Monday, 14 July 2014

કપાસ માટે ૧૫ દિવસ નિર્ણાયક


વિશ્વમાં રૃના ઉત્પાદનમાં ચાર લાખ ટનનો ઘટાડો થશે : ચીન નવી સીઝનમાં ૧૧૫ લાખ ગાંસડી રૃની આયાત કરે તેવી સંભાવના : ભારતમાંથી ૧૧૪ લાખ ગાંસડી રૃની નિકાસ : દેશમાં વરસાદની અછતને પગલે વાવેતરમાં જુલાઇના પ્રથમ સપ્તાહ સુધી ગત વર્ષની તુલનાએ ૩૬ ટકાનો ઘટાડો : હવે વરસાદ જ કપાસને તારશે

વરસાદની અછતને પગલે કપાસના વાવેતરમાં દેશમાં ગત વર્ષની તુલનાએ ૩૬ ટકાનો ઘટાડો થવાની સાથે આગામી ૧૫ દિવસ કપાસની ખેતીનું ભવિષ્ય નક્કી કરશે. ગુજરાતમાં પણ કપાસના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. વિશ્વમાં આ સીઝનમાં રૃનું ઉત્પાદન ૨૫૪ લાખ ટન થવાનો અંદાજ છે. ચીનની કોટન નીતિ કપાસનું ભવિષ્ય નક્કી કરતી હોવાની સાથે ચીન નવી સીઝનમાં ૧૧૫ લાખ ગાંસડી રૃની ખરીદી કરે તેવા સંજોગો છે. પાકિસ્તાન, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકામાં રૃનું ઉત્પાદન વધે તેવી શક્યતા છે. દેશમાં કપાસનાં મુખ્ય ઉત્પાદક એવાં બે રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની અછતથી કપાસની ખેતીમાં મસમોટો ઘટાડો નોંધાયો છે. દેશમાં ૩૭૦ લાખ ગાંસડી નવી સીઝનમાં ઉત્પાદન થવાના અંદાજ વચ્ચે હવે વાવેતર ઘટતાં ઉત્પાદનના આંકમાં પણ આંશિક ઘટાડો થવાની સંભાવના છે. કપાસની ખેતી માટે હવે મુખ્ય આધાર વરસાદ હોવાથી આગામી દિવસો કપાસની ખેતી માટે અતિ નિર્ણાયક સાબિત થશે

દે શમાં નબળા ચોમાસાની સૌથી વધારે અસર કપાસની ખેતી પર પડે તેવી શક્યતા છે. દેશમાં કપાસનું ૧૧૫ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. ૩ જુલાઇ સુધી દેશમાં ૩૫ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર શક્ય બન્યું છે. જે ગત વર્ષે ૫૫ લાખ હેક્ટર હતું. ચાલુ સીઝનમાં ખેડૂતોને કપાસના ભાવ સારા મળતાં કપાસનું વાવેતર વધે તેવી શક્યતાને વરસાદની અછતે હાલ પૂરતી ટાળી દીધી છે. કપાસની ખેતી કરતા મુખ્ય વિસ્તારોમાં અત્યાર સુધી ૬૫થી ૮૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે જેને કારણે વાવણીમાં પણ અત્યારસુધી ગત વર્ષ કરતાં ૩૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જાણકારોનું માનવું છે કે કપાસના ભાવ વર્ષના અંત સુધી ૧૨૫૦ રૃપિયા પ્રતિ ૨૦ કિલોએ પહોંચી શકે છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કપાસનું ઉત્પાદન ઘટવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે. સાથે જ નબળા ચોમાસાને કારણે પણ દેશમાં કપાસનું ઉત્પાદન ઘટી શકે છે. આ સિવાય વૈશ્વિક સ્તર પર અર્થવ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે જેને કારણે માંગ વધી શકે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ નિકાસ માંગ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જેને કારણે પણ કપાસના ભાવમાં તેજી રહી શકે છે.

    એક તરફ મધ્ય ભારતમાં પ્રમુખ કપાસ ઉત્પાદક ક્ષેત્રો એવા વિદર્ભમાં સામાન્યથી ૬૬ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે મરાઠાવાડમાં ૮૦ ટકા વરસાદની ઘટ જોવાઈ છે તો આ તરફ તટીય ગુજરાતને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં હજુ ચોમાસાએ હવે દેખા દીધી છે. મધ્યપ્રદેશમાં પણ પૂર્ણ રીતે ચોમાસું પહોંચ્યું નથી, ખાસ કરીને ૧૫ જૂન સુધીમાં ચોમાસું અહીં પહોંચી જાય છે. જો કે આ વર્ષે વરસાદની અછતને કારણે પણ કપાસની વાવણી જોઈએ તેવી થઈ નથી. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ૪૦ લાખ હેક્ટર વિસ્તારમાંથી ૩ જુલાઇ સુધીમાં માત્ર ૫ ટકા વિસ્તારમાં જ કપાસની વાવણી થઈ શકી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે ગરમીને કારણે વાવવામાં આવેલાં બિયારણ પણ સુકાઈ ગયાં છે. અહીં વર્ષ ૨૦૧૧માં જૂન માસમાં દુકાળની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પણ ૧૦ ટકા ક્ષેત્રમાં વાવણી નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં અત્યારસુધી ૨.૨૭ લાખ હેક્ટર વિસ્તારમાં જ કપાસની વાવણી થઈ છે. જ્યારે આંધ્રપ્રદેશમાં ગત વર્ષે ૩.૪૬ લાખ હેક્ટર વિસ્તારની સામે આ વર્ષે ૦.૬૯ લાખ હેક્ટરમાં જ વાવણી થઇ શકી છે. ગુજરાતમાં ૮મી જુલાઇ સુધી ૯.૬૬ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી નોંધાઈ છે જે ગત વર્ષ કરતાંં ઓછી છે. મહારાષ્ટ્રમાં કપાસની વાવણી ૧૮થી ૨૦ જુલાઈ દરમિયાન થાય છે તો આંધ્રપ્રદેશમાં ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી વાવણી કરવામાં આવે છે. પાછલા અઠવાડિયા સુધી સમગ્ર દેશમાં કપાસની વાવણી ૩૫.૪૨ લાખ હેક્ટરમાં કરવામાં આવી છે જે ખાસ કરીને ગત વર્ષે આ જ સમયગાળામાં ૫૫ લાખ હેક્ટરની આસપાસ કરવામાં આવી હતી. ઉત્તર ભારતનાં રાજ્ય એવા પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વાવણીનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. આ રાજ્યોમાં પાછલા વર્ષના ૧૩.૪ લાખ હેક્ટર વિસ્તારના મુકાબલે ૧૨.૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી કરવામાં આવી છે.


કપાસના ભાવમાં તેજીનાં અન્ય કારણો : પાછલાં ત્રણ વર્ષોમાં કપાસના ભાવમાં વધારે ઉતાર-ચઢાવ જોવા નથી મળ્યા જેને કારણે ખેડૂતો કપાસની ખેતીમાં રસ દાખવી રહ્યા છે. બીજી બાજું વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સુધારાના સંકેત દેખાઈ રહ્યાં છે જેને કારણે કપાસની માંગ પણ વધી શકે છે અને ભાવમાં વધારો રહી શકે છે. એક તરફ વર્ષ ૨૦૧૪-૧૫માં વૈશ્વિક સ્તર પર કપાસનું ઉત્પાદન ઘટવાની પણ સંભાવના છે. વર્ષ ૨૦૧૪-૧૫માં વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન ૨૫૪ લાખ ટન રહેવાનુંં અનુમાન છે જે વપરાશના મુકાબલે ૬ ટકા વધારે છે. પાછલા વર્ષે કપાસનું ઉત્પાદન ૨૫૮ લાખ ટન રહ્યું હતું. સમગ્ર દુનિયામાં કપાસનો વપરાશ ૨૪૧ લાખ ટન રહેવાની પણ સંભાવનાઓ છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ભારતમાં કપાસનું ઉત્પાદન ૬૩ લાખ ટન રહેવાની સંભાવના છે. આઈસીએસીના અનુસાર વર્ષ ૨૦૧૪-૧૫માં કપાસના ભાવમાં પણ દબાણ જોવા મળી શકે છે. ખાસ કરીને વૈશ્વિક સ્તરે સ્ટોક વધારે છે જેને કારણે પણ ભાવ ઘટી શકે છે. સાથે જ ચીનની માંગ પણ કમજોર છે અને ચીન પાસે દુનિયાનો લગભગ ૬૦ ટકા જેટલો કપાસનો સ્ટોક બચેલો છે. જો કે જાણકારોના અનુસાર નવેમ્બર-ડિસેમ્બરમાં આઈસીએસી પોતાનાં અનુમાન બદલી પણ શકે છે.

મહારાષ્ટ્રનાં જળાશયો ખાલી થતા કપાસના પાક પર સિંચાઈનું સંકટઃ ગુજરાત અને સૌરાષ્ટ્રની જેમ મહારાષ્ટ્રમાં પણ કપાસને મુખ્ય પાક ગણવામાં આવે છે. રાજ્યમાં કપાસની ખેતીનો ૯૫ ટકા વિસ્તાર વરસાદના પાણી પર નિર્ભર રહેલો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આવેલાં જળાશયોમાં સંગ્રહાયેલા વરસાદના પાણીથી કપાસની ખેતીને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે, પરંતુ આ વર્ષે નબળા ચોમાસાને કારણે મહારાષ્ટ્રમાં સિંચાઈ માટે બનાવાયેલાં જળાશયો ખાલી થઈ રહ્યાં છે. રાજ્યના જળ સંસાધન વિભાગના રિપોર્ટ અનુસાર જળાશયોમાં પાછલા જૂન માસની તુલનામાં માત્ર ૧૮ ટકા પાણી બચ્યું છે. આંકડાઓ અનુસાર રાજ્યના સૌથી મોટાં સિંચાઈ જળાશયોમાં માત્ર ૨૦ ટકા પાણી બચ્યું છે. તો લઘુ અને નાનાં જળાશયોમાં ક્રમશઃ ૨૦ અને ૧૩ ટકા પાણીનો સંગ્રહ રહેલો છે. મહારાષ્ટ્રમાં સિંચાઈ માટે કુલ ૨૪૪૧ જળાશયો છે અને જૂનના અંત સુધીમાં આ જળાશયોમાં ૧૮ ટકા પાણી બચેલું છે. તો ગત વર્ષે જૂનના અંત સુધીમાં આ જ જળાશયોમાં ૩૧ ટકા પાણી રહ્યું હતું.

પાકિસ્તાનમાં નવા રૃના વેપારો શરૃ, આવક ૧૫ દિવસ મોડીઃ  પાકિસ્તાનમાં કપાસનું વાવેતર લગભગ પૂરું થઈ ગયું છે. હાલ જૂના રૃની ફક્ત ૫૦ હજાર ગાંસડી જ માલ બચેલો હોવાથી નવા રૃના પંજાબ અને સિંધમાં વેપારો શરૃ થઈ ગયા છે. સિંધમાં ૮૫ ટકા અને પંજાબમાં ૯૦ ટકા વાવેતર પૂરું થઈ ચૂક્યું છે.
કોટન એસોસિયેશનના અંદાજ મુજબ ચાલુ વર્ષે ૧૪૦ લાખ ગાંસડીનું ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગયા વર્ષે ૧૩૪ લાખ ગાંસડી થયું હતું. એક તરફ પાકિસ્તાનમાં નવા કપાસની આવકો ચાલુ થઈ છે, પરંતુ દર વર્ષ કરતાં આ વર્ષે કપાસની આવક ૧૫ દિવસ મોડી થઈ છે.
 પંજાબની કેટલીક મંડીઓમાં આવક ૨૫થી ૫૦ મણ આવી રહી છે. ગયા વર્ષે આ જ સમયે ૧૦૦૦ મણ કપાસની આવક થઈ હતી. કપાસની ક્વોલિટી હજુ નબળી હોવાથી જીનર્સો પાંખી ખરીદી કરી રહ્યાં છે.
વરસાદની અછતની સ્થિતિ  રહી તો તેજી જળવાશેઃ જો દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાશે તો રૃ બજારમાં વગર ડિમાન્ડે અને વગર વોલ્યૂમે તેજી થઈ શકે છે. જો સારો વરસાદ થાય તો પણ મોટી મંદી આવવાની શક્યતા નથી. સારા રૃના ભાવો ઘટી શકે પણ એ ઘટાડો કામચલાઉ રહેશે. ૧૫થી ૨૦ જુલાઈ સુધીમાં વરસાદ આવી જાય તો કપાસના વાવેતરને વાંધો આવવાની શક્યતા નથી અને નવાં વાવેતરો વધશે એટલે આગામી ૧૫ દિવસ કપાસની ખેતીમાં નિર્ણાયક પુરવાર થઈ શકે છે. દૃ
રૃની નિકાસ ચાલુ વર્ષે ૧૧૪ લાખ ગાંસડી થશે : સીએબી : સરકારી સંસ્થા કોટન એડવાઈઝરી બોર્ડે ચાલુ વર્ષે રૃની નિકાસ ૧૧૪ લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો છે. જે ગત વર્ષે ૧૦૧ લાખ ગાંસડી થઈ હતી. સીએબીએ મૂકેલા અંદાજ પ્રમાણે દેશમાં ચાલુ સીઝન વર્ષ ૨૦૧૩-૧૪માં રૃનો શરૃઆતનો સ્ટોક ૩૫ લાખ ગાંસડીનો રહ્યો હતો. જ્યારે ઉત્પાદન ૩.૯૦ કરોડ ગાંસડી થવાનો અંદાજ છે. જ્યારે ૮ લાખ ગાંસડી આયાતનો અંદાજ છે અને ૪.૩૩ કરોડની કુલ ઉપલબ્ધિ રહેશે. એક તરફ ૨.૫૨ કરોડ ગાંસડી મોટી મીલોનો વપરાશ છે જ્યારે ૩૫ લાખ ગાંસડી નાની મિલોનો વપરાશ છે. ૧.૧૪ કરોડ ગાંસડી નિકાસ થશે જ્યારે કુલ વપરાશ ૪.૦૧ કરોડ ગાંસડીનો રહેશે. સીઝનના અંતે કુલ ૩૨ લાખ ગાંસડીનો એન્ડિંગ કે સરપ્લસ સ્ટોક રહે તેવી ધારણા છે. સીએબીએ ગુજરાતમાં ચાલુ વર્ષે રૃનું ઉત્પાદન  ૧૨૦ લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો હતો જે વર્ષ ૨૦૧૨-૧૩ના વર્ષમાં ૯૩ લાખ ગાંસડીનો મુકાયો હતો.  મહારાષ્ટ્રમાં પણ ઉત્પાદન વધીને ૮૪ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. 


  • વર્ષ ૨૦૧૪-૧૫માં ભારતમાં કપાસનું ઉત્પાદન ૩૭૨ લાખ ગાંસડી રહેવાની સંભાવના હતી જેમાં હવે ઘટાડો આવી શકે છે
  • ચીન પાસે આજે પણ દુનિયાનો લગભગ ૬૦ ટકા જેટલો કપાસનો સ્ટોક
  • ચીનની આયાત નવી સીઝનમાં ૧૧૫ લાખ ગાંસડી રહેવાની સંભાવના
  • તુર્કીએ પણ રૃનું ઉત્પાદન વધારવા ઉધામા શરૃ કર્યા. ૩૬ લાખ ગાંસડી રૃના ઉત્પાદનનો અંદાજ
  • પાકિસ્તાનના રૃની ક્વોલિટી ભારત કરતાં નબળી હોવાને કારણે તેના ભાવ પણ ઓછા દૃ
  • કપાસની ખેતી કરતા મુખ્ય વિસ્તારોમાં અત્યાર સુધી ૬૫થી ૮૦ ટકા વરસાદની ઘટ
  • મહારાષ્ટ્રમાં ૩ જુલાઈ સુધીમાં ૨.૨૭ લાખ હેક્ટર વિસ્તારમાં જ કપાસની વાવણી
  • ગુજરાતમાં ૨૫ લાખ હેક્ટરમાં થતા વાવેતર સામે ૮મી જુલાઈ સુધીમાં ૯.૬૬ લાખ હેક્ટરમાં વાવેતર
  • સીઝનના અંતે કુલ ૩૨ લાખ ગાંસડીનો એન્ડિંગ કે સરપ્લસ સ્ટોક રહે તેવી ધારણા
  • ૨૦૦ લાખ ગાંસડી અમેરિકામાં રૃ પાકવાનો અંદાજ
  • ૧૪૦લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન પાકિસ્તાનમાં થશે                                      



તુર્કીમાં રૃનું ઉત્પાદન વધારવા કવાયત : વિશ્વમાં ચોથા ક્રમના વપરાશકાર અને ત્રીજા ક્રમના આયાતકાર તુર્કીમાં રૃનું ઉત્પાદન વધારવા લોકલ એસોસિયેશને બેટર કોટન મોહિમ સાથે જોડાઈને કામકાજ શરૃ કર્યું છે. તુર્કીમાં રૃનું ઉત્પાદન ચાલુ વર્ષે ૩૬.૫૦ લાખ ગાંસડી (૧૭૦ કિલો) થવાનો અંદાજ છે જે ગયા વર્ષે ૨૮.૯૫ લાખ ગાંસડી થયું હતું. તુર્કીનો વપરાશ ૮૨ લાખ ગાંસડીનો અને આયાત ૪૯ લાખ ગાંસડી રહે છે. 

પાકિસ્તાની રૃની નિકાસ ૨૯ ટકા વધી : ભારતની સાથે સાથે પાકિસ્તાનની રૃની નિકાસ ચાલુ સીઝનમાં ૨૯ ટકા વધીને ૭.૫૮ લાખ ગાંસડીની થઈ હતી જે ગત વર્ષે ૫.૮૭ લાખ ગાંસડી નોંધાઈ હતી. પાકિસ્તાનના રૃની ક્વોલિટી ભારત કરતાં નબળી હોવાને કારણે તેના ભાવ પણ ઓછા છે, પરંતુ પાકિસ્તાન રૃ કરતાં ટેક્સટાઈલની નિકાસને વધુ મહત્ત્વ આપી રહ્યું હોવાથી ટેક્સટાઈલ અને યાર્નની નિકાસ વધી રહી છે. 

રૃનું ઉત્પાદન માંગ કરતાં ૬ ટકા વધુ થશે : વિશ્વબજારમાં ન્યુયોર્ક રૃ વાયદો ગત અઠવાડિયે ઘટયો હતો. ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કમિટીએ જુલાઈ મહિનાના રિપોર્ટમાં રૃનું ઉત્પાદન ડિમાન્ડ કરતાં ૬ ટકા વધુ થશે તેવો રિપોર્ટ આપ્યો હતો. વળી ચીનની આયાત વધુ ઘટશે તેવો પણ રિપોર્ટ આવ્યો હતો. ચાલુ વર્ષે ચીને ૩૧૧.૬૪ લાખ ગાંસડી (૧૭૦ કિલોની ગાંસડી)ની આયાત કરી હતી તેની સરખામણીમાં નવી સીઝનમાં ચીન ૧૪૧ લાખ ગાંસડી રૃની આયાત કરશે તેવો રિપોર્ટ અમેરિકન કૃષિ સંસ્થાએ આપ્યો હતો, પરંતુ ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી બોર્ડના અંદાજ પ્રમાણે ચીનની આયાત નવી સીઝનમાં ઘટીને ૧૧૫ લાખ ગાંસડી જ થશે. ચીન પાસે ૫.૩૫ કરોડ ગાંસડી હોવાના રિપોર્ટની પણ અહીંના સ્થાનિક બજારમાં અસર થઈ હતી. આ અંદાજ પણ અમેરિકન કૃષિ સંસ્થાના અંદાજ કરતાં વધારે હતો.

વર્ષ                                                                                    ઉત્પાદન
૨૦૦૦-૦૧                                                                                             ૧૪૦
૨૦૦૧-૦૨                                                                                             ૧૫૮
૨૦૦૨-૦૩                                                                                             ૧૩૬
૨૦૦૩-૦૪                                                                                             ૧૭૯
૨૦૦૪-૦૫                                                                                             ૨૪૩
૨૦૦૫-૦૬                                                                                             ૨૪૧
૨૦૦૬-૦૭                                                                                             ૨૮૦
૨૦૦૭-૦૮                                                                                             ૩૦૭
૨૦૦૮-૦૯                                                                                             ૨૯૦
૨૦૦૯-૧૦                                                                                             ૩૦૫
૨૦૧૦-૧૧                                                                                             ૩૨૫
૨૦૧૧-૧૨                                                                                             ૩૫૩
૨૦૧૨-૧૩                                                                                             ૩૩૪    
૨૦૧૩-૧૪                                                                                             ૩૯૦


(નોંધ : ઉત્પાદનના આંક લાખ ગાંસડીમાં અને ભારતના છે.)

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment