Tuesday, 2 February 2016

પાકવીમો : સોનેરી સપનાં સરકારનાં


૩ દાયકામાં ૨૩ ટકા વિસ્તાર, ૩ વર્ષમાં જ ૫૦ ટકાએ લઈ જવાનો લક્ષ્યાંક : દેશમાં ૧૯૮૫ બાદ ચોથી વાર પાકવીમા યોજના લોન્ચ થઈ : બજેટમાં રૂપિયા ૧૭,૬૦૦ કરોડની ફાળવણી સામે શિયાળામાં કમોસમી વરસાદથી જ ખેતીને રૂપિયા ૨૦ હજાર કરોડનું નુક્સાન
ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ નવાં નામ, નવા રંગ-રૂપ અને નવા નિયમો સાથે દેશમાં ખેડૂતો માટે નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના લોન્ચ કરાઈ. તહેવારોમાં ખેડૂતોને મહામૂલી ભેટ અપાઈ હોય એમ યોજનાનાં દેશભરમાં વધામણાં કરાયાં. પાકવીમા યોજનાનો આ સાથે દેશમાં પ્રથમ વાર નહીં પણ ચોથી વાર શુભારંભ થયો. ૧૯૮૫માં પાકવીમા યોજના (ઝ્રઝ્રૈંજી) લોન્ચ થઇ ત્યારે પણ સરકારે ખેડૂતો માટે સર્વશ્રેષ્ઠ પાકવીમા યોજના અમલમાં મૂકી હોવાનાં ગુણગાન ગાયાં હતાં, જે યોજનાનું ૧૯૯૭-૯૮માં ફીંડલું વળી ગયું અને નવી પાકવીમા યોજના શરૂ થયાના એક વર્ષમાં સરકાર બદલાઈ ગઈ અને ૧૯૯૯માં નવાં નામ સાથે રાષ્ટ્રીય કૃષિ પાકવીમા યોજના ફરી લોન્ચ થઈ. આ યોજના પણ અધૂરી હોવાથી નવી ગીલ્લી નવા દાવની જેમ સંશોધિત રાષ્ટ્રીય કૃષિ પાકવીમા યોજનાનો આરંભ થયો. હાલમાં આ બંને યોજના અંતર્ગત ખેડૂતોને પાકવીમાનો લાભ મળે છે. પાકવીમો એટલે 'પાકનું સુરક્ષાકવચ' આ અંગે ભાગ્યે જ કોઈ ખેડૂત અજાણ હશે, આમ છતાં ૧૯૮૫થી ૨૦૧૬ એટલે ૩૧ વર્ષમાં માત્ર ૨૩ ટકા વિસ્તાર સુધી પાકવીમા યોજનાનો લાભ પહોંચ્યો છે. આ લખવાનો મતલબ એ છે કે, નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના ૨૦૧૯ સુધી સરકાર ૫૦ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખે છે,એટલે કે ત્રણ દાયકાની સફર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનાં હાલની સરકાર સોનેરી સપનાં જુએ છે. દેશમાં ૨ કરોડ ખેડૂતો માંડ પાકવીમા યોજનાનો લાભ લે છે. આ સંખ્યા સસ્તા વ્યાજે પાકધિરાણનો લાભ લેતા ખેડૂતોની છે. પાકધિરાણમાં ફરજિયાત વીમો હોવાથી પાકવીમા યોજનાનો આંક ૨ કરોડ ખેડૂતોએ પહોંચ્યો છે. નવી પાકવીમા યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો ૫૦-૫૦ ટકા હિસ્સો રહેશે. હાલમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો હિસ્સો ૫૦-૫૦ ટકા છે. કેન્દ્ર સરકારે બજેટમાં ૫૦ ટકા નાણાં એટલે રૂ. ૪,૫૦૦ કરોડનો કાપ મૂકતાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં પણ રાજ્ય સરકારનો હિસ્સો ૫૦ ટકા થઈ ગયો છે.
દેશમાં ૨૦૧૪-૧૫માં ફેબ્રુઆરી અને માર્ચમાં કમોસમી વરસાદથી રવી ખેતીને રૂપિયા ૨૦ હજાર કરોડનું નુકસાન ગયું હતું. દેશમાં ૧૮ રાજ્યોમાં વરસાદની અછત છતાં માત્ર ૭ રાજ્યોએ દુકાળ અંગેનો રિપોર્ટ સોંપી રૂપિયા ૨૫ હજાર કરોડની કરેલી માગણી સામે પ્રધાનમંત્રી પાકવીમા યોજના માટે બજેટમાં રૂ. ૧૭,૬૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. સરકાર વાર્ષિક રૂ. ૮,૮૦૦ કરોડનું પાકવીમા યોજના હેઠળ બજેટ ફાળવશે. આ આંક ટાંકવાનો મતલબ એ છે કે, પ્રધાનમંત્રી પાકવીમા યોજનાનું બજેટ ખેડૂતોને કુદરતી આપદોઓથી થતાં નુકસાન સામે સામાન્ય છે. વર્ષ ૨૦૧૫માં દેશમાં ૬૧૦ જિલ્લા પૈકી ૩૦૦ જિલ્લામાં વરસાદની અછત રહી છે. ગૃહમંત્રાલયના એક રિપોર્ટ અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં ૩,૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં ટોપ પર છે. ખેડૂતોમાં જાગૃતિનો હજુ પણ અભાવ હોવાનું ન ભૂલાવું જોઇએ. સરકાર સ્વીકારે છે કે, હાલમાં ચાલુ રહેલી પાકવીમા યોજનામાં ખેડૂતોને ફાયદો ઓછો અને નુકસાન વધુ છે તો નવી પાકવીમા યોજના દેશમાં જલદી લાગુ થાય તે તાતી જરૂરિયાત છે.
જૂની પાકવીમા યોજનામાં ખેડૂતોને લાભ મળવામાં લાંબો સમય જતાં નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજનામાં ભારે ફેરફાર કરવામાં આવ્યા છે. ખેડૂતોને જલદી વીમાનો લાભ મળે માટે ગણતરીમાં સેટેલાઇટ ફોટોગ્રાફ, રિમોર્ટ સેન્સિંગ અને મોબાઇલ ટેક્નોલોજી પણ સરકાર ઉપયોગ કરવાની છે. કમોસમી વરસાદથી જઇ રહેલાં નુકસાન સામે હાલની બે પાકવીમા યોજનામાં ખેડૂતોએ ચૂકવવા પડતાં ઊંચા પ્રીમિયમની બુમરાણ સામે હવે ખરીફ સિઝનમાં અનાજનું પ્રીમિયમ ૨ ટકા અને રવી સિઝન માટે પ્રીમિયમ ૧.૫ ટકા ભરવું પડશે. સરેરાશ પ્રીમિયમ ૧.૫ ટકાથી લઇને ૫ ટકા, ક્લેઇમ કરતાં જ ૨૫ ટકા રકમ ખાતામાં જમા અને કાપણીના ૧૪ દિવસ સુધી પાકમાં નુકસાનીનો લાભ મળશે જેવા નિયમો સારા છે, જોકે સમયસર અમલ અતિ જરૂરી છે.
ગુજરાતના ખેડૂતોએ ખાસ હરખાવા જેવું એટલા માટે નથી કે આ યોજના હાલમાં દેશમાં માત્ર ૪૫ જિલ્લામાં જ અમલમાં મુકાવાની છે. ખરેખર એવું પણ બને કે દેશભરમાં અમલમાં આવ્યા પૂર્વે જ નવા નામ સાથે કદાચ નવી પાકવીમા યોજના લોન્ચ થઇ જાય, કારણ કે હાલમાં ચાલી રહેલી વીમા યોજના માત્ર ૧૪ રાજ્યો પૂરતી જ સીમિત છે. નવી પ્રધાનમંત્રી વીમા યોજનામાં ભાડૂઆત ખેડૂતોને બાકાત રખાયા છે. ખેડૂતોનો એક મોટો વર્ગ ભાડે જમીન લઇ ખેતી કરે છે, જેમનો સમાવેશ કરાયો નથી. કેન્દ્ર અને રાજ્યની ૫૦-૫૦ ટકા સહાયની યોજના હોવાથી મોડી પૈસાની ફાળવણી ખેડૂતોને પરેશાન કરી શકે છે. હવે હવામાનમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ભવિષ્યમાં કુદરતી આપદાઓમાં ખેડૂતોને નુકસાનીથી બચાવવાના છે. ૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધીમાં દેશનાં ૩૩ સબડિવિઝન પૈકી ૨૦ સબડિવિઝનમાં પાણીનું એક ટીંપું પણ પડયું નથી. આ સમયગાળામાં ૭.૩ મિ.મી. વરસાદ થતો હોય છે. જોકે, મધ્ય પ્રદેશમાં આ સપ્તાહે વરસાદ શરૂ થયો છે. ૨૦૧૪-૧૫માં ખેડૂતોને વરસાદની અછતમાં થયેલાં નુકસાનની તો ભરપાઈ થઈ શકે તેમ નથી. છેલ્લે ખેડૂતો માટે ઉપયોગી સૂચન એ છે કે, નવી યોજનામાં માત્ર ૪૫ જિલ્લાના સમાવેશથી બે વર્ષ બહુ આશા રાખ્યા વિના કુદરતી પ્રકોપ સામે બાથ ભીડવાની તૈયારી આરંભો... આ જ કડવી સચ્ચાઇ છે.

No comments:

Post a Comment