
વેલેન્ટાઇન માર્કેટ રૂપિયા ૨૫ હજાર કરોડે પહોંચશે : ડિસેમ્બરમાં ગરમીને પગલે આ વર્ષે ફૂલોના ભાવ ઊંચા રહેશે : નિકાસ માર્કેટમાં ૧૦ ટકાનો વધારો થશે : પુનાના ગુલટેકરી માર્કેટમાંથી રૂ. ૧૦૦ કરોડના ફૂલોનું વેચાણ થવાનો અંદાજ : ફૂલોના ખેડૂતો માટે કમાણીનો ઉત્તમ અવસર
વર્ષ ૧૯૪૪, સ્થળ લંડન. અમેરિકન સૈનિક ૨૧ ર્વિષય થોમસ અને ૧૭ વર્ષીય મોરિસ પ્રથમવાર મળ્યા અને પ્રેમના તાંતણે બંધાયા. પ્રેમીઓ લગ્નનાં સ્વપ્ના જોઈ રહ્યા હતા ત્યાં બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું અને પ્રેમીપંખીડાં વિખૂટાં પડી ગયાં. આ વિરહની ઘટનાના ૭૦ વર્ષ બાદ આ વેલેન્ટાઇન પર આ પ્રેમીપંખીડાંનું ફરી મિલન થઇ રહ્યું છે. નોરવુડ થોમસની ઉંમર ૯૩ વર્ષની અને જોયસી મેરિસની ઉંમર ૮૮ વર્ષની છે. જોયસી હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે અને થોમસ અમેરિકાના ર્વિજનિયામાં. થોમસ પાસે ઓસ્ટ્રેલિયા જવાના પૈસા નથી પણ ન્યૂઝીલેન્ડના એક ધનિકે થોમસના ઓસ્ટ્રેલિયા જવાનો ખર્ચ અને ૩૦૦થી વધુ વ્યક્તિઓએ થોમસને ૫ લાખ રૂપિયાનું ફંડ જમા કરાવી આપ્યું છે. વિખૂટા પડયાંનાં ૭૦ વર્ષ બાદ પણ આ પ્રેમીપંખીડાંનો પ્રેમ ઓછો થયો નથી અને આજે પણ તેઓ એકબીજાના પ્રેમમાં એટલાં જ ગળાડૂબ છે. આ કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હકિકત છે. વેલેન્ટાઇનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ૧૪મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન. પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ. વેલેન્ટાઇન હવે પર્વની જેમ એક સપ્તાહ સુધી મનાવાય છે. ૭મી ફેબ્રુઆરીથી શરૂ થતા 'ડે' ૧૪મી ફેબ્રુઆરી સુધી નિયમિત ઊજવાશે.
કોલેજકાળના સોનેરી દિવસોમાં વેલેન્ટાઇનનું મહત્ત્વ વધતું જવાની સાથે જિંદગીભર સંભારણું બની જાય છે. હાલમાં કોલેજોમાં 'ડે' ની ધૂમ મચી છે. કોલેજમાં કાલે શું પહેરીશ કે નહીં પહેરીશની ચર્ચાઓ વચ્ચે વેલેન્ટાઇને ખરીદીની મોસમ રહેતાં બજાર આ વર્ષે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચી જશે. હવે આવીએ મૂળ વાત પર તો વેલેન્ટાઇન એટલે ફૂલોની મૌસમ. વેલેન્ટાઇનની વર્ષભર આતુરતાથી રાહ એક તો યુવાઓ અને બીજા ફૂલોના ખેડૂતો કરે છે. યુવાઓ 'વેલેન્ટાઇન'મનાવવા પ્લાનિંગ કરે છે એમ ફૂલોના ખેડૂતો પણ પ્રેમ અને દોસ્તીની અભિવ્યક્તિ માટે જરૂરી ફૂલોની બજારમાં અછત ન રહેવાનું પ્લાનિંગ કરે છે. વેલેન્ટાઇન તો ખેડૂતો પણ મનાવે છે પણ એમનો અંદાજ જરા અલગ છે. વેલેન્ટાઇનમાં લોકો ખિસ્સાં ખંખેરે છે ખેડૂતો આ ખંખેરેલા પૈસાથી ખિસ્સાં ભરે છે. ૩૦મી જાન્યુઆરીથી ૧૨મી ફેબ્રુઆરી સુધીના વેલેન્ટાઇન પર્વના દિવસો ફૂલોના ખેડૂતો માટે સોનેરી દિવસો ગણાય છે.
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ફૂલોના માર્કેટનો અધધ ગ્રોથ થયો છે. આ વર્ષે દેશમાં ૧૬.૮૫ લાખ ટન છૂટા ફૂલો અને ૫૪૮ લાખ નંગ કટ્ ફ્લાવર્સનું ઉત્પાદન થવાનો બાગાયત વિભાગનો અંદાજ દર્શાવે છે કે આ વર્ષે ૨ લાખ ટન ફૂલોનું ઉત્પાદન ઘટયું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્ન સિઝનમાં ખેડૂતોને સારા ભાવ મળવા છતાં વર્ષભર વેલેન્ટાઇનના દિવસોમાં ફૂલોના સૌથી ઊંચા ભાવ પ્રતિ ફૂલ રૂ.૮થી ૧૮ રૂપિયા મળતા હોય છે. ફૂલોમાં દાંડીની સાઇઝ પ્રમાણે ભાવ અલગ અલગ હોવા છતાં નિકાસલાયક ફૂલોના ભાવ રૂ.૧૫થી ૩૫ રૂપિયા સુધી તો ચોક્કસ મળે છે. એક એકરના ગ્રીનહાઉસમાં ૭૦ હજારથી ૧ લાખ ફૂલોનું સરેરાશ ઉત્પાદન થતું હોવાથી ખેડૂત ફૂલોનું સ્થાનિકમાં વેચાણ કરે તો પણ સરેરાશ ૬.૫થી ૭.૫ લાખ રૂપિયાની આવક ફક્ત બે મહિનામાં મળે છે. ગુલાબની રોપણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં થાય તો જાન્યુઆરીના અંતમાં ફૂલોનું ઉત્પાદન શરૂ થઇ જાય છે. આ સમયગાળો ફ્લોરિકલ્ચરના ખેડૂતો અને નિકાસકારો માટે સર્વોત્તમ હોય છે. દેશમાં પુના અને બેંગ્લોરમાંથી મોટાપાયે આ સમયગાળામાં હાઇ ક્વોલિટીના ફૂલોની નિકાસ થાય છે. આ વર્ષે પુનાના ગુલટેકરી માર્કેટનું બજાર રૂપિયા ૧૦૦ કરોડ રહેવાનો અંદાજ છે. યુરોપ અને અમેરિકા માટે છેલ્લી નિકાસ તારીખ ૯ ફેબ્રુઆરી તો મિડલ ઇસ્ટમાં નિકાસકારો ૧૨મી ફેબ્રુઆરી સુધી ફૂલોની નિકાસ કરે છે. ૨૦૧૪-૧૫માં રૂપિયા ૪૬૦ કરોડના ફૂલોની થયેલી નિકાસમાં આ વર્ષે ૧૦ ટકાનો વધારો થવાની શક્યતાઓ છે.
વિશ્વમાં ફૂલોના સૌથી વધુ ઉત્પાદનમાં મોખરે નેધરલેન્ડ બાદ બીજા ક્રમાંકનો દેશ કોલંબિયા છે. આ વર્ષે કોલંબિયાએ ૫૦ કરોડ ફૂલોની નિકાસનો લક્ષ્યાંક મૂક્યો છે. કોલંબિયાંનાં ફૂલોની સૌથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે. કોલંબિયાંથી કુલ ઉત્પાદનના ૬૦ ટકા કાર્નેશન જાપાન ખરીદે છે. કોલંબિયામાં વેલેન્ટાઇન સમયે ૧૮,૦૦૦ નોકરીની નવી તક ઊભી થાય છે. ગુજરાત જેવડો ટચૂકડો દેશ હોવા છતાં નેધરલેન્ડના ફૂલોનું નિકાસ બજાર રૂ.૩૦૦ અબજ છે. પ્લાન્ટ્સ અને ફ્લાવર્સનું ૧૭૦ એકરમાં અલસમીર માર્કેટ ફેલાયેલું છે.
દેશમાં કટ્ ફ્લાવર્સમાં સૌથી મોટું માર્કેટ ધરાવતા પુનામાં ૨૭૨ જેટલા વેપારીઓ ટ્રેડિંગ કરે છે. ભારતમાં ફૂલોનું કુલ માર્કેટ રૂપિયા ૧૦,૦૦૦ કરોડની આસપાસ હોવાની સાથે નિકાસ બજાર રૂ.૪૬૦ કરોડનું અને આયાત બજાર રૂ.૧૦૦ કરોડનું છે. દેશમાંથી રૂ.૧૦૦ કરોડના ફૂલો માત્ર અમેરિકા ખરીદે છે. ભારતમાં ૨૦૧૩માં વેલેન્ટાઇન માર્કેટ રૂપિયા ૧૫,૦૦૦ કરોડનું, ૨૦૧૪માં રૂ.૧૮,૦૦૦ કરોડનું હતું. ૨૦૧૫માં માર્કેટમાં ૪૦ ટકાનો વધારો થતાં ૨૨,૦૦૦ કરોડ રૂપિયા રહ્યું હોવાનો એસોચેમે અંદાજ મૂક્યો હતો.
વેલેન્ટાઇનમાં ફેન્સી ફ્લાવર્સની પણ એટલી જ માગ હોય છે. તુલિપ, લીલી, ઓર્િકડ, જરબેરા, કાર્નેશન, એન્થુરિયમ, અને બર્ડ ઓફ પેરેડાઇઝ યુવાઓની પ્રથમ પસંદ બની રહ્યા છે. ગુજરાતમાં ૧.૭૭ લાખ ટન ફૂલોનું ઉત્પાદન છતાં જરબેરા પુનાથી, એન્થુરિયમ અને કાર્નેશન ઉટી અને હિમાચલ પ્રદેશમાંથી તો બર્ડ ઓફ પેરેડાઇઝ અને ગુલાબ બેંગ્લોરમાંથી ગુજરાતમાં આવે છે. આ પ્રકારના ફૂલોની માગ કરતાં પણ એક અલગ વર્ગ છે. જે પૈસા નહીં પ્રેમની લાગણીને જુએ છે. આ વર્ષે ડિસેમ્બરમાં ઊંચી ગરમીને પગલે ફૂલોની ગુણવત્તા પર અસર પડવાની સાથે ૨ લાખ ટન ફૂલોના ઓછા ઉત્પાદનથી ભાવ ઊંચા રહેવાની સંભાવના છે, આમ છતાં આ વર્ષનું વેલેન્ટાઇન પર્વ યુવાઓ સાથે ખેડૂતો માટે પણ નવું સંભારણું બની રહે તેવી આશા રાખીએ.
http://www.sandesh.com/article.aspx?newsid=3225489
No comments:
Post a Comment