Monday, 19 September 2016

પાછોતરા વરસાદ પર કૃષિનું ભવિષ્ય


વરસાદ એ દેશની અર્થવ્યવસ્થાની જીવાદોરી છે. દેશની પ્રગતિને પાટા પર ચડાવવા માટે સારો વરસાદ એ અતિ જરૂરી છે. દેશનાં ૬૦ ટકા લોકોને રોજગારી પૂરી પાડતાં કૃષિક્ષેત્રનું વરસાદ પર અવલંબન છે. જીડીપીમાં કૃષિક્ષેત્રનો હિસ્સો ઘટીને ભલે હવે ૧૪ ટકા રહ્યો પણ વરસાદ એ દેશની કૃષિક્ષેત્રની પ્રગતિ સાથે પણ આડકતરી રીતે જોડાયેલો છે. ભારત છેલ્લાં બે વર્ષથી સતત દુકાળનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે હવામાન વિભાગે સામાન્યથી વધુ વરસાદના જાહેર કરેલા અંદાજમાં હવે નોંધપાત્ર ફેરફાર થયો છે. દેશમાં ૧૨મી સપ્ટેમ્બર સુધી ૫ ટકા ઓછો વરસાદ છે. પાકનાં ઉત્પાદનનાં સરકાર દ્વારા ઊંચા મુકાયેલા અંદાજ સુધી પહોંચવા માટે સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ એ અતિ જરૂરી છે. હાલમાં પાકની વૃદ્ધિનો નિર્ણાયક તબક્કો હોવાથી પાણીની અછત હેક્ટરદીઠ ઉત્પાદકતા પર અસર પાડશે. પાછોતરો વરસાદ એ કૃષિક્ષેત્રનું ભવિષ્ય નક્કી કરતો હોવાનું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું નથી. ૧૫મી સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના આણંદ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિક ડો. વ્યાસપાંડેએ વ્યક્ત કરી છે.
દેશમાં આ વર્ષે મેઘરાજાએ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતને બદલે ઉત્તર અને મધ્ય ભારત પર ભારે હેત વરસાવ્યું છે. ગુજરાતની કમનસીબી ગણો કે મધ્ય ભારતમાં સૌથી ઓછો વરસાદ -૨૪ ટકા ગુજરાતમાં છે. દર વર્ષે પાણીની ભારે બુમરાણ મચાવતાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં સરેરાશ ૭૯૭ મિમી. વરસાદ વચ્ચે ૧૨મી સપ્ટેમ્બર સુધીમાં માત્ર ૫૬૯ મિમી. વરસાદ થયો છે. ગુજરાતમાં આગામી ૧૦ દિવસમાં વરસાદ નહીં થાય તો ગત વર્ષ અને આ વર્ષની સ્થિતિ સમાન થઇ જશે. ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે. ગુજરાતમાં કૃષિઉત્પાદનના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે, દુકાળ વચ્ચે પણ ખેતઉત્પાદનને જાળવી શકાયું છે. બે વર્ષથી દુકાળ વચ્ચે કૃષિક્ષેત્રનો વિકાસ થયાના દાવાઓ કરવા નરી મૂર્ખામી છે. ગુજરાતનાં મુખ્ય જળાશયોમાં પાણીની તંગી છે.
દેશમાં સારો વરસાદ છતાં પણ ૧૧ રાજ્યોમાં ઘટ અને ૨૨ રાજ્યોમાં સરેરાશ વરસાદ છે. માત્ર ૩ રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ છે. દેશમાં સૌથી ઓછો વરસાદ થાય છે તેવા રાજસ્થાનમાં આ વર્ષે સૌથી વધુ ૩૪ ટકા અને સૌથી વધુ વરસાદ ધરાવતાં મેઘાલયમાં વરસાદની ઘટ ૪૮ ટકા છે. ઓગસ્ટમાં હવામાન વિભાગે ૯૫ ટકાથી ૧૧૩ ટકા વરસાદ થવાના મૂકેલા અંદાજ સામે ઓગસ્ટમાં માત્ર ૯૧ ટકા વરસાદ થયો છે. પૂર્વોત્તરને પણ વરસાદે આ વર્ષે બાકાત રાખતાં આસામ અને મેઘાલયમાં વરસાદની ઘટ ૩૫ ટકાથી વધારે છે. દક્ષિણ ભારતમાં ઓગસ્ટના અંત સુધી ૧૦ ટકા ઓછો વરસાદ છે. ચોમાસાની શરૂઆત થાય છે તે કેરળમાં ૩૦ ટકા ઓછો વરસાદ છે. દેશનાં જળાશયો ૬૯ ટકા પાણીથી ભરાયેલાં છે. હાલમાં જળાશયોમાં ૧૦૮ બીસીએમ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
સામાન્ય રીતે પાંચ ટકા ઓછો વરસાદ જીડીપીને રૂપિયા દોઢ લાખ કરોડનું નુક્સાન કરાવે છે. છેલ્લાં બે વર્ષથી સતત ઓછા વરસાદથી કઠોળની આયાત પાછળ રૂ.૨૫ હજાર કરોડ અને ખાદ્યતેલની આયાત માટે રૂ. ૭૦ હજાર કરોડનો ખર્ચ થયો છે. ૧૬ વર્ષમાં પ્રથમવાર મકાઇની આયાત થવાની સાથે વિશ્વમાં બીજા નંબરના ખાંડના ઉત્પાદક દેશ ભારતમાં નવી સિઝનમાં કદાચ ખાંડની આયાત કરવી પડે તેવી સ્થિતિ પેદા થશે. ઘઉંમાં પણ ૬ વર્ષમાં સૌથી વધુ આયાત આ વર્ષે થઇ છે. કૃષિની નિકાસમાં ઘટાડો થતાં આંક ૨૭૩ અબજ ડોલરે અટકી ગયો છે. વરસાદ એ કૃષિક્ષેત્રને સીધી અસર કરે છે. આ વર્ષે હવામાન વિભાગના સારા વરસાદના અંદાજથી ખરીફ વાવેતરનો આંક ૧,૦૫૪ લાખ હેક્ટરે પહોંચ્યો છે. ગુજરાતમાં પણ ૮૩.૫૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ઊંચા ઉત્પાદનના અંદાજ મૂકી ખેડૂતોને સારા ભાવ મળવાની અપેક્ષાઓ પર ફિંડલું વાળી દીધું છે.
ચોમાસાના ચાર મહિનામાં ઓગસ્ટમાં ઓછો વરસાદ પાકની હેક્ટરદીઠ ઉત્પાદકતા પર સીધી અસર કરે છે. ગુજરાતમાં ખેડૂતો ચાતકનજરે વરસાદની રાહ જોઇને બેઠા છે. હવેના ૧૦ દિવસમાં વરસાદની અછત ખેતઉત્પાદન પર અસર કરશે. હવામાન વિભાગ અને આગાહીકારોની તમામ આગાહીઓ ખોટી ઠરી રહી છે. રાજ્યમાં ગરમીનું વધતું પ્રમાણ એ વરસાદ માટે ખતરાની નિશાની છે. ઊંચાં વાવેતર અને હાલની પાકની સ્થિતિ પ્રમાણે સારો વરસાદ કપાસ, મગફળી, કઠોળ અને ધાન્યપાકોનાં ઉત્પાદનમાં પાંચ ટકાનો વધારો કરે તેવી સ્થિતિ છે નહીં તો ખેડૂતોનાં મોઢા સુધી આવેલો કોળિયો છિનવાઇ જશે તેમાં મીનમેખ નથી.

No comments:

Post a Comment