Monday, 20 April 2015

કૃષિક્ષેત્રના આધાર પર 'બ્રેક'


દેશભરમાં આરકેવીવાયના ફંડમાં ૫૦ ટકાનો કાપ : માર્ચમાં જૂના પ્રોજેક્ટો પૂર્ણ કરી નવા પ્રોજેકટને મંજૂરી ન આપવા રાજ્યોને પરિપત્ર કરાયા બાદ એપ્રિલમાં યોજનામાં ફેરફાર કરાયો :  હવે કેન્દ્ર માત્ર ૫૦ ટકા ફંડ જ આપશે :ગુજરાતને મોટો ફટકો, દર વર્ષે રૃ.૫૦૦ કરોડની થતી ફાળવણી :  કૃષિ વિભાગના નવા પ્રોજેક્ટો લંબાશે: બાગાયત, ખેત ઓજાર, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યોદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોની ૫૭૮૬ જેટલી પરિયોજનાઓ પાછળ ૧૧મી પંચર્વિષય યોજનામાં ૨૧,૫૮૬ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી હતી

દેશના કૃષિક્ષેત્રના વિકાસ માટે આધાર સમાન રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના બજેટમાં સરકારે ૫૦ ટકા કાપ મૂકતાં કૃષિ વિભાગના કરોડોના નવા પ્રોજેક્ટો લંબાઇ જશે. ૧૧મી પંચર્વિષય યોજનામાં રૃ.૨૧ હજાર કરોડ રૃપિયાની ફાળવણીથી દેશના કૃષિ વિકાસદરમાં એક ટકાનો વધારો થયો હતો. કૃષિક્ષેત્રની મહત્વની આ યોજનામાં ૧૦૦ ટકા કેન્દ્રની ફાળવણીથી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનું રાજ્યોના કૃષિક્ષેત્રના વિકસમાં મહત્વ વધ્યું હતું. બજેટમાં આ વર્ષે માત્ર રૃપિયા ૪૫૦૦ કરોડની ફાળવણી થતાં ૨૦૧૫-૧૬ના નવા પ્રોજેક્ટો સ્થગિત કરી જૂના પ્રોજેક્ટો પૂર્ણ કરવા રાજ્ય સરકારોને આદેશ કરાયો છે. જોકે, એપ્રિલ મધ્યમાં સરકારે નવો પરિપત્ર કરી યોજના અંતર્ગત ૫૦ ટકા ફંડ જ આપવાનો નિર્ણય લેતાં હવે આ યોજનામાં ૫૦ ટકાનો હિસ્સો રાજ્ય સરકારનો રહેશે.  ગુજરાતને આ યોજના હેઠળ રૃ.૫૦૦ કરોડનું ફંડ ફળવાતું હોવાથી રાજ્યના કૃષિવિભાગના આયોજનો પર મોટો ફટકો પડે તેવી સંભાવના છે. કેન્દ્રના આ નિર્ણયથી રાજ્યોને રૃ.૫૫૦૦ કરોડના આયોજનો પર સીધો ફટકો પડશે

