Monday, 25 August 2014

રાજ્યમાં જીરુંનું વાવેતર ઘટશે


મોડા વરસાદ અને કપાસના સારા ભાવે મગફળીનું વાવેતર ઘટાડયુંં : જીરુંના વાવેતર વિસ્તારસમા સૌરાષ્ટ્રમાં કપાસના વાવેતરમાં ૩ લાખ હેક્ટરનો વધારો અને મગફળીના વાવેતરમાં ૪ લાખ હેક્ટરનો ઘટાડો : ૨૦૧૩માં ૪.૫૫ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું : જીરુંની જમીન ખેડૂતોએ કપાસને ફાળવી દીધી 

રાજ્યમાં મગફળીના ઉત્પાદન બાદ નવેમ્બરમાં ખેડૂતો જીરુંનું વાવેતર કરતા હોય છે. ગત વર્ષે રવી સીઝનમાં ૪.૫૫ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું, પરંતુ ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય મસાલાપાક જીરુંનું વાવેતર કપાય તેવી સંભાવના છે. જીરુંનું વાવેતર મોટાભાગે મગફળીના વાવેતર વિસ્તાર પર નિર્ભર છે. મોડા વરસાદ અને ઓછા ભાવને પગલે ખેડૂતોએ મગફળીનું વાવેતર ટાળી કપાસમાં ઝંપલાવતાં મગફળીનું રાજ્યમાં ૧૨.૧૦ લાખ હેક્ટરમાં વાવેતર થયંું છે. કપાસનો પાક ૨૦૦ દિવસનો હોવાની સાથે જીરુંના વાવેતર વિસ્તારસમી સૌરાષ્ટ્રની જમીનો ખેડૂતોએ કપાસને ફાળવી દેતાં જીરુંના વાવેતર પર તેની સીધી અસર પડશે. હાલમાં ઊંઝા યાર્ડમાં જીરુંની ૫થી ૬ હજાર બોરીની આવક આવવાની સાથે મણના ભાવ રૃપિયા ૧૯૦૦થી ૨૧૦૦ ચાલી રહ્યા છે. મગફળીનું રાજ્યમાં ૪ લાખ હેક્ટર વાવેતર કપાવાની સાથે કપાસના વાવેતરમાં રેકોર્ડબ્રેક ૩ લાખ હેક્ટરનો વધારો જીરુંનું વાવેતર કાપશે અને નવી સીઝનમાં જીરુંનું વાવેતર મોડું થશે. દેશમાં હાલમાં જીરુંનો ૨૦થી ૨૫ લાખ બોરી સ્ટોક હોવાથી નિકાસમાંગમાં ઉછાળો છતાં ભાવ સરેરાશ જળવાઈ રહ્યા છે. જોકે, નવી સીઝનમાં જીરુંના ભાવમાં ઉછાળો રહે તેવી શક્યતા છે. 
વિ શ્વમાં સૌથી વધુ મસાલા પાકોનું ઉત્પાદન કરતો દેશ ભારત છે. દેશમાં જીરુંના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭૦ ટકાથી પણ વધુ છે. ત્યાર પછી રાજસ્થાન આવે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ મુજબ ૩.૫૦ લાખ હેક્ટરની આસપાસ જીરુંનું વાવેતર થાય છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ગુજરાતમાં જીરુંનું વાવેતર અંદાજે ૩.૩૫ લાખ હેક્ટરમાં થયું હતું જે અગાઉના વર્ષ કરતાં ૧૦ ટકા ઓછું હતું. ગુજરાતમાં જીરુંનું વાવેતર ગત વર્ષે ૪.૫૫ લાખ હેક્ટરમાં થયું હતું.
 છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દેશમાં જીરુંનું ઉત્પાદન સારું થયું હોવા છતાં ઘરઆંગણે જીરુંના ભાવ રૃ.૨૨૦૦ની આસપાસ જળવાઈ રહ્યા છે. જીરંુના મુખ્ય નિકાસકારો સીરિયા અને તુર્કી છે, પરંતુ તેમનું ઉત્પાદન જૂન અને જુલાઈના અંતમાં મોડું આવે છે. ભારતીય જીરુંની નિકાસ યુએસ, યુકે, યુએઈ, જાપાન, બ્રાઝિલ વગેરે દેશોમાં કરવામાં આવે છે.  જીરુંનો દેશમાં ર્વાિષક વપરાશ ૩૬થી ૩૮ લાખ ગૂણી છે જેમાં દર વર્ષે વધારો થતો જાય છે. ભારતમાં ૪૦-૪૨ લાખ ગૂણી જીરુંના ઉત્પાદનના અંદાજ વચ્ચે ૨૦૧૩-૧૪માં વાવેતર વધતાં ૪૫થી ૫૦ લાખ ગૂણી જીરુંનું ઉત્પાદન થયું હતું. ગુજરાતમાં જીરુંના સૌથી મોટા માર્કેટ ગણાતા ઊંઝામાં હાલમાં ૫થી ૬ હજાર બોરીની આવક આવી રહી છે અને ભાવ ૧૯૦૦થી ૨૧૦૦ ચાલી રહ્યા છે. દેશમાં ૨૦૧૦-૧૧માં ૩૫ લાખ ગૂણી જ્યારે ૨૦૧૧-૧૨માં ૪૦ ગૂણી જીરુંનું ઉત્પાદન થયું હતું. મસાલા બજારના રિપોર્ટ મુજબ ૨૦૧૨-૧૩માં એક લાખ ગૂણી જીરુંની નિકાસ થઈ છે.
  ગુજરાતમાં કપાસનું ૨૯.૩૦ લાખ હેક્ટર અને મગફળીનું ૧૨.૧૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. વરસાદ ખેંચાતાં વાવેતર પણ લંબાતા ખેડૂતોએ જુલાઇ મધ્ય બાદ કપાસ અને મગફળીની વાવણી કરી છે. રાજ્યમાં જીરુંનંુ વાવેતર મોટાભાગે મગફળીનો પાક લીધા બાદ ખાલી પડતી જમીનમાં ખેડૂતો કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે રાજ્યમાં મોડું વાવેતર અને કપાસના વધેલા વાવેતરને પગલે જીરુંનું વાવેતર કપાય તેવી સંભાવના છે. ગત વર્ષે મગફળીનું ૧૬.૪૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં નવેમ્બરમાં મગફળીનાં ખાલી પડેલાં ખેતરોમાં ખેડૂતોએ સારા ભાવને પગલે જીરુંનું વાવેતર કરતાં  વાવેતરનો આંક ૪.૫૫ લાખ હેક્ટરે પહોંચી ગયો હતો, પરંતુ આ વર્ષે સ્થિતિમાં ફેરફાર છે. મગફળીના ખેડૂતોને ઓછા મળેલા ભાવ અને કપાસના સરેરાશ ભાવ અને વરસાદની અછત બાદ મગફળીમાં ઉભડી મગફળીના વાવેતરની સ્થિતિ જ બાકી રહેતાં આ વર્ષે મગફળીના ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે.
  કપાસનો પાક ૧૯૦થી ૨૩૦ દિવસનો હોવાથી જીરુંના વાવેતરનો યોગ્ય સમયગાળો પૂર્ણ થઇ જતો હોવાથી આ વર્ષે કપાસના વધેલા વાવેતરની અસર જીરુંના વાવેતરને પડે તેવી પૂરી સંભાવના છે. જીરુંના વાવેતર માટે હબ ગણાતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ વાવેતર કપાયું છે. ૨૦૧૩માં આ વિસ્તારમાં મગફળીનું વાવેતર વધતાં ખેડૂતોએ ખાલી પડેલી જમીનમાં જીરુંનું વાવેતર કર્યું હતું. સૌરાષ્ટ્રમાં ગત વર્ષે મગફળીનું ૧૪.૩૮ લાખ હેક્ટર અને કપાસનું ૧૬.૯૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે ચાલુ વર્ષે મગફળીનું ૧૦.૦૮ લાખ હેક્ટર અને કપાસનું ૨૦.૦૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. 



ગુજરાતમાં જીરુંનું વાવેતર
પાક       સરેરાશ   ૨૦૧૩   ૨૦૧૪
જીરું       ૩.૪૯    ૩.૩૫    ૪.૫૫
કપાસ     ૨૭.૧૭  ૨૬.૬૨  ૨૯.૩૦
મગફળી  ૧૪.૩૯  ૧૬.૪૯  ૧૨.૧૦
નોંધ વાવતેરના આંક લાખ હેક્ટરમાં છે.

દેશમાં જીરુંનો સ્ટોક અને નિકાસની સ્થિતિ

હાલ સમગ્ર દેશમાં જીરુંનો સ્ટોક ૨૦થી ૨૫ લાખ બોરી (એક બોરી =૫૫ કિલો) છે. ગુજરાતના  માર્કેટયાર્ડોની અંદર ૨૦ લાખ બોરી સ્ટોક છે. જ્યારે જોધપુરમાં ૩થી ૪ લાખ બોરી સ્ટોક છે. અત્યાર સુધી નવી સીઝનના પાકનો ૫૦ ટકા હિસ્સો જોધપુરના બજારમાં આવી ચૂક્યો છે. તો એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૩માં જીરુંની નિકાસ ૯૬,૫૦૦ ટન થઈ હતી જે પાછલા વર્ષના મુકાબલે ૮૯ ટકા વધારે છે. જાણકારોના મતે જીરુંનો સપ્ટેમ્બર વાયદો વર્ષના અંત સુધીમાં ૧૨,૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરે કારોબાર કરી શકે છે. 

રાજસ્થાનમાં જીરું અને વરિયાળી પરથી વેટ નાબૂદ
રાજસ્થાનમાં જીરું અને વરિયાળી પર લગાવાયેલા ૫ ટકા વેટને વેપારીઓના ભારે વિરોધ બાદ સરકારે નાબૂદ કરી દીધો છે. જીરું અને વરિયાળી પરથી વેટ નાબૂદ કરાતા  ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ગત ૧૪ જુલાઈના રોજ સામાન્ય બજેટમાં રાજસ્થાન સરકારે જીરું અને વરિયાળી ઉપર ૫ ટકા વેટ લગાવી દીધો હતો. 

મગફળીમાં ખેડૂતોને ટેકાના ભાવ પણ ન મળ્યા
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખરીફ સીઝનનો મુખ્ય પાક ગણાતા મગફળીનું ખેડૂતોએ ગત ખરીફમાં ૧૬.૪૯ લાખ હેક્ટરમાં વાવેતર કરતાં હેક્ટરદીઠ ઉતારા પણ વધતાં ઉત્પાદન ૨૫ લાખ ટને પહોંચ્યું હતું. પરિણામે ઉત્પાદનની સામે માંગ ન રહેતાં ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવથી પણ નીચા ભાવે વેચાણ કરવું પડયું હતું. આમ, ખેડૂતોને સરેરાશ નુક્સાની સહન કરવી પડી હતી. જ્યારે કપાસમાં મણે રૃ.૭૫૦થી રૃ.૯૦૦ના ભાવ જળવાતાં ખેડૂતો ફાયદામાં રહ્યા છે. જેથી આ વર્ષે મગફળીના ખેડૂતો પણ કપાસની ખેતી તરફ વળતાં કપાસનું વાવેતર વધ્યું છે જેની અસર જીરુંના વાવેતર પર પડશે. ફ


કપાસ અને મગફળીના વાવેતરની બે વર્ષની તુલના
                                                           ૨૦૧૩                                       ૨૦૧૪
જિલ્લા          મગફળી              કપાસ            જીરું            મગફળી             કપાસ
કચ્છ                  ૭૦,૨૦૦            ૭૮,૫૦૦             ૩૧,૯૦૦         ૧૮,૩૦૦            ૫૩,૬૦૦
બનાસકાંઠા          ૫૨,૨૦૦            ૪૫,૮૦૦            ૭૧,૪૦૦          ૫૦,૦૦૦            ૪૦૪૦૦
મહેસાણા            ૬૪,૦૦               ૫૧,૨૦૦             ૫,૯૦૦            ૭,૭૦૦             ૫૪૦૦૦
સાબરકાંઠા            ૮૨,૩૦૦            ૧,૨૬,૧૦૦          ૧,૬૦૦            ૨,૯૩૦૦            ૧,૧૮,૦૦
કુલ                     ૧,૪૩,૭૦૦         ૩,૧૫,૮૦૦         ૧,૩૬,૧૦૦     ૧,૦૫૧,૦૦         ૩,૧૯,૬૦૦
અમદાવાદ            ૧૦૦                  ૧,૮૫,૭૦૦         ૩૦,૦૦૦         ૧૦૦                ૧,૪૮,૨૦૦
સુરેન્દ્રનગર           ૨૬,૪૦૦            ૪,૧૫,૭૦૦          ૧,૦૮,૯૦૦       ૬,૪૦૦            ૩,૬૯,૦૦૦
રાજકોટ               ૩,૨૬,૮૦૦         ૩,૩૯,૪૦૦         ૪૮,૨૦૦         ૨,૨૫,૫૦૦         ૨,૭૩,૫૦૦
જામનગર              ૩,૫૭,૨૦૦         ૧,૮૦,૧૦૦         ૪૪,૦૦૦          ૧,૩૯૩,૦૦         ૧,૭૯,૯૦૦
પોરબંદર               ૮૫,૪૦૦            ૮,૯૦૦              ૨૬,૬૦૦        ૬,૭૮,૦૦           ૨૧,૨૦૦
જૂનાગઢ               ૩,૮૬,૨૦૦         ૭૯,૨૦૦            ૨૦,૩૦૦          ૨,૨૪,૭૦૦         ૯૪,૯૦૦
અમરેલી               ૧,૩૭,૮૦૦         ૩,૪૬,૨૦૦         ૫,૦૦૦           7૦,૮૦૦            ૪,૧૨,૨૦૦
ભાવનગર              ૧,૧૮,૫૦૦         ૩,૨૫,૨૦૦         ૨,૮૦૦           ૬૨,૦૦૦            ૨,૧૬,૧૦૦
સૌરાષ્ટ્ર                   ૧૪,૩૮,૩૦૦      ૧૬,૯૪,૭૦૦      ૨,૫૫,૯૦૦      ૧૦,૮૦,૫૦૦      ૨૦,૦૮,૨૦૦
કુલ                       ૧૬,૬૦,૩૦૦      ૨૬,૯૧,૧૦૦      ૪,૫૫,૦૦૦       ૧૨,૧૦,૦૦૦      ૨૯,૩૦,૦૦૦

નોંધ  : જીરુંના વાવેતર માટે મગફળીનું વાવેતર સૌથી વધુ અસરકારક રહેતું હોય છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 20 August 2014

મહીયાઓનું બલિદાન ખાંભીઓમાં જડાયું

અંગ્રેજ સરકારે 1930માં મીઠા પર કર લગાવતાં આઝાદી માટે અહિંસક લડાઈ છેડનાર ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી. આ દાંડીકૂચનો સત્યાગ્રહ ઇતિહાસનાં પાનાંમાં અજર-અમર થઈ ગયો છે. ઈ.સ. 1883 એટલે કે 131 વર્ષ પૂર્વે જૂનાગઢ સલ્તનતની રક્ષા કાજે લોહી વહાવી બક્ષિસમાં મેળવેલા ગરાસો પર લદાયેલા કર સામે અહિંસક આંદોલન છેડનારા મહીયા શૂરવીરોનાં માથાં વાઢી નાખવાનો જઘન્ય હત્યાકાંડ એટલે ‘કનડાનો કેર’, જે આજે ઇતિહાસના ખૂણામાંં ધરબાઈ ગયો છે. નિ:શસ્ત્ર મહીયા ક્ષત્રિય શૂરવીરોની હત્યાના ઇરાદે જૂનાગઢની સલ્તનતે આચરેલું ભયંકર જંગલિયતભર્યું અમાનવીય કૃત્ય મહીયાઓના ઉપકારનો બદલો અપકારથી વાળનારું હતું. પોષ માસની કડકડતી ઠંડી અને બે દિવસ માવઠાથી ભૂખ્યા-તરસ્યા મહીયા ઠંડીમાં ઠૂંઠવાતા એક સોનેરી સવાર ઊગવાનાં સપ્નાં સેવતા હતા. આગલી રાત્રે જ મહીયાઓએ સમાધાનરૂપે સલ્તનતની સામે અહિંસક આંદોલન પૂરું કરી કનડાનો ડુંગર છોડવાનો નિર્ણય લીધો હતો. એક મહિનાની વાટાઘાટોને અંતે સલ્તનત અને મહીયા વચ્ચે આખરે મડાગાંઠ ઉકેલાતાં તેઓ મનમારીને પણ ખુશ હતા. પરંતુ આ એક જઘન્ય હત્યાકાંડની ચાલ હોવાનો તેમને સપ્ને પણ ખ્યાલ ન હતો. મહીયા જાતિના 350 માણસો વહેલી સવારે ભરઊંઘમાં હતા ત્યારે જૂનાગઢ પોલીસ અને શીબંદીના 900 સશસ્ત્ર માણસોએ ત્રાટકી નરસંહાર કર્યો હતો. શૂરવીરોએ કર ન ચૂકવવા અહિંસક આંદોલન થકી મૃત્યુની સોડ તાણી કનડા ડુંગરને લોહીથી ભીંજવી દીધો પરંતુ આજે આ ઐતિહાસિક ઘટનાક્રમનું કાયમી સ્મારક કે પ્રવાસન સ્થળ ઊભું કરવામાં શાસકોનું લોહી થીજી ગયું છે. દર વર્ષે જૂનાગઢમાં સાસણગીર અને ગીરનારથી 30 લાખથી પણ વધુ લોકો મુલાકાત લે છે પરંતુ જૂનાગઢની સલ્તનત સામે અહિંસક આંદોલન ચલાવી મોતને વ્હાલું કરનાર 82 શૂરવીરોના ખાંભીસ્થળે આજે પણ ગણ્યાગાંઠો લોકો આવે છે. એમાં વાંક પર્યટકોનો નથી પણ જૂનાગઢની સલ્તનતની બગાવત સામે મોતને ભેટનાર મહીયાઓને ભૂલી જનારા વાંકદેખા તંત્રનો છે. કુળગૌરવ, ટેક, વટ અને ખમીર માટે આ મહીયા વીરોએ શહાદત વહોરી લઈ સૌરાષ્ટ્રના  ઇતિહાસમાં અને સાહિત્યમાં એક અજોડ, અભૂતપૂર્વ અને અનોખી ગાથા ઉમેરીને સોરઠને ગૌરવ અપાવ્યું છે, પરંતુ સોરઠ આ શૂરવીરોની શહાદતને ગૌરવ અપાવી શકયું નથી.






Monday, 18 August 2014

દેશમાં ચોખાનું ઉત્પાદન ઓછું રહેશે


વર્ષ ૨૦૧૪-૧૫માં ચોખાનું વૈશ્વિક ઉત્પાદન ૪૭૭૩ લાખ ટન અને  ચોખાનો વૈશ્વિક અંતિમ સ્ટોક ૧૦૪૦ લાખ ટન રહેવાની સંભાવના : ભારતમાં ચોખાનું ૫૦થી ૮૦ લાખ ટન ઉત્પાદન ઓછું રહેવાનો યુએસડીએનો અંદાજ : વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ૮ ઓગસ્ટ સુધીમાં ૨૭૩ લાખ હેક્ટરમાં વાવેતર : ૧૦૦૦ લાખ ટન ચોખાનું વર્ષ ૨૦૧૪-૧૫માં ઉત્પાદન રહેવાનો અંદાજ : શ્રીલંકા ભારતમાંથી ૫૦,૦૦૦ ટન ચોખાની આયાત કરે તેવી સંભાવનાઓ : ગત વર્ષે ૧૦૬૦ લાખ ટન ઉત્પાદન રહ્યું હતું  : ગુજરાતમાં ખરીફ ડાંગરના વાવેતરનો આંક ૬.૩૦ લાખ હેક્ટરે પહોંચ્યો  : ૭.૩૬ લાખ હેક્ટરમાં થતું વાવેતર

દેશમાં ખરીફ સીઝનમાં ડાંગરની મોટાપાયે વાવણી થાય છે. વિવિધ રાજ્યના ચોખા પકવતા ખેડૂતો વરસાદ વરસે ને ડાંગરની વાવણીનાં તુરંત મંડાણ કરતા હોય છે. જો કે આ વર્ષે વરસાદે ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ખરીફ સીઝનની અંદર ડાંગરની વાવણી મોડી પડતાં ઉતારાને પણ ફટકો પડે તેવી સંભાવના છે. ૨૦૧૩-૧૪માં ૧૦૬૦ લાખ ટન ચોખા પાકતાં હાલમાં એન્ડિંગ સ્ટોક ૨૫૩ લાખ હોવાની સાથે નવી સીઝનમાં ૧૦૦૦ લાખ ટન આસપાસ ચોખાનું ઉત્પાદન રહે તેવો અંદાજ છે. ગુજરાતમાં ડાંગરના વાવેતરને વરસાદના અભાવે મોટો ફટકો પડયો છે. દેેશમાં સરેરાશ ૩૯૦ લાખ હેક્ટરમાં વાવેતર થતું હોવાથી હજુ વાવેતર વધે તેવી સંભાવના હોવા છતાં ગત વર્ષની તુલનાએ ઘટાડો રહેશે. ચોખાનો દેશમાં ર્વાિષક વપરાશ ૯૦૦ લાખ ટનથી પણ વધારે છે. ચોખાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં અગ્રીમ હરોળનો દેશ છે. દેશમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં ૨૭૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. યુએસડીએના એક અંદાજ અનુસાર ચોખાનું ઉત્પાદન દેશમાં ૫૦થી ૮૦ લાખ ટન ઓછું રહેશે. હાલમાં પણ ચોખા પકવતા રાજ્યોમાં વરસાદની ઘટ છે.

દુ નિયાની અડધી માનવજાતિ ખોરાક  તરીકે ઉપયોગ કરતી હોય તેવો મહત્ત્વનો  પાક ડાંગર છે. એશિયામાં ભારત, ચીન, થાઇલેન્ડ, વિયેતનામ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા સહિતના અનેક દેશોમાં ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે. ચાવલ, ચોખા, પેડી અને ભાત જેવાં નામોથી ઓળખાતો આ ધાન્યપાક કૃષિ ઉત્પાદન તથા કૃષિ અર્થકારણની દૃષ્ટિએ મહત્ત્વનો ધાન્ય પાક છે. એશિયા ખંડના ખેડૂતો દુનિયાની જરૃરિયાતની ૯૦ ટકા ડાંગર પકવે છે. ભારત વિશ્વમાં ડાંગર ઉત્પાદનનો અગ્રણી દેશ છે. અંદાજે ૪૦૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર અને ૧૦૦૦ લાખ ટન ઉત્પાદન થાય છે. દેશમાં થતા કુલ વાવેતરનો ૩૦ ટકા જેટલો હિસ્સો ડાંગરનો છે. ડાંગરનું વાવેતર કરતાં રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને કર્ણાટક રાજ્યનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં પણ સરેરાશ ૭.૩૬ લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થાય છે.
    ચાલુ વર્ષે ખરીફ ડાંગરના વાવેતરમાં ઘટાડો નોંધાવાની સાથે ૧૧ ઓગસ્ટ સુધીમાં ૬.૩૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ડાંગરનું ઉત્પાદન લેનારાં રાજ્યના જિલ્લાઓમાં અમદાવાદ, ખેડા, બનાસકાંઠા, વડોદરા, ભરૃચ, વલસાડ તથા ગાંધીનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. એક માહિતી મુજબ દેશમાં ૭૧ લાખ ટનથી વધુ બાસમતી ચોખાનુંં ઉત્પાદન થાય છે. આ બાસમતી ચોખાની મધ્ય પૂર્વના દેશોમાં ભારે ડિમાન્ડ રહે છે. સમગ્ર દેશમાં ડાંગર એ મહત્ત્વનો ખરીફ પાક હોવાથી ખાસ કરીને પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં ડાંગરની ચોમાસામાં મોટા પાયે વાવણી થાય છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૦૦૦ લાખ ટનની આસપાસ ચોખાનું ઉત્પાદન રહી શકે છે. જે ગત વર્ષે ૧૦૬૦ લાખ ટન રહ્યું હતું. ખાદ્ય મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પંજાબમાં ૨૫ ટકાના વધારા સાથે સૌથી વધારે ચોખાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ખરીફ સીઝનમાં ચોખાનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં ચોખાની ખરીદી માટે વિશેષ સેન્ટરો ઊભાં કરવા માટે સૂચન પણ કરી દેવામાં આવ્યું છે. જો કે એક તરફ દેશનાં વિવિધ રાજ્યોમાં ખરીફ સીઝનમાં ડાંગરની વાવણી સારી રહેતાં આ વર્ષે ઉત્પાદન સારંું આવવાના પણ અંદાજો લગાવાઈ રહ્યાં છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ડાંગરની વાવણી સારી એવી થતા ઉત્પાદન ૧૦૬૦ લાખ ટન રહેવાનો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
       કટકસ્થિત રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના જણાવ્યા પ્રમાણે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને બિહારમાં સારા વરસાદને પગલે ડાંગરની વાવણીમાં સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે જુલાઈના અંતમાં વરસાદ વરસતા કેટલાંક ખેડૂતોએ નર્સરીમાં ધરુઉછેર કરાવ્યું હતું અને ત્યારબાદ તેની રોપણી કરી હતી. જો કે ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૪ના મુકાબલે આ વર્ષે ચોખાનું ૫૦થી ૮૦ લાખ ટન ઓછું ઉત્પાદન રહેશે, જ્યારે મોટાં અનાજ અને કઠોળના ઉત્પાદનમાં પણ નજીવો ઘટાડો જોવા મળશે.  તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને ઉત્તરનાં રાજ્યોમાં સિંચાઈની સુવિધા અને પંપ સેટની જોગવાઈને પગલે ડાંગરના પાકને વ્યાપક નુકસાન નથી પહોંચ્યું, પરંતુ વરસાદની ઘટને પગલે વાવણી ઘટતાં આ વર્ષે ઉત્પાદન ઓછું આવવાની શક્યતાઓ ચોક્કસ રહેલી છે.  


ભારતમાંથી ચોખાની નિકાસ ઘટવાનો યુએસડીએનો અંદાજ
અમેરિકાના કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે ભારતમાંથી વર્ષ ૨૦૧૩-૧૪ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) માર્કેટિંગ વર્ષમાં ૧૦૦ લાખ ટન નિકાસ કરવામાં આવી હતી. જે ગત વર્ષ ૨૦૧૨-૧૩ના સમયગાળામાં ૧૦૮ લાખ ટન રહી હતી. યુએસડીએના અંદાજ મુજબ વર્ષ ૨૦૧૪-૧૫ના માર્કેટિંગ વર્ષમાં ભારતમાંથી ૨૦ ટકાના ઘટાડા સાથે ૮૦ લાખ ટનની આસપાસ ચોખાની નિકાસ રહેશે. ખાસ કરીને ઉત્પાદન ઓછું આવવાને પગલે અને સપ્લાય સિસ્ટમ પર ભારે અસર રહેવાને કારણે નિકાસમાં ઘટાડો જોવા મળશે. યુએસડીએના અંદાજ પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૧૪-૧૫માં વાવણીમાં ઘટાડો થવાને પગલે  ૬ ટકાના ઘટાડા સાથે ૯૯૫ લાખ ટન ચોખાનું ઉત્પાદન રહેશે. યુએસડીએએ પોતાના અંદાજમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે વર્ષ ૨૦૧૪-૧૫માં ભારતમાં ખરીફ સીઝનમાં ડાંગરની વાવણીમાં ગત વર્ષની તુલનાએ ૩ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. 


