દેવાતાં વર્તમાન ચેરમેન પરથીભાઇ ભટોળના સમર્થક પશુપાલકોએ ધમાલ મચાવી હતી. બનાસડેરીમાં સત્તા હાંસલ કરવા માટે બન્ને જૂથના બળીયાઓ સામ-સામે આવી ચડતાં ડેરીના ઈતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે જ્યાં પશુપાલકોએ સરકારી અધિકારી અને પૂર્વ ડીરેક્ટરને ઠમઠોર્યા હતા. બનાસડેરીમાં પરથીભાઇ ભટોળ છેલ્લા વીસ વર્ષથી ચૂંટાઇ આવે છે.

 મહેસાણા દૂધસાગર સાથે ૫.૩૦ લાખ પશુપાલકો જોડાયેલા છે. દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલભાઇ ચૌધરીના શાસન બાદ હાલમાં કસ્ટોડિયન થકી ડેરીનો વહીવટ ચાલે છે. જે દૂધસાગરના કરોડો રૃપિયાના કારોબારને હસ્તગત કરવા મરણીયા પ્રયાસો થઇ રહ્યા છે. જે અંતર્ગત હવે દૂધ મંડળીઓ કસ્ટોડિયનની કામગીરી સામે વિરોધનો વંટોળ ઉઠયો છે.


દૂધ સેક્ટર હાલમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. ભવિષ્યમાં પણ દૂધના વ્યવસાયમાં મંદી આવે તેવી સંભાવના નથી, દેશમાં વધતી જતી વસતી સામે દૂધ અને દૂધની પ્રોડક્ટની સતત માગ વધતી રહેવાની છે. દેશમાં ૨૨૦ મિલિયન દૂધનો વપરાશ એ ૨૦૧૯-૨૦નું ભવિષ્ય છે. વિદેશની ડેરીઓ પણ ભારતમાં દૂધ સંલગ્ન પ્રોજક્ટના વ્યવસાય માટે લાલજાજમ બિછાવી રહી છે. ભારતમાં દૂધના વધતા જતા વપરાશને પગલે આ સેક્ટરનો સતત વિકાસ થઇ રહ્યો છે. જેથી ગુજરાતમાં પણ દૂધસંઘોના વર્ચસ્વ જમાવવા અને સત્તા હાંસલ કરવાના દાવપેચો હવે ચરમસીમાએ પહોંચ્યા છે. પશુપાલનમાં વધતા જતા ખર્ચ સામે આજે આ વ્યવસાય એ ખર્ચાળ બનતો જાય છે. ૩૪ લાખ પશુપાલકો ફક્ત ફેડરેશન સાથે જોડાયેલા હોવાથી ફેડરેશનના ગ્રોથની જેમ પશુપાલકોનો ગ્રોથ પણ વધતો જાય એ પણ એટલું જ જરૃરી છે.

No comments:

Post a Comment