Tuesday, 30 September 2014

હવે ૭ મહિના સુધી ખેતઓજારોની સબસિડીમાં ખેડૂતોને ઠેંગો


પોણા ચાર માસમાં ઓનલાઇન અરજી કરનાર ખેડૂતોને ૧૫૦ કરોડની સબસિડીનો લાભ મળશેઃ ખેતઓજારોમાં એમ્પેનલ અને આઇ કિસાનમાં ઓનલાઇન અરજી કરવાના નિર્ણયથી મેથી જૂન દરમિયાન ઓજાર માટે અરજી કરનાર ખેડૂતોને ફરી અરજી કરવા જણાવાયું  : ઓનલાઇન પ્રક્રિયાથી અભણ ખેડૂતોએ છેલ્લા દિવસ સુધી દોડાદોડી કરવી પડી  : ૩.૪૨ લાખ ખેડૂતોએ ખેતઓજારોમાં સબસિડી માટે ઓનલાઇન અરજી કરી : હવે ખેતઓજારની ખરીદીનાં સ્વપ્ન સેવતા ખેડૂતે સબસિડી માટે એપ્રિલ સુધી રાહ જોવી પડશે  : ખેડૂત મેળાઓ યોજી સબસિડી અપાશે


કૃ ષિના ક્ષેત્રમાં જેટલાં ઊંડાં ઊતરો એટલું ઓછું, જેમ જેમ કૃષિનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ તેનાંં સાધનોનો વપરાશ પણ બમણો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેતીના વ્યાપને વિસ્તારવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગી એવાં વિવિધ ખેત ઓજારોના વપરાશ માટે વિવિધ સબસિડીની પણ જોગવાઈ કરવાની સાથે ખેત ઓજારોમાં એમ્પેનલ લાગુ કર્યું છે. જેમાં ઓજારની ખરીદી પર ખેડૂતો સબસિડી મેળવવા માગતા હોય તો એમ્પેનલમાં સમાવિષ્ટ કંપનીઓનાં જ ખેત ઓજારોની ખેડૂતોએ ખરીદી કરવી પડશે. આમ, રાજ્યમાં ખેત ઓજારોનું ખાનગીકરણ થઇ ગયું છે. એમ્પેનલનો ફાયદો એ છે કે ખેત ઓજારોના ભાવ ફિક્સ થઇ જતાં ખેડૂતો છેતરપિંડીનો ભોગ બનતા અટકે છે. અગાઉ ખેડૂતો પાસે એક જ પ્રકારનાં ખેત ઓજારોના જુદાં જુદાં શહેર પ્રમાણે ભાવ અલગ અલગ લેવાતા હતા. આ સારી બાબતો સાથે કડવી સચ્ચાઈ એ પણ છે કે સરકારના ઓનલાઇન અને એમ્પેનલની કાર્યવાહીમાં ખેડૂતોને સબસિડીનો લાભ મેળવવામાં બે માસનો સમય બરબાદ થયો છે. ઘણાં ખેડૂતો તો ઓનલાઇન પ્રક્રિયામાં ૨૦મી સપ્ટેમ્બર સુધી જ અરજી કરી શકશે તે વિગતોથી જ અજાણ હોવાથી ઘણાં ખેડૂતો ઓનલાઇન આ સબસિડી યોજનામાં રહી ગયા હોવાની પણ બૂમરાણ મચી છે. કૃષિ વિભાગના અધિકારીઓ ઓનલાઇન સબસિડીની યોજના આઇ કિસાન લોન્ચ થતાં શરૃ થઇ હોવાનું જણાવી રહ્યા છે પરંતુ આઇ કિસાન જ ૨૯ એપ્રિલના રોજ લોન્ચ થઇ હોવાથી ખેડૂતો માટેેની ૬ માસના સમયગાળાની યોજના ૪ માસમાં પૂર્ણ કરી દેવાઈ છે. આમ છતાં આઇ કિસાનમાં પણ ૧ એપ્રિલથી યોજના શરૃ થઇ ગઇ હોવાનું જણાવી રહી છે,
     રાજ્યમાં ૫૦ ટકા ખેડૂતો પાસે કમ્પ્યુટર અંગેની જાણકારીના અભાવે ખેડૂતોએ ફરજિયાત માથે પડાયેલી ઓનલાઇન પ્રક્રિયામાં દોડાદોડી કરીને પણ જોતરાવું પડયું હતું. માત્ર પોણા ચાર માસમાં જ વર્ષભરની સબસિડી અંગેની અરજીઓ લઇ લેવાતાં હવે રવી કે ઉનાળા માટે ખેતઓજારની ખરીદી કરવાની ઇચ્છા રાખતા ખેડૂતને સબસિડી ગુમાવવી પડશે, કારણ કે ઓનલાઇન પ્રક્રિયામાં ફોર્મ ભરનારને જ ખેતઓજારની સબસિડીનો વર્ષભર લાભ મળશે. જેનો સમય ૨૦મી સપ્ટેમ્બરે પૂર્ણ થઇ ગયો છે. રવી અને ઉનાળુ સીઝન માટેનાં ખેતઓજારોની સબસિડી અંગેના ખરીફમાં ફોર્મ કેમ ભરાય તે અંગે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે, પરંતુ સત્તા આગળ શાણપણ નકામું હોવાથી ખેડૂતો પણ ફરજિયાત કૃષિવિભાગના નિર્ણયોને સ્વીકારી રહ્યા છે. ખેતઓજારો આજની તાતી જરૃરિયાત હોવાથી ઓછા સમયગાળામાં પણ ૩.૪૨ લાખ ખેડૂતોએ ઓનલાઇન ખેતઓજારની સબસિડી માટે અરજી કરી છે. જે ખેડૂતોને હવે તબક્કાવાર ખેતઓજાર પૈકીની સબસિડીની ફાળવણી કરાશે. રાજ્યમાં સબસિડીયુક્ત તાડપત્રીથી માંડીને ટ્રેક્ટર સુધી ૧.૦૮ લાખ ખેતઓજારોની ખેડૂતો દ્વારા ખરીદી થશે. એટલે કે રાજ્યમાં માત્ર સબસિડીથી ૩૦૦થી ૪૦૦ કરોડનાં ખેતઓજારોની ખેડૂતો ખરીદી કરશે. એમ્પેનલથી ખેડૂતોને ફાયદો થવાની સાથે ઓનલાઇન અરજીમાં રહી ગયા હોવાનો કચવાટ ઘણાં ખેડૂતોમાં હજુ જોવા મળી રહ્યો છે. કૃષિ વિભાગ હવે ખેડૂતમેળાઓ યોજી ખેડૂતોને મળતી સબસિડીની જાહેરમાં વહેંચણી કરે તેવી વિગતો સાંપડી છે. 


ખેડૂતોનો ખૂબ જ સારો સહયોગ રહ્યો

ખેતીવાડી વિભાગના યાંત્રીકરણ વિભાગના જોઇન્ટ ડિરેક્ટર એસ. જે. સોલંકીએ જણાવ્યું હતું કે, સહાયની ચૂકવણી હવે કૃષિક્ષેત્રના તમામ વિભાગોમાં ઓનલાઇન થઇ ગઇ છે. ખેડૂતોને સબસિડી અંગેનું ધ્યાન દોરાયું છે. આઇ કિસાન લોન્ચ થતાં જ ખેડૂતોએ ઓનલાઇન ફોર્મ ભરવાની શરૃઆત કરી હતી. હવે નિયમો મુજબ લાભકર્તા ખેડૂતોને તબકકા વાર ખેતઓજારો પર સબસિડીની ચૂકવણી શરૃ કરાશે. એમ્પેનલ અંગે  યાંત્રીકરણ વિભાગના પી. એન. વસરાએ જણાવ્યું હતું કે, એમ્પેનલની પ્રક્રિયા તબક્કાવાર ચાલુ છે. ખેડૂતોએ હાલમાં ફક્ત ખેતઓજાર અંગેની માહિતી ઓનલાઇન અરજીમાં ભરવાની રહેશે. જેમાં લાભકર્તા ખેડૂતો એમ્પેનલમાં સમાવિષ્ટ કંપનીઓ પૈકીની એક કંપનીમાંથી ખેતઓજારની ખરીદી કરી શકે છે. ઓનલાઇન અરજીમાં ખેડૂતોનો ખૂબ જ સારો સહયોગ સાંપડયો છે. 



રાજ્યના ખેડૂતોમાંથી ઊઠેલા સવાલો....

- આઇ કિસાન લોન્ચ થયા બાદ કૃષિ વિભાગની સહાયની ઓનલાઇન પ્રક્રિયા શરૃ થવા છતાં સમયગાળો ૧-૦૪-૨૦૧૪થી લઇને ૨૦-૦૯-૨૦૧૪ જ રખાતાં ખેડૂતોને ઓનલાઇન અરજી કરવાનો સમય બે માસનો ઓછો મળ્યો
- ૨૦મી સપ્ટેમ્બર બાદ ખેતઓજારમાં સબસિડીની પ્રક્રિયા બંધ હોવા બાબતે ઘણા ખેડૂતો હજુ પણ અજાણ
- ચોક્કસ સમયગાળાને પગલે સબસિડીનો લાભ મળતો ન હોવાની ઘણા ખેડૂતોની બૂમરાણ
- ખેતઓજારમાં ૧૫૦ કરોડની સબસિડી અંગે કૃષિ વિભાગ દ્વારા માત્ર પોણા ચાર માસમાં પૂર્ણ કરી દેવાતી અરજી પ્રક્રિયા
- ઓનલાઇન અરજીમાં હવે રહી જનારને ૭ માસ બાદ ફરી અરજી કરવાની તક મળશે
- સીઝન પ્રમાણે જ સહાયની ચુકવણી છતાં ફોર્મ ભરવાની પ્રક્રિયા એક સાથે જ કેમ?
- રવીમાં ચૂકવાતી સહાયનાં ફોર્મ પણ ખેડૂતોએ ખરીફમાં ભરવાનો નિર્ણય કેમ?
- હવે ઓનલાઇન અરજી હોવાથી દર સીઝનમાં જ ખેતઓજારોનાં ફોર્મ ભરાય તેવી વ્યવસ્થાનો અભાવ કેમ?


૨૦૧૨-૧૩માં ૭૫ હજાર ઓજાર પર સબસિડી અપાઈ

દેશના અર્થતંત્રમાં એગ્રીકલ્ચર મશીનરીનો ફાળો વધતો જાય છે. છેલ્લા કેટલાક સમયથી કૃષિકારો સામે જે પડકારો વધ્યા છે તેનો સામનો મશીનરી અને ટેકનોલોજીથી કરી શકાય તેમ છે. ટ્રેક્ટર અને તેને આનુસંગિક ખેતઓજારોનો વપરાશ પણ વધતો જાય છે. જેનો સીધો ફાયદો કૃષિ ક્ષેત્રના ઉત્પાદન પર જોઈ શકાય છે. ટ્રેક્ટર ઉપરાંત પ્લાન્ટ પ્રોટેક્શન સાધનો માટે પણ સરકારે અલગ સબસિડીની જોગવાઈ કરી છે.ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા પણ સબસિડીની જોગવાઇમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૦-૧૧માં ૬૭,૬૭૩ જેટલાં સાધનો માટે સબસિડી ફાળવવામાં આવી હતી તેવી જ રીતે વર્ષ ૨૦૧૧-૧૨માં સાધનોના વપરાશનો આંક ઊંચે પહોંચ્યો છે અને કૃષિ વિભાગે ૮૩,૨૯૯ સાધનો માટે સબસિડી ફાળવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૨-૧૩માં કુલ ૭૫,૦૧૯ સાધનો પર સબસિડી આપવામાં આવી હતી. પાવર થ્રેસરની જો વાત કરીએ તો વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૦૮ સાધનો પર સબસિડી આપવામાં આવી તેવી જ રીતે વર્ષ ૨૦૧૧-૧૨માં ૨૧૧ અને ૨૦૧૩-૧૪માં ૧૯૮ સાધનો પર સરકારે સબસિડી પૂરી પાડી હતી. એટલે કે વિવિધ સાધનોની ખરીદી અને તેનો વપરાશ વધ્યો હતો. 


  સબસિડીથી ખેડૂતોએ ખરીદેલાં ખેતઓજાર
ખેત ઓજાર                      ૨૦૧૦-૧૧          ૨૦૧૧-૧૨   ૨૦૧૨-૧૩
સુધારેલાં ઓજાર                 ૧૭,૨૯૩                         ૨૭,૪૮૫     ૨૧,૭૩૯
રોપાનાં ઓજાર                   ૬૭,૬૭૩                       ૮૩,૨૯૯      ૭૫,૦૧૯
પાવર થ્રેસર                           ૧૦૮                            ૨૧૧          ૧૯૮
મલ્ટિક્રોપ થ્રેસર                       ૮૧૯                            ૧,૫૭૪        ૧,૪૨૭
રોટાવેટર                            ૫,૮૭૭                            ૯,૧૬૨       ૧૪,૨૫૦
લેસર લેન્ડ લેવલર                   ૦                                 ૭૫               ૨૨૦
સીડ કમ ર્ફિટલાઇઝર ડ્રીલ         ૮૬૨                          ૧,૩૪૭         ૧,૩૨૯
ડિસ્ક કમ એમ. બી. પ્લાઉ       ૧૮૫                            ૭૫૯            -
કલ્ટિવેટર                              ૪૨૨                        ૧,૧૭૨          ૧,૨૪૦
રોટરી પાવર ટિલર                     ૩                                ૦                ૦
કમ્બાઇન હાર્વેસ્ટર                     ૦                             ૨૯               ૧૯


ખેડૂતોને રાજ્યમાં ખેતઓજાર પર અપાતી સબસિડી અને લક્ષ્યાંક
          
ઓજાર                            સબસિડી             લક્ષ્યાંક               કુલ  રકમ
કલ્ટિવેટર                                રૃ.૧૨,૦૦૦                     ૫૪૯૯               ૬.૫૯ કરોડ
વાવણિયો                                રૃ.૧૫,૦૦૦                     ૨૦૭૫               ૩.૧૧ કરોડ
પોસ્ટ હોલ ડિગર                      રૃ. ૨૦,૦૦૦                    ૪૬૫                 ૯૩ લાખ
ટ્રેક્ટર (૪૦ હો.પા)                    રૃ.૪૫,૦૦૦                     ૪૨૨૮               ૧૯.૦૨ કરોડ
ટ્રેક્ટર ( ૬૦ હો.પા)                    રૃ.૬૦,૦૦૦                     ૧૭૮૩               ૧૦.૬૯ કરોડ
રોટાવેટર                                 રૃ .૩૦,૦૦૦                    ૪૦૫૦               ૧૨.૧૫ કરોડ       
ઘઉં પાક                                 રૃ.૩૦,૦૦૦                     ૨૦૦                 ૬૦ લાખ
કઠોળ પાક                              રૃ.૩૫,૦૦૦                     ૧૦૦                 ૩૫ લાખ
ચોખા પાક                             રૃ,૩૫,૦૦૦                     ૨૦                    ૭ લાખ
તાડપત્રી                                રૃ.૧૨૫૦                       ૪૩,૯૯૯            ૫.૪૯ કરોડ         
અનુ. ખેડૂતો                          રૃ.૧૨૫૦                          ૪૩૧૯               ૫૩.૯૮ લાખ
અનુ.જનજાતિ                       રૃ. ૧૨૫૦                        ૭૫૦૦               ૯૩.૭૫ લાખ
તમામ હેરો                          રૃ.૧૨,૦૦૦                      ૫૦૧૮               ૬.૦૨ કરોડ
સુધારેલ ખેતઓજાર                રૃ.૮,૦૦૦                         ૯૦૪                 ૭૨.૩૨ લાખ
સીડ સ્ટોરેજ બીન                  રૃ.૨૦૦૦                          ૧૫૦૫               ૩૦.૧૦ લાખ
મલ્ટિક્રોપ થ્રેસર      
કઠોળ માટે                           રૃ.૪૦,૦૦૦                        ૫૦                    ૨૦.૦૦ લાખ
ચોખા માટે                            રૃ.૪૦,૦૦૦                     ૧૬                    ૬.૪૦ લાખ
ઘઉં માટે                               રૃ.૪૦,૦૦૦                     ૩૫                    ૧૪.૦૦ લાખ
સામાન્ય ખેડૂતો                     રૃ.૧૨,૦૦૦                     ૧૪૭૯               ૧૭.૭૪ કરોડ
ચીઝલર                               રૃ.૮,૦૦૦                        ૮૦                    ૬.૪૦ લાખ
પેડી ટ્રાન્સપ્લાન્ટર                  ૪૦,૦૦૦                        ૧૫૧                 ૬૦.૪૦ લાખ
એમ.બી પ્લાઉ                      રૃ.૧૫,૦૦૦                     ૨૧૨૧               ૩.૧૮ કરોડ
ડિસ્ક પ્લાઉ                          રૃ.૧૫,૦૦૦                     ૧૨૦૬               ૧.૮૦ કરોડ
ગ્રાઉન્ડનટ ડિગર                     રૃ.૧૫,૦૦૦                     ૬૯                    ૧.૦૪ કરોડ
ડ્રોવન રીપર                           રૃ.૧૫,૦૦૦                     ૮૨૭                 ૧.૨૫ કરોડ
સ્ટબલ સેવર                        રૃ.૧૫,૦૦૦                     ૬૧૩                 ૯૧.૯૫ લાખ
ફ્રૂટ હાર્વેસ્ટર                         રૃ.૧૫,૦૦૦                     ૨૮૭                 ૪૩.૦૫ લાખ                  
ઓનિયન હાર્વેસ્ટર                રૃ.૧૫,૦૦૦                     ૧૨૭                 ૧૯.૦૫ લાખ
કેરોટ હાર્વેસ્ટર                    રૃ.૧૫,૦૦૦                     ૧૧૧                 ૧૬.૬૫ લાખ
બનાના મેકિંગ મશીન           રૃ.૧૫,૦૦૦                     ૨૪૯                 ૩૭.૩૫ લાખ
રિપર બાઇન્ડર                   રૃ. ૪૦,૦૦૦                    ૯૨૯                 ૩.૭૧ કરોડ
મોબાઇલ શ્રેડર                   રૃ.૪૦,૦૦૦                     ૪૭૯                 ૧૯.૧૬ કરોડ
સીડ ડ્રીલ                         રૃ.૨૦,૦૦૦                     ૮૯૮                 ૧૭.૯૬ કરોડ
બેડ પ્લાન્ટર                      રૃ.૨૦,૦૦૦                     ૩૨૬૧               ૬.૫૨ કરોડ
સુગરકેન ડિગર                  રૃ.૨૦,૦૦૦                     ૪૯૭                 ૯૯.૪૦ લાખ
હેપી સીડર                       રૃ.૨૦,૦૦૦                     ૩૧૮                 ૬૩.૬૦ લાખ
વેજિટેબલ ટ્રાન્સપ્લાન્ટર      રૃ.૨૦,૦૦૦                     ૬૨૯                 ૧૨.૫૮ કરોડ
વેજિટેબલ સીડર                રૃ.૨૦,૦૦૦                     ૩૬૨                 ૭૨.૪૦ લાખ
બ્વાસ્ટ સ્પ્રેયર                    રૃ.૨૫,૦૦૦                     ૪૦૧                  ૧ કરોડ
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર             રૃ.૩,૦૦,૦૦૦                  ૩૨                    ૯૬ લાખ
રાઇસ મીલ                      રૃ.૬૦,૦૦૦                     ૯૮                    ૫૮.૮૦ લાખ
સુગરકેન હાર્વેસ્ટર             રૃ.૫૦,૦૦,૦૦૦                ૯                      ૪.૫૦ કરોડ
શ્રેડર                               રૃ.૧૨,૦૦૦                     ૩૪૩                 ૪૧.૧૬ લાખ
પાવર સંચાલિત                રૃ.૫૦,૦૦૦                     ૬૦૩                 ૩.૦૧ કરોડ
પોટેટો પ્લાન્ટર                  રૃ.૧૫,૦૦૦                     ૩૭૭                 ૫૬.૫૫ લાખ
પોટેટો ડિગર                     રૃ.૧૫,૦૦૦                     ૩૫૭                 ૫૩.૫૫ લાખ
ક્લીનર કમ ગ્રેડર                રૃ.૧૫,૦૦૦                     ૧૭૯૦               ૨.૬૮ કરોડ
ડ્રાયર                              રૃ.૧૫,૦૦૦                     ૧૬૫                 ૨૪.૭૫ લાખ
બ્રસ કટર                         રૃ.૧૫,૦૦૦                     ૩૬૦                 ૫૪,૦૦ લાખ
પાવર ટિલર                      રૃ.૪૫,૦૦૦                     ૨૧૮૬               ૯.૮૩ કરોડ
ટાઇમ સ્પ્રેયર                     રૃ.૪૦૦૦                         ૧૭૦                 ૬૮,૦૦૦
રોટરી પાવર ટિલર               રૃ.૨૦,૦૦૦                     ૧૦૯૩               ૨.૧૮ કરોડ
પાવર વિડર                      રૃ.૧૫,૦૦૦                     ૮૬૮                 ૧.૩૦ કરોડ
પ્લાઉ                             રૃ.૧૫,૦૦૦                     ૨૨૨૦               ૩.૩૩ કરોડ
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 24 September 2014

શાકભાજીના ખેડૂતોની દિવાળી સુધરી ગઇ


૧૧૪ લાખ ટન શાકભાજીનુંં ગુજરાતમાં ઉત્પાદન થવાનો અંદાજ :  ૫.૭૧ લાખ હેક્ટરમાં  શાકભાજીનું રાજ્યમાં થતું વાવેતર : ૨૦૧૩-૧૪માં રૃ. ૫૪૬૨ કરોડની શાકભાજીની નિકાસ : ૨૦ કિલો પરવળનો ભાવ રૃપિયા ૧૦૦૦થી ૧૨૦૦  : વરસાદથી શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો  : ગુજરાતમાં ખેડૂતો સજાગ બનતાં છેલ્લા દાયકામાં શાકભાજીના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો  : દેશમાં ૯૫ લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર :  બટાટાના ભાવ પ્રતિ મણે રૃ.૩૮૦થી ૪૪૦  : ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતી ફાયદાનો સોદો


વરસાદની અછત વચ્ચે શાકભાજીની ખેતી કરનાર ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી ગઇ છે. ગત વર્ષ કરતાંં ચાલુ સીઝનમાં ડુંગળી અને ટામેટાંને બાદ કરતાં તમામ શાકભાજીના ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે. વર્ષ ૨૦૧૩-૧૪માં રાજ્યમાં ૫.૭૧ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૧૪ લાખ ટન થવાનો બાગાયત વિભાગને અંદાજ છે. રાજ્યમાં ગ્રીનહાઉસ ઉપરાંત ખુલ્લામાં પણ મોટાપાયે શાકભાજીની ખેતીનો વાવેતર વિસ્તાર વધવાની સાથે એક દાયકામાં ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. એક માત્ર અમદાવાદના જમાલપુર માર્કેટમાં જ હાલમાં દરરોજ ૨૫ હજાર ક્વિન્ટલ શાકભાજીના ઉતારામાંથી સારી આવક મળતાં ખેડૂતોના ચહેરા હરખાઇ રહ્યા છે.
    દુ નિયાના ૨૦૦ દેશોમાં શાકભાજીના થતા ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજા ક્રમે છે. વિશ્વના કુલ શાકભાજીના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૧૫ ટકા છે. દેશમાં શાકભાજીનું વાવેતર ૯૫ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અને ઉત્પાદન ૧૬૮૧ લાખ ટન જેટલું રહે છે. ૨૦૧૧-૧૨માં ૮૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૫૬૩ લાખ ટન થયુંં   હતું. દેશમાં સૌથી વધુ શાકભાજીનું ઉત્પાદન બટાટા, ડુંગળી, ટામેટાં, કોબીજ અને ફ્લાવરનું થાય છે. રાજ્યમાં પણ સાડા પાંચ લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થતાં શાકભાજીનું ઉત્પાદન ૧૦૦ લાખ ટનની આસપાસ રહે છે. દેશમાં વત્તા ઓછા પ્રમાણમાં ૧૦૮ પ્રકારના શાકભાજીનું વાવેતર થાય છે. ગુજરાતમાં ખેડૂતો સજાગ બનતાં છેલ્લા દાયકામાં શાકભાજીના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. દેશમાંથી ૨૦૧૩-૧૪માં ૫,૪૬૨ કરોડના શાકભાજીની નિકાસ પાકિસ્તાન, સાઉદી અરબ, યુ.કે. અને નેપાલ જેવા દેશોમાં કરાઇ છે. આ વર્ષે વરસાદની અસમાનતાને પગલે શાકભાજીના ભાવો પર સીધી અસર જોવા મળી રહી છે. બટાટા, ડુંગળી અને ટામેટાંના ભાવોના ઉછાળ બાદ હાલમાં તમામ શાકભાજીના ભાવ ખેડૂતોેને ગત વર્ષની તુલનાએ ઊંચા મળતા હોવાથી હાલમાં ખેડૂતો શાકભાજીનો સ્ટોક ખાલી કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે.
રીંગણના ભાવ જ્યાં ખેડૂતોને માંડ ચારથી પાંચ રૃપિયા કિલોએ મળતા હતા ત્યાં આ વર્ષે કિલો રીંગણ રૃ.૩૦થી ૩૫ના ભાવે વેચાઇ રહ્યા છે. કાકડીનો પણ કિલોનો ભાવ ખેડૂતોને રૃપિયા ૨૫થી ૩૦ રૃપિયા મળી રહ્યો છે. છૂટકમાં ઊંચા ભાવે તો શાકભાજીનું વેચાણ થતું હોય છે, પરંતુ હોલસેલ અને છૂટકના ભાવમાં ત્રણથી ચાર ગણો ફર્ક હોવાથી ખેડૂતોને દર વર્ષે લાભ થતો ન હતો. આ વર્ષે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને પણ ઊંચા ભાવનો લાભ મળી રહ્યો છે. માવઠાથી શાકભાજીમાં બગાડ છતાં ખેડૂતો પણ સારા ભાવ મેળવવા શાકભાજીનાં ખેતરો ખાલી કરવાની ઉતાવળ કરી રહ્યા છે. રાજ્યમાં મધ્ય ગુજરાતમાં મોટાપાયે શાકભાજીની ખેતી થાય છે. શાકભાજીના મોટા માર્કેટયાર્ડ ગણાતા અમદાવાદના જમાલપુર માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક જોઇએ તો ૧૫મી સપ્ટેમ્બરે ૩૬ હજાર ક્વિન્ટલ, ૧૬મીએ ૨૭ હજાર ક્વિન્ટલ અને ૧૭મી સપ્ટેમ્બરે ૨૪,૮૬૫ ક્વિન્ટલ  રહી હતી. હવે ખેડૂતો મોટાપાયે ગ્રીનહાઉસમાં પણ શાકભાજીની ખેતી કરતા હોવાથી ઓફ સીઝનમાં પણ હવે શાકભાજીની આવક રહેવા લાગી છે. વધતી જતી વસતી સામે શાકભાજીની જરૃરિયાત વધતાં રાજ્યમાં પણ શાકભાજીની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હાલમાં ખેડૂતોને રવૈયાં, રીંગણ, ગોલર મરચાં, ભીંડા, પરવળ, ગવાર અને ફલાવર, કોબીજના વેચાણમાં સારા ભાવ મળી રહ્યા છે. 


છેલ્લા ત્રણ મહિનામાં ભાવમાં ઉછાળો નોંધાયો

રાજ્યમાં શાકભાજીના ભાવમાં છેલ્લા ત્રણ માસમાં જ ઉછાળો આવ્યો છે. હાલમાં રીંગણના ભાવ દેશમાં સૌથી વધુ ગુજરાતમાં છૂટકમાં ૫૦૦૦ રૃપિયા ક્વિન્ટલે ચાલી રહ્યા છે. રીંગણની ખેતી કરતા ખેડૂતો માટે તો આ સીઝન ફળી છે. જ્યાં ખેડૂતોને રીંગણના માંડ ૫થી ૭ રૃપિયા કિલોએ મળતા હતા ત્યાં આજે ખેડૂતોને રીંગણના કિલોના ભાવ રૃપિયા ૩૦થી ૩૫ મળી રહ્યા છે. આ સિવાય કાકડી, ટિંડોરા અને પરવળના ભાવ પણ સારા મળતાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આ સીઝન તેમના માટે ફાયદાકારક સાબિત થઇ રહી છે. જૂનમાં રાજ્યમાં શાકભાજીના ભાવ જોઇએ તો રીંગણના પ્રતિ મણે રૃપિયા ૨૦૦થી ૩૬૦, રવૈયાંના ૨૬૦થી ૭૦૦, ટામેટાંના ૧૪૦થી ૨૬૦ અને કાકડીના ભાવ રૃ.૩૦૦થી ૬૦૦ હતા. આ ઉપરાંત મરચાં રૃ.૧૬૦થી ૩૬૦માં વેચાતાં હતાં. જ્યારે પરવળ ૫૦૦થી ૮૦૦માં અને ભીંડા ૨૦૦થી ૪૦૦માં વેચાતા હતા. આમ, સપ્ટેમ્બરમાં સારા ભાવથી હાલમાં શાકભાજીની ખેતી ખેડૂતો માટે ફાયદેમંદ સાબિત થઇ રહી છે. ગુજરાતમાં ૧૧૪ લાખ ટન શાકભાજીનું ઉત્પાદન થવાનો એનએચબીએ અંદાજ લગાવ્યો છે. દૃ


જમાલપુરમાં રોજની ૨૫ હજાર ક્વિન્ટલ આવક
                   ૨૦૧૪                          ૨૦૧૩
શાકભાજી     ભાવ મણના                    ભાવ મણના
બટાટા        ૩૮૦થી ૪૪૦                 ૨૦૦થી ૨૮૦
ડુંગળી       ૨૦૦થી ૩૦૦                   ૮૫૦થી ૯૦૦
રીંગણ       ૪૦૦થી ૮૦૦                   ૮૦થી ૧૮૦
રવૈયા        ૪૦૦થી ૮૦૦                     ૧૦૦થી ૨૦૦
કોબીજ     ૨૦૦થી ૨૬૦                   ૧૦૦થી ૧૬૦                  
ફુલાવર      ૨૦૦થી ૪૪૦                   ૨૦૦થી ૪૦૦
ટામેટાં      ૩૦૦થી ૬૦૦                   ૨૦૦થી ૪૦૦
દૂધી         ૩૦૦થી ૫૦૦                   ૮૦થી ૧૬૦
કાકડી        ૩૦૦થી ૮૦૦                   ૨૦૦થી ૩૬૦
ગિલોડા     ૪૦૦થી ૧૦૦૦                ૧૦૦થી ૬૦૦
મરચાં      ૨૦૦થી ૫૦૦                   ૧૨૦થી ૩૦૦
ગોલર      ૪૦૦થી ૮૦૦                   ૨૪૦થી ૬૦૦
કોથમીર    ૨૦૦થી ૫૦૦                   ૨૫૦થી ૬૦૦
કારેલા      ૩૦૦થી ૬૦૦                   ૧૦૦થી ૨૦૦
ભીંડા       ૩૦૦થી ૬૦૦                   ૧૦૦થી ૨૬૦
ગવાર      ૫૦૦થી ૯૦૦                   ૧૦૦થી ૫૦૦
ચોળી      ૫૦૦થી ૯૦૦                   ૧૬૦થી ૩૫૦
પરવળ     ૧૦૦૦થી ૧૨૦૦              ૪૦૦થી ૮૦૦
ગલકા      ૩૦૦થી ૪૪૦                   ૬૦થી ૧૬૦
નોંધ : ભાવ અમદાવાદ એપીએમસીના છે.

ગુજરાતમાં શાકભાજીની મોટાપાયે થતી ખેતી

શાકભાજી          વાવેતર                     ઉત્પાદન
રીંગણ                 ૭૬,૦૦૦                        ૧૩,૪૧,૦૦૦
કોબીજ               ૩૦,૦૦૦                        ૬,૬૩,૦૦
ફ્લાવર                ૨૮,૦૦૦                        ૫,૩૨,૦૦૦
ભીંડા                  ૬૫,૦૦૦                        ૭,૨૩,૦૦૦
ડુંગળી                 ૬૯,૦૦૦                        ૧૮,૧૭,૦૦૦
બટાટા                ૭૪,૦૦૦                        ૨૩,૦૦,૦૦૦
ટામેટાં                ૪૪,૦૦૦                        ૧૧,૫૬,૦૦૦
અન્ય                  ૧,૮૧,૦૦૦                   ૨૮,૯૯,૦૦૦
કુલ                    ૫,૭૧,૦૦૦                    ૧,૧૪,૩૩,૦૦૦

નોંધઃ વાવેતર હેક્ટરમાં અને ઉત્પાદન ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 23 September 2014

ડાંગરમાં મિથેન વિઘટક બેકટેરિયા શોધાયા : ફિલ્ડ પ્રયોગ ચાલુ

ડાંગરના ખેતરની માટીમાંથી મિથેન વિઘટક બેકટેરિયાનું અલગીકરણ કરવામાં સફળતા  : ૧૨% સુધી નુક્સાનકારક મિથેન ગેસનું ઉત્પાદન ડાંગરના ખેતરમાંથી થાય છે  : બેક્ટેરિયાના સંશોધનથી પાકને પણ ફાયદો : આણંદ કૃષિ યુનિ.ને સફળતા

હા લના સમયમાં વૈશ્વિક પર્યાવરણમાં ઘણી મોટી ઉથલપાથલ થઈ રહી છે જેના માટે જવાબદાર કારણોમાં ગ્લોબલ ર્વોિંમગ મુખ્ય છે. ગ્લોબલ ર્વોિંમગના કારણે તાપમાનમાં વધારો અને વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે જેની સીધી અસર ખેતી ઉપર જોવા મળે છે. પર્યાવરણમાં થતા આ નકારાત્મક ફેરફારો માટે માનવર્સિજત ગ્રીનહાઉસ ગેસ જેવા કે કાર્બન ડાયોકસાઈડ, મિથેન, નાઈટ્રેસ ઓકસાઈડ તથા ક્લોરો કાર્બન જવાબદાર છે. પૃથ્વીના વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ વધતા તે પૃથ્વીની સપાટી ઉપરથી પરાર્વિતત થઈને પાછા બ્રહ્માંડમાં જતાં ગરમ કિરણોેને રોકી લે છે જેના કારણે વાતાવરણનું તાપમાન વધે છે. ઉપરોક્ત જણાવેલ બધાં ગ્રીનહાઉસ ગેસમાં ગ્લોબલ ર્વોિંમગમાં મિથેનનો ફાળો સૌથી મહત્ત્વનો ગણવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ઉત્પન્ન થતાં મિથેનમાંથી ૫૦% કરતાં પણ વધુ માનવર્સિજત હોય છે. જેમાંથી ૧૨% સુધી મિથેન ગેસનું ઉત્પાદન ડાંગરના ખેતરમાંથી થાય છે. પરંતુ કુદરતે મિથેન વાયુનું વિઘટન કરી શકે તેવા સૂક્ષ્મ જીવાણુઓનું સર્જન પણ કરેલું છે. આપણે જરૃર છે માત્ર એવા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓને ઓળખી, અલગ તારવી તેનું સંવર્ધન કરી જમીનમાં વસતીમાં વધારવાથી મિથેન જેવા નકારાત્મક વાયુુઓનું પ્રમાણ પર્યાવરણમાં ઘટાડી વાતાવરણનું જતન કરી શકાય. આવા સૂક્ષ્મ જીવાણુઓનું અલગીકરણ કરવું તે એક પડકારરૃપ કાર્ય હોઈ વૈશ્વિક સ્તરે આ અંગે મર્યાદિત પ્રયાસો થયેલ છે.

આણંદ કૃષિ યુનિર્વિસટીના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા મિથેન વિઘટક સૂક્ષ્મ જીવાણુઓ અંગે સંશોધન કરવા માટેનો પડકાર સ્વીકારી ડાંગરના ખેતરની માટીમાંથી મિથેન વિઘટક બેકટેરિયાનું અલગીકરણ કરવામાં સફળતા મેળવી છે.  વિભાગના વડા  ડો. આર .વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ રીસર્ચ એસોસિએટ ડો. યોગેશ્વરી કે ઝાલાએ પાંચ એવા બેકટેરિયાની જાત શોધી કાઢી છે કે જે હવામાંના મિથેનનું વિઘટન કરી તેનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરે છે અને વાતાવરણમાં મિથેનનું પ્રમાણ ઘટાડે છે. ઉપરોક્ત સંશોધન દરમિયાન મળેલ બેકટેરિયાની જાત જેવી કે બેસીલસ એરીયસ, સએઝોબિયમ, બેસીલસ સટીલિસ, પેનીબેસિલસ ઈલીનોએન્સીસ તથા બેસીલસ મેગાટેરિયમમાં વિશ્વમાં પ્રથમ વાર મિથેન વિઘટનનો ગુણધર્મ જોવા મળેલો છે કે જે ગુજરાત માટે ઘણા ગૌરવની વાત છે. તદુપરાંત ઉપરોક્ત જણાવેલ સૂક્ષ્મ જીવાણુઓમાં છોડનો વિકાસ વધારી શકે તેવા એક અથવા વિવિધ ગુણધર્મો જેવા કે નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવું, ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય બનાવવો, વનસ્પતિ વૃદ્ધિવર્ધકો જેવા કે ઇન્ડોલ એસિટીક એસિડનું ઉત્પાદન કરવું તથા છોડને રોગકારક ફૂગનું નિયંત્રણ કરવું વગેરે જોવા મળેલું છે. દૃ
સંશોધનનાં પરિણામો જણાવે છે કે ઉપરોક્ત જીવાણુઓમાં રહેલી નાઈટ્રોજન સ્થિરીકરણ કરવાની તથા અલભ્ય ફોસ્ફરસ તથા પોટાશનું રૃપાંતર લભ્ય સ્વરૃપમાં કરવાની ક્ષમતાના કારણે ડાંગરની ખેતીમાં વપરાતા નાઈટ્રોજન તથા ફોસ્ફરસયુક્ત રાસાયણિક ખાતરની ૨૫% સુધી બચત કરી શકાય છે. જેના કારણે જમીનમાં જતા રાસાયણિક ખાતરનું પ્રમાણ ઘટાડીને જમીનનું પ્રદૂષણ પણ ઘટાડી શકાય છે. ઉપરોક્ત સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ ડાંગરની ખેતીમાં કરવાથી વાયુ તથા જમીનનું પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે પર્યાવરણનું જતન કરી શકાય છે.


બેક્ટેરિયા હવામાંના મિથેનનો કાર્બન તરીકે ઉપયોગ કરી વૃદ્ધિ કરે છે


ડાંગરના ખેતરમાં પાણી ભરેલું રહેતું હોવાથી ઓક્સિજનની ગેરહાજરીમાં સેન્દ્રિય ઘટકોનું વિઘટન થતા મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. સંશોધન દરમિયાન કરવામાં આવેલા પ્રયોગોના આધારે ડો. યોગેશ્વરી ઝાલાનાં જણાવ્યા મુજબ, ઉપરોક્ત બેકટેરિયા હવામાં રહેલા મિથેન વાયુનો કાર્બન તરીકે ઉપયોગ કરી પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરી પોતાની સંખ્યામાં વધારો કરે છે. આ સૂક્ષ્મ જીવાણુઓની  અંદર તેવા જનીન રહેલા જોવા મળેલા છે જે મિથેનનું વિઘટન કરવા માટે જવાબદાર ઉત્સેચકો જેવા કે મિથેન મોનોઓક્સિજીનેઝ તથા મિથેનોલ ડીહાઈડ્રોજીનેઝનું ઉત્પાદન કરે છે જેના કારણે મિથેનનું વિઘટન કરી અને સૂક્ષ્મ જીવાણુઓને પોતાની વૃદ્ધિ માટે વાપરી શકે છે. તદુપરાંત ઉપરોક્ત સૂક્ષ્મ જીવાણુઓની વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ વધારી શકે તેવા ઘટકોનું ઉત્પાદન કરવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Sunday, 14 September 2014

વરસાદ : ખેતીમાં થોડું નુક્સાન, ઘણો ફાયદો


બાજરીમાં દાણા અવસ્થાએ નુકસાન થવાની ભીતિ : ડાંગરના પાકને ફાયદો થશે : રાજ્યમાં ૮૪ લાખ હેક્ટરમાં વાવેતર ઃ વરસાદે ખરીફ વાવેતરને બે તબક્કામાં વહેંચતાં પાકમાં ક્યાંક નુક્સાન તો ક્યાંક ફાયદો  : કઠોળ, તલ અને મગફળીના પાક માટે કાચું સોનું વરસ્યું  : કપાસ, દિવેલા અને શાકભાજી પાકમાં નુકસાનની આશંકા : વરસાદ એક સપ્તાહ જારી રહેવાની સાથે વાદળછાયું વાતાવરણ સર્જાય તો જ નુક્સાનની ભીતિ : બાજરીમાં હાલમાં અરગટ, બ્લાઈટ, કુંતલ અને અંગારિયો જેવા રોગ આવવાની સંભાવના : કપાસમાં ફૂલભમરી ખરી પડી

વરસાદે ખરીફ સીઝનના વાવેતરને બે તબક્કામાં વહેંચી દેતાં જૂનમાં સમયસર ૧૨ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયેલો પાક પાકવાની અવસ્થાએ હોવાથી વરસેલા વરસાદથી થોડા અંશે નુક્સાનની અસર થઈ છે, પરંતુ ૪૨ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર માટે વરસાદ આશીર્વાદરૃપ સાબિત થયો છે. સતત વરસાદ અને વાદળછાયું વાતાવરણ જ ખરીફ પાકને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ હવે ટળી જતાં વરસાદ ખરીફ પાકને રાજ્યોમાં ફળ્યો છે. મધ્ય અને ઉ.ગુજરાતમાં ખેતરોમાં પાણી ભરાવાને પગલે ખરીફ વાવેતરને થોડા અંશે નુક્સાનીના અહેવાલો છે, પરંતુ રાજ્યમાં સૌથી વધુ વાવેતર થાય છે તેવા સૌરાષ્ટ્ર અને કચ્છમાંં ખરીફ પાકો માટે વરસાદ ફાયદાનો સોદો સાબિત થયો છે. પાકમાં રોગ-જીવાત આવવાની સંભાવના વધુ હોવાથી ખેડૂતો રોગ-જીવાત રોકવાના સમયસર ઉપાયો અજમાવશે તો ખરીફ ખેતીમાંથી સારું ઉત્પાદન મેળવી શકશે. વરસાદથી તેલીબિયાં, કઠોળ અને ધાન્યપાકોને ફાયદો થયો છે તો કપાસ, દિવેલા અને શાકભાજી પાકોમાં નુક્સાન પહોંચ્યું હોવાની વિગતો છે.   

ખ રીફ પાકોનું વાવેતર પૂર્ણ થઇ ગયા બાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ વરસતાં ખેડૂતો માટે ક્યાંક કહીં ખુશી કહીં ગમનો માહોલ છે. વરસાદે ક્યાંક પાકને નુક્સાન પહોંચાડવાની સાથે ફાયદો પણ કરાવ્યો છે. અહીં વરસાદનું સરવૈયું રજૂ કરાવ્યું છે.
કપાસમાં ભારે વરસાદ થાય તો જ નુકસાન કપાસનું રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક વાવેતર ૩૦.૦૨ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે. કપાસ અને વરસાદની સ્થિતિ અંગે કપાસ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાાનિક ડો. ખાનપરાએ જણાવ્યું હતું કે, જૂનમાં વાવેતર કરાયેલો કપાસ હાલમાં ફ્લાવરિંગ સ્ટેજમાં છે. જુલાઇ બાદ વાવેતર થયેલો કપાસના વાવેતર વિસ્તારમાં હાલમાં ચાંપવા એટલે કે ફૂલભમરી બેસવાનું સ્ટેજ આવેલું છે. હાલમાં વરસાદને પગલે ફૂલભમરી ખરી પડતી હોવાની ખેડૂતો બુમરાણો મચાવતા હોય છે, પરંતુ ફૂલભમરી ખરીને તાપ પડે તુરંત જ ફરી બંધાઇ જશે તેની સીધી અસર ઉત્પાદનને કરશે નહીં. હાલમાં આ વરસાદ કપાસના પાકને ફાયદાકારક છે. જો ખેતરોમાં પાણી ભરાઇ ગયાં હોય તેવા વિસ્તારમાં કપાસના પાકને થોડું નુકસાન થઇ શકે અથવા ભારે વરસાદ વરસે તો નુકસાનની સમસ્યા સર્જાઈ શકે છે. આમ છતાં ઉ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કપાસમાં નુક્સાનના અહેવાલ છે.

બાજરીનો મોટા ભાગનો પાક દૂધિયા દાણાની અવસ્થાએ

ગુજરાતમાં બાજરીનો ખરીફ વાવેતર વિસ્તાર ૩.૫૫ લાખ હેક્ટર છે. બાજરી એ ખરીફ સીઝનમાં વાવેતરમાં ચોખા પછીનો રાજ્યમાં સૌથી મોટો ધાન્યપાક છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બાજરીનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે મોડા વરસાદને પગલે બાજરીનું ૧ સપ્ટેમ્બર સુધીમાં માત્ર ૧.૭૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બાજરીમાં જૂન પૂર્વે વાવેતર કરાયેલી બાજરી હાલમાં દાણાની અવસ્થાએ જ્યારે જુલાઈ બાદ રાજ્યમાં વાવેતર કરાયેલી બાજરીનો પાક દૂધિયા દાણાની અવસ્થાએ પહોંચ્યો છે.
બાજરીમાં હાલમાં અરગટ, બ્લાઈટ ( પાનનો ગેરુ), કુંતલ (ભૂકી) અને અંગારિયો જેવા રોગ આવવાની સંભાવના છે. જૂનમાં વાવેતર કરાયેલી બાજરી હાલમાં દાણા અવસ્થાએ હોવાથી દાણા ઊગી જવાની સમસ્યા સર્જાવાની અને પવનથી પડી જવાની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે. અત્રે નોંધવું ઘટે કે, ચાલુ સીઝનમાં જૂનના અંત સુધીમાં ૮,૪૦૦ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. હાલમાં વાતાવરણ હવામાનવાળુ હોવાથી પાકમાં રોગ-જીવાત આવવાની સંભાવના હોવાનું બાજરી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. કે.ડી. મૂંગરાએ જણાવ્યું હતું.

જૂનમાં વાવેતર કરાયેલા પાકોમાં નુકસાનની સંભાવના

ગુજરાતમાં કઠોળ પાકોનું ૫.૧૧ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાં આ વર્ષે વાવેતર ઘટીને ૩.૭૮ લાખ હેક્ટર થયું છે. ખરીફ સીઝનમાં કઠોળ પાકોમાં મગ, અડદ અને તુવેર પાકોનું વાવેતર થાય છે. આ વર્ષે મોડા વરસાદને પગલે વાવેતર બે તબક્કામાં વહેંચાઈ ગયું છે. જૂનમાં વાવેતર કરાયેલા કઠોળ પાકો હાલમાં શીંગ અવસ્થાએ છે. જ્યારે કઠોળ પાકોની મોડી વાવણી કરાયેલા પાકો સૂયા અવસ્થામાં છે. હાલમાં વરસાદથી કઠોળ પાકોને ફાયદો થયો છે. વધુ વરસાદ હોય ત્યાં શીંગો ખરી પડવાની સંભાવના છે, પરંતુ આ સ્થિતિ ઘણા ઓછા વિસ્તારમાં હશે. જૂન પૂર્વે રાજ્યમાં ખરીફ પાકોનું માત્ર ૧૨,૬૦૦ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. સૌરાષ્ટ્રમાં તુવેરનો પાક તો આંતરપાક તરીકે લેવાતો હોવાથી હાલમાં આ પાકોમાં નુકસાનની સંભાવના નહીંવત્ છે. દૃ

તલના પાક માટે વરસાદ ફાયદાકારક

તેલીબિયાં પાક ગણાતા તલનું રાજ્યમાં મોટાપાયે ખરીફ સીઝનમાં વાવેતર થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તલના સારા ભાવ મળતાં ખેડૂતોે આ વર્ષે વાવેતર વધાર્યું છે. રાજ્યમાં તલનું ૧.૨૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાંથી જૂનના અંત સુધીમાં ૫ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે કુલ વાવેતર ૧.૪૧ લાખ હેક્ટરમાં થયું છે. આમ, વાવેતર મોટાભાગે જુલાઇ અને ઓગસ્ટ માસમાં થયું છે. જૂન માસમાં વાવેતર થયેલો પાક હાલમાં પાકવાની અવસ્થાએ હોવાનું તલ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. બી. વી. રાદડિયાએ જણાવ્યું હતું. તલમાં જુલાઈ બાદ વાવેતર કરાયેલો પાક હાલમાં બૈઢાની અવસ્થાએ છે. ક્રાંતિક તબક્કાએ તલના પાકમાં પિયતની ખાસ જરૃરિયાત વચ્ચે સારા વરસાદથી તલના પાકને ફાયદો થયો છે. ઊંચા વાવેતર બાદ તલની સ્થિતિ સારી રહેતાં તલનું ઉત્પાદન વધે તેવી સંભાવના છે.

મગફળીમાં દાણા ભરાવાની અવસ્થામાં ફાયદો

મગફળી એ સૌરાષ્ટ્રનો મુખ્ય તેલીબિયાં પાક છે. રાજ્યમાં ૧૫ લાખ હેક્ટરથી વધુમાં મગફળીનું વાવેતર થાય છે. વરસાદના બે તબક્કાથી જૂનમાં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ વાવેતર શરૃ કરતાં આ પાક હાલમાં ૧૫ દિવસમાં જ પાકવાની અવસ્થાએ છે. જો વરસાદનું પ્રમાણ ઘટે તો આ પાક સારો ઊતરે તેવી સંભાવના છે. જૂનમાં રાજ્યમાં મગફળીનું ૪.૧૮ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું હતું. ત્યારબાદ ૧૦ લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલો પાક ડોડવાની અવસ્થામાં છે. ડોડવા મગફળીમાં ઝીણા, મોટા હોવા છતાં હાલમાં વરસાદથી દાણા ભરાવામાં ડોડવા એ મહત્ત્વનો ભાગ ભજવે છે. હાલમાં વરસેલો વરસાદ મગફળીના ખેડૂતો માટે ઘણો ફાયદાકારક છે. આ મગફળી એક મહિના બાદ કાઢવાની ખેડૂતો તૈયારી કરશે. વરસાદ ભારે રહે તો મગફળીના પાકમાં નુકસાન થવાની સંભાવના છે, પરંતુ ગત સપ્તાહે વરસેલા વરસાદે મગફળીના પાકને ફાયદો કરાવ્યો હોવાનું મગફળી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. ધડૂકે જણાવ્યું હતું.

ડાંગરમાં વરસાદ સપ્તાહ રહે તો જ નુકસાન

રાજ્યમાં ખરીફ વાવેતરમાં ધાન્ય પાક ગણાતા ડાંગરનું સરેરાશ ૭.૩૬ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ડાંગરનો પાક દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મોટાપાયે થાય છે. રાજ્યમાં ચાલુ ખરીફ સીઝનમાં ૭.૫૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ડાંગરનો પાક હાલમાં કંટી બંધાવાની અવસ્થાએ છે. આ સમયે પાકને પિયતની ખાસ જરૃરિયાત રહેતી હોય છે. વરસાદ વરસતાં ખેડૂતોને પિયતનો ફાયદો થવાની સાથે પાકને પણ પૂરતું પાણી મળી ગયું છે. હાલના તબક્કે એમ કહી શકાય કે વરસાદ ડાંગરના પાક માટે ફાયદાનો સોદો સાબિત થયો છે. વરસાદ અને હવામાન વાળું વાતાવરણ એક સપ્તાહ સુધી રહે તો જ ડાંગરના પાકને હાલના તબક્કે નુકસાન જવાની શક્યતા છે. 



ઉ.ગુજરાતમાં કપાસ અને દિવેલાને ભારે નુક્સાન


ભાદરવા મહિના દરમિયાન ખાબકેલા ૬થી ૯ ઈંચ વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં કપાસ, દિવેલા તેમજ ઘાસચારા સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ અતિવૃષ્ટિને કારણે એક પખવાડિયા અગાઉ કૃષિક્ષેત્રોમાં લહેરાતા પાકોને કારણે આશાવાદી બનેવા ખેડૂતોમાં નિરાશાની લાગણી ફેલાઈ છે. ખેડૂતોએ મોંઘા બિયારણ ખર્ચી વાવેતર કરેલા દિવેલાના પાકનો સફાયો થઈ ગયો છે. વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને  કારણે કપાસનાં પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કપાસના વિકસિત છોડવા પર બેઠેલી બાજ ખરી પડી છે અને છોડવા ધરાશાયી થઈ ગયા છે. દીપાવલી પર્વ પૂર્વે કપાસના પાકના ઉત્પાદનની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત, તાજેતરમાં જ વાવણી કરેલી જુવારનો પાક કહોવાઈ ગયો છે અને કઠોળનાં ઉત્પાદન માં પણ નુક્સાનની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. નિષ્કર્મ સાફ છે, અતિભારે વરસાદે સૌથી મોટો આફટર શોક ખેડૂતોને આપ્યો છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 8 September 2014

દ્રાવ્ય ખાતરના ભાવમાં તોતિંગ વધારો


જમીનમાં અપાતા રાસાયણિક ખાતરોની જેમ વોટર સોલ્યૂબલ ખાતરોમાં પણ ખેડૂતોને સબસિડીનો લાભ અપાય તો સૂક્ષ્મ સિંચાઇ વધારવાના કૃષિ વિભાગના પ્રયત્નોમાં વધારો થશે  : દર વર્ષે ખાતરના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો થતો વધારો  : રાજ્યમાં ૧૧ લાખ હેક્ટરથી વધુમાં થતી સૂક્ષ્મ સિંચાઈ  : ખાતર અને દવાનો ખેડૂતોને વધતો જતો ખર્ચ  : મગફળી, કપાસ, ફળ-ફૂલ પાકો સહિત રક્ષિત ખેતીમાં મોટાપાયે ખેડૂતોની પ્રથમ પસંદ બની છે સૂક્ષ્મ સિંચાઈ  : સોલ્યુબલ ખાતરોનું પ્રમાણ જાણવાની નહીંવત્ સુવિધા  : ડોલરના ભાવના આધારે ખાતરના ભાવમાં થતી વધઘટ

સૂક્ષ્મ સિંચાઈ આજની તાતી જરૃરિયાત છે. દેશમાં ભગવાન ભરોસે ૪૦૦ લાખ હેક્ટરમાં થતી ખેતીને બચાવવા માટે સરકારે પણ નવી યોજના શરૃ કરી છે. ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈમાં ૫૦ ટકા સબસિડી મળતી હોવાની સાથે તેના લાભથી આજે ગુજરાત એ સૂક્ષ્મ સિંચાઈમાં દેશભરમાં અગ્રીમ હરોળમાં છે. ગુજરાતમાં ૧૧ લાખ હેક્ટરથી વધુમાં થતી સૂક્ષ્મ સિંચાઈથી ખેતીની કડવી વાસ્તવિકતા એ છે કે સૂક્ષ્મ સિંચાઈમાં ઉપયોગમાં લેવાતા વોટર સોલ્યુબલ ખાતરોના ભાવમાં દર વર્ષે ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. વોટર સોલ્યુબલ ખાતરો અંગે કોઈ નિયમાવલી ન હોવાથી રાજ્યમાં ખેડૂતો મોટાપાયે છેતરપિંડી થઈ રહી હોવાની બુમરાણ પાડી રહ્યા છે. યુરિયા કે ડીએપીના ભાવમાં રૃપિયા ૫૦નો વધારો થાય તો ખેડૂતો ઉહાપોહ મચાવે છે ત્યારે આધુનિક ખેતીના નામે દ્રાવ્ય ખાતરોના ભાવ ખેડૂતોની કમર તોડી રહ્યા છે. વોટર સોલ્યૂબલ ખાતરો વિદેશથી આયાત થતા હોવાથી ડોલરના ભાવની સીધી અસર તેની પર થતી હોય છે. વર્ષ ૨૦૦૯ની સ્થિતિએ આજે દ્રાવ્ય ખાતરોના ભાવ સામે આજે ખાતરોના ભાવ દોઢા થઇ ગયા છે. સૂક્ષ્મ સિંચાઇ માટે ધારાધોરણો ઘડાયા છે, પરંતુ ખેતી ખર્ચમાં થતો જતો વધારો ખેડૂતોને સૂક્ષ્મસિંચાઇથી અળગા કરે તે પૂર્વે યોગ્ય પગલાં ભરવાની જરૃરિયાત છે.   

આ જે દેશમાં સૂક્ષ્મ સિંચાઈથી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સૂક્ષ્મ સિંચાઈમાં પેસ્ટ્રોલોજી અને ર્ફિટગેશન અંગેની સચોટ વિગતો હોવી એ ખેડૂતો માટે અત્યંત જરૃરી છે. ર્ફિટગેશન એટલે પાણી સાથે દ્રાવ્ય ખાતરોને આપવાની ટેકનોલોજી. ખાતરો ડ્રીપ દ્વારા સીધા જ મૂળમાં આપવાથી છોડને નિયમિતપણે જરૃરિયાત મુજબ ખાતર મળતુંં રહેતું હોય છે. ડ્રિપ સિંચાઇનો સૌથી મોટો ફાયદો એ ર્ફિટગેશન છે. ડ્રિપ માટે હવે ખેડૂતો એવું ખાતર પસંદ કરે છે કે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોય. ખેડૂતો આ ખાતરો એગ્રોનોમિસ્ટની સલાહ મુજબ ઉપયોગમાં લેતા હોય છે. આજે ડ્રિપની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. સૌથી વધુ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. મગફળી, કપાસ અને ફળ -ફૂલ પાકો સહિત રક્ષિત ખેતીમાં મોટાપાયે ખેડૂતોની પ્રથમ પસંદ એ સૂક્ષ્મ સિંચાઈ જ રહી છે. આજે ગુજરાતમાં ૩૩૪૨ નેટહાઉસ, ૨૦૯૪ ગ્રીનહાઉસ, ૫૧ નર્સરી અને અને ૧૨,૦૦૦ હેક્ટરમાં થતી મલ્ચિંગની ખેતીમાં ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરે છે.
  મગફળી અને કપાસની ખેતીમાં ડ્રિપના ઉપયોગથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. સાથોસાથ સૂક્ષ્મ સિંચાઇનું આ ક્ષેત્ર આધુનિક ખેતીમાં આવતું હોવાની સાથે વણખેડાયેલું હોવાથી સૂક્ષ્મ સિંચાઇથી થતી ખેતીમાં ખેતીખર્ચમાં ધરખમ વધારો ખેડૂતો નજરઅંદાજ કરી રહ્યા છે. એકમાત્ર વોટર સોલ્યુબલ ખાતરોના ભાવ દર વર્ષે ૧૦થી ૧૫ ટકાના દરે વધી રહ્યા છે. ૨૦૦૯ બાદ સૂક્ષ્મ સિંચાઇથી થતી ખેતીનું પ્રમાણ વધતાં સૂક્ષ્મ સિંચાઈ સંલગ્ન કંપનીઓનો પણ રાફડો ફાટવા લાગ્યો હતો. ખેતીમાં ઉપયોગ થતાં વોટર સોલ્યુબલ ખાતરોનું પ્રમાણ જાણવા માટે પણ ખેડૂતો પાસે યોગ્ય ટેક્નિકના અભાવે વોટર સોલ્યુબલ ખાતરો બનાવતી કંપનીઓ યોગ્ય ધારાધોરણો ન જાળવી ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી હોવાની પણ ખેડૂતોમાંથી બુમરાણ ઊઠી રહી છે.
  સરકાર સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધારવા માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે સૂક્ષ્મ સિંચાઇમાં વધતો જતો ખર્ચ ખેડૂતોમાં સૂક્ષ્મ સિંચાઇ યોજના અંગે નારાજગી પ્રસરાવે તે પૂર્વે ગ્રીનહાઉસ અને ખેતઓજારોની જેમ ખેડૂતોને ફિક્સ અને એક જ ભાવે દ્રાવ્ય ખાતરો મળે તેવી વ્યવસ્થા ઉભી કરવાની આજની તાતી જરૃરિયાત છે. વોટર સોલ્યૂબલ ખાતર મોટાભાગે વિદેશમાંથી આયાત થતા હોવાથી ડોલરના ભાવની વધઘટ ખાતરના ભાવને અસર કરે છે.
  જમીનમાં અપાતા રાસાયણિક ખાતરોનો યોગ્ય માત્રામાં વપરાશ થાય અને તેનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સરકાર  દ્વારા પ્રયત્નો કરવાની સાથે ખાતર પર સબસિડી પણ આપવાની જરૃર  છે. ખાતરોના ભાવ એક સરખા જળવાય રહે તેવી ધારાધોરણોમાં ફેરફાર કરવાની જરૃર છે. વોટર સોલ્યૂબલ ખાતરોમાં કોઇ પ્રકારની રાહત ન હોવાથી આ ખાતરો ખેડૂતો ઊંચા ભાવે ખરીદી રહ્યા છે. સૂક્ષ્મ સિંચાઇમાં જાગૃતિ માટેના પ્રયત્નોની સાથે સાથે ખેતીખર્ચ અંગે પણ પ્રયત્નો હાથ ધરાય તો સૂક્ષ્મ સિંચાઇ યોજનાનો વ્યાપ ઝડપભેર થઇ શકે છે. વોટર સોલ્યૂબલ ખાતરો પાકમાં આપવાની માત્રા ઘણી ઓછી હોવા છતાં ખાતરો આયાત થતા હોવાથી ભાવમાં ઘણો વધારો ખેડૂતોએ સહન કરવો પડી રહ્યા છે. 


૨૦૧૮માં દ્રાવ્ય ખાતરનું બજાર ૨,૪૮૨.૩ મિલિયન ડોલરે પહોંચશે

એશિયા-પેસેફિક પ્રદેશમાં વોટર સોલ્યુબલ ખાતરોનું બજાર વર્ષ ૨૦૧૩માં ૧,૮૪૯ મિલિયન ડોલરે રહ્યું હતું તે હવે વર્ષ ૨૦૧૮માં ૨,૪૮૨.૩ મિલિયન ડોલરે પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આ બજાર વર્ષ ૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધીમાં કુલ ૬.૧ ટકાનો ર્વાિષક વૃદ્ધિ દર નોંધાવશે તેવા પણ અહેવાલો છે. ખાતર બજારની આ વૃદ્ધિ પાછળ ભારત અને ચીન જેવા દેશોનું રોકાણ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ભારત સહિત ચીનમાં વિકસિત સિંચાઈ સિસ્ટમને કારણે, ચીન વોટર સોલ્યુબલ ખાતરોના બજારમાં વૃદ્ધિ દર વધારે નોંધાવે છે. એક અહેવાલ અનુસાર આ વ્યવસાયના વિસ્તરણ માટે વૈશ્વિક સ્તરે અન્ય દેશો પણ એશિયા-પેસિફિક પ્રદેશમાં દાખલ થવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૩માં એશિયા-પેસેફિક માર્કેટની કુલ આવકમાં માત્ર ચીન ૪૨.૯ ટકાના હિસ્સા સાથે મુખ્ય બજાર રહ્યું હતું. અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૮માં કુલ બજારની વૃદ્ધિમાં ભારત, ચીન સહિત ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઈઝરાયેલ જેવા દેશોનો ફાળો પણ મહત્ત્વપૂર્ણ રહેશે.     નોંધઃ એક મિલિયન એટલે ૧૦ લાખ ગણવા

પાણીમાં દ્રાવ્ય ખાતરો અંગે જાણો

ખાતરનું નામ          નાઇટ્રોજન   ફોસ્ફરસ  પોટાશ     ૨૦૦૯         ૨૦૧૪
યુરિયા ફોસ્ફેટ                       ૧૭        ૪૪        ૦૦        ૮૫૦     ૧૨૦૦થી ૧૪૦૦
એનપીકે                            ૧૯        ૧૯        ૧૯        ૧૧૦૦   ૨૨૦૦થી ૨૫૦૦             
મોનો પોટેશિયમ સલ્ફેટ        ૦૦        ૫૨        ૩૪        ૧૭૦૦   ૩૨૦૦થી ૩૬૦૦
મોનો એમોનિયમ ફોસ્ફેટ      ૧૨        ૬૧        ૦૦        ૧૬૦૦   ૨૫૦૦થી ૩૦૦૦
પોટેશિયમ નાઇટ્રેટ               ૧૩        ૦૦        ૪૫        ૧૫૦૦   ૨૦૦૦થી ૨૨૦૦
પોટેશિયમ સલ્ફેટ                ૦૦        ૦૦        ૫૦        ૧૦૦૦   ૧૭૦૦થી ૧૯૦૦
કેલ્શિયમ નાઇટ્રેટ                ૧૫        ૦૦        ૦૦        ૮૦૦     ૧૨૦૦થી ૧૭૦૦
નોંધઃ ભાવ ૨૫ કિલોના છે. કંપની પ્રમાણે ભાવ અલગ-અલગ હોઇ શકે આ ફક્ત આધાર છે.

ડ્રિપમાં ખાતરોના વપરાશ અંગે મહત્ત્વની સૂચનાઓ

*  ખાતર આપતાં પહેલાં અને પછી પિયત આપવું જરૃરી છે. જેથી ખાતર મૂળ વિસ્તારમાં અસરકારક રીતે પહોંચી શકે. ખાતર ચઢાવ્યા બાદ ઓછામાં ઓછું ૧૫થી ૨૦ મિનિટ ખાલી પાણી આપવું.
*  ખાતર આપવા માટે સવાર અથવા સાંજનો સમય વધારે યોગ્ય સમય છે.
*  ખાતર પૂરેપૂરું ઓગળીને ત્યારબાદ ગાળ્યા પછી જ ડ્રિપમાં ચઢાવવું.
*  અલગ પ્રકારનાં ખાતરો એક સાથે આપવાં નહીં.
*   ક્ષારયુક્ત પાણીમાં એમો સલ્ફેટ/ મેગ્નેશિયમ સલ્ફેટ જેવાં ખાતરને જલદીથી ઓગાળવા ખાતર સાથે સલ્ફયુરિક એસિડ અથવા સાઈટ્રિક એસિડ (લીંબુનાં ફૂલ) ઉમેરી શકાય.
*  પાણીમાં નહીં ઓગળતાં ખાતરો જેવાં કે ડી.એ.પી., એસ.એસ.પી., નર્મદા કેન તથા અન્ય એન.પી.કે ખાતર પાયામાં આપવા માટે જ ઉપયોગ કરવો.
*  પોટાશયુકત ખાતરો સફેદ રંગવાળાં જ વાપરવાં.
*  ૧ કિલો યુરિયા = ૨.૨૫ કિલો એમો.સલ્ફેટ પ્રમાણે આપી શકાય.
*  સામાન્ય રીતે વપરાતાં ખાતરો ૧ કિલો ઓગળવા માટે ૪થી ૫ લિટર પાણી જરૃરી છે.


ફૂલોની ખેતીમાં પણ ખર્ચ વધ્યો

હાઈ-ટેક પદ્ધતિ પ્રમાણે ગ્રીનહાઉસમાં જરબેરા અને ડચ રોઝ ખેતીખર્ચમાં ધરખમ વધારો થયો છે. હાઈ કવોલિટીનાં ફૂલો ઉછેર્યા બાદ તેને માર્કેટમાં મોકલવા માટેની વ્યવસ્થા માટે લગભગ પાંચ વર્ષમાં રો-મટીરિયલ્સમાં ભાવો આસમાને પહોંચી ગયા છે જે બાબતે ગુજરાત હાઈ-ટેક ફાર્મર્સ કો.ઓ સોસાયટીના પ્રમુખ હિતેશભાઇ પટેલ ભાવવધારા અંગે કહે છે કે, ફૂલોને ફીટ કરવા માટે પ્લાસ્ટિકની થેલી ૨૦૦૯ની સાલમાં પ્રતિ કિલોગ્રામ રૃ.૯૫માંં મળતી હતી જે આજે ૨૦૧૪માં વધીને પ્રતિ કિલોગ્રામ રૃ.૧૬૫ થઈ ગયા છે. એ જ પ્રમાણે રબર બેન્ડ ૨૦૦૯ની સાલમાં પ્રતિ કિલોગ્રામ રૃ.૯૦ ના ભાવે ખેડૂતોને મળતી હતી તે આજે ૨૦૧૪માં વધીને પ્રતિ કિલોગ્રામ રૃ.૧૬૦માં મળી રહી છે. જંતુનાશક દવાઓમાં પણ ૨૫ ટકાનો ધરખમ વધારો થયો છે. જેમાં ખેડૂતો પિસાઇ રહ્યા છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..