સરકાર પાસે કુલ ૨૫૫ લાખ ટન ચોખાનો બચેલો સ્ટોક

ડાંગરનો પાક આમ તો ૧૪૦થી ૧૫૦ દિવસની અંદર તૈયાર થતો હોય છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તેની કાપણી પણ મોડી થવાના અંદાજો વ્યક્ત કરાઈ રહ્યાં છે. જો કે હજુ પણ કેટલાંક રાજ્યોની અંદર વાવણી પ્રક્રિયા યથાવત્ હોવાને કારણે ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી. એટલે ઓગસ્ટના બીજા અને ત્રીજા અઠવાડિયા પછી આખી સ્થિતિ સ્પષ્ટ થઈ શકે તેમ છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક તબક્કે પિયત વ્યવસ્થા પૂરી પાડીને ડાંગરની રોપણી કરવામાં આવી હતી, પરંતુ એક તરફ વરસાદ ખેંચાતા ડાંગર પકવતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારે 'બ્રિંગ ગ્રીન રિવોલ્યુશન ટુ ઈસ્ટર્ન ઈન્ડિયા' હેઠળ કેન્દ્ર સરકારે ડાંગરનું ઉત્પાદન વધારવા માટે ૧૦૦૦ કરોડ રૃપિયાની સહાયની પણ જોગવાઈ કરી છે. આ સહાય હેઠળ આસામ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને આવરી લેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧ જુલાઈ, ૨૦૧૪ની સ્થિતિએ ભારત સરકાર પાસે કુલ ૨૫૫ લાખ ટન ચોખાનો સ્ટોક બચેલો છે. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં સરકાર પાસે ૩૧૫ લાખ ટન ચોખાનો સ્ટોક હતો. જે ગત વર્ષ કરતાં ૧૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. નિષ્ણાતોના મતે વર્ષ ૨૦૧૪-૧૫માં ભારતમાંથી ૯૫ લાખ ટન ચોખાની નિકાસ થઈ શકે છે. ખાસ કરીને શ્રીલંકા ભારતમાંથી ૫૦,૦૦૦ ટન ચોખાની આયાત કરે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. વળી વર્ષ ૨૦૧૪-૧૫માં શરૃઆતનો સ્ટોક અને ઉત્પાદન બંને ઓછું રહેશે. જેની સીધી અસર વૈશ્વિક ઉત્પાદન પર પણ પડી શકે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ચોખાનું વૈશ્વિક ઉત્પાદન ૪૭૭૩ લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે વર્ષ ૨૦૧૪-૧૫માં ચોખાનો વૈશ્વિક એન્ડિંગ સ્ટોક ૧૦૪૦ લાખ ટન રહેવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ભારત, ચીન, અને ફિલિપાઈન્સમાં એન્ડિંગ સ્ટોક ઓછો રહેવાનું અનુમાન છે જ્યારે બ્રાઝિલ, વિયેતનામ અને અમેરિકામાં એન્ડિંગ સ્ટોક સમતોલ રહેશે. 


ચોખાના ઉત્પાદનમાં ટોપટેન રાજ્ય
રાજ્ય                             ઉત્પાદન ( % )
પશ્ચિમ બંગાળ                 ૧૫.૮૦
આંધ્રપ્રદેશ                        ૧૨.૭૧
ઉત્તરપ્રદેશ                        ૧૧.૯૧
પંજાબ                            ૧૦.૮૬
ઓરિસ્સા                        ૭.૩૧
તામિલનાડુ                       ૭.૮
છત્તીસગઢ                        ૫.૪૦   
બિહાર                            ૫.૩૪
કર્ણાટક                           ૩.૭૦
હરિયાણા                          ૩.૬૧
નોંધ  :ઉત્પાદનનો હિસ્સો ટકામાં છે

ચાર વર્ષમાં ચોખાનું ઉત્પાદન
વર્ષ                    ઉત્પાદન
૨૦૧૦-૧૧         ૯૫૯
૨૦૧૧-૧૨         ૧૦૫૩
૨૦૧૨-૧૩         ૧૦૫૪
૨૦૧૩-૧૪         ૧૦૬૨
૨૦૧૪-૧૫         ૧૦૦૦

નોંધઃ ઉત્પાદનના આંક લાખ ટનમાં છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 12 August 2014

કપાસ અને મગફળીની ઉત્તમ સ્થિતિ


મોડા પણ સાર્વત્રિક વરસાદથી ખરીફ વાવેતરને ફાયદો : કપાસનો વાવેતર આંક ૨૮.૨૦ લાખ હેક્ટરે જ્યારે મગફળીનો વાવેતર આંક ૧૨ લાખ હેક્ટરે પહોંચ્યો  : સૌરાષ્ટ્રમાં મગફળીના પાકની સારી સ્થિતિથી વાવેતરમાં ઘટ છતાં ઉતારા સારા રહેવાની સંભાવના : કપાસની સપ્ટેમ્બરમાં સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા  : રાજ્યમાં ૫૪ ટકા વરસાદ વચ્ચે વાવેતર ૭૫ ટકા  : કપાસ અને મગફળીનો વાવેતર વિસ્તાર મુખ્યત્વે વરસાદ પર આધારિત : વરસાદ સારો રહેશે તો ઉત્પાદનમાં ખેડૂતોને ફાયદો  : સૌરાષ્ટ્રમાં ૧૯ લાખ હેક્ટરમાં કપાસની વાવણી

મોડા પણ વરસેલા સાર્વત્રિક વરસાદે ખરીફ પાકોનું ચિત્ર બદલી નાખ્યું છે. ખરીફ પાકમાં સૌથી વધુ ફાયદો કપાસ અને મગફળીના પાકને થયો છે. ગુજરાતમાં ૫૪ ટકા વરસાદ વચ્ચે પણ કપાસનું વાવેતર ૨૮.૨૦ લાખ હેક્ટર અને મગફળીનું ૧૨ લાખ હેક્ટરે પહોંચ્યું છે. સમયસર વરસાદથી પાક હાલમાં ઉત્તમ સ્થિતિમાં હોવાથી મગફળીમાં વાવેતરની ઘટ છતાં ઉતારા સારા રહે તેવી શક્યતા છે. કપાસમાં પણ ઉજળા સંજોગોથી ઉત્પાદનનો આંક ૧૧૫ લાખ ગાંસડીને વટાવે તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. રાજ્યમાં વરસાદથીે મગફળીનું ૮૩ ટકા અને કપાસનું ૧૦૩ ટકા વાવેતર થયું છે. દેશમાં મગફળીનું ૨૮.૪ લાખ હેકટર વાવેતર એટલે કે ગત સાલ કરતાં ૨૩ ટકા ઓછું રહ્યું છે. ગુજરાતમાં વાવેતરમાં ઘટ છતાં ઉત્પાદન ૨૦ લાખ ટનની આસપાસ રહેવાની સંભાવના છે. કપાસમાં પણ વાવેતરનો આંક દેશમાં ૧૧૦ લાખ હેક્ટરના આંકને વટાવી ગયો છે. દેશમાં કપાસનું ઉત્પાદન ૪૦૦ લાખ ગાંસડીના આંકને વટાવે તેવી શક્યતા છે જ્યારે ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી બોર્ડ ૩૫૨ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થવાનો અંદાજ મૂકે છે. 

ગુ જરાતમાં અછતની સ્થિતિ વચ્ચે મોડા વરસેલા વરસાદથી વાવેતરનો આંક ઊંચકાવાની સાથે જૂનમાં સિંચાઇની સુવિધા ધરાવતા ખેડૂતોએ વાવેતર કરેલા પાકો હાલમાં ઉત્તમ સ્થિતિમાં આવી ગયા છે. ઓગસ્ટના અંતમાં સારો વરસાદ રહ્યો તો ખેડૂતોને પાકમાં ફાયદો રહેવાની સંભાવના છે. રાજ્યમાં સૌથી વધુ ફાયદો કપાસના ખેડૂતોને થયો છે. રાજ્યમાં વરસાદની અછતની સ્થિતિ વચ્ચે પણ ખેડૂતોએ ૪૦ ટકા વાવેતર સિંચાઈથી કરી દીધા બાદ સતત વરસાદ રહેતાં કપાસનો પાક ઉત્તમ સ્થિતિમાં આવી ગયો છે. છેલ્લે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા સાબરકાંઠા, મહેસાણા અને મોરબીમાં વાવેતર કરાયેલો પાક હાલ વાનસ્પતિક વૃદ્ધિની સ્થિતિએ ઉત્તમ હોવાનું કપાસ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાાનિક ડો. ખાનપરાએ જણાવ્યું હતું.
કપાસમાં સપ્ટેમ્બરમાં ઉત્પાદનનો અંદાજ લગાવવો શક્ય બનશે, પરંતુ હાલમાં કપાસની વૃદ્ધિ સરસ છે. કપાસનું ૨૦૧૩-૧૪માં ૩૬૬ લાખ ઉત્પાદન થયું છે. ૨૦૧૪-૧૫માં કપાસનું ઉત્પાદન ૪૦૦ લાખ ગાંસડી વટાવે તેવા અંદાજો લગાવાઇ રહ્યા છે. જોકે, ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરીના મતે કપાસનું ઉત્પાદન ૩૫૩ લાખ ગાંસડી રહેશે. આમ કપાસનું જુલાઇના અંતમાં રેકોર્ડબ્રેક વાવેતર વધતાં ઉત્પાદનના અંદાજો પણ વધ્યા છે. કપાસનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં ૧૯ લાખ હેક્ટરમાં થયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર ૩.૩૭ લાખ હેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન વધારવાના ભાગરૃપે દેશમાં કપાસનું વાવેતર કરતાં રાજ્યોએ પ્રોજેક્ટ શરૃ કરતાં રૃનું ઉત્પાદન વધે તેવી સંભાવના છે. મગફળીમાં પણ ગત વર્ષે રેકોર્ડબ્રેક ૯૦ લાખ ટનથી વધુ ઉત્પાદન થયું હતું. જેમાં ગુજરાતમાં ૧૭ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થતાં ઉત્પાદન ૨૫ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે દેશમાં મગફળીના વાવેતર વિસ્તારમાં ૧૦ લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. જેમાં
ગુજરાતમાં જ પાંચ લાખ હેક્ટરમાં વાવેતર ઘટયું છે. આમ છતાં હાલમાં મગફળીમાં વાનસ્પતિક વૃદ્ધિ ઉત્તમ હોવાની સાથે રોગ-જીવાતનું પ્રમાણ ઓછંુ હોવાનું તેલીબિયાં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. એલ. કે. ધડૂકે જણાવ્યું હતું. 



મગફળીના ભાવ રાજ્યમાં સ્થિર રહેશે : વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલા હિસ્સા સાથે ભારત બીજા નંબરનું સ્થાન ધરાવે છે. દેશમાં ગત વર્ષ ૨૦૧૩-૧૪માં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન અંદાજે ૯૪.૭૨ લાખ ટન જેટલું થયેલું હતું. જે અગાઉના વર્ષ ૨૦૧૨-૧૩માં માત્ર ૪૬.૯૫ લાખ ટન જેટલું હતું. ગત વર્ષે ગુજરાતમાં ૧૭.૫૦ લાખ હેક્ટરમાં (ઉનાળુ સહિત) મગફળીનું વાવેતર થતાં અંદાજે ૨૫ લાખ ટન જેટલું ઉત્પાદન મળ્યું હતું, જ્યારે અગાઉનાં વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૩ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૯.૬૦ લાખ ટન જ મળ્યું હતું. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ અને સંશોધન ટીમે ભાવનું વિશ્લેષણ કર્યું છે. જે વિશ્લેષણ મુજબ એવું અનુમાન છે કે મોટી મગફળીનો ભાવ મણના ભાવ રૃ.૭૪૦થી ૮૨૦ અને ઝીણી મગફળીનો ભાવ મણના રૃ.૬૬૦થી ૭૬૦ રહેવાની શક્યતા છે. દૃ ( જૂનાગઢ કૃષિ યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગના રિપોર્ટને આધારે )

મગફળીમાં ૨૦૧૪-૧૫માં વાવેતર અને વરસાદ  

જિલ્લો         વાવેતર             સરેરાશ        વરસાદ        ટકા
રાજકોટ     ૨,૨૪,૦૦૦        ૫૫૦           ૩૬૫    ૬૬.૪૪          
જામનગર    ૧.૩૯,૦૦૦       ૫૯૭           ૩૧૨    ૫૩.૨૩
જૂનાગઢ      ૨.૨૪,૦૦૦      ૮૭૦           ૭૨૬    ૮૩.૪૭
પોરબંદર      ૬૭,૮૦૦           ૬૬૫         ૪૪૩     ૬૬.૫૮
અમરેલી      ૭૦,૮૦૦           ૬૦૩        ૨૬૨     ૪૩.૪૬
સુરેન્દ્રનગર  ૬૪,૦૦૦            ૫૫૦        ૩૬૫     ૬૬.૪૪
ગીર           ૮૯,૩૦૦             ૮૬૪         ૬૮૪    ૭૯.૧૭
મોરબી       ૩૯,૫૦૦            ૪૮૬        ૨૪૯    ૫૧.૫૫
દ્વારકા       ૧.૫૫,૦૦૦       ૫૮૭          ૩૯૧   ૬૬.૫૭
ભાવનગર    ૬૨,૨૦૦           ૫૭૦        ૨૭૬    ૪૮.૪૬          
સાબરકાંઠા   ૨૯,૩૦૦            ૮૦૬        ૩૬૧    ૪૪.૭૪
બનાસકાંઠા  ૪૮,૧૦૦           ૫૭૪        ૧૮૪     ૩૨.૦૮
કુલ             ૧૧,૯૬,૮૦૦    ૭૯૭       ૪૩૦      ૫૪

નોંધ  : વાવેતર લાખ હેક્ટરમાં, વરસાદ મિમી.માં છે.

     મગફળીમાં ૨૦૧૩-૧૪ની ખરીફ સ્થિતિ                 

જિલ્લો               વાવેતર    ઉત્પાદકતા           ઉત્પાદન             
અમરેલી               ૧.૩૮    ૧૫૦૦               ૨.૦૦
ભાવનગર             ૧.૧૯    ૧૩૧૦               ૧.૬૦
જામનગર             ૩.૫૭    ૧૬૨૫               ૫.૮૦
જૂનાગઢ              ૩.૮૬    ૧૭૫૦               ૬.૭૬
પોરબંદર              ૦.૮૫    ૨૦૫૦               ૧.૭૫
રાજકોટ              ૩.૨૭    ૧૫૦૦               ૪.૯૦
સુરેન્દ્રનગર           ૦.૨૬    ૮૭૫                 ૦.૨૫
કચ્છ                   ૦.૭૦    ૧૫૦૦               ૧.૦૪
સાબરકાંઠા           ૦.૮૩    ૧૨૫૦               ૧.૦૫
બનાસકાંઠા           ૦.૫૨    ૧૧૨૫               ૦.૬૦
કુલ                    ૧૬.૬૦  ૧૫૬૦               ૨૫.૯૫
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં, ઉત્પાદકતા કિલોમાં અને  ઉત્પાદન લાખ ટનમાં છે. ( 'સી'ના સર્વે અંતર્ગત )



કપાસનો ભાવ નવેમ્બર બાદ મણે રૃ.૧૦૦૦ રહેવાની સંભાવના : દેશમાં છેલ્લા દાયકામાં કપાસનું ઉત્પાદન, વપરાશ અને કિંમતમાં મક્કમપણે વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં સારા ચોમાસાને લીધે દેશમાં કપાસનું ઉત્પાદન અત્યાર સુધીનું સૌથી વધારે ૩૬૬ લાખ ગાંસડી (ત્રીજા આગોતરા અંદાજ મુજબ) થવાનો અંદાજ છે. જે ગત વર્ષે ૩૫૫ લાખ ગાંસડી થયું હતું. દેશમાં કપાસનું સારું ઉત્પાદન થવા સાથે ૧૧૦ લાખ જેટલી ગાંસડી નિકાસ થવાને લીધે કપાસના ભાવ મણના રૃ.૧૦૦૦ આસપાસ જળવાઇ રહેવા સાથે સને ૨૦૧૩-૧૪ના અંતે બિનવપરાશી જથ્થો અંદાજે ૪૦ લાખ ગાંસડી રહેશે, જે અગાઉના વર્ષ કરતાં થોડો વધુ રહેશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગની સંશોધન ટીમે ગોંડલ માર્કેટયાર્ડના ઐતિહાસિક આંકડાઓનું પૃથક્કરણ કરી તારણ મુજબ , આગામી નવેમ્બર, ૨૦૧૪થી જાન્યુઆરી, ૨૦૧૫ દરમિયાન (વીણી સમયે) કપાસનો ભાવ મણના રૃ.૯૬૦થી ૧૦૬૦ રહેવાની શક્યતા છે. 

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 6 August 2014

પાકવીમો : ઓનલાઇનની ભાંજગડ વચ્ચે તારીખ લંબાઈ



સરકારે સબસિડી મુલત્વી રાખતાં ખેડૂતો માથે કપાસનું ૨.૫ ટકા પાક વીમા પ્રીમિયમ ઝીંકાયું  : ઓનલાઇન અરજી પ્રક્રિયામાં લાખોની સંખ્યામાં ખેડૂતો રહી જાય તેવી સ્થિતિથી તારીખ લંબાવતી સરકાર  : ૧૦મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

પાકવીમો એ ગુજરાતમાં હંમેશાં ચર્ચાનો મુદ્દો બનતો આવ્યો છે. પાકવીમો ન ચૂકવાતોે હોવાની ખેડૂતોની હંમેશાં બૂમરાણ ચાલુ રહેતી હોવા છતાં આ બાબતે કોઇ નક્કર પગલાં ભરાતાં નથી. ગત ૧૧મી જુલાઇએ રાજ્ય સરકારે પાક વીમા અંગે પરિપત્ર બહાર પાડી કપાસના પાક વીમાનું પ્રીમિયમ લટકાવી રાખ્યું હતું. અંતે હોબાળો થતાં કપાસના પાકનું જાહેર થયેલા પાકવીમાના પ્રીમિયમમાં સરકારે સબસિડી ના આપતાં ૨.૫ ટકાનો વધારો થઈ ગયો છે.  ગત વર્ષે કપાસનું ખેડૂતોએ પાક વીમા પ્રીમિયમ ૩.૫ ટકાના દરે ભર્યું હતું. રાજ્યમાં અંદાજિત ૨૦ લાખ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો છે.

રાજ્ય સરકારે પાક વીમા પ્રીમિયમ માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન કરી દેતાં છેલ્લી તારીખ ૩૦મી જુલાઇ સુધીમાં સર્વરની સમસ્યા અને ઓનલાઇન પ્રક્રિયાને પગલે લાખો ખેડૂતો રહી જાય તેવી સ્થિતિ ઊભી થતાં સરકારે ઓનલાઇન અરજી પ્રક્રિયા ૧૦મી ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. ખરીફ સીઝનમાં ૧૧થી ૧૨ લાખ ખેડૂતો પાક વીમો લેતા હોય છે. હવે સરકારે કપાસમાં પ્રીમિયમ વધારતાં માંડ કપાસમાં સાચો વીમો લેનારા ખેડૂતો હવે સરકારી ચોપડે કપાસને બદલે મગફળીનું વાવેતર બતાવી ઓછું પ્રીમિયમ ભરવાની પેરવી કરશે. આખરે જ્યારે નુકસાન થશે ત્યારે પાકવીમો ન મળતો હોવાની ફરી એ જ બૂમરાણ શરૃ થશે.

યુપીએ સરકારે ચાલુ ખરીફ સીઝનથી નવી કૃષિ વીમાયોજના શરૃ કરવાનો નિર્ણય લીધો હતો. જે સામે ખેડૂતોમાંથી વિરોધનો સૂર ઊઠયો હતો. ચૂંટણીનાં પરિણામો બાદ સરકાર બદલાતાં અંતે ગુજરાતમાં એક વર્ષ સુધી નવી પાકવીમા યોજનાનો અમલ મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ૧૧મી જુલાઇએ રાજ્ય સરકારે ખરીફ ૨૦૧૪ પાક વીમા યોજના અંગેના બહાર પાડેલા પરિપત્રમાં કપાસના પાકના પ્રીમિયમનો ઉલ્લેખ ન હોવાથી આખરે હોબાળા બાદ કપાસના પાકનું પ્રીમિયમ ૬ ટકા જાહેર કરાયું હતું. જે ગત વર્ષની તુલનાએ ૨.૫ ટકા વધારે છે. આ અંગે અધિકારિક સૂત્રો એ જણાવે છે કે, કપાસના પાકનું પ્રીમિયમ ૮ ટકા જ હતું, પરંતુ સરકારે ખાસ કપાસ માટે વીમા સહાય યોજના જાહેર કરી બજેટમાં રૃપિયા ૨૦ કરોડની ફાળવણી કરી પાંચ ટકા સબસિડી અપાતાં ખેડૂતો છેલ્લાં બે વર્ષથી કપાસના પાકવીમાનું પ્રીમિયમ ૩.૫ ટકાના દરે ભરતા હતા. હવે નવી સરકાર આ સબસિડી આપવાના મૂડમાં ન હોવાથી ખેડૂતોએ ૨.૫ ટકા પ્રીમિયમ વધારે ભરવું પડી રહ્યું છે. આમેય સરકારે પાક વીમાની અરજી કરવાની ઓનલાઇન સિસ્ટમ દાખલ કરતાં ખેડૂતોમાં કચવાટ બહાર આવી રહ્યો છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 5 August 2014

વલસાડના ખેડૂતનો ડ્રેગન ફ્રૂટની ખેતીનો પ્રયોગ



ડ્રેગન ફ્રૂટની મૂળ ખેતી અમેરિકાની : ભારતમાં  છેલ્લાં ૧૦ વર્ષથી આ પાકની ખેતીના પ્રયત્નો વધ્યા : ખેરગામના ભેરવીમાં ખેડૂતની ૫૦૦ પ્લાન્ટની વાવણી

ફાઈવ સ્ટાર કે થ્રી સ્ટાર હોટલની અંદર સલાડ તરીકે અપાતા ડ્રેગન ફ્રૂટને મોટાભાગના લોકોએ આરોગ્યા હશે અથવા જોયા હશે, પરંતુ હવે આ ડ્રેગન ફ્રૂટની ખેતી ભારતમાં પણ ધીરે ધીરે વધી રહી છે. ખાસ કરીને આ ડ્રેગન ફ્રૂટની ખેતી મુખ્યત્વે સેન્ટ્રલ અમેરિકા અને સાઉથ અમેરિકામાં થાય છે. જો કે હાલ વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, ઈઝરાયેલ અને શ્રીલંકામાં પણ તેની કોર્મિશયલ ખેતી થઈ રહી છે. ભારતમાં  છેલ્લાં ૧૦ વર્ષથી આ પાકની ખેતીના પ્રયત્નો વધ્યા છે. આ ફળમાં પ્રોટીન,  ફાઈબર, કેરોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ આયર્ન, વિટામિન-બી-સી, થાયમિન, રીબોકલીન, નાયાસિન જેવાં તત્ત્વો રહેલાં હોય હોવાથી આ ફળ આરોગવામાં ગુણકારી છે. ગુજરાતમાં મૂળ વલસાડના ધર્મવીરભાઈ એસ કાપડિયા નામના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતીનો પ્રયોગ કર્યો  છે.  ૩૭ વર્ષીય ધર્મવીરભાઈએ આમ તો બીઈ. ઈસી સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ  તેઓ પાછલાં ૪ વર્ષથી ખેતીકામમાં જોડાયેલા છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલા ભેરવી ગામમાં  અડધા એકર જમીનની અંદર ડ્રેગન પ્લાન્ટનું વાવેતર કર્યું છે. આ સિવાય તેઓ કેરી અને ચીકુની પણ ખેતી કરવાની સાથેે જ એક એકર જમીનમાં ગ્રીનહાઉસ બનાવીને જરબેરાની પણ ખેતી કરે છે. જો કે ખેતીમાં કંઈક નવું કરવાની ભાવના રાખતા ધર્મવીરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રૂટની ખેતી અંગે મેં વેબસાઈટ પર સંશોધન કર્યું હતું. જેમાં મને લાગ્યું કે આ ખેતીમાં ઘણો નફો છે. ગુજરાતમાં તેની ખેતી ઓછી છે, પરંતુ કેરી, ચીકુ કે અન્ય ફળપાકોની સામે આ ફળપાકની ખેતીમાં ઉત્પાદન વધારે મળે અને ખાસ કરીને સારી ક્વોલિટીનું ઉત્પાદન આવે તો આપણે તેની વિદેશમાં નિકાસ પણ કરી શકીએ. એટલે મંે અડધા એકર જમીનની અંદર ડ્રેગન ફ્રૂટના ૫૦૦ જેટલા છોડની ગત ૨ જુલાઈના રોજ રેડ અને વ્હાઈટ એમ બે પ્રકારની જાતનું વાવેતર કર્યું હતું.  નવસારીની એક નર્સરીમાંથી આ છોડ લાવ્યા હતા. ૧૦૦ રૃપિયા લેખે એક રેડ પ્લાન્ટ જ્યારે ૮૦ રૃપિયા લેખે એક વ્હાઈટ પ્લાન્ટ એમ કુલ ૫૦૦ જેટલા પ્લાન્ટ  ૪૦,૦૦૦ના ખર્ચે લાવ્યા હતા.
જેમાં રેડ ડ્રેગન ફ્રૂટના કુલ ૧૨૦ પ્લાન્ટ છે, જ્યારે વ્હાઈટ ડ્રેગન ફ્રૂટના કુલ ૩૮૦ પ્લાન્ટ છે. અડધા એકરમાં આ તમામ છોડની વાવણી કરી છે જેમાં એક થાંભલાની ચારે બાજુએ એકએક પ્લાન્ટ લેખે ચાર પ્લાન્ટ લગાવ્યા છે. કુલ ૧૨૫ થાંભલા છે તેના પર ૫૦૦ પ્લાન્ટની વાવણી કરી છે. બે થાંભલા  વચ્ચે ૧૦ ફૂટ બાય ૧૦ ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે.

ડ્રેગન ફ્રૂટ એક છોડની જાતિ છે એટલે રેગ્યુલર સિંચાઈ જરૃરી નથી

સાવ ઓછા પાણીએ પણ છોડનો વિકાસ ચાલુ રહે છે. પાણી વગર પણ આ છોડ જીવી શકે છે. વાવેતર પછી થોડું ખાતર આપ્યા પછી એક મહિના સુધી ખાતર ન આપો તો પણ આ પ્લાન્ટનો ગ્રોથ થાય છે. જો કે એક મહિના બાદ થોડું ખાતર આપવાથી ફળની સાઈઝ વધે છે. છોડના ગ્રોથ માટે વોટર સોલ્યુબલ ખાતર આપવાં જોઈએ. જો કોઈએ ડ્રિપ ઈરિગેશનથી વાવેતર કર્યું હોય તો પણ વોટર સોલ્યુબલ ખાતર આપી શકાય છે. હાલના તબક્કે અમારા ખેતરમાં વાવેલા છોડ પર નવી ગાંઠો ચાલુ થઈ છે અને ચોમાસાના પાણીથી આ છોડ વધારે સેટ થઈ ગયા છે. ખાસ કરીને આ છોડનો ગ્રોથ ઉનાળામાં વધારે રહે છે, કારણ કે છોડને જેટલો વધુ સૂર્યપ્રકાશ મળે તેટલો ઝડપી વિકાસ થાય છે. 

પાણીનો નિકાલ થાય તેવી જમીન અનુકૂળ

જમીન અંગે પ્રગતિશીલ ખેડૂત ધર્મવીરભાઇએ જણાવ્યું હતું કે, આ છોડને લાલાશવાળી જમીન વધારે અનુકૂળ આવે છે. જમીન કોઈ પણ પ્રકારની ચાલે છે, પરંતુ પાણીનો નિકાલ થઈ જાય એટલે કે પાણીનો જમીનમાં સંગ્રહ ન થાય એવી હોય, નિતારશક્તિ સારી હોય તેવી જમીન વધારે અનુકૂળ આવે છે. કાળી જમીનમાં પાણીનો સંગ્રહ વધારે રહે એટલે તેને માફક નથી આવતી. જો કે રણની રેતાળ જમીન આ છોડને વધારે અનુકૂળ રહે છે. ખાસ કરીને કચ્છ - ભૂજ વિસ્તારમાં આ પ્લાન્ટનો સારો એવો ઉછેર થઈ શકે છે, કારણ કે આ ઓછા પાણીએ થતો પાક પણ માનવામાં આવે છે.


૧૮ મહિના બાદ ખેડૂતને અડધા એકરમાંથી રૃ.૪ લાખની કમાણીની આશા

વલસાડના ખેડૂત ધર્મવીરભાઇ કાપડીયાએ ડ્રેગન ફ્રૂટ અંગે જણાવ્યું હતું કે, અમારી પાસે એક મહિનાના છોડ છે. આ છોડ પર ૧૬થી ૧૮ મહિનાની અંદર ઉત્પાદન આવવાનું શરૃ થશે. એક થાંભલા પર કુલ ૪ છોડ હોય છે એટલે એક થાંભલા પરથી (૪ છોડ પરથી) ૪૦થી ૫૦ કિલોનું ઉત્પાદન મળશે.  એક છોડ પર ૧૮થી ૨૫ નંગનો ઉતારો મળે છે.  ટોટલ ૧૨૫ થાંભલા પર રહેલા ૫૦૦ જેટલા છોડ પરથી ૪૦ કિલોના ઉત્પાદન લેખે અંદાજે ૨,૦૦૦ કિલોથી વધુનું ઉત્પાદન રહેશે. આ તમામ ફળનું અમદાવાદ, બરોડા અને સુરતમાં પણ વેચાણ થઈ શકે છે. મુંબઈમાં પણ મોટાપાયે વેચાણ થાય છે. લોકલ બજારમાં છૂટક ભાવે એક નંગ લેખે પણ વેચાણ કરી શકાય છે. સામાન્ય રીતે મોટા મંડી બજારોમાં એક કિલોગ્રામનો હોલસેલ ભાવ ૨૦૦થી ૨૫૦ રૃપિયા રહે છે. હાલ અમારે ઉત્પાદન આવ્યું નથી, પરંતુ આગામી વર્ષે ઉત્પાદન આવશે તો ખાનગી ગાડી કરીને મુંબઈસ્થિત વાસી માર્કેટમાં વેચાણ કરીશું. તેમણે જણાવ્યુંં હતું કે, જો ૨,૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન રહેશે અને અંદાજે ૨૦૦ રૃપિયા કિલોના ભાવે વેચાણ કરીએ તો ૪ લાખ રૃપિયા જેટલું વેચાણ મળી જશે. આમ તો આ છોડ પર ૧૮ મહિને ઉત્પાદન આવવાનું શરૃ થાય છે. આમ ઓછા ખર્ચે ઉત્પાદન સારું મળતાં ખૂબ સારી કમાણી કરી શકાય છે. પહેલી વાર ઉત્પાદન ઓછું આવે છે, પરંતુ આ ફળની સીઝન જુલાઈથી ઓક્ટોબર દરમિયાન હોય ત્યારે ઉત્પાદન વધુ રહે છે.
આમ તો હોંગકોંગ, ચીનમાં અને ભારતમાં ડેઝર્ટ ફૂડ તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં પણ ઘણી રેસ્ટોરાંમાં તે પીરસવામાં આવે છે. આ ફળ ખાવામાં બહુ મીઠું કે બહુ તૂરું પણ નથી હોતું. અનાનસ અથવા લીચી જેવો ટેસ્ટ આવે છે. પલ્પ ટાઈપનું ફળ છે અને તેનું થડ થોર જેવો લુક ધરાવે છે. હાલ ગુજરાતમાં પણ આ ફળની ખેતી તરફ લોકો આકર્ષાયા છે અને લોકોએ પણ આ ખેતી ચોક્કસ અપનાવવી જોઈએ.

સંપર્કઃ ૯૯૨૫૦ ૦૦૧૨૬

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 4 August 2014

કઠોળ ખેડૂતોની દિવાળી સુધારશે



૧૯૫ લાખ ટન કઠોળનું ૨૦૧૩-૧૪માં દેશમાં ઉત્પાદન થયું  : ૩૦ લાખ ટન કઠોળની આયાત કરતું ભારત  : વધતો જતો વપરાશ  : દેશમાં ૧ ઓગસ્ટ સુધીમાં કઠોળનું કુલ વાવેતર ૬૭.૧૯ લાખ હેક્ટરમાં થયું  : ગત વર્ષની તુલનાએ ૧૨ લાખ હેક્ટર વાવેતર ઘટયું  : ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વાવેતર થતું હોઈ વાવેતરનો આંક ઊંચકાશે પણ ઉત્પાદન ઘટશે

દેશમાં કઠોળનું ખરીફ સીઝનમાં ૧૦૦ લાખ હેક્ટરથી વધુમાં થતા વાવેતરમાં ઘટ અને હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ઘટાડો આવવાની સંભાવનાને પગલે હવે કઠોળનું ઉત્પાદન ૫૫ લાખ ટન આસપાસ રહે તેવી શક્યતા છે. ગત વર્ષે ૬૧ લાખ ટન કઠોળ ખરીફ સીઝનમાં પાકતા કુલ ઉત્પાદન આંક ૧૯૫ લાખ ટનને વટાવી ગયો હતો. દેશમાં કઠોળની ર્વાિષક જરૃરિયાત ૨૨૦થી ૨૩૦ લાખ ટન હોવાથી ભારત વર્ષે ૩૦ લાખ ટન કઠોળ આયાત કરે છે. કઠોળનું ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વાવેતર થતું હોવાથી વાવેતરનો આંક ઊંચકાવાની સંભાવના છતાં ઉત્પાદનમાં ઘટને પગલે કઠોળના ભાવમાં તેજી શરૃ થઇ છે. કઠોળની તહેવારોને પગલે માંગ વધતાં હવે છેક દિવાળી સુધી કઠોળના ભાવ ઘટે તેવી સંભાવના ઓછી છે. કઠોળના ભાવમાં એક મહિનામાં ૧૧ ટકાનો ઉછાળો નોંધાયો છે. વાવેતર લેટ હોવાથી ઉત્પાદન પણ મોડું આવવાની શક્યતાથી કઠોળની આયાત કરવી પડે તેવા સંજોગો પણ ઊભા થયા છે.

ભા રતમાં કઠોળ પાકોનું મોટાપાયે વાવેતર કરાય છે. વિશ્વમાં ભારત કઠોળના ઉત્પાદનમાં ૨૫ ટકાનો હિસ્સો ધરાવે છે. જ્યારે વૈશ્વિક વપરાશમાં ભારતનો ૩૦ ટકા હિસ્સો રહેલો છે. ભારતમાં ખાસ કરીને ચણા, તુવેર, મસૂર, મગ અને અડદ જેવા કઠોળ પાકની વાવણી મોટાપાયે કરવામાં આવે છે. જો કે તેમ છતાં ભારતમાં ઉત્પાદનની સામે જરૃરિયાત પૂરી કરવા માટે કેનેડા, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર, રશિયા, ચીન અને ટાન્ઝાનિયામાંથી કઠોળની આયાત કરવી પડે છે. વર્ષ ૨૦૦૭-૦૮માં અને વર્ષ ૨૦૦૯-૧૦માં ગ્રામીણ અને ઘરેલું વપરાશ વધી જતા ડિમાન્ડ અને સપ્લાયના પુરવઠાને ખાસ્સી અસર રહી હતી. વર્ષ ૨૦૦૯માં દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે ખરીફ ઉત્પાદન ઓછું આવતા અને વર્ષ ૨૦૧૨માં ચણાના ઓછા ઉત્પાદનને કારણે ફુગાવા પર પણ અસર વર્તાઈ હતી. દેશના કૃષિ મંત્રાલયના ત્રીજા આગોતરા અંદાજ મુજબ દેશમાં કઠોળનું કુલ ૧૯૫ લાખ ટન ઉત્પાદન રહેવાનો અંદાજ  છે. જો કે તેની સામે આ વર્ષે વરસાદ ખેંચાતા વાવણીમાં ઘટાડો થયો છે જેને કારણે ઉત્પાદન ઓછું આવવાના અંદાજો લગાવાઈ રહ્યા છે. સામે પક્ષે ભારતમાં સ્થાનિક માગ તેજ બનશે તેની સામે ભાવમાં પણ ઉછાળો આવી શકે છે. જાણકારોના મતે કઠોળ પાકની આયાત અને નિકાસ બંને પર પણ ભાવની અસર વર્તાઈ શકે છે.
આ વર્ષે દેશમાં નબળા ચોમાસાને કારણે ખરીફ સીઝનમાં કઠોળ પાકોના વાવેતરને બહુ મોટો ફટકો પડયો છે.  કઠોળનું વાવેતર મોડું અને ઓછું થવાને કારણે નવી સીઝનનું ઉત્પાદન એક મહિનો મોડું આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. બીજી તરફ ઈદથી લઈને દિવાળી અને ત્યારબાદના તહેવારોને પગલે દેશની જરૃરિયાત પૂરી કરવા માટે કઠોળની આયાત વધે તેવી પણ જાણકારો સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે. દેશના કૃષિ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં ૧ ઓગસ્ટ સુધીમાં કઠોળનું કુલ વાવેતર ૬૭.૧૯ લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે. જે ગત વર્ષે ૭૯.૫૦ લાખ હેક્ટર વિસ્તારમાં થયું હતું.
મગ :  કૃષિ મંત્રાલયના આંકડાઓ અનુસાર ૨૫મી જુલાઇ સુધીમાં દેશના ખેડૂતોએ ૧૦.૨૮ લાખ હેક્ટરમાં મગની વાવણી કરી છે. જે પાછલા વર્ષના મુકાબલે ૪૨ ટકા ઓછી છે. વરસાદની ઘટને પગલે ૮.૨૪ લાખ ટન મગનું ઉત્પાદન રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ૧૦.૮૩ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ હતો. એટલે કે વરસાદ ખેંચાતા મગના ઉત્પાદનમાં ૨ લાખ ટનથી વધુની ઘટ જોવા મળી શકે છે. સમગ્ર સીઝન દરમિયાન ૨૪.૧ લાખ હેક્ટરમાં મગની વાવણી નોંધાય છે.
તુવેરઃ તુવેરનું વાવેતર ૨૫મી સુધીમાં ૨૮.૮ લાખ હેક્ટરથી ઘટીને આ વર્ષે ૧૬.૩ લાખ હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષના મુકાબલે ૪૨.૫ ટકા ઓછું છે. પાછલા વર્ષે આ સમયગાળામાં ૨૮ લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી. કર્ણાટકમાં સૌથી વધુ ૪,૦૪,૦૦૦ હેક્ટરમાં વાવણી થઈ છે જે પાછલા વર્ષ કરતાં ૩૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. મહારાષ્ટ્રમાં પણ તુવેરની વાવણીમાં ૫૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.  દેશમાં ૩૭.૧૭ લાખ ટન તુવેરનું ઉત્પાદન રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતું વરસાદની ઘટને પગલે હવે ૩૨.૩૩ લાખ ટન તુવેરનું ઉત્પાદન રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે એટલે કે ઉત્પાદનના આંકમાં ૫ લાખ ટનથી વધુનો ઘટાડો જોવા મળશે. જાણકારોના મતે દેશમાં કઠોળનું વાવેતર ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહ સુધી થઈ શકે છે 


દેશમાં મોડા વાવેતર અને ઓછા વરસાદને કારણે કઠોળના ઉત્પાદન પર પણ અસર પહોંચે તેવી સંભાવના છે. જેને કારણે ગત વર્ષ જેટલું કઠોળનું ખરીફ ઉત્પાદન થાય તેવી શક્યતા ઓછી છે. દેશમાં ગત વર્ષે ખરીફ સીઝનમાં ૬૧ લાખ ટન કઠોળનું ઉત્પાદન રહ્યું હતું. ભારતમાં કઠોળની મોટાપાયે કેનેડાથી આયાત થાય છે. કેનેડા વિશ્વના મસૂરની કુલ નિકાસમાં ૬૫ ટકા હિસ્સો ધરાવે છે અને વટાણામાં ૫૪ ટકા હિસ્સો ધરાવે છે. ઈન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઈસ એસોસિયેશનના આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે ૭.૫ લાખ ટન મસૂરનું ઉત્પાદન થયું હતું અને ૪ લાખ ટન આયાત કરવી પડી હતી. ભારતે કેનેડાથી ગત વર્ષે ૧૦ લાખ ટન મસૂર અને વટાણાની આયાત કરી હતી. આમ, ભારતમાં કઠોળની જેટલી આયાત થાય છે તેની ચોથા ભાગની આયાત કેનેડામાંથી થાય છે. એક તરફ દેશમાં વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ૧૨ લાખ ટન અડદનું ઉત્પાદન રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો તે હવે વરસાદની અછતને પગલે મોડી વાવણી થતા ૧૦.૪૭ લાખ ટન રહેવાનો અંદાજ છે. એટલે આગામી દિવસોમાં ભારતમાં કઠોળની આયાત વધે તેવી સંભાવનાઓ છે. વળી ચોમાસું મોડું રહેતા ઉત્પાદન પણ ઓછું અને મોડું આવશે જેને કારણે ભાવ વધે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. દૃ

પાંચ વર્ષમાં કઠોળનું વાવેતર અને ઉત્પાદન
વર્ષ                                વાવેતર                ઉત્પાદન              ઉત્પાદકતા
૨૦૦૮-૦૯                     ૨૨૦                 ૧૪૫                 ૬૫૯
૨૦૦૯-૧૦                     ૨૩૨                 ૧૪૬                 ૬૩૦
૨૦૧૦-૧૧                     ૨૬૪                 ૧૮૨                 ૬૯૧
૨૦૧૧-૧૨                     ૨૪૪                 ૧૭૦                 ૬૯૯
૨૦૧૨-૧૩                     ૨૩૨                 ૧૮૩                 ૭૮૯
૨૦૧૩-૧૪                     ૨૬૭                 ૧૯૫                 ૭૩૦
(નોંધ : વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે, ઉત્પાદકતા કિલોમાં છે.)

દાળના ભાવમાં ભડકો  (ભાવ કિલોનો છે)

તુવેર દાળ                    ભાવ
જાન્યુઆરી                       ૫૫ રૃપિયા
એપ્રિલ                           ૬૩ રૃપિયા
જુલાઈ                            ૬૫ રૃપિયા

ચણા દાળ                        ભાવ
જાન્યુઆરી                       ૩૮ રૃપિયા
એપ્રિલ                           ૪૨ રૃપિયા
જુલાઈ                            ૬૫ રૃપિયા

અડદ દાળ                        ભાવ
જાન્યુઆરી                       ૬૦ રૃપિયા
એપ્રિલ                            ૭૦ રૃપિયા
જુલાઈ                            ૮૦ રૃપિયા

મસૂર દાળ                        ભાવ
જાન્યુઆરી                       ૬૦ રૃપિયા
એપ્રિલ                             ૬૮ રૃપિયા
જુલાઈ                            ૭૦ રૃપિયા

મોડા ચોમાસાથી દાળના ભાવમાં તેજીના અણસાર

મો ડા ચોમાસાને કારણે દેશમાં તુવેરની વાવણી સતત ઘટી રહી છે. રાજ્યની જો વાત કરવામાં આવે તો ૨૮ જુલાઈ સુધી રાજ્યમાં ૧,૧૬,૧૦૦ હેક્ટર વિસ્તારની અંદર તુવેરની વાવણી નોંધાઈ છે. પાછોતરા વરસાદને કારણે કઠોળ પાકોના વાવેતરમાં સુધારો જોવાયો છે. જો કે હજુ પણ દેશના કેટલાંક ભાગોમાં વરસાદની ઘટને પગલે કઠોળ પાકના વાવેતરમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે. ૧ ઓગસ્ટ સુધીમાં દેશમાં ૬૭.૧૯ લાખ હેક્ટરમાં કઠોળની વાવણી નોેંધાઈ છે. જે પાછલા વર્ષના મુકાબલે ઓછી છે. જેને કારણે પાછલા ૧૫ દિવસની અંદર તુવેર અને અડદની દાળના ભાવમાં ૨૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે તેજી જોવા મળી હતી.   બજારના નિષ્ણાતોનું કહેવું છે કે માંગ વધવાની સંભાવનાઓને પગલે વર્તમાન સમયમાં તુવેર અને અડદના ભાવમાં ૧૫૦થી ૨૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે તેજી રહી શકે છે. દાળના વેપારીઓનું કહેવું છે કે, આગામી સમયમાં તમામ દાળના ભાવમાં તેજી આવવાની સંભાવના છે ખાસ કરીને ચણાની દાળના ભાવમાં ૩૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે ઉછાળો આવી શકે છે. વરસાદની સીઝનમાં શાકભાજીના મુકાબલે દાળની માંગ વધી જતા ભાવવધારો થઈ શકે છે. ગત સપ્તાહે ગુજરાતમાં તુવેરના ભાવમાં ૩૦૦ રૃપિયાનો ઉછાળા સાથે ૫૦૦૦થી ૫૧૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા તો મુંબઈમાં અડદનો ભાવ ૫૪૦૦થી ૫૪૫૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે રહ્યો હતો.
ખાસ કરીને ખરીફ સીઝનમાં ૩૮ લાખ હેક્ટરમાં તેની વાવણી થાય છે. જો કે આ તરફ ખરીફ સીઝનમાં કર્ણાટકમાં સૌથી વધારે ૪,૦૪,૦૦૦ લાખ હેક્ટર વિસ્તારમાં તુવેરની વાવણી નોંધાઈ છે. જે ગત વર્ષના મુકાબલે ઓછી છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં તુવેરની વાવણીમાં ૫૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૫ જુલાઈ સુધી મહારાષ્ટ્રના ખેડૂતોએ ૩,૭૨,૭૦૦ હેક્ટરમાં તુવેરની વાવણી કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩-૧૪માં આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં વરસાદ સારો રહેતા ખરીફ સીઝનમાં તુવેરની વાવણીમાં વધારો રહ્યો છે. જો કે આ વર્ષે વરસાદ ખેંચાતા વાવણીમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે ઉત્પાદન પર પણ અસર વર્તાશે અને ભાવ વધશે.

રાજ્યમાં પાછલા એક અઠવાડિયાની અંદર સારો વરસાદ પડતા કઠોળ પાકની વાવણી વધી છે. રાજ્યમાં મગ, તુવેર, અડદ અને અન્ય કઠોળના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. વરસાદને પગલે છેલ્લા બે વર્ષમાં ૨.૨૮ લાખ હેક્ટર સરેરાશ વાવેતરની સામે ૨૮ જુલાઈ સુધીમાં ૧.૯૭ લાખ હેક્ટરમાં વાવણી થતા ઉત્પાદનમાં થોડો સુધારો રહેવાની પણ જાણકારો આગાહી કરી રહ્યાં છે પરંતુ અન્ય રાજ્યોમાં વાવણી લાયક વરસાદ ન રહેતાં દેશમાં સરેરાશ ઉત્પાદન ઘટશે જે ચિંતાનો વિષય છે તેવું જાણકારોનું માનવું છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..