કૃ ષિ અને સંબંધિત ક્ષેત્રોનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭-૦૮માં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૃઆત કરવામાં આવી હતી. આરકેવીવાય હેઠળ ૧૧મી પંચવર્ષીય યોજના દરમિયાન ૨૨,૪૦૮.૭૬ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આ સહાય હેઠળ દેશના વિવિધ રાજ્યોમાં બાગાયતી, કૃષિ ઓજારો, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યોદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોની ૫૭૮૬ જેટલી પરિયોજનાઓ પાછળ ૨૧,૫૮૬.૬ કરોડ રૃપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ અનેક કામગીરી હાથ ધરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ અને તેના સંબંધિત ક્ષેત્રોનો વિકાસ કરીને ર્વાિષક વૃદ્ધિ દર ઊંચો લઈ જવો તેમજ ખેડૂતો અને ખેતીનો વિકાસ કરવાનો  છે. આ યોજના હેઠળ સમયે સમયે ભારત સરકાર દ્વારા વિશેષ સ્કીમ પણ દાખલ કરવામાં આવે છે જેનો ખેડૂતો અને ખેતીને સીધો લાભ પણ મળે છે. આ યોજનાને આગામી બજેટમાં ખાસ મહત્વ ન અપાતા આરકેવીવાય યોજના હેઠળ માત્ર રૃપિયા ૪૫૦૦ કરોડની જ ફાળવણી કરાઇ છે. આમ ૫૦ ટકા જ ફાળવણી થતાં દેશમાં આરકેવીવાય યોજના હેઠળ ચાલતા મોટાભાગના પ્રોજેક્ટોને ધક્કો પડયો છે.  હવે સરકારે આરકેવીવાય યોજનામાં કેન્દ્રનો હિસ્સો ૫૦ ટકા અને રાજ્યનો હિસ્સો ૫૦ ટકા કરી દેતાં હવે રાજ્યોએ નવેસરથી આયોજન કરવું  પડશે. દેશમાં કૃષિ વિકાસ દર ૩થી ૪ ટકાના દરે જળવાઇ રહ્યો છે તે આ યોજનાને આભારી હોવાનું કહેવાતું હતું. જોકે, બજેટ વિના આરકેવીવાય યોજનાનું આ વર્ષે મહત્વ ઘટયું એ ચોક્ક્સ છે.

રાજ્યમાં આરકેવીવાય યોજનાનીઉત્તમ કામગીરી

ગુજરાતમાં એનીમલ ફાર્મ : સાબરકાંઠા જિલ્લાના આકોદરામાં આવેલી પશુહોસ્ટેલ આરકેવીવાય યોજનાનું ઉત્તમ ઉદાહરણ છે. પશુ હોસ્ટેલ માટે થયેલા ૫૮૪ લાખ રૃપિયા પૈકી ૪૩૪ લાખ રૃપિયા આરકેવીવાય યોજના હેઠળ ફાળવાયા હતા. રાજ્યમાં જમીન ચકાસણી પ્રયોગશાળા કેન્દ્રો, ખેતઓજાર ચકાસણી કેન્દ્ર, જૂનાગઢ અને ગામડાઓમાં ખેતતલાવડીઓ આરકેવીવાય યોજનાના ઉત્તમ ઉહાહરણો છે. આરકેવીવાય યોજના હેઠળ ૧૦૦ ટકા ફંડની ફાળવણી થતી હોવાથી આ યોજના હેઠળ રાજ્યમાં ઉત્તમ કામગીરી થઇ છે.


યોજના કેવી રીતે શરૃ થઇ?
૨૦૦૭માં ૨૯ મેના રોજ રાષ્ટ્રીય કૃષિ વિકાસ પરિષદની એક બેઠકમાં કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે એક રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનો અમલ કરવાનો મામલો ચર્ચામાં હાથ ધરાયા બાદ ૨૦૦૭-૦૮માં આ યોજનાની અમલવારી શરૃ થઇ ગઇ હતી. ખાસ કરીને ૧૧મી યોજના હેઠળ આ યોજના હેઠળ બાગાયતી પાકોના વિકાસ, કૃષિ યાંત્રીકરણ, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યપાલન સહિતની વિવિધ ૫૭૬૮ યોજના માટે ૨૧,૫૮૬ કરોડની ફાળવણી કરાઇ હતી. જેના પરિણામ સ્વરૃપ ૧૦મી પંચર્વિષય યોજનામાં ૨.૪૬ કૃષિ વિકાસ દર ૧૧મી યોજનામાં ૩.૬૪ ટકાએ પહોંચ્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો સુધી કૃષિક્ષેત્રની નવી ટેકનોલોજીઓને સરળતાથી પહોંચાડવાનો છે. દૃ

આ યોજના હેઠળ કયા ક્ષેત્રનો સમાવેશ
 *           બરછટ અનાજ, કઠોળ અને નાના ધાન્યપાકોના વિકાસનો સમાવેશ
*           કૃષિમાં યાંત્રિકરણ
*           જમીન આરોગ્ય અને ઉત્પાદકતા વધારવી
*           વરસાદ આધારિત સિસ્ટમનો વિકાસ
*           સંકલિત જંતુવ્યવસ્થાપન
*           બજાર માળખું
*           બાગાયતનો વિકાસ
*           પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલન
*           ઓર્ગનિક અને બાયો ખાતર
*           અનોખી યોજનાઓ
*           સંસ્થાઓનેે કૃષિ અને બાગાયત વગેરે પ્રોત્સાહન પૂરું પાડવું
*           કૃષિ સંશોધન અને શિક્ષણ
*           કૃષિ માર્કેટીંગ, ખાદ્ય સંગ્રહ અને ગોડાઉન, કૃષિ નાણાકીય સંસ્થાઓ અને અન્ય કૃષિ સહકાર કાર્યક્રમો હેઠળ આરકેવીવાય યોજના હેઠળ પ્રોત્સાહન અપાય છે. 

ગુજરાતમાં વર્ષે રૃ.૫૦૦ કરોડની થતી ફાળવણી : આરકેવીવાય યોજના ગુજરાતના ખેડૂતો માટે ઘણી અગત્યની છે. આ યોજના હેઠળ ગુજરાતને રૃપિયા ૫૦૦ કરોડની આસપાસ ફાળવણી થાય છે. ગુજરાતના કૃષિ યાંત્રીકરણ, સૂક્ષ્મસિંચાઇ, ગ્રીનહાઉસ અને નેટહાઉસ જેવા મોટાભાગના પ્રોજેક્ટો આ યોજના પર નિર્ભર છે. દર વર્ષે આ યોજના હેઠળ ૨૦થી ૨૫ પ્રોજેક્ટો નવા અમલમાં મૂકાય છે. આ બજેટમાં આરકેવીવાય યોજનામાં ૫૦ ટકા કાપ મૂકાતાં નવા આયોજનો લટકી પડે તેવી સંભાવના છે. દેશમાં શરૃઆતમાં ૪૫૦૦ કરોડનું જ બજેટ ફળવાતાં હવે નવી યોજનાઓ માટે રાજ્ય સરકારોએ હિસ્સો ઉમેરવો પડશેે. આ યોજનાની સાતત્યતા માટે દિલ્હી સ્થિત આરકેવીવાય યોજનાના નાયબ સચિવ સાથે ટેલિફોનીક વાતચીત કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, આરકેવીવાય યોજનામાં હવે નિયમો બદલાયા છે. જેમાં હવે કેન્દ્ર અને રાજ્યનો ૫૦ ટકા હિસ્સો રહેશે. હવે ૨૦૧૫-૧૬ના તમામ નવા પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો ૫૦ ટકા હિસ્સો રહેશે.  ગુજરાત કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરકેવીવાય યોજનામાં ભારત સરકાર ફંડીગ પેટર્ન ચેન્જ કરવા માટે વિચારણા કરી રહી છે. આ મામલે ગુજરાત સહિત અન્ય રાજ્યો પાસે અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે અને અન્ય રાજ્યોના અભિપ્રાય આવશે ત્યારબાદ કેન્દ્ર સરકાર ફંડીંગ પેટર્ન મુદ્દે કામગીરી આગળ વધારશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો ફંડીંગ પેટર્ન એટલે કે નાણાંકીય ભંડોળમાં ફેરફાર થશે તો કૃષિ ક્ષેત્રના વિકાસ અને આયોજનો પર ચોક્કસ અસર થશે.

આરકેવીવાય યોજના હેઠળ કેન્દ્રમાંથી થતી ફાળવણી
વર્ષ                     પ્રોજેક્ટ       ફાળવણી
૨૦૧૪-૧૫         ૧૯૪૬   ૧૦,૯૬૩
૨૦૧૩-૧૪         ૧૪૮૩   ૧૦,૦૦૫
૨૦૧૨-૧૩         ૧૮૧૦   ૧૨,૪૦૭
૨૦૧૧-૧૨         ૧૬૧૪   ૮૮૦૯
૨૦૧૦-૧૧         ૧૬૧૪   ૮૩૮૮
૨૦૦૯-૧૦         ૧૧૭૨   ૪૭૪૮
નોંધ ઃ ખર્ચના આંક કરોડ રૃપિયામાં છે.

ગુજરાતમાં આરકેવીવાય હેઠળ થતી જોગવાઇ
વર્ષ                    પ્રોજેક્ટ        જોગવાઇ
૨૦૧૪-૧૫         ૨૯        ૫૯૩
૨૦૧૩-૧૪         ૨૪        ૫૫૭
૨૦૧૨-૧૩         ૧૧૮     ૫૮૬
૨૦૧૧-૧૨         ૮૭        ૫૧૫
૨૦૧૦-૧૧         ૧૦૬     ૩૫૩
૨૦૦૯-૧૦         ૬૧        ૩૮૬
નોંધ ઃ ફાળવણીના આંક કરોડમાં છે.




આરકેવીવાય : ગુજરાતમાં ૨૦૧૪-૧૫માં ૨૯ પ્રોજકટ અમલમાં


રા ષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને પણ કરોડો રૃપિયાની ફાળવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં પણ આરકેવીવાય યોજના હેઠળ ડેરી, મત્સ્ય, બિયારણ ક્ષેત્રથી લઈને વિવિધ પાક સંરક્ષણ પર ભાર આપવા માટે કરોડો રૃપિયાની ફાળવણી કરવામાં આવી છે.
૧. ખેતઓજાર :રાજ્યમાં કૃષિ યાંત્રિકરણનો બહોળો વ્યાપ છે. આજે મજૂરોની અછતને પગલે ખેડૂતો સ્વખર્ચે વિવિધ મશીનરી વસાવીને મજૂરોની અછતની ઘટ પુરી કરી રહ્યાં છે. ખેતી અને ખેડૂતોનો વિકાસ થાય તે હેતુથી આરકેવીવાય યોજના હેઠળ કૃષિક્ષેત્રમાં યાંત્રિકિકરણ પાછળ ૨૮૧ કરોડ રૃપિયાની  જોગવાઈ કરવામાં આવી છે.
૨. પશુપાલન : ૨૦૧૪-૧૫માં પશુપાલન ક્ષેત્ર હેઠળ નવા ૭ પ્રોજેક્ટ મૂકાયા હતા. જેમાં પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોનો વિકાસ થાય તે હેતુથી ૫૦૦ નવા એઆઈ સેન્ટરની સ્થાપના કરવા માટે તેમજ મોબાઈલ લેબોરેટરી વાન માટે ૧ કરોડ તેમજ પશુપાલનની વિવિધ સ્કીમ પાછળ ૨૦થી ૨૫ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૩. પાક ઉત્પાદન :  પાક વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ચોખા અને ઘઉંની ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવા પાક વિકાસ ક્ષેત્ર હેઠળ કુલ ૮ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૪. ડેરી વિકાસ :સહકારી દૂધ મંડળીઓને ૨૭૫૦ જેટલા મિલ્કિંગ મશીન યુનિટની સ્થાપના કરવા માટે રૃ.૧૫ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૫. મત્સ્યપાલન :  યોજનામાં મત્સ્યઉદ્યોગને પણ આવરી લેવામાં આવ્યો છે. આજે ગુજરાતના મોટાભાગના બંદરો પરથી મત્સ્યોદ્યોગ ધમધમી રહ્યો છે. આ ઉદ્યોગને ધ્યાને રાખીને કેન્દ્ર દ્વારા રાજ્યોને ભંડોળ પુરું પાડવામાં આવે છે. ૨૦૧૪-૧૫માં બે પ્રોજેક્ટ હાથ ધરાયા હતા. જેમાં રાજ્યમાં પણ મત્સ્યોદ્યોગ માટેનું સુવિધાજનક માર્કેટ ઉભું થાય તે માટે વલસાડ, નવસારી, બિલિમોરા, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે ૮ કરોડ રૃપિયા જ્યારે દાહોદ જિલ્લામાં પણ મત્સ્ય બજારની માળખાગત સુવિધા ઉભી કરવા માટે અલગથી ૧ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૬. બાગાયત : બાગાયત ક્ષેત્રમાં પણ આરકેવીવાય યોજનાનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. બાગાયતના વિકાસ માટે ૨૦૧૪-૧૫માં કૃષિ વિભાગ દ્વારા આરકેવીવાય યોજના હેઠળ નવા સાત પ્રોજેક્ટ અમલમાં મૂકાયા હતા. રાજ્યના પછાત જિલ્લાઓમાં આદુ, હળદર, ડુંગળી અને લસણની ઉત્પાદકતા અને ઉત્પાદન વધે તે માટે ૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખજૂરના ટિશ્યૂકલ્ચર રોપાનો વાવેતર વિસ્તાર વધે તે માટે રૃ. ૬ કરોડ, વાડી સ્થિત ખેત વૃક્ષ સ્થાપના અને મેનેજમેન્ટ માટે રૃ.૨૧ કરોડ, શાકભાજીની પ્લગ નર્સરી માટે રૃ.૫૪ કરોડ, વિવિધ શાકભાજી પાકો માટે રૃ.૩૩ કરોડ, કેળની ખેતીના વિકાસ માટે રૃ. ૩૮ કરોડ, પેકહાઉસમાં શાકભાજી પાકોની ખેતી માટે ૮ કરોડ રૃપિયાની સહાય પુરી પાડવામાં આવી છે.
૭. સંકલિત જંતુ વ્યવસ્થાપન :  ખેતીમાં ઉંદરોના વધતા ત્રાસને રોકવા માટે ઉંદરોના નિયંત્રણ માટે પણ આરકેવીવાય યોજના હેઠ એક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો જેની માટે ૨.૧૪ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઇ હતી.
૮. સૂક્ષ્મ સિંચાઇ :  રાજ્યમાં સિંચાઈની સુવિધાઓ વધે તે માટે પછાત વિસ્તારોમાં ચેકડેમ તેમજ સિંચાઈ સુવિધાનું માળખું ઉભુ થાય તે માટે ૧૫ કરોડ રૃપિયાના ભંડોળનું આયોજન કરવામાં આવ્યું છે.
૯. જળસંચય વ્યવસ્થાપન : રાજ્યમાં ખેત તલાવડીઓનો વ્યાપ વધે અને તેના થકી ખેડૂતોને સિંચાઈમાં લાભ મળે અને પાક ઉત્પાદન વધે તે માટે પણ ૪૫૦ કરોડ રૃપિયાની કૃષિલક્ષી કાર્યોની જોગવાઈ કરવામાં આવી છે.
૧૦. ઓર્ગેનિક ર્ફાિંમગ : ઓર્ગેનિક અને બાયોફર્ટીલાઈઝર ક્ષેત્રમાં પણ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ લાખો રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના નવસારી જિલ્લામાં અત્યાધુનિક ર્વિમકંપોસ્ટ ઉત્પાદન યુનિટની સ્થાપના કરવા માટે રૃ.૨૦ લાખ ના ભંડોળનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૧ સંશોધન : રાજ્યમાં ખાનગી ધોરણે પણ ટિશ્યૂકલ્ચર શેરડીના રોપાના ઉત્પાદન માટે લેબોરેટરી બનાવવા આરકેવીવાય યોજના હેઠળ ૬૯ લાખ રૃપિયાની જોગવાઇ કરાઇ હતી.

૧૨ બિયારણ :  બિયારણ ક્ષેત્રમાં ૬ નવા પ્રોજેક્ટની શરૃઆત કરાઇ હતી. શાકભાજી, હાઈબ્રીડ અનાજ અને ફાયબર પાકોનું ઉત્પાદન વધારવા માટે ૩ કરોડ રૃપિયા, બીજ ઉન્નતીકરણ માટે ૩૬ કરોડ, આરકેવીવાય યોજના હેઠળ ર્સિટફાઈડ બીજનું ઉત્પાદન વધારવા માટે ૧૪ કરોડ, બીજ ઉત્પાદનમાં ભાગ લેનાર ખેડૂતો માટે ૩ કરોડ અને મગફળીના સંવર્ધક બીજ ઉત્પાદન માટે ૧૫ લાખ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment