Monday, 13 October 2014

ગુવારમાં ખેડૂતોને ફાયદો થશે


માવઠા અને વાવેતરની ઘટે ગુવારનું ઉત્પાદન ૨૫ ટકા ઘટાડયું  : મધ્ય ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી નિકાસ માંગ રહેતાં ગુવારના ભાવમાં વધારો થવાની સંભાવના : હાલમાં દેશમાં ગુવારનો ક્વિન્ટલ ભાવ રૃપિયા ૪૫૦૦થી ૫૫૦૦ : ગુવારસીડના ઓછા ઉત્પાદન વચ્ચે નિકાસ માંગમાં વધારો : ગત વર્ષે ૨૨ લાખ ટન ગુવારનું ઉત્પાદન થયું હતું : રાજસ્થાનના ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના : ગુવારનો દેશમાં ૫ લાખ ટન કેરીફોરવર્ડ સ્ટોક હોવાથી ભાવમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના ઘણી ઓછી : અનિયમિત માવઠાને પગલે ગુવારના પાકને ભારે નુક્સાન થયું  : અમેરિકા અને ચીનની માંગમાં વધારો

ખરીફ સીઝનમાં વાવેતર કરાતા ગુવારના પાકમાં માવઠાથી નુક્સાન અને ઓછા વાવેતરને પગલે ૨૫ ટકા ઉત્પાદન ઓછું આવવાની સંભાવનાથી ભાવમાં ફૂલગુલાબી તેજી આવવાની સંભાવના છે. અમેરિકા અને ચીનની માંગ પણ રહેતાં ઓક્ટોબરથી ડિસેમ્બરના અંત સુધી ભાવમાં સુધારો મળે તેવી શક્યતા છે. હાલમાં ગુવારના ભાવ ક્વિન્ટલે રૃ.૪૫૦૦થી ૫૫૦૦ ચાલી રહ્યા છે. ગત વર્ષે ગુવારનો ભાવ વધીને ક્વિન્ટલે રૃ.૮૦૦૦ સુધી પહોંચ્યો હતો. ચાલુ સીઝનમાં ગુવારના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય રાજ્સ્થાનમાં ઉત્પાદન ૫૦ ટકા ઘટવાની સંભાવનાને પગલે ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ ૧.૭૦ લાખ ટન ગુવારનું ઉત્પાદન થવાના અંદાજો મુકાયા છે.
          રા જ્યમાં ગુવાર એ ઓછાં પાણીએ પાકતો પાક હોવાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગુવારનું સૌથી વધુ વાવેતર થાય છે. ગુવારના ૨૦૧૨ બાદ ખેડૂતોને સારા ભાવ મળવાના શરૃ થતાં ખેડૂતોએ હવે ધીમે ધીમે ગુવારની ખેતી વધારી છે. ૨૦૧૨માં ગુવારનો પ્રતિ ક્વિન્ટલે ખેડૂતોને સરેરાશ રૃપિયા ૩૦,૦૦૦ ભાવ મળ્યો હતો. ત્યારબાદ ભાવ ગગડતાં ભાવ આજે પ્રતિ ક્વિન્ટલે રૃપિયા ૪૫૦૦થી ૫૫૦૦ની વચ્ચે ચાલી રહ્યો છે. અન્ય પાકોને ૭થી ૮ દિવસમાં જ્યારે ગુવારના પાકને ૧૫થી ૨૦ દિવસે પાણી જોઇતું હોવાથી ગુવાર ખેડૂતોની પસંદ બની રહી છે. ગુવારમાં ૭૦ ટકા ચારો અને ૩૦ ટકા ગમ નીકળે છે. જેનો ઉપયોગ તેલના ઉત્પાદનમાં, કાપડ ઉદ્યોગ, પેપર ઉદ્યોગ, દવાઓ અને ખાદ્યપદાર્થ સહિત ૫૦ વસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગી સાબિત થાય છે.
ગુવાર મોટાભાગે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાવેતર કરાય છે. ભારત અને પાકિસ્તાન એ ગુવારગમનું ઉત્પાદન કરતા સૌથી મોટા દેશ છે. દેશમાં ગુવારગમનું સૌથી વધુ વાવેતર રાજસ્થાનમાં થાય છે. આ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતનાં રાજ્યોમાં ખેડૂતો વાવેતર કરે છે. ભારત એ વિશ્વમાં ગુવારની નિકાસમાં સૌથી મોટો દેશ છે. ૨૦૧૩-૧૪માં ૬.૦૧ લાખ ટન ગુવારગમની નિકાસ કરી ભારતે ૧૧ હજાર કરોડ રૃપિયાનું વિદેશી હૂંડિયામણ એકઠું કર્યું હતું. ભારતમાંથી ગુવારગમની સૌથી વધુ માંગ અમેરિકા, ચાઇના, જર્મની, રશિયા, કેનેડા અને ઇટાલીની રહે છે. દેશમાં ગુવારની કાપણીની સીઝન નજીક આવી રહી છે. ૫૦ ટકાથી વધારે ગુવાર કાપણીના તબક્કે તૈયાર થઇ ગયો છે. દેશમાં ચાલુ વર્ષે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં મળી ગુવારસીડનું ઉત્પાદન ૧૫થી ૧૬ લાખ ટન થાય તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. જે ૨૦૧૨-૧૩ની સીઝનમાં ૨૨ લાખ ટન હતો. આ વર્ષે ગુવારનું સારું ઉત્પાદન થાય છતાં ઉત્પાદનનો આંક ૧૭ લાખ ટનથી વધે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. ગુવારનો કેરી ફોરવર્ડ સ્ટોક ૫ લાખ ટન હોવાથી ભાવમાં મોટો ઉછાળો તેવી શક્યતા ઘણી ઓછી હોવા છતાં ભાવમાં ડિસેમ્બરના અંત સુધી નિકાસ માંગ રહેતાં ભાવમાં તેજી રહેશે. ગુવારસીડનો પાક ઓછો હોવાની સામે વિશ્વબજારમાં ગવારગમની માંગ ઊંચકાઈ છે. બ્રાઝિલ, આર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ, રશિયા, વિયેતનામ અને ચીનમાં તાજેતરના મહિનાઓમાં ઓઇલના ડ્રિલિંગમાં ગમનો મોટો વપરાશ થવા લાગ્યો છે. રાજસ્થાનમાં કૃષિ વિભાગના છેલ્લા સત્તાવાર આંક અનુસાર ઓગસ્ટના અંત સુધીમાં ૩૧.૮૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જે ગત વર્ષે ૩૪.૭૧ લાખ હેક્ટરમાં થયું હતું. આ જ પ્રકારે ગુજરાતમાં પણ ગુવારનું વાવેતર ૨.૯૯ લાખ હેક્ટરમાં થયું છે. જે ગત વર્ષે ૪.૭૩ લાખ હેક્ટરમાં થયું હતું.




ખેડૂતોએ સારા ભાવની રાહ જોવી ફાયદાકારક રહેશે

હાલમાં બજાર ક્વિન્ટલે રૃપિયા ૫,૦૦૦થી ૫,૫૦૦ના ભાવમાં વધઘટ થયા કરે છે. જેમાં માંગ નીકળતાં તેજી રહેશે. ગુવારમાં નિકાસ માંગ મધ્ય ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી નીકળતી હોય છે. ગુવારમાં વર્ષની શરૃઆતમાં ભાવ ક્વિન્ટલે રૃપિયા ૪,૪૦૦થી ૬,૦૦૦ની વચ્ચે હતો, પરંતુ જૂનમાં વરસાદના અભાવે ભાવ ઊંચકાઈને ક્વિન્ટલે રૃ. ૫,૧૩૫થી ૬,૧૫૫ એ પહોંચી ગયો હતો. મધ્ય ઓક્ટોબર બાદ ગુવારનો પાક બજારમાં આવવાની શરૃઆત થશે. આ વર્ષે ખેડૂતો પણ ક્વિન્ટલે રૃ. ૫,૦૦૦થી ઓછા ભાવે વેચાણ ન કરવાના મૂડમાં હોવાથી ખેડૂતોની પક્કડને પગલે ભાવમાં તેજી આવવાની સંભાવના છે. નિકાસ માંગ સારી રહી તો ભાવ ઊંચકાઈને ક્વિન્ટલે ૭,૫૦૦ સુધી પહોંચે તેવી પણ સંભાવના છે. ગુવારનો ભાવ હાલમાં દેશમાં નીચો ચાલી રહ્યો છે. જે ભાવ વધવાના સંજોગો છે. વિદેશમાં સારી માંગને પગલે ભાવ ઊંચકાવાની શક્યતા વધારે છે જેથી ખેડૂતોએ સારા ભાવ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી એ જ સમયનો તકાજો છે. 

સૌથી મોટાં ગુવાર ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદનમાં ઘટાડો

દેશમાં ગુવારનું ૮૦ ટકા ઉત્પાદન થાય છે તેવા રાજસ્થાનમાં ગત વર્ષે રેકોર્ડબ્રેક ૨૮.૬૨ લાખ ટન ઉત્પાદન થયું હતું જે આ વર્ષે ૧૩.૩૯ લાખ ટન રહે તેવી સંભાવના છે. રાજસ્થાનમાં વરસાદના અભાવે ગુવારની હેક્ટર દીઠ ઉત્પાદકતામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે પ્રતિ હેક્ટરે ૫૬૪ કિલો ગુવારસીડનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે ઘટીને ૪૧૭ કિલો રહેવાનો અંદાજ છે. આમ, ગુવારના ઉત્પાદનમાં હેક્ટરદીઠ ઉત્પાદકતા ઘટતાં ઘટાડો નોંધાશે. ગુજરાતમાં પણ કૃષિ વિભાગે બહાર પાડેલા સત્તાવાર અંદાજ મુજબ ગત વર્ષે ગુવારનું ઉત્પાદન ૨.૯૩ લાખ ટન સામે ચાલુ સીઝનમાં ઉત્પાદન ૧.૭૧ લાખ ટન રહેશે. આમ, ગુવારનું વાવેતર કરતાં બે મોટાં રાજ્યોમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે.  

અમેરિકામાં ગુવારગમની સૌથી વધુ આયાત

અમેરિકાએ ગત ૨૫ જૂનના રોજ લગભગ ૪૦ વર્ષો બાદ તેલ અને ગેસની નિકાસ પરની રોક હટાવી દીધી છે એટલે નિકાસ માટે અમેરિકાએ વધારે તેલ અને ગેસનું ઉત્પાદન કરવું પડશે જેને કારણે ગુવાર ગમનો ઉપયોગ અનિવાર્ય બની જશે, કારણ કે ગેસ ઉત્પાદન માટે ગુવાર ગમથી ઉત્તમ કોઈ હાઈડ્રોલિક ફ્લૂઇડ નથી. ડ્રિલિંગમાં ગુવારગમનો વપરાશ પણ વધશે. જો નિકાસના આંકડા પર નજર કરીએ તો દેશમાંથી વર્ષ ૨૦૧૩-૧૪માં લગભગ ૬.૦૧ લાખ ટન ગુવાર ગમની નિકાસ થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૨-૧૩માં લગભગ ૪.૦૬ લાખ ટન નિકાસ થઈ હતી. બજારના નિષ્ણાતોના મતે આ વર્ષે દેેશમાં ગુવાર ગમની નિકાસ ૮ લાખ ટનથી વધુ થઈ શકે છે. જેને કારણે લગભગ ૨૮ લાખ ટન ગુવાર સીડની જરૃરિયાત રહેશે એટલે કે આ વર્ષે ગુવારગમનું જેટલું ઉત્પાદન થશે તેની મોટાપાયે નિકાસ થવાની શક્યતા વધારે રહે છે.

ગુવારગમની દેશમાંથી નિકાસ
વર્ષ                     જથ્થો            રૃપિયા
૨૦૧૧-૧૨         ૭.૦૭    ૧૬,૫૨૩
૨૦૧૨-૧૩         ૪.૦૬    ૨૧,૨૮૭
૨૦૧૩-૧૪         ૬.૦૧    ૧૧,૭૩૪

નોંધઃ ઉત્પાદન લાખ ટનમાં અને રૃપિયા કરોડમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment