Tuesday, 3 October 2017

સરકાર ભૂલો સુધારે : ટેકો ટાળે, ભાવફેર ચૂકવે


એગ્રો વર્લ્ડ :-  કરણ રાજપૂત
‘વાડી રે વાડી, બોલો દલા તરવાડી’, ‘રીંગણા લઉ કે બે-ચાર, લો ને દસ બાર’. દલા તરવાડીની આ કહેવતની જેમ સરકારના નિર્ણયો લેવાઈ રહ્યાં છે. આજે સવારથી સાંજ સુધી મગફળી સિવાયના ખેડૂતોના ફોન રણકતા રહ્યાં… ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ઘઉંના ભાવનો બળાપો તો મધ્ય ગુજરાતના ખેડૂતોનો કઠોળનો બળાપો ઠાલવ્યો. દરેકનો એક જ સવાલ કે સરકારને કેમ ફક્ત મગફળીના ખેડૂતો પ્રત્યે પ્રેમ ઊભરાઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭ની સિઝનમાં ૨૯ લાખ ટન ઉત્પાદન છતાં ખેડૂતોને નુક્સાની પેટે ૯૨૩ કરોડ રૂપિયાના પાકવીમા બાદ સરકારે ચૂંટણીટાણે ટેકાના ભાવની એડવાન્સ ખરીદી યાદ આવી છે. મગફળીના પાકવીમાની જાહેરાત બાદ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રા ટાણે સરકાર ન ભેરવાય માટે ઉતાવળે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય જાહેર કરી દેવાયો છે. છેલ્લા દાયકામાં ક્યારેય પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ પહેલાં થઈ નથી.
મગફળીની સિઝન નવેમ્બરમાં શરૂ થાય છે. ટેકાના ભાવની ખરીદી જાહેર કરી સરકારે ખુદ ગાળિયો તૈયાર કર્યો છે. ચૂંટણીના માહોલમાં જ મગફળીની ખરીદી ટાણે ખેડૂતોની બુમરાણ પડશે. હવે સ્થિતિ બદલાશે. મગફળીની આવક બજારમાં દિવાળી આસપાસ ઘટી જશે અને લાભપાંચમ બાદની સરકારની ખરીદીમાં એક સાથે મગફળીની આવકની શરૂઆત વચ્ચે ખેડૂતોની પ્રથમ પ્રાથમિકતા ટેકાના ભાવે વેચાણ હશે. હાલમાં મગફળીના ભાવ ટેકાથી ૨૫૦ રૂપિયા નીચા છે. જેને પગલે ખરીફ કેન્દ્રો બહાર ખેડૂતોની લાઈનો લાગવાની સાથે ૭-૧૨ના ઉતારા સહિતની ખેડૂતો સાથે ભાંજગડ વધશે. સરકારે ગત વર્ષે ૮૮૯ કરોડ રૂપિયાના ખર્ચે ૨.૧૦ લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. આ વર્ષે ૩.૫૦ લાખ ટનથી વધુની ખરીદી કરવી પડશે. સરકાર એ ન ભૂલે કે મગફળીનું ઉત્પાદન ૩૦ લાખ ટન થવાનો અંદાજ છે. આમ ૨૭ લાખ ટન મગફળી તો ખેડૂતોએ સસ્તા ભાવે જ વેચવી પડશે. જે ખેડૂતોનો રોષ ચૂંટણી સમયે બહાર આવશે.
સરકારને સાચી સલાહ આપે તેવા કૃષિ નિષ્ણાતોની ખરેખર જરૂર છે. ગત વર્ષની ખરીદીનો સ્ટોક ખાલી કરવા અને નવી મગફળીની ખરીદી કરવા માટે નાફેડ ટેકાથી ઓછા ભાવે મગફળીનું વેચાણ કરી સરકારી નાણાંના લાખના બાર હજાર કરી રહી છે. નાફેડ થકી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાને બદલે એપીએમસી મારફતે સરકારના નિર્ણય મુજબ જ ખેડૂતોને પ્રતિ મણ રૂપિયા ૨૫૦ ભાવફેર ચૂકવાય તો ટેકાના ભાવની ખરીદી કરવાની ઝંઝટ, ગોડાઉનમાં સ્ટોક, સાચવણી અને ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ બચી જાય. આ વર્ષે સરકાર ૩.૫૦ લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે તો ૧,૫૭૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવું પડે. આ બજેટમાં ખેડૂતોને ભાવફેર ચૂકવાય તો ૧૨.૬૦ લાખ ટન મગફળીની ખરીદી થાય અને ૪૦ ટકા ખેડૂતોને પોષણક્ષમ ભાવનો લાભ મળે. હાલમાં સરકારના ટેકાના ભાવની ખરીદીના નિર્ણયથી માત્ર ૧૦ ટકા ખેડૂતોને લાભ મળશે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારે ૨.૧૦ લાખ ટન મગફળીની ખરીદી માટે રૂપિયા ૮૮૯ કરોડના બજેટની જોગવાઈ કરી હતી. આ જ બજેટમાં ખેડૂતોને પ્રતિ મણે ૨૫૦ રૂપિયાનો ભાવફેર ચૂકવાયો હોત તો પણ ૭.૧૧ લાખ ટન મગફળીના ખેડૂતોને લાભ મળ્યો હોત. હાલમાં રૂ. ૮૮૯ કરોડની ખરીદીના અંતે રૂ. ૭૦૦ કરોડ આવશે અને એક વર્ષનો સંગ્રહ, સાચવણીનો ખર્ચ ભૂલી જવાનો. આમ સરકારની કૃષિનીતિ અવળે પાટે ચાલી રહી છે અને વચેટિયાઓ કમાઈ રહ્યાં છે.
સરકારના આંક અનુસાર ગત વર્ષે ૮૮૫ કરોડ રૂપિયાની ૧.૭૫ લાખ ટન તુવેરની ગત વર્ષે ખરીદી કરાઈ હતી. કુલ ઉત્પાદન ૩.૬૯ લાખ ટન હતું. દેશમાં ગત વર્ષે ટેકાના ભાવથી તુવેરનો ભાવ ૧,૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછો હતો. સરકારે કુલ ખરીદીને બદલે ફક્ત ભાવફેર ચૂકવ્યો હોત તો પણ ૫.૯૨ લાખ ટન તુવેરના ખેડૂતોને લાભ આપી શકાયો હોત અને તુવેરના ભાવની બુમરાણ ટાળી શકાઈ હોત. અત્રે નોંધવું જરૂરી છે કે ખરીફ સિઝનમાં ગુજરાતમાં કુલ કઠોળનું ઉત્પાદન ૫.૭૨ લાખ ટન હતું. સરકારના દૂરંદેશીના નિર્ણયોની હજુ જરૂર છે. ચોખા અને ઘઉંની ખરીદી દેશનો ભૂખમરો અને ગરીબી ટાળવા ટેકાના ભાવે કરવી જરૂરી છે. ગુજરાતમાં ચોખા અને ઘઉંની ખરીદી માત્ર ૩થી ૪ હજાર ટન થાય છે. તો ટેકાના ભાવનું વળગળ આપણે શા માટે રાખી રહ્યાં છીએ. રાજ્યનાં ખેડૂતોને ભાવનો લાભ મળે માટે સરકારે મહત્ત્વનાં નિર્ણયો લેવા પડશે. જે ખેડૂતોના હિતમાં હોય. રાજ્યમાં મગફળી જ નહીં તુવેર, મગ, અડદ, તલ અને ડાંગરના ભાવ પણ ટેકાથી નીચા રહે છે તે ના ભૂલો.

No comments:

Post a Comment