
૯૯ વર્ષનાં ભાડાપટ્ટે લીઝ પર મળતી જમીન અને ક્ષાર રહિત પાણી ખેડૂતો સાથે ખાનગી કંપનીઓમાં આકર્ષણનું કેન્દ્ર : આફ્રિકાના ૩૪ અલ્પવિકસિત દેશો પૈકી ૨૧ દેશો માટે આયાત શુલ્કમાં રાહત : ભારતનો આફ્રિકા સાથે ૨૦૧૦માં ૪૬ અરબ ડોલર વેપાર ૭૬ અરબ ડોલરે પહોંચ્યો
ભારતીય કૃષિક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૃ થઇ રહ્યો છે. ૨૦૦૮ બાદ આફ્રિકા તરફી ભારતીય વિદેશનીતિમાં મોટા બદલાવને પગલે ઓક્ટોબર ૨૦૧૫માં ત્રીજા શીખર સંમેલન બાદ ફેબ્રુઆરીમાં ફિક્કી દ્વારા ઇન્ડિયન-આફ્રિકા બિઝનેસ ફોરમ યોજાઇ ગઈ. જે ફોરમનો મુખ્ય હેતુ એગ્રીકલ્ચરમાં આફ્રિકાનો વિકાસ અને તકોની છણાવટનો હતો. આફ્રિકામાં ખુલ્લી જમીન, પાણીની ભરપૂર તકો અને સસ્તી મજૂરી કૃષિક્ષેત્રના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી છે. જમીનમાં કાર્બનનું વધુ પ્રમાણ અને ક્ષારમુક્ત પાણી ઓર્ગેનિક ખેતીનો મુખ્ય સ્ત્રોત હોવાથી ભારતીય ખાનગી કંપનીઓ સહિત મોટા ખેડૂતો પણ હવે આફ્રિકામાં ખેતી તરફ વળ્યા છે. ઝામ્બિયામાં ૧૨૦૦ વીઘા જમીન ૯૯ વર્ષની લીઝ પર રાખી આ વર્ષથી ખેતી શરૃ કરવા જઇ રહેલા પડધરી તાલુકાના રૃપાવટી ગામના નવીનભાઇ નસીત અને તેમના ભાગીદાર અશ્વીનભાઇ ગુજરાતમાં એગ્રીકલ્ચરની ખાનગી કંપનીમાં મળેલા બહુમૂલ્ય અનુભવને આફ્રિકામાં અજમાવી જઇ રહ્યા છે. આ તો ઉદાહરણ છે પણ સૌરાષ્ટ્રના ખેડૂતોએ નવો ચીલો ચાતર્યા છે. જેઓ એક નહીં પણ બે પેઢીને કૃષિક્ષેત્ર સાથે સાંકળી રહ્યા છે.
ભારત માટે આફ્રિકા ખંડના દેશો એ દૂઝણી ગાય છે. ભારતીય કોર્પોરેટ જગતને સાચવવા આફ્રિકાને સાચવવું જરૃરી છે. દેશની ટોપની તમામ કંપનીઓનું આફ્રિકામાં મોટાપાયે રોકાણ છે. આ કંપનીઓ પણ ઇચ્છી રહી છે કે આફ્રિકા અને ભારત વચ્ચે સંબંધોમાં સુમેળતા જળવાઇ રહેે. ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી સદસ્યતા માટે ૫૩ દેશોના સમૂહની તાતી આવશ્યકતા છે. આફ્રિકાના દેશોમાં વિકાસની અધધ તક અને ક્રૂડ, કોલસાનો ભંડાર હોવાથી ભારતીય કંપનીઓની આંધળી દોટ આફ્રિકા બની રહ્યું છે. આફ્રિકાના ૩૪ અલ્પવિકસિત દેશો પૈકી ૨૧ દેશો ભારતમાં વ્યાપાર પર ૯૮.૨ પ્રતિશત આયાત શુલ્કમાં રાહત મેળવી રહ્યા છે, માત્ર ૧૩ દેશ જ ૨૦૦૮થી અમલમાં મૂકાયેલી યોજનાથી વંચિત છે. ભારતનો વાણિજ્ય વિભાગ આફ્રિકામાં કપાસની ખેતી કરતા દેશો માટે કપાસ તકનિકી સહાય પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. જેના પગલે આફ્રિકામાં કપાસની ખેતીનો વિકાસ થાય છે. આફ્રિકામાં કૃષિ પ્રયોગશાળા, ગોડાઉનો, જમીન સંશોધન અને ખાતર ચકાસણી પ્રયોગશાળા સહિત કૃષિવિજ્ઞાાન કેન્દ્રો ભારત સ્થાપી રહ્યું છે. આમ અફ્રિકાના દેશો એ ભારતીય કૃષિની નવી પ્રયોગશાળા બની રહ્યા છે.
ભારત સરકારે હાલમાં ફૂડપ્રોસેસિંગ ક્લસ્ટરની સ્થાપના કરી છે. ભારતીય કંપનીઓ માટે આફ્રિકાએ સૌથી મોટું બજાર છે. ફિક્કીના બિઝનેસ ફોરમમાં ઝામ્બિયાના કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ઝામ્બિયામાં ૧૦થી ૧૫ હજાર હેક્ટર જમીન ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપવા તૈયાર છે. જ્યાં ૭૫ લાખ હેક્ટર જમીનમાંથી ૫૮ ટકા જમીન ખેતીલાયક છે પણ ખેતી ૧૧ ટકા જમીનમાં જ થાય છે. જ્યાં ખેતીની ભરપૂર સંભાવનાઓ છે. ભારત કઠોળ અને ખાદ્યતેલની મોટાપાયે આયાત કરતું હોવાથી કૃષિમંત્રીએ પણ ભારતીય ખાનગી કંપનીઓેને આફ્રિકામાં કઠોળ અને તેલીબિયાં પાકોના વાવેતર માટે આહ્વાન કર્યું હતું.
ભારત અને આફ્રિકાના સંબંધો દાયકાઓ જૂના છે પણ ચીન અહીં પહોંચનાર અગ્રીમ દેશ છે. જેને આફ્રિકાના લગભગ તમામ દેશોમાં પગપેસારો કર્યો છે. આફિકા સાથે વેપારની ભાગીદારીમાં ચીન એ ત્રીજા ક્રમાંકનો તો ભારત એ ૧૦ ક્રમાંકનો મોટો દેશ છે. ભારતે આ શરૃઆત ૨૦૦૮માં દિલ્લીમાં ભારત-આફ્રિકા શીખર સંમેલન યોજીને કરતાં વેપારની દિશામાં એક નવા અધ્યાયની શરૃઆત થઇ હતી જોકે, માત્ર ભારત નહીં જાપાન, અમેરિકા, યુરોપિય સંઘના દેશો અવાર નવાર અહીં શીખર સંમેલનો કરી વ્યપાર આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે. ૨૦૧૧માં ઇથોપિયાની રાજધાની આદિસ અબાબામાં બીજા સંમેલન બાદ દિલ્હીમાં ૨૦૧૫માં ત્રીજુ શીખર સંમેલન યોજાઇ ગયું. આફ્રિકા ખંડ ૨૭ લાખ ભારતીયોનું ઘર હોવાથી ભારતે આફ્રિકન દેશોમાં શાંતી રહે માટે પણ ભરપૂર પ્રયાસો કર્યા છે. ભારતનો આફ્રિકા સાથે ૨૦૧૦માં ૪૬ અરબ ડોલર વેપાર ૭૬ અરબ ડોલરે પહોંચ્યો છે. જે ૨૦૦૧ની તુલનાએ ૧૫ ગણો વધારે છે. તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડાના વિકાસમાં તો ગુજરાતી મૂળના વ્યવસાયકારોનું મહત્વનું પ્રદાન છે.ભારતે ૨૦૧૦-૧૧માં ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત અત્યારસુધી ૧૭૫ છાત્રોમાંથી ૧૧૯ને માસ્ટર અને ૭૬ છાત્રોને કૃષિમાં પીએચડીની ડિગ્રી આપી છે. જેમાં ૧૬૨ પુરુષો અને ૩૩ મહિલાઓનો સમાવેશ થાય છે. આફ્રિકન દેશોમાં ફળદ્રુપ જમીનોનો ભંડાર અને ભરપૂર પાણી હોવાથી ઝામ્બિયા, સેનેગલ, મોઝાબિંકા, રવાન્ડા, ઘાના, કેન્યા, તાન્ઝાનિયા સહિતના દેશો ભારતીય કૃષિકારોને આમંત્રણ આપી રહ્યા છે. ઇથોપિયામાં ભારતીય કંપનીઓનું કૃષિમાં મોટું રોકાણ છે.
આફ્રિકામાં ભારતે ૬૦ પાણીની યોજનાઓ પણ પૂર્ણ કરી છે. આફ્રિકામાં કૃષિક્ષેત્રનો
વિકાસ થાય માટે આઇસીએઆરની ટીમો આફ્રિકામાં ખેત ટેક્નોલોજીમાં સુધારા કરવાના પ્રયાસો
કરી રહી છે. છાત્રોને અભ્યાસ, કૃષિ સાહિત્ય અને વૈજ્ઞાાનિકોનું પણ આદાન પ્રદાન થઇ રહ્યું
છે. ઇથોપિયાની ટિંહાહો ચીની પરિયોજના માટે ૬૪૦ મિલિયન ડોલર અનેે સેનેગલમાં પણ સિંચાઇ
પરિયોજના માટે ૨૭ મિલિયન ડોલરની સહાય ભારતીય એકઝિમ બેંકે કરી છે. ૨૦૧૧માં સરકારે સેનેગલના
કૃષિ યાંત્રિકરણ કાર્યક્રમ માટે ૧૬૦ મિલિયન ડોલરની સહાય જાહેર કરી હતી.
કોર્પોરેટ લોબીને સાચવવા ભારતે આફ્રિકન દેશોના હિતોનું રક્ષણ કરવું અગત્યનું છે. ભારત હાલમાં કઠોળ અને તેલીબિયાં પાકોની મોટાપાયે આયાત કરી રહ્યું છે. દેશની જમીન અને પાણીની ફળદ્રુપતા સામે મોટાપાયે લીઝ પર મળતી જમીનથી આફ્રિકાના દેશો ભારત કરતાં ખેતી માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઇ રહ્યા છે. ભારત પણ આફ્રિકામાં ખેતીના વિકાસ માટે સતત પ્રયત્નો કરી રહ્યું હોવાથી હવે ધીમેધીમે કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓ અને ખેડૂતોનો નવો પડાવ આફ્રિકા ખંડના દેશો બની રહ્યા છે.
No comments:
Post a Comment