Monday, 9 December 2013

ગુજરાતમાં ડુંગળીનું વધતું વાવેતરઃ ભાવ ખેડૂતોને રડાવશે


ફેબ્રુઆરીમાં ડુંગળીનો હોલસેલ ભાવ કિલો રૃપિયા ૭થી ૮ થવાની શક્યતા: વાવેતરમાં ગત વર્ષ કરતાં છ ગણો વધારો

લસણ અને ડુંગળીના ઊંચા ભાવથી રાજ્યમાં ખેડૂતોએ આ વર્ષે આ બન્ને પાકોનું વાવેતર વધાર્યું છે. ડુંગળીના ભાવનું ચક્ર હવે પૂરું થયું હોય તેમ ડુંગળીની કિંમત રૃપિયા ૮૦એ કિલોને બદલે હવે હોલસેલમાં માત્ર ૧૦થી ૧૨ રૃપિયા કિલો થઇ ગઇ છે. બીજી તરફ ઊંચા ભાવથી ખેડૂતોએ પણ વાવેતર વધારતાં રાજ્યમાં ડુંગળી અને લસણનું વાવેતર વધી રહ્યું છે.  ડુંગળી અને લસણમાં વેપારીઓએ સ્ટોક કરતાં ઊંચકાયેલા ભાવોથી વેપારીઓ માલામાલ થઇ ચૂક્યા છે, પરંતુ હવે જ્યારે ખેડૂતો બજારમાં ડુંગળી અને લસણના વેચાણ માટે નીકળશે ત્યારે ભાવ કડડભૂસ થાય તેવી શક્યતા વેપારી સૂત્રો મૂકી રહ્યાં છે. લસણ અને ડુંગળીમાં ચાલુ રવી સીઝનમાં ઊંચું ઉત્પાદન થવાનો અંદાજ છે. ૨૦૧૨-૧૩માં ડુંગળીનું ૧૬૧ લાખ ટન ઉત્પાદન થયું હતું. હાલમાં વાવેતરનો રેશિયો જોતાં રવીમાં પાણીના સંગ્રહને પગલે ઉત્પાદન ઊંચું જવાની શક્યતા છે. રવીમાં દેશભરમાં વાવેતર વિસ્તારમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. પરિણામે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં ડુંગળીનો હોલસેલ ભાવ રૃપિયા ૭થી ૮ થવાની શક્યતા છે.  ડુંગળીના સૌથી મોટા માર્કેટ ગણાતા નાસિકમાં એક મહિના પૂર્વે ડુંગળીનો રૃપિયા ૩૫૦૦ ક્વિન્ટલ ભાવ હાલમાં રૃપિયા ૧૪૦૦ પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. રાજ્યમાં પણ ડુંગળીના વાવેતરમાં વધારો નોંધાયો છે.

 સરેરાશ ૫૩ હજાર હેક્ટરમાં થતું વાવેતર ૨ ડિસેમ્બર સુધીમાં ૪૫ હજાર હેક્ટરમાં થઇ ચૂક્યું છે જે ૨૦૧૨-૧૩માં માત્ર ૭ હજાર હેક્ટર વિસ્તારમાં જ થયું હતું. ડુંગળીના ઘટતા ભાવને પગલે ૩૦મી નવેમ્બરના રોજ નાસિકમાં ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ડુંગળીની હરાજી રોકી દીધી હતી. દેશમાં ડુંગળીના વધતા જતા ભાવોને રોકવા માટે સરકારે ટન દીઠ ૧,૧૨૫ ડોલરની લઘુતમ નિકાસ કિંમત લાદી દીધી હતી. પડોશી દેશ પાકિસ્તાન ટન દીઠ વિશ્વબજારમાં ૫૫૦ ડોલરે  નિકાસ કરે છે. હાલની એમઇપી પ્રમાણે ડુંગળીનો ભાવ કિલોના રૃપિયા ૭૦ થાય છે. જ્યારે છૂટક બજારમાં રૃપિયા ૨૦ના ભાવે કિલો ડુંગળી મળી રહી છે. પરિણામે ઓનિયન એક્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખે એમઇપી હટાવવા સંબંધિત મંત્રાલયનું ધ્યાન દોર્યું છે. હાલમાં શ્રીલંકા અને મધ્યપૂર્વના દેશોમાં ડુંગળીની સારી માંગ હોવાથી ઊંચી એમઇપીથી ભારતના નિકાસકારો સ્પર્ધા કરી  શકતા નથી.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment