- અલ નીનોના સંકટથી એરંડા, ગવાર ગમ, ગવાર અને સોયાબીનમાં ૩ ટકાથી વધારેની તેજી જોવાઈ
- વર્ષ ૨૦૦૯માં અલ નીનોની અસરને કારણે તેલીબિયાં, ખાંડ અને કપાસ જેવી કૃષિ જણસોના ભાવ નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા
- દેશમાં અલ નીનોની સૌથી વધારે અસર વર્ષ ૧૯૯૭ -૯૮માંં જોવા મળી હતી
- અમેરિકન વૈજ્ઞાાનિકોના મતે અલ નીનોના એક્ટિવ થવાના ચાન્સ ૩૦ ટકા છે જ્યારે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાાનિકોના મતે અલ નીનોની ૭૦ ટકા અસર રહેશે
- વર્ષ ૨૦૦૯માં ૨૧.૮૧ કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું જે આ વર્ષે ૨૬૦૦ કરોડ ટન થવાનો અંદાજ મુકાયો હતો
- આજે પણ ૫૦ ટકા વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર
- અલ નીનોની અસરને પગલે ગત તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ એક તત્કાલિક યોજના તૈયાર કરવા માટે બેઠક બોલાવાઈ હતી .
- અલ નીનોની સૌથી વધુ અસર સોયાબીન, શેરડી, તેલીબિયાં અને કઠોળ પાકો પર પડશે
- ઓછા ઉત્પાદનના ભયે મોંઘવારીમાં વધારો થશે, કૃષિ વિકાસદરમાં ઘટાડો નોંધાશે
- ૨૦૦૪-૦૫માં જીડીપીમાં એગ્રીકલ્ચરનો હિસ્સો ૧૬ ટકા હતો તે ઘટીને હવે ૧૧.૮ ટકા થઈ ગયો
- ૨૦૦૯માં ચોમાસું ખરાબ રહ્યું હતું ત્યારે વરસાદ સામાન્યથી ૨૩ ટકા ઓછો રહ્યો હતો
ગુ
જરાતમાં ખરીફ સીઝનમાં ૮૫ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થાય છે. જેમાં સૌથી વધુ વાવેતર
કપાસનું ૨૬થી ૨૭ લાખ હેક્ટરમાં અને મગફળીનું ૧૫ લાખ હેક્ટરની આસપાસ થાય છે. રાજ્યમાં
પિયત માટે સુવિધા ઉભી કરવા કૃષિ વિભાગના પ્રયત્નો છતાં રાજ્યમાં ૪૨ લાખ હેક્ટરમાં પિયતની
સુવિધા ઉભી કરાઇ છે. બાકીની ખરીફ ખેતી વરસાદ આધારિત જ થાય છે. રાજ્યમાં વરસાદની અછત રહે તો સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર
અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને થતી હોય છે. સૌરાષ્ટ્ર એ રાજ્યના કૃષિક્ષેત્રનો મુખ્ય
આધાર છે. ખરીફમાં સૌથી વધુ વાવેતર પણ સૌરાષ્ટ્ર પંથકમાં થતું હોવાથી વરસાદની અછત રહે
તો તેની સીધી અસર રાજ્યના કૃષિ વિકાસદર પર જોવા મળી શકે છે. રાજ્યમાં સૌથી વધુ કપાસ
અને મગફળીનું વાવેતર પણ સૌરાષ્ટ્રમાં થાય છે. આ ઉપરાંત તલ અને સોયાબીનની ખેતીમાં પણ
સૌરાષ્ટ્ર રાજ્યમાં મોખરે છે. સૌરાષ્ટ્રમાં પિયતની સુવિધા ઊભી થાય તો રાજ્યના કૃષિ
વિકાસદરમાં પણ વધારો નોંધાય છે. દેશમાં નબળા ચોમાસાની અસર ગુજરાતને થાય તેવી શક્યતા
ઓછી હોવા છતાં રાજ્યના કૃષિ વિભાગે અછતને ટાળવા તૈયારીઓ આરંભી દીધી છે. અહીંયાં અલનીનોને
પગલે દેશમાં થયેલી અસરો અંગેની વધુ વિગતો જોઈશું.
હવામાન
વિભાગના જણાવ્યા પ્રમાણે એક તૃતિયાંશ વરસાદ ઓછો થઈ શકે છે. ગયા વર્ષે કૃષિ વિકાસદર
૪.૬ ટકા હતો જો કે આ વર્ષે અલનીનોની અસર વર્તાશે તો કૃષિ વિકાસદરમાં ૦.૧ અથવા ૦.૨ ટકાનો
જ ફરક જોવા મળશે. ઓછા વરસાદને કારણે દીર્ઘકાલીન ઉપજ પ્રભાવિત થશે તો ખેડૂતો પાસે ઓછી
સમયમર્યાદાના પાકનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. જો કે વર્તમાન સમયમાં પણ દેશ પાસે ધાન્ય,
ખાંડ અને ચોખાનો પર્યાપ્ત સ્ટોક રહેલો છે. વર્ષ ૨૦૦૯માં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.
ઉત્પાદન અને માંગના આંકડા પર એક નજર કરીએ તો દેશમાં કુલ ૨૩૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન
નોંધાયું છે જેની સામે ૧૧૭ લાખ ટન ખાંડનો સ્ટોક પડયો છે. કઠોળની વાત કરવામાં આવે તો
કુલ ૨૪૦ લાખ ટન દાળની માંગ છે જેની સામે સ્ટોક પર્યાપ્ત નથી, કારણ કે મોટાભાગના કઠોળ
પાકોની આયાત કરવામાં આવે છે. દેશમાં કુલ ૧૦૦૦ લાખ ટનથી પણ વધારે ચોખાનું ઉત્પાદન થાય
છે, પરંતુ માંગને પૂરી કર્યા બાદ પણ ચોખાનો કુલ ૨૪૪ લાખ ટન જેટલો સ્ટોક યથાવત્ છે.
તેવી જ રીતે ઘઉંનો પણ ૧૯૦ લાખ ટન જેટલો સ્ટોક બચેલો છે. વર્ષ ૨૦૦૯માં ચોમાસું ખરાબ
રહ્યું હતું ત્યારે વરસાદ સામાન્યથી ૨૩ ટકા ઓછો રહ્યો હતો. આ સમયે અનાજના ઉત્પાદનમાં
૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને સૌથી ઓછું ઉત્પાદન ચોખાનું રહ્યું હતું. જ્યારે ઘઉંનું
ઉત્પાદન વર્ષ ૨૦૦૮ જેટલું જ રહ્યું હતું. જો કે એક તરફ સારા અને નબળા ચોમાસાને પગલે
એગ્રીકલ્ચર ક્ષેત્રથી જીડીપીના ગ્રોથ પર અસર વર્તાઈ શકે છે. વર્તમાન સમયમાં જીડીપીમાં
એગ્રીકલ્ચરનું યોગદાન પણ ઘટયું છે. કારણ કે વર્ષ ૨૦૦૪-૦૫માં એગ્રીકલ્ચરનો હિસ્સો ૧૬
ટકા હતો તે ઘટીને હવે ૧૧.૮ ટકા થઈ ગયો છે. જીડીપી ગ્રોથ અને એગ્રીકલ્ચર ક્ષેત્રનું
યોગદાન સીધી રીતે જોડાયેલું છે કારણ કે જીડીપીનો ગ્રોથ મોટાપાયે ખેતી પર નિર્ભર છે.
નાણાકિય વર્ષ ૨૦૧૩-૧૪માં ૪.૬ ટકાના હિસાબથી એગ્રીકલ્ચર ગ્રોથ રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આમ છતાં જીડીપીમાં
એગ્રીકલ્ચર ગ્રોથ ઓછો રહેશે.
ઓગસ્ટ
કે સપ્ટેમ્બરમાં વરસાદની અછત રહેશે
દેશમાં
ચોમાસુ સમયસર બેસવાની સાથે વચ્ચે વરસાદની અછત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ચોમાસું સમયસર જૂનથી બેસી ગયા બાદ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં વરસાદની અછત રહે તેવી શક્યતાઓ
છે. આ સમયગાળામાં વરસાદ ઓછો રહેશે. હવામાન ખાતાએ ૫૦ વર્ષના સરેરાશ વરસાદ ૮૯ સેન્ટિમીટરના
૯૫ ટકા વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ગત વર્ષે દેશમાં સામાન્ય કરતાં છ ટકા વધુ વરસાદ
પડયો હતો. દેશમાં હાલમાં ૧૦ અબજ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ છે જે ગયા વર્ષ કરતાં પણ
વધારે છે. આમ છતાં કૃષિ વિભાગ શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યો છે.
અલ
નીનોથી કૃષિજગતને અસર
હવામાન
વિભાગ દ્વારા દેશમાં ૮૦ ટકા વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું સામાન્યથી
ઓછું રહેવાની પણ શક્યતાઓ રહેલી છે. આ બધાં સમીકરણોની વચ્ચે અલ નીનોની અસર ખેડૂતોને
અડચણરૃપ પણ બની શકે છે. અલ નીનો એક્ટિવ થયું હોવાની વિદેશી વૈજ્ઞાાનિકો દ્વારા ભવિષ્યવાણી
કરાયા બાદ ભારતીય હવામાન વિભાગે પણ અલનીનો રહેશે તેવો અંદાજ લગાવ્યો છે. ચોમાસું સારું
રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે અને જો ચોમાસું ખરાબ રહે તો સંગ્રહખોરોને ફાયદો થઈ
શકે છે સાથે જ ચાલુ સીઝનના પાકને વ્યાપક નુકસાન પણ પહોંચી શકે છે. ફાયદા અને નુકસાનની
આ વાત પાછળ માત્ર અલ નીનોની અસરથી ખેતીનું ભવિષ્ય અધ્ધરતાલ પણ રહી શકે છે.
શું
મુશ્કેલીઓ સર્જાઈ શકે?
દેશની
૪૦ ટકા ખેતીની સિંચાઈ ખાસ કરીને ચોમાસા પર આધારિત હોય છે. શેરડી, કપાસ, ચણા, ઘઉં, રાઈ
અને કઠોળની વાવણી પ્રાકૃતિક વરસાદ પર આધાર રાખે છે. જો વરસાદ ખેંચાય અથવા દુષ્કાળ જેવી
સ્થિતિ સર્જાય તો આ તમામ પાકને અસર પડી શકે છે. જેને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાવાનો
વારો પણ આવી શકે છે.
ઓછા
વરસાદની ચિંતાથી કૃષિ જણસોમાં તેજી
આ વર્ષે
ખરીફ સીઝનમાં ઓછા વરસાદના અનુમાનને પગલે કૃષિ જણસોના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેંજ (એનસીડીએક્સ)માં વિવિધ વાયદાબજારમાં મોટાભાગની
કૃષિ જણસોમાં એક ટકાથી વધારે તેજી જોવાઈ છે જ્યારે થોડા સમય પહેલાં એરંડા, ગવાર ગમ,
ગવાર અને સોયાબીનમાં ૩ ટકાથી વધારેની તેજી જોવાઈ હતી. તો આ તરફ જવ, ચણા, જીરું, રાઈ
સહિત હળદરમાં તેજી જોવાઈ હતી. દરેક જણસોની વાયદા કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. ઉદાહરણ
તરીકે જો વાત કરીએ તો સોયાબીનના ભાવ એટલા માટે વધ્યા કારણ કે તેની આવક ઓછી રહી હતી.
જો કે તેનું મુખ્ય કારણ હવામાન વિભાગનું પુર્વાનુમાન પણ માનવામાં આવે છે. વિશ્લેષકોનું
પણ માનવું છે કે, નબળા ચોમાસાને કારણે દેશના ઉત્તરીય અને પશ્ચિમી વિસ્તારો ખાસ્સા એવા
પ્રભાવિત થશે જ્યાં મોટાપાયે ખેતી કરવામાં આવે છે. વિશ્લેષકો એવું પણ માને છે કે સોયાબીન,
કપાસ, હળદર અને ગુવાર જેવા મુખ્ય પાકો આગામી ચોમાસાની સીઝનમાં ખાસ્સા એવા પ્રભાવિત
પણ થશે. ઉદ્યોગ વિશ્લેષકોનું પણ માનવું છે કે,
ખરીફ સીઝનમાં ૨૦૦૯ની સીઝન રિપીટ થઈ શકે છે, કારણ કે વર્ષ ૨૦૦૯માં અલ નીનોની
અસરને કારણે તેલીબિયાં, ખાંડ અને કપાસ જેવી કૃષિ જણસોના ભાવ નવી ઊંચાઈ પર પહોંચી ગયા
હતા. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જો વર્ષ ૨૦૦૯ જેવી સ્થિતિ સર્જાશે તો આગામી મહિનાઓમાં
કૃષિ જણસોના ભાવમાં તેજી ચોક્કસ વર્તાશે.
શેના
પર પડી શકે અસર?
અલ
નીનોને કારણે ખેતી પર અને ગ્રામીણ ખરીદીની ક્ષમતા પર અસર પડી શકે છે. ગ્રામીણ વસ્તીના
૬૦ ટકા ઉપભોક્તા વિવિધ વસ્તુઓના ખરીદદાર હોય છે. જો આ માંગમાં ઘટાડો થાય તો દેશની ઔદ્યોગિક
ગતિ ધીમી પડી શકે છે. વર્તમાન સમયમાં દેશમાં બનતી ૪૮ ટકા મોટરસાઈકલ અને ૪૪ ટકા ટીવી
સેટોનું વેચાણ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં થાય છે અને આ માંગ સારા ચોમાસા સાથે જોડાયેલી
હોય છે. અલ નીનોને કારણે સ્ટોક માર્કેટ અને કોમોડિટીઝ એટલે કે વિવિધ ખાણી-પીણીની ચીજોથી
લઈને દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓની પણ સંગ્રહખોરી થઈ શકે છે. જો દુષ્કાળની સ્થિતિ
સર્જાય તો સંગ્રહખોરો નફો પણ કમાઈ શકે છે અને મોંઘવારી વધી શકે છે સાથે જ શેરબજારમાં
કડાકો પણ જોવાઈ શકે છે.
કોને
ફાયદો થશે?
અલ
નીનોની અસરની આશંકાની વચ્ચે વિદેશી રોકાણકારો અને બજારોને ફાયદો થઈ શકે છે. અમેરિકા
અને કેનેડાથી આવતા ઘઉં અને ઓસ્ટ્રેલિયાની દાળ અને અનાજની મનફાવતી કિંમતો ભારતીય બજારમાં
જોવા મળી શકે છે. તો શેરબજારમાં પણ વિદેશી રોકાણકારોને રોકાણ કરવાનો મોકો મળી શકે છે.
જો કે આ તરફ ઓછા વરસાદને કારણે ખેતીની પેટર્ન બદલી શકાય છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં
પંજાબમાં બાસમતી ચોખાની એવી જાતોનું વાવેતર કરવામાં આવે છે જે ઓછા પાણીમાં પણ સરળતાથી
ઊગી શકે છે. આ સિવાય અન્ય પાકોમાં પણ આ પ્રકારનો નુસખો અપનાવવામા આવે છે. જેનાથી અલ
નીનોની અસરથી બચી શકાય છે.
શું
છે અલ નીનોની ભવિષ્યવાણી?
અલ
નીનોની સક્રિયતાની વાત યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેયરિક એડમિનિસ્ટ્રેશન અને ઓસ્ટ્રેલિયન
બ્યુરો ઓફ મેટ્રોલોજી (બીઓએમ)એ કરી છે. અમેરિકન વૈજ્ઞાાનિકોના મતે અલ નીનોના એક્ટિવ
થવાના ચાન્સ ૩૦ ટકા છે જ્યારે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાાનિકોના મતે અલ નીનોની અસર ૭૦ ટકા
રહેશે. આમ તો ભારતીય હવામાન વિભાગે આ ભવિષ્યવાણીને ફગાવી દીધી છે. અલ નીનોની અસરને
પગલે ગત તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ એક તાત્કાલિક યોજના તૈયાર કરવા માટે બેઠક પણ બોલાવવામાં
આવી હતી. આ બેઠક દુષ્કાળની આશંકાને ધ્યાનમાં રાખીને દેશના ૫૦૦ જિલ્લામાં ઈમરજન્સી પ્લાનની
તૈયારી કરવા માટે કરવામાં આવી હતી. જો કે આ બેઠક અલનીનોની અસર વર્તાય તે પહેલા પૂર્વાનિયોજીત
પગલાના સ્વરૃપે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
૨૦૧૫માં
કાળઝાળ ગરમી અલ નીનોને આભારી રહેશે
વર્ષ
૨૦૦૨ અને ૨૦૦૪માં દેશમાં ચોમાસા દરમિયાન ગરમીની આંશિક અસર જોવા મળી હતી. જો કે વર્ષ
૨૦૦૯માં તેની સક્રિયતાને કારણે દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. જેેને કારણે વિદેશમાંથી
મોંઘા ભાવે ખાંડ અને દાળની આયાત કરવી પડી હતી. જો કે દેશમાં અલ નીનોની સૌથી વધારે અસર
વર્ષ ૧૯૯૭-૯૮માંં જોવા મળી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે જો વર્ષ ૨૦૧૫ સૌથી વધારે
ગરમીનું વર્ષ રહેશે તો તેની પાછળનું કારણ અલ નીનો જ ગણવામાં આવશે.
ચોમાસું
કઠોળ વપરાશકારના બજેટને અસ્તવ્યસ્ત કરી નાખશે
ચાર
વર્ષના સામાન્ય કે સામાન્યથી સારા ચોમાસા પછી આ વર્ષનું અલનીનો પ્રભાવિત નબળું ચોમાસું,
તાજેતરમાં જે રીતે કાંદાએ ગ્રાહકોની આંખમાં આંસુ લાવી દીધાં હતાં એ જ પ્રકારે આ વર્ષે
કઠોળ તેમના બજેટને અસ્તવ્યસ્ત કરી નાખવાની શક્યતા ધરાવે છે. અલ-નીનોની આગાહી પછી એસોચેમે
કરેલા એક સર્વેક્ષણમાં જણાયું હતું કે ભારતના કુલ કઠોળ ઉત્પાદનમાં ૮૦ ટકા હિસ્સો આપતાં
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં ઓછો વરસાદ
પડવાની ધારણાએ, આ પાકને વ્યાપક અસર થવાની સંભાવના વધી ગઇ છે. એસોચેમના પ્રમુખ રાણા
કપૂર કહે છે કે કઠોળમાં માગ પુરવઠાની અસમાનતા, સ્ટેપલ ફૂડના ભાવ પર પણ વ્યાપક અસર ઊભી
કરશે. આ જોતાં ફુગાવાનો ઘોડો તબેલામાંથી નાસી છૂટે તે પહેલાં ફૂડ સિક્યુરિટી કે સલામતીના
અસંખ્ય પગલાં અત્યારથી જ લેવા જરૃરી બની ગયા છે. એસોચેમનો અભ્યાસ કહે છે કે ૨૦૧૬ સુધીમાં
આપણે ૨૧૦ લાખ ટન કઠોળ ઉત્પાદને પહાંેચશું. જ્યારે આગામી વર્ષોમાં વપરાશ, વધીને ૨૩૦
લાખ ટન જેટલો થઇ જશે. ભારતમાં ૨૨૦થી ૨૩૦ લાખ હેક્ટરમાં કઠોળ વાવેતર થાય છે અને ર્વાિષક
ઉત્પાદન ૧૩૦ થી ૧૮૦ લાખ ટન આવતું હોય છે.
જીડીપીમાં
કૃષિ ક્ષેત્રનો હિસ્સો ૧૧.૮ ટકા રહી ગયો
સામાન્ય
ચોમાસાનો મતલબ ચોમાસુ સીઝનમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ રહેશે. જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાની
ચોમાસુ સીઝનમાં ૧૧૦ ટકા વરસાદને સરપ્લસ ચોમાસું કહેવામાં આવે છે. જો કે કોઈ વિસ્તારમાં
૮૦ ટકા અથવા તેનાથી ઓછો વરસાદ હોય તો આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત માનવામાં આવે છે. અલ
નીનોની અસરને કારણે વર્ષ ૨૦૦૯માં પાછલાં કેટલાંક વર્ષોના મુકાબલે અનાજનું ઓછું ઉત્પાદન
પણ નોંધાયંુ હતું. વર્ષ ૨૦૦૯માં ૨૧.૮૧ કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. આ સિવાય
અન્ય અનાજ અને શેરડીની ઉપજમાં પણ ઘટાડો નોંધાયો હતો. દેશને ખાંડની પણ આયાત કરવી પડી
હતી અને સમગ્ર દુનિયામાં ખાંડના ભાવ ૩૦ ટકા સુધી વધી ગયા હતા. ચાલુ વર્ષે એટલે કે વર્ષ
૨૦૧૩-૧૪માં દેશમાં રેકોર્ડબ્રેક ૨૬૩૦ કરોડ ટન અનાજનું ઉત્પાદન થવાનું અનુમાન લગાવવામાં
આવ્યું છે. જો કે અલ નીનોની સક્રિયતા તેને બરબાદ પણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા
અલ નીનોની ૬૦ ટકા અસર વર્તાઈ શકે છે. એટલે એમ પણ કહી શકાય કે ચોમાસું સામાન્યથી ઓછું
પણ રહી શકે છે. ભારતમાં અલ નીનોનો પ્રભાવ વરસાદની અછત અને દુષ્કાળના સ્વરૃપમાં જોવામાં
આવે છે. જેની સીધી અસર ખેતી પર પડી શકે છે અને જીડીપીમાં ખેતીનું યોગદાન ઘટતા ઘટતા
૧૧ ટકા સુધી પણ આવી ગયું છે. જે ૨૦૦૪-૦૫માં ૧૬ ટકા હતું. આજે પણ ૫૦ ટકા વસતી પ્રત્યક્ષ
કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે. જો કે કેટલાંક ઉદ્યોગોની રોજી-રોટી પણ ખેડૂતોના
ઘરમાં આવતી સમૃદ્ધિ પર નિર્ભર રહે છે. આવી સ્થિતિમાં જો ખેતી પ્રભાવિત થાય તો રસોઈકામમાં
આવતી તમામ ચીજવસ્તુઓ મોંઘી થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. અલ નીનોની અસર માત્ર
ખેડૂતોને જ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે. જો કે વર્તમાન સમયમાં
ખેડૂતોએ ગભરાવાની કોઈ જરૃર નથી, કારણ કે સરકાર દ્વારા અલ નીનોના સંકટ સામે રક્ષણ મેળવવા
માટે વિશેષ પગલાં પણ લેવાઈ રહ્યાં છે.
આખરે
શું છે અલ નીનો?
અલ
નીનો એક સ્પેનિશ શબ્દ છે. તેની શાબ્દિક ઓળખ લિટલ બોય એટલે કે નાનકડા છોકરા તરીકે કરવામાં
આવે છે. દક્ષિણ અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં ક્રિસમસ બાદ તુરંત સમુદ્રનું પાણી અચાનક
અસામાન્યરૃપથી ગરમ અને ઠંડું થવાની ઘટનાને સાંકેતિકરૃપથી બાળક ઈસા મસીહ સાથે જોડવામાં
આવ્યું છે અને સમુદ્રમાં સર્જાતી આ ઘટનાને અલ નીનો કહેવામાં આવે છે. એટલે જે વર્ષે
અલ નીનો એક્ટિવ થાય છે ત્યારે દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસા પર અસર પડે છે. જેને કારણે વિશ્વના
કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પડે છે અથવા કેટલાંક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય
છે. ભારતમાં અલ નીનો ચોમાસાની સીઝનમાં એટલે કે ચાર મહિના સુધી જ તેની અસર દેખાય છે. જો કે અલ નીનો એક્ટિવ રહેવાના સંકેત ૯ મહિના સુધી
જોવા મળી શકે છે. ખાસ કરીને અલ નીનો ૨થી ૭ વર્ષના અંતર દરમિયાન એક્ટિવ થાય છે.
લા
નીનો એટલે શું?
લા
નીનોની અસર અલ નીનો કરતાં વિપરીત હોય છે. લા નીનો એક સ્પેનિશ શબ્દ છે. લા નીનો શબ્દનો
અર્થ 'નાનકડી છોકરી' એવો થાય છે. જ્યારે અલ નીનોનો અર્થ 'નાનકડો છોકરો' એમ માનવામાં
આવે છે. ખાસ કરીને લા નીનોની અસર પાંચ મહિના સુધી રહે છે. એક તરફ અલ
નીનો ખાસ કરીને ચિલી, પેરુ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને ખાસ્સું એવું
પ્રભાવિત કરે છે તેની સામે લા નીનો ઉત્તર અમેરિકા
સહિતના વિવિધ વિસ્તારોને પ્રભાવિત કરે છે. જો કે લા નીનો ખાસ કરીને ભારત માટે ફળદાઈ
સાબિત થયું છે. અલ નીનોને કારણે જ્યારે દુષ્કાળની સ્થિતી સર્જાય છે તેની સામે લા નીનોને
કારણે ચોમાસુ સારું રહે છે અને વરસાદ સારો એવો વરસે છે. લા નીનોને કારણે ખાસ કરીને દક્ષિણ -પશ્ચિમ ભારતમાં સારું ચોમાસુ
રહે છે. વર્ષ ૨૦૦૯માં અલ નીનોની અસર જોવા મળી હતી તેની સામે વર્ષ ૨૦૧૦માં લા નીનોને
પગલે ભારતમાં વરસાદ સારો રહ્યો હતો.
- વરસાદની પેટર્ન બદલાઈ જતાં ખરીફમાં ઓછાં પાણીએ પાકતા પાકના વાવેતરની ખેડૂતોને કૃષિ વિભાગની સલાહ
- દેશમાં કુલ ૧૦૦૦ લાખ ટનથી પણ વધારે થતા ચોખાના ઉત્પાદન સામે કુલ ૨૪૪ લાખ ટન જેટલો સ્ટોક યથાવત્ , ચોખાની ર્વાિષક જરૃરિયાત દેશને ૯૭૦ લાખ ટન
- કઠોળ પાકોની આયાત વધશે
- ૨૦૦૯માં ધાન્યપાકોનું ઉત્પાદન ૭ ટકા ઘટયું હતું
- ગુજરાતમાં અલ નીનોની સામાન્ય અસર રહેશે
- દેશની ૪૦ ટકા ખરીફ ખેતી ચોમાસા પર આધારિત
- દેશમાં ૮૦ ટકા વરસાદ રહેવાની આગાહી કરાઈ
- વર્તમાન સમયમાં દેશમાં બનતી ૪૮ ટકા મોટરસાઈકલ અને ૪૪ ટકા ટીવી સેટોનું માત્ર ગ્રામીણ વિસ્તારોમાં થતું વેચાણ
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment