Monday, 13 October 2014

ચોખાના સ્વાદની દુનિયા દિવાની : ભારત ટોચના સ્થાને પહોંચશે


થાઇલેન્ડ, ચીન અને વિયેતનામને ટક્કર આપવા ભારતે ચોખાના નિકાસ ભાવમાં ઘટાડો કર્યો : ચીનની પણ માંગ રહેવાની સાથે નાઇજિરિયામાં ચૂંટણી ભારતને ફાયદાકારક રહેશે : ગત વર્ષે ૧૦૬૦ લાખ ટન ચોખાનું ઉત્પાદન થયું હતું

દે શમાં ખરીફ સીઝનમાં ઓછા વરસાદને પગલે ચોખાના વાવેતરમાં ઘટાડો થવાથી ઉત્પાદન ૮૮૮ લાખ  ટન  પાકે તેવી સંભાવના વચ્ચે ભારત થાઇલેન્ડને પછાડી ચોખાની નિકાસમાં નંબર વન બને તેવી શક્યતાઓ છે. બાસમતી ચોખાના સારા ઉત્પાદનનેે પગલે વિદેશમાં આફ્રિકા અને મિડલ ઇસ્ટના દેશોમાં ભારતીય ચોખાની સારી માંગને પગલે નિકાસ બજારમાં ભારત મેદાન મારે તેવી શક્યતા છે. દેશમાં ગત વર્ષે ચોખાનું વાવેતર વધતાં ઉત્પાદનનો આંક ૧૦૬૦ લાખ ટને પહોંચી ગયો હતો. આ વર્ષે ઓછા ઉત્પાદનની ઘટ વચ્ચે ઉત્પાદનનો આંક કૃષિ વિભાગના પ્રથમ અંદાજ અનુસાર ૮૬૬ લાખ ટન સુધી પહોંચે તેવી સંભાવના છે. પંજાબ અને હરિયાણામાં ઓછા વરસાદ વચ્ચે પણ બાસમતી ચોખાની નવી જાતના વાવેતરથી ઉત્પાદન વધે તેવી સંભાવના છે. વિશ્વબજારમાં થાઈલેન્ડ એ નિકાસમાં અગ્રણી દેશ છે. ભારતે વિશ્વના નિકાસ બજારમાં થાઇલેન્ડને પાછળ રાખી પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ગુમાવી દીધો હતો. આ વર્ષે વિશ્વ બજારમાં ભારતને હુકમના એક્કા સાબિત થવાની ફરી તક ઊભી થઈ છે. ભારતે ૨૦૧૨માં બાસમતી અને નોન બાસમતી ચોખાની ૧૧૦થી ૧૨૦ લાખ ટન નિકાસ કરી હતી. ચાલુ વર્ષે ઓછા ઉત્પાદનની સંભાવના વચ્ચે પણ ચોખાના સારા કેરી ફોરવર્ડ સ્ટોકને પગલે ભારતને વિશ્વમાં ચોખાની નિકાસમાં સારી તક ઊભી થઇ છે. ભારતે આફ્રિકન દેશોમાં સારી નિકાસ માટે થાઇલેન્ડથી ૧૦થી ૧૫ ડોલર ઓછા એટલે કે ટનદીઠ ૪૦૦ ડોલરનો ભાવ મૂક્યો છે. જ્યારે સફેદ ચોખાનો બજારમાં નિકાસભાવ પણ વિયેતનામ અને પાકિસ્તાનની સરખામણી કરી શકે તે માટે ટન દીઠ ૩૬૦થી ૩૭૦ ડોલર રાખ્યા છે. દિવાળી સમયે સાઉદી અરેબિયા અને યુરોપની માંગ શરૃ થતી હોય છે. ૧૦ દિવસમાં ઝારખંડ, છત્તીસગઢ, બિહાર અને તમિલનાડુમાં ચોખાની કાપણીની સીઝન શરૃ થશે. નાઇજિરિયામાં ૨૦૧૫માં ચૂંટણી હોવાથી સ્થાનિક સરકાર મોટાપાયે ગુણવત્તાયુક્ત ચોખાની આયાત સ્થાનિક લોકો માટે કરવા માંગે છે. જેનો ફાયદો ભારતીય નિકાસને મળે તેવી સંભાવના છે. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટ્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે આ વર્ષે બાસમતી ચોખાની ઓછામાં ઓછા ૪૦ લાખ ટનની નિકાસમાં ૫ ટકાનો વધારો પણ જોવા મળી શકે છે. ભારતે ૨૦૧૨-૧૩ની તુલનામાં ૨૦૧૩-૧૪માં સાઉદી અરબમાંથી ૫૦.૯૬માં ટકા વધુ ચોખાની નિકાસ કરી છે. ભારતે એપ્રિલ ૨૦૧૩થી ૨૦૧૪ સુધી ૩૭.૫૭ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી છે. જેની કિંમત ૨૯,૨૯૯ કરોડ રૃપિયા હતી. ૨૦૧૨-૧૩માં ભારતે ૩૪.૫૯ લાખ ટન ચોખાની નિકાસ કરી ૧૯ હજાર કરોડ રૃપિયાની આવક મેળવી હતી.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment