Tuesday, 3 October 2017

ઘઉં, રાઈ અને કપાસમાં બોનસ નહીં તો મત નહીં


એગ્રો વર્લ્ડ :-  કરણ રાજપૂત
મગફળીમાં સરકારે ‘વાહવાહી’ માટે ૯૦૦ રૂપિયા મણના ભાવે ખરીદી કરવાની ફક્ત જાહેરાત કરતાં રાજ્યનાં ખેડૂતો બેબાકળા બની ગયા છે. ઘઉં અને રાઈ પકવતા ખેડૂતોનો સૌથી વધુ બળાપો એક સપ્તાહથી ધમકીના સ્વરૂપે ફોન પર સાંભળવા મળી રહ્યો છે કે ટેકાના ભાવમાં વધારો ન થયો તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચૂંટણી પર અવળી અસર શક્ય છે!. ખરેખર ખેડૂતોને ઊંધા ચશ્માં પહેરાવાઈ રહ્યાં છે. મગફળીની ટેકાના ભાવની ખરીદી એ દર વર્ષની રૂટિન પ્રક્રિયાને પ્રસિદ્ધિ અપાઈ છે. સરકારે ઉતાવળે મગફળીમાં જશ ખાટી લેવામાં પોતાના પગ પર જ કુહાડી મારી છે. જેનું ફળ આગામી દિવસોમાં સરકારે ભોગવવું પડશે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૧૬ લાખ ટન ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું નાફેડે ૨૯મી સપ્ટેમ્બર સુધી ૮૬,૯૩૫ ટન વેચાણ કર્યું છે. સરકારી ગોડાઉનમાં ૧.૩૦ લાખ ટન મગફળીનો હજુ સ્ટોક છે.
ગુજરાતના ખેડૂતો ઘઉં અને રાઈના ટેકાના ભાવમાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે. ખરેખર ખેડૂતોને ખોટી બત્તી પકડાવી રાજકારણ ખેલાઈ રહ્યું છે, જેને ખેડૂતો સમજી શકતા નથી. રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની નહિવત્ અને રાઈની તો ખરીદી જ થતી નથી. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ એ ‘લોલીપોપ’ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ઘઉંની ૩૩૦ લાખ ટનથી વધુની ટેકાના ભાવે થયેલી ખરીદીમાં રાજ્યમાંથી માત્ર ૬૫ હજાર ટનની ખરીદાયા હતા. આ જ વર્ષમાં જુદી જુદી યોજનાઓ હેઠળ રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ૧૬.૦૩ લાખ ટન ઘઉંનું વિતરણ કર્યું છે. કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે ખરીદાતા ચોખા અને ઘઉંના સહારે રાજ્યનાં ૩.૫ કરોડ ગરીબો રહે છે. બાજરી, મકાઈની તો ખરીદી થતી જ નથી. ડાંગરની ખરીદી પણ નામ પૂરતી થાય છે. ખરેખર ખેડૂતોએ માર્કેટયાર્ડમાં વેચાણ થતાં ઘઉં, ચોખા, રાઈ અને કપાસના ઓછા મળતા ભાવ પર ટેકાનો ‘ભાવફેર’ કે બોનસ ચૂકવવા સરકાર સમક્ષ માગણી કરવાની જરૂર છે.
દેશમાં ચણા, તલ અને કપાસને બાકાત રખાય તો એક પણ ખરીફ પાકના ભાવ ટેકાની આસપાસ પણ નથી. ટેકાનો એટલે ના છૂટકાનો ભાવ પણ ખેડૂતોને મળી રહ્યો છે. પાકના ભાવને લઈને જો ખેડૂતોની દિવાળી બગડી તો ખેડૂતો ચૂંટણી બગાડશે એ નક્કી છે. તહેવારમાં જ ખરીફ પાકના ભાવ સુરસુરિયું સાબિત થયા છે. આઝાદીના ૭ દાયકા બાદ એક પણ ટેકાના ભાવ ખેડૂતોને ફરજિયાત મળે તેવી નીતિ ઘડવી જોઈએ. દેશમાં ચાલતા ત્રણ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સ્ચેન્જમાં વાયદાનું વોલ્યુમ વર્ષ ૨૦૧૨માં ૨૧.૨ લાખ કરોડ રૂપિયા સામે વર્ષ ૨૦૧૬માં ઘટીને ૭.૮ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. કોમોડિટીમાં વાયદાનો વેપાર નીચે જઈ રહ્યો છે અને સરકાર ભાવ માટે ખેડૂતોને ઓનલાઈન પ્રોત્સાહન આપી રહી છે.
કઠોળના ટેકાના ભાવથી પણ નીચા બજારભાવ ૫૦૦થી ૧,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે. અડદના ટેકાના ૫,૪૦૦ ભાવ સામે બજારભાવ ૩,૦૦૦થી ૪,૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. મગના પણ ૫,૫૭૫ રૂપિયા ટેકાના ભાવ સામે માર્કેટયાર્ડમાં ખેડૂતોને ૩,૭૫૦થી ૪,૮૦૦ મળી રહ્યા છે. દેશમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ છે. રાજ્યના ખેડૂતોએ લાભપાંચમ સુધી રાહ જોવી પડશે. તેલીબિયાંમાં મગફળીના ભાવ પણ ટેકાથી ૨૫૦ રૂપિયા નીચા મળી રહ્યા છે. સોયાબીનના ટેકાના ૩,૦૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ સામે બજારભાવ ૨,૫૫૦થી ૨,૮૦૦ મળી રહ્યા છે. મકાઈ અને બાજરીના પાકની પણ આ જ હાલત છે. આ સ્થિતિ કૃષિવિકાસમાં અગ્રેસર ગુજરાતની છે. કપાસના ખેડૂતો પણ દિવાળી બાદ મગફળીની જેમ ભાવ પર સરકાર બોનસ જાહેર કરે તેની રાહ જોઈને રૂનો સંગ્રહ કરી રહ્યા છે.
રવી સિઝનમાં ટેકાના ભાવમાં વધારો જાહેર થાય તો પણ ગુજરાતના ખેડૂતોને ફાયદો થવાનો નથી એ ખેડૂતોએ સમજી લેવાની જરૂર છે. ધાન્યપાકોનાં ઉત્પાદનમાં ગુજરાતની સ્થિતિ ખરાબ થતી જાય છે. ગુજરાતમાં ચૂંટણીના સમયે ખેડૂતોને હાથો બનાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ટેકાના ભાવમાં વધારો કરવો એ ગુજરાત સરકારની સત્તા હેઠળનો મામલો નથી. સરકાર ફક્ત ટેકાના ભાવ માટે ભલામણ કરી શકે છે. એમાંયે સીએસીપીની ભલામણ બાદ કેન્દ્રીય કમિટીનો નિર્ણય ફાઇનલ ગણાતો હોવાથી ખેડૂતો ગુજરાત સરકાર પાસેથી પાકના ભાવ પર બોનસ કે ભાવફેરની માગણી કરે તો જ ફાયદામાં રહી શકે છે. ખેડૂતો જાગે પણ યોગ્ય માગણી કરે એ જરૂરી છે.

No comments:

Post a Comment