Tuesday, 6 October 2015

સફેદ સોનાની ચમક ઓસરી : ખેડૂતોને 'ટેકા'નો સહારો



વરસાદના અભાવે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, હરિયાણા અને પંજાબમાં રૃનું ઉત્પાદન ઘટયું : ઊંચા સ્ટોક અને ઓછી નિકાસ માંગથી ખેડૂતોને ભાવમાં ભાંજગડ : સરકારની નિકાસ માટેની યોગ્ય પોલિસીના અભાવે ખેડૂતોને નુક્સાન : નવી સિઝન શરૃ થતાં જ ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો : રાજ્યમાં રવી સિઝનના કુલ ૩૦થી ૩૨ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે ખરીફમાં એક માત્ર કપાસનું વાવેતર ૨૮ લાખ હેક્ટર

વિશ્વમાં રૃના ઉત્પાદનમાં ચીનને પછાડી ભારતને નંબર વન બનાવવામાં સિંહફાળો આપનાર ગુજરાતના ખેડૂતોને નિકાસ માટેની યોગ્ય પોલિસીના અભાવે ઉત્તમ ક્વોલિટીના રૃનું ઉત્પાદન કરવા છતાં છેલ્લા બે વર્ષથી ટેકાની સમકક્ષ ભાવ મળી રહ્યા છે. ગુજરાતમાં સફેદ સોનું ગણાતા રૃની ચમક હવે ઓસરી રહી છે. કપાસની ખેતી ગુજરાત માટે એટલે મહત્વની છે કે કપાસના પાક સાથે ગુજરાતના લાખો ખેડૂતોનું ભાવિ જોડાયેલું છે. ગુજરાતમાં કપાસની થતી ૨૮ લાખ હેક્ટર ખેતી સામે રવી સિઝનનું કુલ વાવેતર ૩૦થી ૩૨ લાખ હેક્ટરની આસપાસ થાય છે. ઉનાળાની સમગ્ર સિઝનમાં તો માંડ ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આમ રાજ્યની રવી સિઝન અને કપાસની ખેતી એ લગભગ લગોલગ છે. આ વર્ષે રાજ્યમાં રૃની આવક શરૃ થતાં જ એક મહિનામાં ભાવ ધડામ દઇને ૧૦ ટકા નીચે ઊતરી ગયા છે. રૃનું ૨૦ ટકા ઓછંુ ઉત્પાદન થવાની સંભાવના છતાં ભારતમાં રૃના ભાવમાં વધારો એ ચીન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને વિયેતનામની આયાત પર નિર્ભર રહેશે. વિશ્વમાં રૃના ૨૪૬ લાખ ટન વપરાશ સામે ઉત્પાદન ૨૩૬ લાખ ટન થવા છતાં ઊંચા એન્ડિંગ સ્ટોકથી હાલમાં ભાવ વધે તેવી સંભાવના ઓછી છે. પંજાબ, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રની આવક શરૃ થતાં ભાવ વધુ ઘટે તેવા સંજોગો વચ્ચે કપાસની મંદીમાં ધીરજ રાખનાર જ તરી શકશે, કારણ કે પંજાબ અને હરિયાણામાં સફેદ માખીનો ઉપદ્રવ તેમજ આંધ્ર પ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં વરસાદના અભાવે ઉત્પાદનમાં ઘટાડાનું ચિત્ર અંતિમ તબક્કામાં ક્લિયર થઇ શકશે. આ વર્ષે નિકાસ વધે તો ખેડૂતોને ફાયદો થવાની સંભાવના છે. સીસીઆઇ હવે ૧૦મી ઓક્ટોબર આસપાસ રૃની ખરીદી શરૃ કરે છતાં પણ સીસીઆઇ પાસે ૧૨થી ૧૫ લાખ ગાંસડી જૂનો સ્ટોક રહેવાની શક્યતા છે. ગત વર્ષે કપાસના ખેડૂતોએ ભાવના મામલે હોબાળા, રેલીઓ અને આત્મહત્યા સુધીનાં પગલાં ભરતાં સરકારે રૃ.૧૧૦૦ કરોડ રૃપિયાનું રાજ્યના તમામ ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું હતું.


દેશમાં ૧૧૫ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થતા કપાસના પાકમાં ગુજરાતનો દબદબો છે. વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છતાં હેક્ટરદીઠ વધુ ઉત્પાદકતાને પગલે ગુજરાત એ રૃના ઉત્પાદનમાં પ્રથમક્રમ ધરાવે છે. ગુજરાતમાં નવી સિઝનમાં પણ ૮૫થી ૯૦ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થવાનો અંદાજ મૂકાયો છે. ગુજરાતમાં રૃના ઊંચી ક્વોલિટીના ઉત્પાદનથી નિકાસમાં પણ ભારે માગ હોવાથી ગુજરાતના રૃનો નિકાસ માર્કેટ પર પણ દબદબો છે. આ વર્ષે ઓછા વરસાદ છતાં વાવેતરનો આંક ૨૭.૭૫ લાખ હેક્ટરે પહોંચ્યો છે. દેશમાં પંજાબ અને હરિયાણામાં સફેદ માખીના ઉપદ્રવથી સરેરાશ ૨૦ ટકા ઉત્પાદન ઘટવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ગત વર્ષની તુલનાએ વરસાદના અભાવે પાંચ ટકા ઉત્પાદન ઘટીને ૭૫ લાખ ગાંસડી રહેવાની સંભાવના છે. પંજાબમાં ૧૦ લાખ ગાંસડી, હરિયાણામાં ૧૮ લાખ ગાંસડી અને તેલંગણામાં ૫૦ લાખ ગાંસડી રૃના ઉત્પાદનનો અંદાજ છે. આ વર્ષે કપાસની નવી સિઝનની શરૃઆતમાં જ ઓછા ઉત્પાદનના અંદાજ વચ્ચે પણ રૃના ભાવમાં ઘટાડો થવાની શરૃઆત થઇ ગઇ છે. વિશ્વ માર્કેટમાં મંદી અને રૃની નિકાસ વધવાની ઓછી સંભાવના વચ્ચે હાલથી જ મંદીનો માહોલ છવાયેલો છે. ખેડૂતો  મૂંઝવણમાં મૂકાઇ જતાં સરકાર પણ કઠોળ, ડુંગળી અને તેલીબિયાં પાકોની જેમ કપાસના ભાવ જળવાઇ રહે તે પ્રકારનાં પગલાં ભરે એ જરૃરી છે. કપાસનું જીડીપીમાં ૪ ટકા યોગદાન રહેવાની સાથે ૯ રાજ્યોમાં મોટાપાયે ખેતી થાય છે.

સપ્ટેમ્બરમાં સમાપ્ત થતા કપાસ વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ઓગસ્ટના અંત સુધી દેશમાંથી કપાસની નિકાસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સીસીઆઇના અંદાજ અનુસાર ચીનથી માંગ ઘટવાને પગલે દેશમાંથી ફક્ત બાવન લાખ ગાંસડી રૃની નિકાસ થઇ શકી છે જે ગયા વર્ષે ૧૧૧ લાખ ગાંસડી હતી. યુએસડીએના રિપોર્ટ અનુસાર ૨૦૧૫-૧૬માં ચીનની કપાસ આયાત ૫૯ ટકા ઘટીને ૧૨.૫ લાખ ટન રહી શકે છે. ગત વર્ષે ૩૦.૭ લાખ ટન કપાસ ચીને આયાત કર્યો હતો. ચીન દુનિયાનો સૌથી મોટો રૃનો વપરાશકાર દેશ છે. આ વર્ષે પણ ભારતમાંથી રૃની નિકાસ ૫૫થી ૬૦ લાખ ગાંસડી થવાની સંભાવના છે. તાજેતરમાં પડેલા વરસાદને પગલે કપાસના પાકને ફાયદો થવા છતાં સીસીઆઇએ રૃના ઉત્પાદનનો અંદાજ ૩૫૦ લાખ ગાંસડી મૂક્યો છે. સીસીઆઇ આ વર્ષે રૃની ખરીદી ઘટાડે તેવા સંજોગો છે કારણ કે ઓછા ઉત્પાદન વચ્ચે બાંગ્લાદેશ અને વિયેતનામ ખાતે ભારતીય રૃની નિકાસ વધે તેવા સંજોગો છે.


 વિશ્વમાં ૨૦૧૫-૧૬માં કપાસનો વપરાશ ૨ ટકા વધવાની સંભાવના છે. સૌથી વધુ કપાસનો વપરાશ ચીનમાં થાય છે. ચીનમાં આ વર્ષે ૭૪ લાખ ટન રૃનો વપરાશ રહે તેવી સંભાવના છે. ભારતમાં કપાસનો વપરાશ ૫૫ લાખ ટન અને પાકિસ્તાનમાં ૨૪ લાખ ટન વપરાશ રહેશે. બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં પણ રૃનો વપરાશ વધે તેવી સંભાવના છે. આ ઉપરાંત તુર્કીમાં ૧૪ લાખ ટન, બાંગ્લાદેશમાં ૧૩ લાખ ટન વિયેતનામમાં ૧૦ લાખ ટન અને અમેરિકામાં ૮૦ હજાર ટન વપરાશ રહે તેવી સંભાવના છે. વિશ્વમાં રૃનો કુલ વપરાશ ૨૩૬ લાખ ટન ઉત્પાદનની સામે ૨૪૬ લાખ ટન રહેશે.


 દેશમાં રૃનું ગયા વર્ષ કરતાં ઓછું ઉત્પાદન છતાં પણ હાલમાં નવા કપાસની આવકોને પગલે રૃના ભાવમાં દબાણ હેઠળ અને બજારમાં નાણાભીડ હોવાથી ભાવ ઊંચકાય તેવી શક્યતા હાલમાં નહિવત્ છે.  સીસીઆઇની પાસે પણ ૧૨થી ૧૫ લાખ ગાંસડી રૃનો જથ્થો કેરી ફોરવર્ડ થાય તેવી શક્યતા છે. નવા રૃની આવક શરૃ થઇ જતાં અને સીસીઆઇના જૂના રૃની ખરીદી ઓછી થતાં સિઝનની અંત સુધી સ્ટોક વધે તેવી સ્થિતિ પેદા થઇ છે. કાપડ અને ગારમેન્ટની ડિમાન્ડ ઘટતાં હાલમાં રૃના ભાવમાં મંદી ચાલુ છે. ચીન પાસે દોઢ વર્ષ ચાલે તેટલો રૃનો જથ્થો પડયો છે અને આ જથ્થો વેચાતો ન હોવાના સંજોગોમાં ચીને રૃની આયાત ઘટાડી નાખી છે. નવા રૃની સિઝન શરૃ થતાં હવે કોઇને પણ જુનું રૃ ખરીદવું નથી જેથી ખરીદદારો ઘટી રહ્યા છે.

No comments:

Post a Comment