Tuesday, 13 May 2014

કેસર કેરીનું આગમનઃ ઉત્પાદન ઓછું, છતાં ભાવ સરેરાશ


તલાલામાં સારી કવોલિટીની કેરીના બોકસના ભાવ ૪૭૫, નબળીના ૧૭૫ અને સરેરાશના ભાવ ૨૨૫ સુધી ઉપજ્યા : કેરીની સીઝન ગુજરાતમાં ૨૧ દિવસ મોડી શરૃ થઇ  : કેસર કેરીનું ૪૦ ટકા ઉત્પાદન ઘટશે  : ૨૦મી મે બાદ કેસર કેરીની પૂરજોશમાં આવક શરૃ થશે : હાફૂસ કેરીની નિકાસ પરના પ્રતિબંધથી કેરીનો ભાવ તળિયે  : કેરીના ખેડૂતોને સારી આવક રળવાની તક હાફૂસના પ્રતિબંધે ખોરવી દીધી  : હાફૂસ કેરીનો કુલ કારોબાર આ વર્ષે ૧૫૦૦ કરોડ રૃપિયા રહે તેવી સંભાવના :  દેશમાંથી અરબ અમીરાતમાં સૌથી વધુ થતી કેરીની નિકાસ :મહારાષ્ટ્રમાં તાપમાન અચાનક ૪૦ ડિગ્રીએ પહોંચી જતાં કેરી જલદી પાકી ગઈ

સમગ્ર વિશ્વમાં સ્વાદ અને સોડમ માટે પ્રખ્યાત બનેલી સૌરાષ્ટ્ર પંથકની કેસર કેરીની ગત સપ્તાહથી આવક શરૃ થઇ ગઇ છે. તલાલામાં હરાજીનો પ્રારંભ થતા જ શુક્રવાર સુધીમાં ૧૪,૦૦૦ બોક્સની આવક થઈ હતી જેમાં  સારી ક્વોલિટી બોક્સના ભાવ ૪૭૫, નબળીના ૧૭૫ અને સરેરાશના ભાવ ૨૨૫ સુધી ઉપજ્યા હતા. ગત વર્ષ કરતાં ૨૧ દિવસ સીઝનની શરૃઆત મોડી થઈ છે. ગયા વર્ષે આ યાર્ડમાં ૧૬મી એપ્રિલે કેસર કેરીની હરાજી ચાલુ થઈ હતી. જ્યારે આ વર્ષે પાછોતરા પાકના કારણે ૬ મેથી કેરીની સીઝન ચાલુ થઈ છે. ગત સપ્તાહે નવસારી એપીએમસી માર્કેટમાં ૫,૦૦૦ ક્વિન્ટલ કેરીની આવક શરૃ થઇ હતી. જેમાં હાફૂસનો મણનો ભાવ રૃપિયા ૪૦૦થી ૭૫૦, કેસરનો ભાવ રૃ. ૪૬૫થી ૧૦૦૦ અને લંગડાનો ભાવ રૃપિયા ૪૦૦થી ૭૦૦ રહ્યો હતો
 મોસમની કેટલીય અનિયમિતતાઓના કારણે આ વખતે સીઝન મોડી બેઠી છે અને લાંબા સમય સુધી ચાલશે.  તલાલા એ કેરીનું મુખ્ય મર્કેટયાર્ડ હોવા છતાં ગોંડલમાં વધારે કેરીની આવક આવી રહી છે. તો અંકલેશ્વરમાં પણ તોતાપુરી કેરીની સારી આવક આવી રહી છે.
  ૨૦ મી મે બાદ કેસર કેરીથી રાજ્યના બજારો ઉભરાશે ત્યારે કેરીના ભાવ હજુ નીચા જાય તેવી શક્યતા છે. આ વર્ષે કેસર કેરીને માવઠાના ત્રણ ફટકાથી ઉત્પાદન હવે ૬૦ ટકા જ રહી જતાં ખેડૂતોને પણ સારા ભાવ મળવાની આશા હતી પરંતુ હાફૂસ કેરી પર નિકાસની પ્રતિબંધથી હાફૂસની આવક વધુ રહેતાં કેરીના ભાવ નીચા ગયા છે. સરેરાશ  કેસર કેરીના ભાવને પણ તેની અસર પડી છે. હાલમાં સૌથી ઓછા ભાવ કેસર કેરીના બજારમાં ખેડૂતોને મળી રહ્યા છે. તલાલા યાર્ડમાં કેસર કેરીના બોક્સની હરાજી ચાલુ થઈ હતી દરમિયાન બોક્સમાં કેરી કાચી હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. હજુ આવક ધીમે પગલે છે, પણ આગામી તા. ૨૦ મે સુધીમાં વધારો થશે. ગત વર્ષે યાર્ડમાં કેરીના વેચાણની ૬૩ દિવસ સીઝન ચાલી હતી અને સીઝન દરમિયાન આ યાર્ડમાં કુલ ૧૧,૮૫,૦૮૬ કેરીના બોક્સની આવક થઈ હતી. હરાજીના પ્રથમ દિવસે ૧૦ કિલો વજનનાં ૩૨૫૦ બોક્સ વેચાણ માટે આવ્યાં હતાં. ખેડૂતોને સરેરાશ એક બોક્સના રૃ.૨૪૫ લેખે વેચાણ ભાવ પ્રાપ્ત થયા હતા. સારી ક્વોલિટીની કેરીના બોક્સનો ભાવ રૃ. ૫૫૦ રહ્યો હતો. જ્યારે નબળી કેરીના બોક્સનો ભાવ સીઝનમાં સરેરાશ ૨૦૦ રૃપિયા રહ્યો હતો. જ્યારે આ સીઝનમાં હરાજીનો ગત મંગળવારથી પ્રારંભ થતાં  પ્રથમ દિવસે દસ કિલો વજનનાં ૮૩૦૦ બોક્સની આવક થઈ હતી.


તલાલા કેસર કેરીનું મુખ્ય યાર્ડ પણ આવકમાં ગોંડલ યાર્ડ મોખરે
તલાલા એપીએમસી કેરીના વેચાણમાં મોખરે યાર્ડ આવે છે. આમ છતાં ગોંડલ એ ઝોનલ પીઠામાં આવવાની સાથે ધારી, રાજકોટ નજીક હોવાથી મોટા ખેડૂતો કેરીનું વેચાણ ગોંડલ માર્કેટમાં કરતા હોય છે. શુક્રવારના રોજ તલાલા માર્કેટયાર્ડમાં ૨૬૮૦ બોક્સની આવક સામે ગોંડલમાં ૧૩,૨૧૦ બોક્સની આવક હતી. ખેડૂતોને ભાવ પણ મણે રૃ.૬૦૦થી ૧૦૦૦ સુધીના મળ્યા હતા. આવકની અસમાનતા અંગે તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, તલાલા યાર્ડમાં હજુ શરૃઆત છે. જેમ આવક વધશે તેમ વેપારી પેઢી ખુલશે ૧૫મી મે બાદ તલાલા યાર્ડમાં આવકનું પ્રમાણ વધશે. ગત વર્ષે યાર્ડમાં કુલ ૧૧.૮૫ લાખ કેરીનાં બોક્સની આવક થઈ હતી ઃ તલાલામાં ૨૦૧૩માં ૧૬મી એપ્રિલથી બજારની શરૃઆત થઇ હતી. પરિણામે યાર્ડમાં સીઝનમાં કુલ ૧૧.૮૫ લાખ કેરીનાં બોક્સની આવક થઈ હતી. જ્યારે ૨૦૦૯ - ૧૦માં પ૦ લાખથી પણ વધુ કેસર કેરીનાં બોક્સની આવક થતાં  અંદાજે ૧૦૦ કરોડથી પણ વધુ કેસર કેરીના ખેડૂતોને ચૂકવાયા હતા.

૧૫મી મે સુધીમાં કેસર કેરીની આવકમાં વધારો થશે
તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીના પાકને વાતાવરણે ભારે નુકસાન કર્યું છે. શરૃઆતમાં વ્યાપક ઠંડી અને ત્યારબાદ બરફના કરા સાથે કમોસમી વરસાદ થવાના કારણે કેસર કેરીનો પાક પાછો ધકેલાઈ ગયો હતો અને પાકનું વ્યાપક ધોવાણ થવાના કારણે આ સાલ પાક ઓછો થવાનો અંદાજ છે. ગત વર્ષ કરતાં આ સાલ કેરીની સીઝન મોડી શરૃ થઈ રહી છે અને પાછોતરા પાકના કારણે ખૂબ જ લાંબી ચાલશે. મંગળવારથી શરૃ થઈ રહેલી કેસર કેરીની સીઝન પ્રારંભમાં ધીમી રહેશે પણ ૧૫મી મે બાદ કેરીના બોકસની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

