Wednesday, 15 October 2014

કંદપાકોની ખેતીમાં મૂલ્યવર્ધન



સૂંઠ બનાવવા માટે આદુંને છોલીને ખેતરમાં ઓછામાં ઓછા ૪૫ દિવસ સૂકવણી કરવી : ૨૦૦ ક્વિન્ટલ આદુના વેચાણ થકી રૃપિયા ૮ લાખની આવક થવાનો અંદાજ વ્યક્ત કરતા બોરિયાવીના ખેડૂત

રા જ્યમાં હવે ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. જે રીતે લોકો માંગ અને ઓર્ગેનિક બનાવટો અંગે માહિતગાર થયા છે તેને ધ્યાને રાખીને હવે રાજ્યના ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વધારે રસ દાખવી રહ્યાં છે. સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી અપનાવી ખેડૂતો બિલકુલ ઓર્ગેનિક બનાવટો લોકોને પૂરી પાડી રહ્યાં છે. ખાસ કરીને નોર્થ ઈસ્ટનાં રાજ્યોમાં ઓર્ગેનિક ખેતીનું વધારે ચલણ જોવા મળે છે તે હવે ધીરે ધીરે ગુજરાત તરફ પણ ડગ માંડી રહ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ ઓર્ગેનિક ખેતી અંગે ખેડૂતો જાગૃત થયા છે અને મોટાપાયે ખેતી પણ અપનાવી રહ્યાં છે. આણંદ જિલ્લાના બોરિયાવી ગામના રમેશભાઈ છોટાભાઈ પટેલ પણ પાછલાં કેટલાંક વર્ષોથી ઓર્ગેનિક ખેતી અપનાવી રહ્યાં છે. રમેશભાઈની સાથે તેમના પુત્ર દેવેશ પટેલ પણ આ ખેતીમાં જોતરાઈ ગયા છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે અમે પાછલાં ૩૦ વર્ષથી વિવિધ પાકોની ખેતી અપનાવીએ છીએ. અમારી પાસે કુલ ૨૦ વીઘા જમીન છે. અને ૨૦ વીઘા ભાડા પેટે રાખેલી છે. અત્યારે ૧ એકરમાં આદુંની ખેતી છે. ૨ એકરમાં રતાળુની ખેતી છે. ૭ એકરમાં સૂરણની ખેતી છે અને ૬ એકરમાં લાલ હળદરની ખેતી છે.
સૌ પહેલાં આદુંની ખેતી વાત કરીએ તો આ અમારી બાપદાદાની ખેતી છે. આદુંની ખેતી આ વર્ષના ૬ મહિનામાં અપનાવી હતી. આ આદુંને ગાંઠો બનાવીને ૬૦થી ૬૫ ગ્રામનું પાકું આદું હોય તેને રોપ્યું હતું. ૧૦ ઈંચ બાય ૧૦ ઈંચની જગ્યા રાખીને ૬ ઈંચ ઊંડું આદું રોપ્યું હતું. આ સંપૂર્ણ ખેતી ડ્રિપથી છે એટલે રોપણી કર્યા બાદ તુરત જ પિયત આપ્યું હતું અને રોજ એક કલાક પિયત આપ્યાં હતાં. આ પાક જૂનથી ફેબ્રુઆરી સુધીનો હોય છે એટલે ફેબ્રુઆરીની શરૃઆતમાં ઉત્પાદન આવશે. ફેબ્રુઆરીમાં જે આદું નીકળે તેની સૂંઠ બને છે. એક હેક્ટરમાં આદુંની ખેતી છે એટલે ૧૮૦ મણ બિયારણ વપરાયું હતું. આદું એ શાકભાજી પ્રકારનો પાક છે એટલે વાતાવરણ પર આધાર રાખે છે. જો વધારે પડતો વરસાદ પડી જાય અને જમીનમાં પાણી ભરાઈ જાય તો આદું લાલ થઈ જાય છે જેને કારણે મૂળ  ખલાસ થઈ જાય છે. જો કે અમારે બધી પરિસ્થિતિઓને ધ્યાને રાખવી પડે છે. આ સીઝનમાં ૪૦૦થી  ૪૫૦ ક્વિન્ટલ આદું પાકશે. આ આદું ફેબ્રુઆરી મહિનામાં કાઢવામાં આવશે.
તેમણે કમાણી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે આદું એ શાકભાજી પ્રકારનો પાક છે એટલે ઉતારચઢાવ રહેતો હોય છે. અત્યારે આદુંનો ભાવ ૬૦ રૃપિયા કિલો છે. જ્યારે દક્ષિણ ભારતમાં ૩૦ રૃપિયા કિલો ચાલી રહ્યો છે. એવરેજ આદુંનો ભાવ ૪૦ રૃપિયે કિલો ગણીએ તો એક ક્વિન્ટલના ૪૦૦૦ રૃપિયા જેટલી આવક થાય છે. જો ૨૦૦ ક્વિન્ટલ આદુંનું વેચાણ કરીએ તો અંદાજે ૮ લાખ રૃપિયા જેટલી આવક થઈ જાય છે.

પ્રોસેસ્ડ હળદરની ખેતીમાં પણ લાખો રૃપિયાની કમાણી

બોરિયાવીના  પ્રગતિશીલ ખેડૂતે  ૬ એકર જમીનમાં લાલ હળદરની ખેતી અપનાવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ખેતીમાં અંદાજે ૫૦ ક્વિન્ટલ બિયારણ વપરાયું હતું. ૨૫૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ બિયારણનો ભાવ રહેતા અંદાજે ૧ લાખ ૨૫ હજાર રૃપિયા જેટલો ખર્ચ કર્યો હતો. ઓર્ગેનિક હળદરની વાવણી અમે એપ્રિલ માસના અંતમાં કરી હતી અને તેનું ઉત્પાદન ઓક્ટોબર- નવેમ્બર માસમાં આવવાનું શરૃ થશે. તેમણે જણાવ્યું હતું કે જો ઓક્ટોબર માસમાં હળદર કાઢવાનું શરૃ કરીએ તો ૬ એકરમાંથી ૧૫૦- ૨૦૦ ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. જ્યારે જાન્યુઆરી માસમાં કાઢવામાં આવે તો પાકી હળદર અંદાજે ૬૦૦ ક્વિન્ટલની આસપાસ નીકળે છે, કારણ કે હળદર ડબલ થાય છે અને વજન પણ વધે છે. ઓક્ટોબરમાં એક ક્વિન્ટલ હળદરનોે ભાવ ૩૦૦૦ રૃપિયા રહે છે અને ડિસેમ્બરમાં કાઢીએ તો પાકી હળદરનો ભાવ ૨૦૦૦ રૃપિયા થઈ જાય છે, કારણ કે ઉત્પાદન સમગ્ર બાજુથી આવતું હોય છે એટલે કાચી હળદરનું વેચાણ કરવું હિતાવહ છે. જો કે અમે લીલી હળદર વેચતા જ નથી અને હળદર પ્રોસેસ્ડ કરીએ છીએ. ૧૦૦ સેલ્સિયસ ડિગ્રી ગરમ પાણીમાં બોઈલ કરીને આ હળદરને સૂકવવામાં આવે છે અને પછી અમે જાતે બનાવેલા મશીનમાં તેનો પાઉડર બનાવીએ છીએ. અમારી પાસે કુલ એક ક્વિન્ટલ સૂકી હળદરમાંથી ૨૦ કિલો પાઉડર બને છે. એક ક્વિન્ટલ લીલી હળદર ૨૦૦૦ રૃપિયાની થાય છે જ્યારે સૂકી કરીને પાઉડર બનાવીને તેનું વેચાણ કરતા ૪૦૦૦ રૃપિયા જેટલી આવક થાય છે. કુલ ૬ એકરમાંથી ૧૫૦ ક્વિન્ટલ પ્રોસેસ્ડ હળદરનું ઉત્પાદન ગણીએ તો કુલ ૬ લાખ રૃપિયા જેટલી ચોખ્ખી આવક થઈ જાય છે. 



આદું કરતાં સૂંઠના વેચાણમાં ત્રણ ગણી વધારે કમાણીનો અંદાજ

બોરિયાવીના પ્રગતિશીલ ખેડૂત રમેેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આદું કરતાં સૂંઠમાં ત્રણ ગણા ભાવ મળી જાય છે. અમારી પાસે આદુંમાંથી સૂંઠ બનાવવા પ્રોસેસ્ડ મશીન છે. આ મશીનને અમે ઘરે જાતે જ વિકસાવ્યાં છે જેમાં તમામ પ્રોસેસ કરવામાં આવે છે. સૂંઠ બનાવવા માટે પહેલાં આદુંને છોલી નાંખવું પડે છે અને ત્યારબાદ ખેતરમા ઓછામાં ઓછા ૪૫ દિવસ તેને સૂકવવા દેવું પડે છે અને પછી તેને ભેગું કરી લઈને પ્રોસેસ્ડ મશીનમાં નાખવામાં આવે છે ત્યારબાદ તેમાં પોલિશ થઈને સૂંઠ તૈયાર થઈ જાય છે. આ સૂંઠનું વેચાણ કરીએ તો ત્રણ ગણા ભાવ મળે છે. એક મણ સૂંઠનો ભાવ ૯૦૦૦ રૃપિયા મળે છે. આદુંમાંથી સૂંઠ બને એટલે તેનું વજન પણ ઘટી જાય છે એટલે સીધું જ ૫૦ ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. એક ક્વિન્ટલ સૂંઠનો ભાવ ૪૫ હજાર રૃપિયા જેટલો થાય છે જો ૫૦ ક્વિન્ટલ સૂંઠનું વેચાણ કરીએ તો ૨૨,૫૦,૦૦૦ જેટલી આવક મળી રહે છે. આદુંમાંથી સૂંઠ બનાવવા માટે ૧ લાખ રૃપિયા જેટલો પ્રોસેસ્ડ ખર્ચ રહે છે.
આદુંની ખેતીમાં ખર્ચ અંગે તેમણે જણાવ્યું હતું કે એક વીઘે ૧૫ ટ્રોલી છાણિયું ખાતર વપરાય છે એટલે કુલ એક હેક્ટરમાં ૬૦ ટ્રોલી જેટલા ખાતરની પાછળ ૯૦ હજાર રૃપિયા જેટલો ખર્ચ થઈ જાય છે. એક હેક્ટરમાં કુલ ૯૦ મણ બિયારણનો વપરાશ થાય છે. ૧ મણ બિયારણનો ભાવ ૧૫૦૦ રૃપિયા જેટલો રહે છે તો કુલ ૧ લાખ ૩૫ હજાર રૃપિયાનું બિયારણ વપરાય છે. જ્યારે દિવેલીના ખોળ પાછળ કુલ રૃ. ૩૬,૦૦૦ હજારનો ખર્ચ થાય છે. જ્યારે ૧૦ ગૂણી લિંબોળીનો ખોળ વપરાય છે જેની પાછળ અંદાજે રૃ. ૨૦ હજારનો ખર્ચ થાય છે. આ સિવાય બેક્ટેરિયા, સલ્ફર અને રાયઝોબિયમની પાછળ રૃ. ૧૫થી ૨૦ હજારનો ખર્ચ રહે છે અને મજૂરી ખર્ચ રૃ. ૫૦ હજાર જેટલો ગણતા કુલ અંદાજે રૃપિયા ૩ લાખ જેટલો ખર્ચ થઈ જાય છે. જો કે આ ખર્ચ એક વાર કર્યા બાદ બીજા બે પાક આસાનીથી લઈ શકાય છે અને બે સીઝન સુધી કોઈ ખર્ચ કરવો પડતો નથી. આદુંની ખેતી સિવાય અમે ૨ એકરની અંદર રતાળુની ખેતી કરી છે જેની ૫મા મહિનાના અંતમાં વાવણી કરી હતી. આ ખેતીમાં ૧૬ ક્વિન્ટલ બિયારણનો વપરાશ રહ્યો હતો. ૬૦ રૃપિયા કિલો લેખે બિયારણ વાપરતા અંદાજે રૃપિયા ૯૬ હજારનું બિયારણ વપરાયું હતું. ૨ એકર જમીનમાંથી ફેબ્રુઆરીના અંતમાં ૨૦૦ ક્વિન્ટલ રતાળુનો ઉતારો રહેશે. એક ક્વિન્ટલનો ભાવ ૫૦૦૦ રૃપિયા લેખે ગણીએ તો કુલ ૧૦ લાખ રૃપિયાનું રતાળું પાકશે. આ સિવાય અમે ૭ એકર જમીનમાં એપ્રિલના પહેલા અઠવાડિયાની અંદર સૂરણની ખેતી અપનાવી હતી અને અત્યાર સુધી અમે ૫૦ ટકા જેટલું ઉત્પાદન પણ લઈ લીધું છે. અમે સપ્ટેમ્બર માસ સુધીમાં ૩ એકર જમીનમાંથી ૪૦૦ ક્વિન્ટલ જેટલાં સૂરણનો ઉતારો લઈ લીધો છે અને એક ક્વિન્ટલના ૧૨૦૦ રૃપિયા લેખે વેચાણ કરતા ૬ લાખ જેટલી કમાણી પણ કરી લીધી છે. હજુ પણ સૂરણનો ઉતારો ચાલુ છે હજી બીજા ૪૦૦થી ૫૦૦ ક્વિન્ટલ સૂરણનો ઉતારો રહેશે અને કુલ રૃપિયા ૧૨ લાખ ૫૦ હજાર જેટલી કમાણી થઈ જશે.

સંપર્કઃ ૯૪૨૬૦ ૬૧૮૭૮
published in Gujarat leading agriculture news paper Agro sandesh..


No comments:

Post a Comment