Tuesday, 6 October 2015

દુષ્કાળ તરફ ધકેલાતો દેશ : મોંઘવારી ભડકે બળશે


૮૨ ટકા જ વરસાદ રહેવાનો હવામાન વિભાગનો નવો અંદાજ : દેશના ૧૧૫ વર્ષના ઇતિહાસમાં ચોથી વાર સતત બીજા વર્ષે દુષ્કાળની અસર : કોમોડિટીના ભાવમાં ૩૫ ટકાનો ઉછાળો : જળાશયોમાં ૧૦ વર્ષની સરેરાશ કરતાં ઓછો ૯૧.૮૪ બીસીએમ પાણીનો જીવંત જથ્થો : ૧૭ સબડિવીઝનમાં ઓછા વરસાદથી સરેરાશ ૧૪ ટકા ઓછો વરસાદ નોંધાયો : દેશના ૬૧૪ જિલ્લામાંથી ૨૪૪માં વરસાદની અછત અને ૨૬ જિલ્લામાં નહિવત વરસાદ : કર્ણાટક અને મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વિકટ : ગુજરાતમાં ઓગસ્ટમાં માત્ર ૫ ટકા વરસાદ : ધાન્ય, કઠોળ, શેરડી અને કપાસના પાકને સૌથી વધુ અસર પડશે



વરસાદના ક્યાંક ક્યાંક વરસી રહેલા ઝાપટાના સમાચારો ખેડૂતો માટે આશાનું કિરણ જગાવી રહ્યા છે પણ દેશ સતત બીજા વર્ષે દુષ્કાળની તરફ ધકેલાઇ રહ્યો છે એ કડવી વાસ્તવિકતા છે. જૂન, જુલાઇમાં ૧૭ ટકા વધુ વરસાદથી એક તબક્કે અલનીનોની અસર રહેવાનું હવામાન વિભાગનું અનુમાન ખોટું ઠરવાની ઉઠેલી આશા હવે ઠગારી નિવડી છે. જુલાઇમાં દેશમાં ૧૭ ટકા અને ઓગસ્ટમાં ૨૨ ટકા ઓછા વરસાદથી ૬ સપ્ટેમ્બર સુધી દેશમાં ૧૪ ટકા ઓછો વરસાદ વરસ્યો છે. હવે હવામાન વિભાગે દેશમાં ૮૨ ટકા વરસાદ એટલે કે ૧૮ ટકા ઘટ રહેવાની સંભાવના દર્સાવી છે. દેશમાં માત્ર પશ્વિમ બંગાળ અને રાજસ્થાનમાં જ સરેરાશ વરસાદ સારો રહ્યો છે. આસામમાં પૂરથી ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે તો મહારાષ્ટ્રના મરાઠાવાડમાં ખેડૂતો વરસાદની એક એક બૂંદ માટે વલખાં મારી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્રના મરાઠાવાડમાં સૌથી વધુ ૫૨ ટકા વરસાદની ઘટ છે. દેશના ૧૧૫ વર્ષના ઇતિહાસમાં સતત ચોથી વાર એવું બની રહ્યું છે કે, દેશમાં સતત બીજા વર્ષે વરસાદની ઘટ રહી હોય. ૧૯૦૪ અને ૧૯૦૫માં સતત બે વર્ષ વરસાદની ઘટ રહ્યા પછી હવે ૨૦૧૪-૧૫માં સતત બે વર્ષ દુષ્કાળ પડે તેવી સ્થિતિ છે. ૧૧૫ વર્ષમાં સૌથી ઓછો વરસાદ ૨૦૧૫માં ૬૫૦ મિમી. રહ્યો છે, જે સામાન્યની તુલનામાં ૧૪ ટકા ઓછો છે. ગત વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ૭૮૧ મિમી. વરસાદ થયો હતો. દેશમાં સૌથી વધુ વરસાદની ઘટ ૧૯૮૪માં ૧૯ ટકાની અને ૧૯૬૫માં ૧૮ ટકાની રહી છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાથી દેશમાંથી મોન્સૂન પરત ફરવાનું શરૃ થઇ જાય છે. હાલમાં મોન્સૂન રાજસ્થાનના પશ્વિમ ભાગથી પરત ફરી રહ્યું છે. ગુજરાતમાં પણ ૧૫ સપ્ટેમ્બર બાદ મોન્સૂન વિદાય લેશે. દેશમાં ઓછા વરસાદની સૌથી વધુ અસર કૃષિક્ષેત્રને પડી રહી છે. દેશમાં ૧૦.૦૮ લાખ કરોડનું વરસાદ આધારિત બજાર છે. ૧,૪૧૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી ૭૬૦ લાખ હેક્ટર વાવેતર એ વરસાદ ભરોસે જ કરાતું હોય છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની પાકને તાતિ જરૃરિયાત હોય છે. દેશમાં ૯૫ ટકા વાવેતર પૂર્ણ થઇ ગયું છે. વરસાદની અછત છતાં કઠોળના વાવેતર વિસ્તારમાં ૧૧ ટકાનો વધારો નોંધાયો છે. ૪ સપ્ટેમ્બર સુધીમાં વાવેતરનો આંક દેશમાં ૯૭૯ લાખ હેક્ટરે પહોંચ્યો છે. જેમાં ધાન્યપાકોનો વાવેતર આંક ૩૫૭ લાખ હેક્ટર અને તેલિબીયાં પાકોનો વાવેતર વિસ્તાર ૧૭૩ લાખ હેક્ટરે પહોંચ્યો છે. કપાસનું પણ ૧૧૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ૨૦૧૪-૧૫માં વરસાદની ૧૨ ટકા ઘટ રહેતાં અનાજના ઉત્પાદનમાં ૪.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આઇએઆરઆઇના અંદાજ અનુસાર તો સપ્ટેમ્બરમાં વરસાદની અછત રહી તો ખરીફ ઉત્પાદનમાં ઘટાડો ગત વર્ષની તુલનાએ પણ વધુ રહેશે. ૨૦૧૪-૧૫માં ૨,૫૨૬ લાખ ટન ધાન્ય પાકોનું ઉત્પાદન રહ્યું હતું. આમ સતત બીજા વર્ષે ધાન્ય પાકોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. જેથી હવે સપ્ટેમ્બરના વરસાદ પર તમામની નજર છે. હવામાન વિભાગના અંદાજ અનુસાર સપ્ટેમ્બરમાં અલનીનોનો પ્રભાવ વધુ જોવા મળી શકે છે. જેની સીધી અસર કૃષિના વિકાસ દર પર પડી શકે છે. સૌથી વધુ વરસાદની અછતની અસર દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં છે. આ રાજ્યોમાં શેરડી અને કપાસનું વાવેતર થાય છે. 


વરસાદની ઘટની સૌથી વધુ અસર શેરડી, કપાસ અને કઠોળના પાકને થઇ શકે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ખરીફ ઉત્પાદન ઘટી શકે છે. ધાન્યપાકોના ઉત્પાદનના ગઢ ગણાતા હરિયાણામાં ૩૬ ટકા અને પંજાબમાં ૩૭ ટકા વરસાદની ઘટ છે. દેશના ૩૬માંથી ૧૭ સબડિવીઝનમાં વરસાદની માત્ર સામાન્ય અને ૧૭ સબડિવીઝનમાં વરસાદની અછત છે. માત્ર ૨ સબડિવીઝનમાં વરસાદ વધુ માત્રામાં વરસ્યો છે. દેશમાં હાલમાં ૨૦૦૯ જેવી સ્થિતિ ઉભી થવા જઇ રહી છે. વરસાદની અછતથી એગ્રી કોમોડિટીમાં નીચા ભાવથી મંદી અટકી ગઇ છે. ઘણી કોમોડિટીમાં બોટમ ભાવથી ૩૦થી ૩૫ ટકાનો ઉછાળો આવ્યો છે. ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના ઓછી છે. કઠોળમાં ચણાના ભાવમાં એક મહિનામાં ૧૭ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. કઠોળની જંગી આયાત છતાં ડિસેમ્બર સુધી ભાવમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે. વરસાદની ખેંચથી ખરીફમાં ઉત્પાદન ઘટવાની સંભાવના અને રવી સિઝનમાં પણ કઠોળનું ચિત્ર ધૂંધળું દેખાતાં હાલમાં કઠોળના ભાવોમાં તેજી જોવા મળી રહી છે. દેશના ૬૧૪ જિલ્લાઓ પૈકી ૨૪૪ જિલ્લાઓમાં વરસાદની ઘટ અને ૨૬ જિલ્લામાં નહિવત વરસાદ છે. દેશના ૯૧ જળાશયોમાં ૧૫૭.૮૦ બીસીએમ પાણીના જીવંત જથ્થાનો સંગ્રહ થતો હોય છે. ૨૭ ઓગસ્ટ સુધીમાં આ જળાશયોમાં પાણીની માત્રા ૯૧.૮૪ બીસીએમ છે. જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૦૫.૧૧ બીસીએમ હતી. જળાશયોની છેલ્લા ૧૦ વર્ષની સરેરાશ પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા ૧૦૪.૭૨ બીસીએમ છે. 
 હવે સપ્ટેમ્બરના અંતમાં વરસાદ ન પડયો તો આ જળાશયોનું પાણી જ પીવામાં અને સિંચાઇમાં લેવાતું હોવાથી ખેડૂતોની સ્થિતિ વધુ કથળે તેવી સંભાવના છે. ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદની ઘટ હવે વધી રહી છે. ૭મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ૬૬ ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદની ઘટ વડોદરા જિલ્લામાં છે. વડોદરામાં માત્ર ૩૨ ટકા વરસાદ વરસ્યો છે. ખેડા, આણંદ, દેવભૂમી દ્વારકા, પોરબંદર, નર્મદા અને ડાંગ જિલ્લામાં ૫૦ ટકાથી પણ ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદથી ઘટ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં છે. જ્યાં માત્ર ૪૯.૮૦ ટકા વરસાદ થયો છે. જુલાઇના અંત સુધી ૬૧ ટકા વરસાદનો આંક ઓગસ્ટના અંત સુધી ૬૬ ટકાએ પહોંચ્યો છે. આમ ઓગસ્ટમાં ગુજરાતમાં માત્ર ૫ ટકા વરસાદ પડયો છે. સપ્ટેમ્બરમાં ઘટ હવે વધી રહી છે. ગુજરાતમાં કપાસ, મગફળી અને કઠોળ પાકની સ્થિતિ હવે કથળી રહી છે. એક સપ્તાહ સુધી વરસાદ નહીં થાય તો ખરીફ ખેતીમાં સમસ્યા સર્જાવાની શક્યતા છે. ખેડૂતો હવે તો હાથિયો વરસવાની પણ રાહ જોઇ રહ્યા છે. દેશમાં ૫૭ ટકા લોકો આડકતરી રીતે કૃષિક્ષેત્ર પર નિર્ભર હોવાથી વરસાદની ઘટની અસર કૃષિક્ષેત્રની સાથે સંકળાયેલા બિયારણ, ખાતર, સિંચાઇ અને ખેતઓજાર સહિત ઓટોમોબાઇલ, સોનાચાંદી, રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોને પણ અસર પહોંચાડી શકે છે. હવામાન વિભાગના અંદાજ અનુસાર ૯૦ ટકાથી ઓછો વરસાદ એ દુષ્કાળના લક્ષણો છે જ્યારે હાલમાં વરસાદની ઘટ ૧૪ ટકાથી પણ વધારે છે. એટલે એ કહેવું યોગ્ય ગણાશે કે દેશ દુષ્કાળ તરફ ધકેલાઇ રહ્યો છે.

No comments:

Post a Comment