Wednesday, 1 October 2014

વરસાદની અછત : ખરીફ બાદ રવીને ભારે પડશે


વર્ષ ૨૦૧૪-૧૫માં વાવેતર કરાયેલા ખરીફ પાકોના ઉત્પાદનના અંદાજ અને રવી સીઝનના ઉત્પાદનના લક્ષ્યાંક જાહેર : ખરીફમાં ૯૨૦ લાખ ટન ચોખા પાકશે : રવીમાં ૯૪૦ લાખ ટન ઘઉંનું ઉત્પાદન રહેશે  : વરસાદની ઘટથી રવી ખેતી ખોટકાશે

દેશમાં ઓછો વરસાદ ખરીફ સીઝન બાદ રવી સીઝનને પણ ભારે પડશે. પાણીની અછત અને અનિયમિત વરસાદની વચ્ચે કૃષિ વિભાગે ખરીફ સીઝનના બહાર પાડેલા પ્રથમ અંદાજમાં ખરીફ સીઝનમાં વાવેતર કરાતા તમામ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજો મુકાયા છે. ધાન્ય પાકોના ઉત્પાદનમાં ૬.૯૪ ટકા, કઠોળમાં ૧૩.૬૩ ટકા, તેલીબિયાંમાં ૧૨.૨૭ ટકા અને મોટા અનાજના ઉત્પાદનમાં ૧૪.૨૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ઉપરાંત રવી સીઝનમાં પાક ઉત્પાદનના કૃષિ વિભાગ દ્વારા મુકાયેલા લક્ષ્યાંક પણ ઘઉં, ચોખા અને મકાઇના ઉત્પાદનમાં ઘટાડો થવાનું સૂચવે છે. ઘઉંનું ઉત્પાદન ૨૦ લાખ ટન ઘટીને ૯૪૦ લાખ ટન થવાનો કૃષિ વિભાગ દ્વારા લક્ષ્યાંક મુકાયો છે. રવીમાં ૭ લાખ ટન કઠોળ અને ૬ લાખ ટન મકાઈનું ઓછું ઉત્પાદન રહેશે. એકમાત્ર ખરીફ સીઝનમાં જ ૯૦ લાખ ટન ઉત્પાદન ઘટે તેવી સંભાવના છે.    

વ રસાદ ખેંચાવાને કારણે વિવિધ પાકોની વાવણી મોડી થતાં ખરીફ ઉત્પાદન એક મહિનો મોડું આવવાની શક્યતાઓ વચ્ચે ઉત્પાદન ઓછું આવવાના કૃષિ વિભાગે અંદાજો બહાર પાડયા છે. આ વર્ષે ખરીફ સીઝનની અંદર દેશમાં કુલ ૧૦૧૫ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે કે ગત વર્ષે ૧૦૪૦ લાખ હેક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થયું હતું. જો કે કૃષિ મંત્રાલયે જાહેર કરેલા પહેલા અંદાજ અનુસાર દેશમાં ખરીફ અનાજનું ઉત્પાદન પાછલી સીઝનના મુકાબલે ૯૦ લાખ ટન ઘટશે, વર્ષ ૨૦૧૪-૧૫ની ખરીફ સીઝનમાં ૧૨૯૨ લાખ ટન અનાજનું ઉત્પાદન થવાનું અનુમાન છે. સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ની ખરીફ અને રવી સીઝનમાં અનાજના ઉત્પાદનના અંદાજો અને લક્ષ્યાંક જાહેર કર્યા છે.
  સરકારના અંદાજ મુજબ આ ખરીફ સીઝનની અંદર ૯૨૦ લાખ ટન ચોખાનુંં ઉત્પાદન થશે જ્યારે ઉનાળુ સીઝનમાં ૧૪૦ લાખ ટન ચોખાનું ઉત્પાદન રહેશે, તેવી જ રીતે રવી સીઝનમાં ૯૪૦ લાખ ટન ઘઉંનું ઉત્પાદન રહેવાનો અંદાજ છે. જે ગત વર્ષે ૯૫૯ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. ખરીફ સીઝનમાં મકાઈનું ૧૭૦ લાખ ટન  જ્યારે રવી સીઝનમાં ૬૦ લાખ ટન ઉત્પાદન રહેવાનો અંદાજ છે. કઠોળ પાકોનું ખરીફ સીઝનની અંદર ૭૦ લાખ ટન અને રવી સીઝનમાં ૧૨૫ લાખ ટન ઉત્પાદન રહેવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે.
દેશમાં ખરીફ સીઝનની અંદર કુલ ૧૨૦૨ લાખ ટન અને રવી સીઝનની અંદર ૧૨૯૦ લાખ ટન અનાજના ઉત્પાદન સાથે કુલ ૨૬૧૦ લાખ ટન અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જો વાવણીની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૩માં દેશમાં ૩૬૭ લાખ હેક્ટરમાં ચોખાની વાવણી કરવામાં આવી હતી જે આ વર્ષે ૩૬૬ લાખ હેક્ટરમાં થઈ છે. જ્યારે ગત વર્ષે મકાઈની ૮૧ લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી તે આ વર્ષે ઘટીને ૭૭ લાખ હેક્ટરમાં થઈ છે. આ જ પ્રકારે બાજરીની વાવણી ૯૮ લાખ હેક્ટરમાં થઈ છે. જે ગત વર્ષે ૧૧૩ લાખ હેક્ટરમાં કરવામાં આવી હતી. આમ, મોટા અનાજની વાવણી ૫૪૨ લાખ હેક્ટરમાં કરવામાં આવી છે. જે ગત વર્ષે ૫૬૨ લાખ હેક્ટરમાં થઈ હતી. સામાન્ય રીતે ૫૪૯ લાખ હેક્ટરમાં તેનું વાવેતર કરવામાં આવે છે.
દેશ બાદ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખરીફ વાવેતર ૮૫ લાખ હેક્ટરે પહોંચ્યું છે. વર્ષ ૨૦૧૩-૧૪ની ખરીફ સીઝનની અંદર ૭.૯૯ લાખ હેક્ટરમાં ડાંગરની વાવણી કરવામાં આવી હતી અને ૧૬.૭૪ લાખ ટન ઉત્પાદન રહ્યું હતું. જ્યારે રવી સીઝનની અંદર ૧૫ લાખ હેક્ટરની અંદર ઘઉંની વાવણી કરાતાં ઉત્પાદન કુલ ૪૮ લાખ ટન રહ્યું હતું. જો કે આ વર્ષે ઘઉંના પાકને અસર પહોંચવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવી જ રીતે બાજરીની કુલ ૭.૨૭ લાખ હેક્ટરમાં વાવણી થતાં ઉત્પાદન ૧૪.૧૬ લાખ ટન રહ્યું હતું. મકાઈની પણ ૪.૯૦ લાખ હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી અને કુલ ૮.૭૧ લાખ ટન ઉત્પાદન રહ્યું હતું. આમ, કુલ મોટા અનાજનું ઉત્પાદન ૯૧.૬૯ લાખ ટન રહ્યું હતું. 



મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં ઘઉંની વાવણી વધશે

વરસાદની અછતને કારણે ખરીફ ખેતીને તો સીધી અસર પડશે જ પરંતુ સાથે સાથે આ વર્ષનું ચોમાસું રવી પાકોને પણ નડશે તેવા કૃષિ વિભાગના અંદાજ છે. ખાસ કરીને રવી સીઝનમાં પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઘઉંની વાવણીમાં ઘટાડો જોવા મળશે. આ વર્ષે જૂન અને સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાનો વરસાદ ઓછો રહેવાને કારણે રવી પાક પર સીધી અસર જોવા મળશે.
જો કે આ તરફ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં ઘઉંની વાવણી વધે તેવી શક્યતાઓ પણ પ્રબળ બની છે.  જે વિસ્તારોમાં આ વર્ષે પૂરતો વરસાદ નથી થયો ત્યાં રવી સીઝનમાં મોટા અનાજના પાકને અસર પહોંચી શકે છે. પાછલા કેટલાંક દિવસોમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, પરંતુ તે રવી સીઝનમાં ભરપાઈ કરવાને લાયક નથી. એટલે જે વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે તેની સીધી અસર રવી સીઝનની વાવણી પર પડશે. 

પંજાબ અને મહારાષ્ટ્રમાં ઘઉંની ખેતીમાં આંશિક ઘટાડો થશે

ખાસ કરીને રવી સીઝનની વાવણી ઓક્ટોબર માસથી શરૃ થાય છે. આ દરમિયાન ઘઉં, મકાઈ, ચણા, રાયડો તેમજ બટાટાની વાવણી કરવામાં આવે છે. રવી સીઝનનો મુખ્ય પાક ઘઉં છે. ગત રવી સીઝનમાં ૩૧૮ લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી થઈ હતી અને સરકારના ચોથા અનુમાન મુજબ ૯૫૯ લાખ ટન ઘઉંનું ઉત્પાદન રહ્યું હતું. જો રાજ્યવાર વાત કરવામાં આવે તો પંજાબમાં રવી સીઝનમાં ઘઉંની વાવણી ૩૪.૭ લાખ હેક્ટરમાં થવાની ધારણા છે. જ્યારે કે ગત વર્ષે ૩૫.૧ લાખ હેક્ટરની અંદર તેની વાવણી કરવામાં આવી હતી. પંજાબના ખેડૂતો રવી સીઝનમાં ઘઉંને બદલે રાયડો અને કઠોળની ખેતી તરફ વળી શકે છે તેવું કૃષિ વિભાગના અધિકારીઓનું માનવું છે.રાજસ્થાનમાં પણ ઘઉંની વાવણી પાછલા વર્ષના મુકાબલે ૨ લાખ હેક્ટર ઘટીને ૩ લાખ હેક્ટરમાં થવાની આશંકા છે. રાજસ્થાનના ખેડૂતો સપ્ટેમ્બરમાં થયેલા મોડા વરસાદનો લાભ લેવા માટે જવ અને રાયડાની ખેતી તરફ વળી શકે છે. મહારાષ્ટ્રમાં પણ ઘઉંની ખેતી કરતા ખેડૂતો પાણીની અછતને પગલે જુવાર અને ચણાની ખેતી તરફ વળી શકે છે. જો કે આ તરફ હરિયાણામાં ઘઉંની વાવણીને મોટી અસર પહોંચવાની સંભાવનાઓ ઓછી છે. હરિયાણામાં ઘઉંની વાવણી ૨૫.૨ લાખ હેક્ટરમાં થઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં પણ પહેલી ઓક્ટોબરથી ઘઉંની વાવણી શરૃ થઈ જાય છે. જો કે આ વર્ષે રવી સીઝનમાં સરકારના લક્ષ્યાંક પ્રમાણે ૯૬ લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી થશે. જો કે ગત વર્ષ ૨૦૧૩માં ૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંની વાવણી થઈ હતી. આ જ પ્રકારેે બિહારમાં પણ ૨૪ લાખ હેક્ટરમાં ઘઉંની ખેતી થશે, જે ગત વર્ષ કરતાં ૧ લાખ હેક્ટર વિસ્તારમાં વધારે થાય તેવો અંદાજ છે. મધ્યપ્રદેશમાં વર્ષ ૨૦૧૩માં ૫૮.૭ લાખ હેક્ટરમાં ઘઉંની ખેતી થઈ હતી. તે આ વર્ષે વધીને ૬૦ લાખ હેક્ટરમાં થવાનો કૃષિ વિભાગનો અંદાજ છે. 


ખરીફ ઉત્પાદનમાં મસમોટો ઘટાડો થશે
પાક         ૨૦૧૪-૧૫         ૨૦૧૩-૧૪         ટકા
ધાન્ય             ૧૨૦૨                  ૧૨૯૨              - ૬.૯૪
ચોખા             ૮૮૦                     ૯૧૬                -૪
મોટું અનાજ     ૨૭૦                    ૩૧૫               -૧૪.૨૦
મકાઈ             ૧૬૦                   ૧૭૬                 -૯.૩૩
કઠોળ              ૫૨                       ૬૦                  -૧૩.૬૨
તેલીબિયાં       ૧૯૬                    ૨૨૪               -૧૨.૨૭
સોયાબીન         ૧૧૮                 ૧૨૦                -૧.૬૬
શેરડી             ૩૪૨૭                   ૩૫૦૦                -૨.૧
મગફળી           ૫૦                       ૭૮                 -૩૫.૭૨
નોંધઃ ઉત્પાદન લાખ ટનમાં છે.

વિવિધ ક્ષેત્રમાં જીવંત પાણીના સંગ્રહનો જથ્થો
ક્ષેત્ર                 વર્ષ        ટકાવારી
ઉત્તર ભારત          ૨૦૧૪       ૭૨
                          ૨૦૧૩       ૯૫
પૂર્વ ભારત            ૨૦૧૪       ૭૮
                         ૨૦૧૩        ૭૮
પશ્ચિમ ભારત      ૨૦૧૪        ૭૮
                          ૨૦૧૩       ૭૭
મધ્ય ભારત           ૨૦૧૪      ૯૦
                         ૨૦૧૩      ૮૭
દક્ષિણ ભારત        ૨૦૧૪      ૭૨
                         ૨૦૧૩      ૮૨
કુલ                   ૨૦૧૪      ૭૭
                       ૨૦૧૩     ૮૩
૧૦ વર્ષની સરેરાશ              ૭૨

ભારતમાં પાછલા એક દાયકામાં સરેરાશ નોંધાયેલો વરસાદ

વર્ષ           વરસાદ (મિમી)
૨૦૦૪         ૭૭૪.૨
૨૦૦૫         ૮૭૪.૩
૨૦૦૬         ૮૮૯.૩
૨૦૦૭         ૯૪૩.૦
૨૦૦૮        ૮૭૭.૭
૨૦૦૯        ૬૯૮.૨
૨૦૧૦       ૯૧૧.૧
૨૦૧૧       ૯૦૧.૩
૨૦૧૨       ૮૨૩.૯
૨૦૧૩       ૯૩૭.૨
૨૦૧૪       ૮૨૪.૩

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment