Tuesday, 9 February 2016

ફૂડસિક્યોરિટી : ૨૦૧૩માં વિરોધ, ૨૦૧૬માં 'વાહવાહ'


એનએફએસ યોજના હેઠળ ૭૦ કરોડ ગરીબોને અનાજ પહોંચાડવા ૬૧૪ લાખ ટન ધાન્ય જોઈશે : સૂટબૂટની કહેવાતી સરકારનો ગરીબોના બેલી બનવાનો પ્રયાસ : ૭ વર્ષ બાદ દેશમાં સૌથી ઓછું ધાન્યનું ઉત્પાદન સરકારની મુશ્કેલી વધારશે : ધાન્યપાકોના ભાવથી ખેડૂતોને ફાયદો થશે
પીપળ પાન ખરંતી હસતી કૂંપળિયાં, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપૂડિયાં... આ કહેવત એ જીવનનો સાર છે. જીવનમાં દરેક દિવસો હંમેશાં સરખા હોતા નથી. 'સૂટબૂટ'ની કહેવાતી કેન્દ્ર સરકાર માટે આ કહેવત હાલમાં ફિટ બેસી રહી છે. ફૂડ સિક્યોરિટી એક્ટના ૨૦૧૩માં અમલ સમયે ઓછું અનાજ, કુપોષણ અને ગરીબોની થાળી છિનવાશે જેવા મામલે યુપીએની ઊંઘ હરામ કરનાર એનડીએ સરકાર થોડા ફેરફાર સાથે એપ્રિલ મહિનાથી ૨૭ રાજ્યોમાં ફૂડ સિક્યોરિટી એક્ટનો અમલ કરી ગરીબોના 'બેલી' હોવાનું પ્રસ્તાવિત કરવા જઈ રહી છે, જોકે સારી બાબત એ છે કે દેશના ૭૦ કરોડ ગરીબોને ૧ એપ્રિલથી ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા મળવાના શરૂ થશે. સરકારના નિર્ણયથી ગરીબોને બે ટંક ખાવાનું મળવાની સાથે ખેડૂતોને પણ ફાયદો થશે. એક્ટની અમલવારી માટે ફરજિયાત ૬૧૪.૨૬ લાખ ટન ધાન્યની જરૂરિયાત પડશે. જે અનાજ ખુલ્લા બજારમાં સરકાર ટેકાના ભાવે ખરીદવા નીકળશે એટલે ખેડૂતોને ભાવનો લાભ મળશે. ફૂડ બિલથી ૭૫ ટકા ગ્રામીણ અને ૫૦ ટકા શહેરી વસતીને લાભ થશે.
ફૂડ સિક્યોરિટી એક્ટના અમલની બીજી બાજુ એ પણ છે કે, દેશમાં મોંઘવારી રોકવામાં નિષ્ફળ કેન્દ્ર સરકારે ફરી એકવાર મોંઘવારીને આમંત્રણ આપ્યું છે. વરસાદના અભાવે દેશમાં ધાન્યપાકોનું ૬ વર્ષ બાદ સૌથી નીચું ઉત્પાદન થવાના અંદાજ વચ્ચે સરકાર ફૂડ સિક્યોરિટી એક્ટનો એપ્રિલથી અમલ કરી રહી છે. જાન્યુઆરી સુધી દેશના એફસીઆઇનાં ગોડાઉનમાં ૩૬૪ લાખ ટન ધાન્યપાકોનો સ્ટોક છે. વરસાદના અભાવે ઘઉંનું અને ચોખાનું ઉત્પાદન ૨૦૧૪-૧૫થી ઓછું થવાના કૃષિ વિભાગના અંદાજ વચ્ચે આ વર્ષે સરકારે મોંઘવારી રોકવા રેકોર્ડબ્રેક આયાત કરી છે. મકાઈનું ઉત્પાદન ઘટતાં સરકાર ૧૬ વર્ષ બાદ ૧૫ લાખ ટન આસપાસ આયાત કરે તેવા સંજોગો વચ્ચે સાઉથના ફ્લોરમિલરોએ એપ્રિલથી ઘઉંની આયાતડયૂટી નાબૂદ કરવા સરકારને પત્ર લખ્યો છે. આ વર્ષે ઘઉંના ભાવ વધે તે પૂર્વે મિલો અત્યારથી વિશ્વબજારમાંથી ૧૦ લાખ ટનથી વધુ ઘઉંની ખરીદી કરવાનો અંદાજ રાખી રહી છે. ૨૦૧૪-૧૫માં ૫ લાખ ટન ઘઉંની સાઉથની મિલોએ ખરીદી
કરી હતી. ૨૦૧૪-૧૫માં દેશમાં ઘઉંનું ૮૮૯ લાખ ટન અને ચોખાનું ૧,૦૪૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. સરકારે એનએફએસ હેઠળ ગરીબોને અનાજ પહોંચાડવા ખરીફ સિઝનમાં ૨૪૪ લાખ ટન ચોખાની ટેકાના ભાવે બજારમાંથી ખરીદી કરી છે.
કૃષિમંત્રી ઘઉંનું ઉત્પાદન ગત વર્ષની સમકક્ષ થવાનો અંદાજ મૂકી રહ્યા છે, જોકે ઘઉંની વપરાશ દેશમાં ૮૦૦ લાખ ટનથી વધારે હોવાથી આ વર્ષે સરકાર પાસે ગોડાઉનમાં ૨૩૭ લાખ ટન ઘઉંના ઊંચા સ્ટોકથી એનએફએસ એક્ટના અમલ છતાં સરકાર સામે સમસ્યા નહીં આવે પણ ૨૦૧૭-૧૮ના વર્ષમાં સરકાર દ્વારા ૧,૦૦૦ લાખ ટન ઘઉં પકવવા ખેડૂતોને પ્રોત્સાહન નહીં અપાય તો ઘઉંની આયાત માટે તૈયારી રાખવી પડશે. દેશમાં નિકાસમાર્કેટ સતત ૧૩ મહિનાથી ઘટી રહ્યું છે. નિકાસઆંક ૨૬૦થી ૨૭૦ અબજ ડોલરની વચ્ચે રહેવાની સંભાવના વચ્ચે ૨૦૧૪-૧૫માં આ આંક ૩૨૦ અબજ ડોલર હતો. કૃષિપેદાશોની નિકાસમાં પણ આ વર્ષે ૩ અબજ ડોલર ઘટાડો થવાની સંભાવના છે. ભારતે જે દેશો સાથે મુક્ત વેપારના કરાર કર્યા તે મોટાભાગના દેશો નબળા છે.
ફૂડ સિક્યોરિટી મામલે ડબલ્યૂટીઓનાં ધોરણો ભારતવિરોધી છે. હાલમાં કોમોડિટીના ભાવ ઘટવાને કારણે કૃષિનિકાસ નીચી ગઈ હોવાની દલીલ કરવામાં આવી રહી છે, જોકે હકીકત એ છે કે ભારતીય કૃષિ જણસો વિશ્વબજારની હરીફાઇમાં ભાવમાં ટકતી નથી અને માર ખાઇ રહી છે. હાલમાં નિકાસ કરતાં ઊંચી આયાત છતાં જ્યાં સુધી ભારતની ક્ષમતા આયાતના પૈસા ચૂકવવાની છે ત્યાં સુધી વાંધો નથી પણ આ ગંભીર સંકેતો છે.
ફૂડ સિક્યોરિટીના અમલ વચ્ચે એફસીઆઇનાં ગોડાઉનમાં જાન્યુઆરી સુધી ૩૬૪ લાખ ટન ધાન્યપાકોનો જથ્થો સંગ્રહ કરાયેલો છે, જેમાં ૨૩૭ લાખ ટન ઘઉં અને ૧૨૬ લાખ ટન ચોખાનો સંગ્રહ છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટનો એપ્રિલથી અમલ થતાં ગુજરાતના પણ ૩ કરોડ ગરીબોને સરકારે ર રૂપિયે કિલો ચોખા અને ૩ રૂપિયે કિલો ઘઉં આપવા પડશે. ગુજરાતમાં ૧૫ લાખ ટન ચોખા અને ૩૫ લાખ ટન ઘઉં મળી ૫૦ લાખ ટન ધાન્યની સ્થાનિક વપરાશ છે. રાજ્યમાં આ વર્ષે વરસાદના અભાવે ૨૫.૮૫ લાખ ટન ઘઉં અને ૧૫.૬૪ લાખ ટન ચોખા પાકવાનો કૃષિ વિભાગ દ્વારા અંદાજ મુકાયો છે. ગુજરાતમાં ૧ જાન્યુઆરી સુધી એફસીઆઇનાં ગોડાઉનમાં ૬૭ હજાર ટન ચોખા અને ૩.૯૦ લાખ ટન ઘઉંનો સ્ટોક છે. રાજ્યમાં ચોખાની અને ઘઉંની ખરીદી નહીંવત્ રહેતી હોવાથી ફૂડ સિક્યોરિટી એક્ટની અમલવારી માટે હવે કેન્દ્ર પાસે અનાજ મેળવવા હાથ ફેલાવવા પડશે.
http://www.sandesh.com/article.aspx?newsid=3228291

No comments:

Post a Comment