કેસર કેરીની સીઝન મોડીઃ હાફૂસને નુકસાન, દશેરીને ચાંદી જ ચાંદી
દે શમાં ૨૫ લાખ હેક્ટરમાં આંબાના વાવેતર વચ્ચે ૨૦૧૨-૧૩માં ૧૮૦ લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. ચાલુ વર્ષે કેરીની સીઝનની શરૃઆતમાં જ કેરીની નિકાસ પર પ્રતિબંધ લાગી જતાં હાફૂસ હાલમાં ઓછા ભાવે બજારમાં વેચાઈ રહી છે. હાફૂસની આવકોથી મંુબઈ સહિત દિલ્હી અને ગુજરાતનાં બજારો પણ ઉભરાઈ રહ્યાં છે ત્યારે હવે ગુજરાતની કેસર અને લંગડાની આવક શરૃ થતાં હાફૂસની માંગ ઘટવા લાગશે. કેસર કેરીને પણ ચાલુ વર્ષે હવામાન નડતાં કેસરની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા છે.
આવક વધતાં અને યુરોપમાં પ્રતિબંધ લાગતાં હાફૂસના ભાવ અડધા
ચાલુ સીઝનમાં દેશના લોકો માટે હાફૂસ કેરી વધારે મીઠી બની છે. આવક વધતાં અને કેરીની આયાત પર યુરોપિયન યુનિયનોના પ્રતિબંધ અને અન્ય દેશોની કાર્યવાહીની આશંકાને પગલે હાફૂસ કેરીના ભાવ ઘટીને અડધા થઈ ગયા છે. સાથે જ ટ્રેડર્સોના મતે હાફૂસ કેરી દેશના અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પહોંચશે તો અન્ય વેરાઇટીઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. એક તરફ ગરમી વધવાને કારણે હાફૂસ કેરીની આવકમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે, આ વર્ષે કેરીનો પાક પણ સારો હોવાથી ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યોે છે, હાફૂસ કેરીના ભાવમાં ૧૫ દિવસ પહેલાં જ ઘટાડો શરૃ થઈ ચૂક્યો છે. અખાત્રીજના દિવસે દેશનાં વિવિધ માર્કેટમાં કેરીની આવકમાં વધારો જોવા મળ્યો હતો. અખાત્રીજના દિવસે મુંબઈના વાશીના હોલસેલ માર્કેટમાં હાફૂસ કેરીનાં ૨ લાખ બોક્સ ઉતારવામાં આવ્યાં હતાં, જ્યારે ૧૫ દિવસ પહેલાં ૬૦,૦૦૦ જેટલાં બોક્સ ઉતારાયાં હતાં. વિવિધ વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં તાપમાન અચાનક ૪૦ ડિગ્રીએ પહોંચી જતાં કેરી જલદી પાકી ગઈ છે. કર્ણાટકમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે ફળની સાઈઝ વધી રહી છે અને ઉત્પાદન વધારે આવતાં ભાવ પણ ગગડી રહ્યા છે. એક તરફ મુંબઈમાં આવક વધતાં દિલ્હીમાં પણ કેરીના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે અને ભાવ ઘટીને ૩૫૦થી ૪૦૦ રૃપિયા પ્રતિ ડઝન થઈ ગયા છે.  ખાસ કરીને એપ્રિલથી જૂનમાં દક્ષિણનાં રાજ્યોમાંથી દિલ્હીમાં કેરીની નિકાસ કરવામાં આવે છે. જૂન બાદ ઉત્તરપ્રદેશની કેરી દિલ્હીના માર્કેટમાં પહોંચવાની શરૃઆત થઈ જાય છે. જો કે હાલ દેશનંા વિવિધ માર્કેટમાં કેરીનો પુરવઠો વધારે પ્રમાણમાં પહોંચી રહ્યો હોવાથી ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

જાપાની માર્કેટમાં પણ ભારતીય કેરીની નિકાસ ઠપ
યુરોપિયન યુનિયનની સાથે સાથે જાપાનમાં પણ કેરીની નિકાસ લગભગ ઠપ થઈ રહી છે. જો કે જાપાને સત્તાવાર રીતે કેરીની આયાત પર પ્રતિબંધ નથી લગાવ્યો. જાપાને લગભગ બે દાયકા બાદ જૂન ૨૦૦૬માં ભારતીય કેરીની આયાત પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો, પરંતુ ટ્રેડર્સોના મતે જાપાની આયાતકારોએ શરૃઆતમાં ભારતીય કેરીની આયાત માટે રસ દાખવ્યો હતો. જો કે બાદમાં કેરીમાં જંતુનાશક દવાઓના અવશેષ મળતા જાપાનનો પણ ભારતીય કેરી પરથી ભરોસો ઊઠી ગયો છે.
નિકાસકારોનું કહેવું છે કે, જાપાનમાં કેરીની નિકાસ કરવાથી સારી એવી આવક પ્રાપ્ત થાય છે, જો કે પાછલા વર્ષથી અહીં કેરીની નિકાસ શક્ય નથી બની રહી જેને કારણે પણ ભારતીય કેરીના બજારને નુકસાની વેઠવી પડે છે.

હાફૂસ પર પ્રતિબંધથી દશેરી કેરીની નિકાસ ચમકશે
યુરોપમાં હાફૂસ કેરી પર લાગેલા પ્રતિબંધને લઈને કેન્દ્ર સરકાર ચિંતા કરી રહી છે, પરંતુ આ તરફ ઉત્તરપ્રદેશના કેરી ઉત્પાદકો પ્રતિબંધનેે એક સારી તક માની રહ્યા છે. દેશમાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરનારા ઉત્પાદકોને દશેરી કેરીના સૌથી વધારે ઓર્ડર મળવાની આશા બંધાઈ છે. આ વર્ષે ૪૦ લાખ ટન કેરીનું ઉત્પાદન કરનાર ઉત્તરપ્રદેશ નિકાસના મામલે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુકાબલે પાછળ છે. જો કે રાજ્યમાં ઉત્પાદિત થતી દશેરી કેરીની વિદેશમાં ખાસ્સી એવી માંગ છે. ઉત્તરપ્રદેશમાંથી ખાસ કરીને ખાડી દેશોમાં અને કેટલાક યુરોપિયન દેશોમાં દશેરીની નિકાસ કરવામાં આવે છે. ગત વર્ષે ઉત્તરપ્રદેશમાંથી ૧૨,૦૦૦ ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના ઉત્પાદકોનું કહેવું છે કે, હાફૂસ પર પ્રતિબંધ લાગતા દિલ્હી અને મુંબઈના નિકાસકારો ઉત્તરપ્રદેશના ઉત્પાદકોનો સંપર્ક સાધી રહ્યા છે. એક તરફ ઉત્તરપ્રદેશના મલિહાબાદના ઉત્પાદકોને આ વર્ષે દશેરી કેરીનું ઉત્પાદન ૩ લાખ ટનથી પણ વધારે રહેવાની આશા છે.
ગત વર્ષે મલિહાબાદ, માલ અને કાકોરીમાં ૪.૪ લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. મલિહાબાદમા ૩૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં કેરીની ખેતી કરવામાં આવે છે. જ્યારે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ૨.૭૫ લાખ હેક્ટર વિસ્તારમાં કેરી પકવવામાં આવે છે. જો કે આ વર્ષે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીમાં મોર આવવાને સમયે થયેલા કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે કેરીને ખાસ્સું એવું નુકસાન પહોંચ્યંું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મલિહાબાદમાં નિકાસકારોની સુવિધા માટે મેંગો પેકહાઉસની પણ સ્થાપના કરવામાં આવી છે. દશેરીના ઉત્પાદન માટે જાણીતો મલિહાબાદ વિસ્તાર નિકાસમાં પોતાના જ પ્રદેશ સહારનપુર કરતાં પણ ઘણો પાછળ છે. સહારનપુરથી માત્ર દશેરી જ નહીં, પરંતુ ચૌસા અને સફેદા જેવી કેરીની અન્ય જાતોની પણ નિકાસ કરવામાં આવે છે. 
ભારતીય કેરી પર પ્રતિબંધથી પાકિસ્તાન જાગ્યું : ગરમ પાણીમાં પ્રોસેસ કર્યા બાદ કેરીની નિકાસ શરૃ કરી
એક તરફ યુરોપિયન યુનિયન દ્વારા ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાન પોતાના દેશની કેરીને વિદેશોમાં આકર્ષવા માટે અને નિકાસ વધારવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા 'હોર્ટી-ફ્રેશ પ્રોસેસિંગ હોટ વોટર ટ્રીટમેન્ટ'' (એચડબ્લ્યુટી) નામની પ્રોસેસ પદ્ધતિ અપવાનીને કેરીની નિકાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના કરાંચી સ્થિત એક ખાનગી કંપની દ્વારા આ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. જેમાં કેરીને ૪૮ ડિગ્રી સુધી ગરમ પાણીમાં એક કલાક સુધી પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારબાદ તેને સૂકવવામાં આવે છે અને પછી તેને ઠંડા તાપમાનની અંદર રાખીને પેકેજિંગ કરી વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ગરમ પાણી અને વેક્ષ ટ્રીટમેન્ટમાંથી પસાર થયેલી આ કેરી લગભગ ૩૫ દિવસ સુધી બિલકુલ ફ્રેશ રહી શકે છે અને તેની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. પાકિસ્તાનની આ કંપનીના પ્રોજેક્ટને ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, મોરેશિયસ, હોંગકોંગ, મલેશિયા, અમેરિકા, ઈરાન, ચીન અને લેબેનોને પણ આવકારી છે, એનો મતલબ એ થયો કે આ દેશોએ પાકિસ્તાની કેરીની આયાતને મંજૂરી આપી છે. કંપનીનું કહેવું છે કે, ગરમ પાણીમાં કેરીને પ્રોસેસિંગ કરવાથી ૯ પ્રકારના રોગ નાશ પામે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ અમેરિકાના એગ્રીકલ્ચર વિભાગ એટલે કે યુએસડીએ દ્વારા કરવામાં આવે છે, અમેરિકા સહિત અન્ય દેશો પણ આ પ્રકારની ટ્રીટમેન્ટ કરે છે, જેનાથી કેરી જંતુનાશક અવશેષોથી મુક્ત રહી શકે છે. આમ, ભારતીય કેરીની નિકાસના પ્રતિબંધનો પાકિસ્તાન સીધો ફાયદો ઉઠાવી રહ્યુંં છે અને વિદેશોમાં પોતાની કેરીની ગુણવત્તા જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યું છે.
ફેબ્રુઆરીમાં ખેડૂતોએ કરેલા દવાના છંટકાવે નિકાસ પર રોક લગાવી

વિદેશમાં ભારતની હાફૂસ કેરી પર યુરોપીય વ્યાપાર સંગઠને રોક લગાવતાં સ્થાનિક બજાર અને ખાડીના દેશોમાં ભારતીય કેરીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. એક અઠવાડિયા પૂર્વે એક ડઝન કેરીનો ભાવ રૃપિયા ૧૫૦૦ હતો તે હાલમાં રૃપિયા ૩૦૦થી ૪૦૦ થઇ ગયો છે. યુરોપમાં હાફૂસ કેરી પર પ્રતિબંધથી લગભગ ૨૦ ટકા કેરીની ઓછી નિકાસ થશે. હવે નિકાસકારોને ખાડી દેશ અને સ્થાનિક બજારમાં હાફૂસ કેરીનું વધુ વેચાણ થવાની આશા છે. હાફૂસ વિશેષ સ્વાદને પગલે ઊંચા ભાવ હોવાથી સામાન્ય લોકો આ કેરીથી વંચિત રહેતા હવે ઓછા ભાવને પગલે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટતાં કેરી રસિકોને હાફૂસનો પણ સ્વાદ ચાખવા મળી શકે છે. હાફૂસ કેરીનો ભાવ ડઝનના રૃપિયા ૧૫૦થી ૨૦૦ સુધી આવે તેવી પણ શક્યતાઓ છે.
૨૦૧૨-૧૩માં હાફૂસ કેરીનો કુલ કારોબાર ૨૫૦૦ કરોડ રૃપિયા રહ્યો હતો જે આ વર્ષે ૧૫૦૦ કરોડ રૃપિયા રહે તેવી સંભાવના છે. ૨૦૧૨-૧૩માં કેરીની નિકાસ ૫૫,૦૦૦ ટન હતી જેમાં યુરોપમાં નિકાસનો હિસ્સો ૩,૮૯૦ ટન હતો. હાફૂસની યુરોપમાં આયાત પર રોક લાગતાં   નુકસાન થવાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં વરસાદને પગલે કેરીમાં લાગેલાં રોગ-જીવાત રોકવા માટે ખેડૂતોએ દવાનો છંટકાવ કરવો પડયો અને યુરોપિયન યુનિયનને આ કેરીમાં દવાનું પ્રમાણ મળી ગયું છે. હવે કર્ણાટકની કેરીની આવક શરૃ થવાની સાથે મેમાં ગુજરાતની કેસર અને લંગડાની આવક શરૃ થતાં હાફૂસ કેરીને ફટકો પડશે. ખેડૂતો વહેલી કેરી પકવી સારા ભાવ મેળવવા કેરી પર કેલ્શિયમ કાર્બાઇડનો છંટકાવ કરતા હોવાથી તેની ગુણવત્તા જોખમાવા લાગી છે.
હાફૂસ કેરીને હવે સ્થાનિક ખરીદદારો પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાનું માની અળગા થઇ રહ્યા છે. પરિણામે હાફૂસ કેરી પકવતા ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ છે. જ્યાં મુંબઇમાં મેની શરૃઆતમાં ૮૦થી ૮૫ હજાર પેટી કેરી ઊતરતી ત્યાં હાલમાં સવા બે લાખ પેટી કેરી ઉતારાઇ રહી છે. પરિણામે હાફૂસ કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જાપાન, અમેરિકા બાદ હવે યુરોપિયન દેશોના હાફૂસ કેરી પરના પ્રતિબંધને પગલે કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

યુરોપિયન યુનિયનના દેશોમાં નિકાસ પ્રતિબંધથી મુશ્કેલી

વિદેશમાં કેરીની નિકાસ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પેકેજિંગ હાઉસ દ્વારા જ કરવામાં આવે છે. યુરોપિયન યુનિયને કેરીમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવા બાબતે વાંધો ઉઠાવતાં કોમર્સ મંત્રાલય અને યુરોપિયન સંઘ વચ્ચે મંત્રણા ચાલુ હતી ત્યાં ઇયુએ ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતાં ભારત ઊંઘતું ઝડપાયું છે. ભારતની કેરીની વિદેશમાં ભારે ડિમાન્ડ છે. છેલ્લાં ત્રણ વર્ષના આંક જોઇએ તો ૨૦૧૦-૧૧માં ૧૬૫ કરોડ રૃપિયાની ૫૮,૮૬૩ ટન કેરીની નિકાસ કરાઇ હતી. ૨૦૧૧-૧૨માં ૨૧૦ કરોડ રૃપિયાની ૬૩,૪૧૧ ટન અને ૨૦૧૨-૧૩માં ૨૬૫ કરોડ રૃપિયાની ૫૫,૪૧૩ ટન કેરીની નિકાસ કરાઇ હતી.
બ્રિટનમાં પાકિસ્તાની કેરી કરતાં ભારતીય કેરીની માંગ ડબલ છે. અમેરિકામાં પણ વલસાડ અને સૌરાષ્ટ્રની કેરીની ભારે માંગ છે. દેશમાં જે કેરીનો ડાઘવાળો માલ વેચાય છે તે બિલકુલ નિકાસલાયક ન હોવાથી ગુણવત્તા વગરની કેરીઓ ભારતમાં ઠલવાય છે અને સારી ક્વોલિટીનો માલ નિકાસ થાય છે. ચાલુ વર્ષે યુરોપિયન સંઘના પ્રતિબંધથી ભારતને ૧૦૦થી ૧૨૦ કરોડ રૃપિયાનું નુક્સાન સહન કરવું પડશે. અહીંયાં આપણે જોઇએ કે, કેરીમાં ભારતનું નિકાસ બજાર કેવું છે. દેશમાંથી સૌથી વધુ કેરી આરબ અમીરાતમાં ગત વર્ષે નિકાસ કરવામાં આવી હતી. ગત વર્ષે આરબ અમીરાતમાં ૩૭,૫૯૮ ટન કેરીની નિકાસમાંથી ૧૬૨ કરોડ રૃપિયાની ભારતે આવક મેળવી હતી. ત્યારબાદ યુકેમાં ૩,૩૦૪ ટન કેરીની નિકાસ થકી ભારતીય નિકાસકારોએ રૃપિયા ૩૨ કરોડ ઊભા કર્યા હતા. સાઉદી અરેબિયા, કતાર, બાંગ્લાદેશ અને નેપાલ ભારતના મુખ્ય નિકાસકાર દેશો છે. યુરોપિયન યુનિયન સંઘના પ્રતિબંધથી હાફૂસ કેરીની નિકાસને અસર પહોંચી છે, પરંતુ અપેડાના નિકાસના આંક જોઇએ તો ભારતે ૨૦૧૨-૧૩માં કુલ ૫૫ હજાર ટન કેરીની નિકાસ પૈકી ૩,૮૦૦ ટન કેરી યુરોપિયન દેશોમાં નિકાસ કરી હતી, જે પાશેરામાં પૂણી સમાન છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment