Monday, 19 September 2016

ખાંડ : તહેવારોની સિઝનમાં વધુ કડવી લાગશે

૨૦મી સદીમાં ફક્ત પૈસાદારવર્ગ જ ખાંડ ખાઈ શકે તેવી સ્થિતિ વચ્ચે ગરીબવર્ગને ગળપણ લાવવાનો એક માત્ર આધાર ગોળ હતો. હાલમાં સ્થિતિ બદલાઇ છે અને પરિણામ એ છે કે, ૨૦મી સદીમાં થતાં વપરાશ સામે આજે વિશ્વમાં ૧૭ કરોડ ટન ખાંડની વપરાશ થાય છે. ખાંડની માગ વધી તેમ ઉત્પાદન અને ભાવ પણ વધ્યા છે. ઇઝરાયલ અને બાંગ્લાદેશ ખાંડ આરોગવામાં અવ્વલ હોવા છતાં ભારત પણ પાછળ નથી.
દેશમાં ખાંડની વપરાશ ૨૬૦ લાખ ટન છે. ખાંડ ફક્ત ચાની ચૂસકી કે ગળપણ લાવવામાં જ વપરાતી નથી પણ હાલમાં બજારમાં મળતા તમામ જંકફૂડમાં ખાંડની વપરાશ થાય છે, એટલે કે ચા ઓછી પીવાથી ખાંડ ઓછી આરોગતા હોવાનું માનવું જ ભૂલભરેલું છે. ખાંડના ભાવ હાલમાં ત્રણ વર્ષમાં સૌથી ઊંચા છે. છૂટકમાં કિલોનો ભાવ રૂપિયા ૪૦થી ૪૫ છે અને તહેવારમાં ૫૦ રૂપિયા પ્રતિ કિલો પણ પહોંચે તો નવાઈ નહીં. આ વર્ષે મોંઘવારી વધારવામાં કઠોળને પૂરતો સહયોગ ખાંડના ભાવોએ પૂરો પાડયો છે.
દેશમાં છેલ્લાં બે વર્ષમાં અલ-નિનોને પગલે વરસાદની ૧૨ ટકા અને ૧૪ ટકા ઘટ રહેતાં ખાંડનું ઉત્પાદન ઘટયું છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ખાંડનું ઉત્પાદન ૨૮૩ લાખ ટન હતું. ૨૦૧૫-૧૬માં ખાંડનું ઉત્પાદન ૨૫૨ લાખ ટન અને ૨૦૧૬-૧૭માં ૨૩૨ લાખ ટન રહે તેવી સંભાવના છે. દેશમાં ખાંડની વપરાશ ૨૬૦ લાખ ટન આસપાસ રહે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ખાંડનો એન્ડિંગ સ્ટોક ૯૧ લાખ ટન આસપાસ હોવા છતાં ખાંડના ભાવમાં ઉછાળો ખાંડમિલોના સ્ટોકને પગલે છે. સરકારે હવે ખાંડમિલો પર સ્ટોકલિમિટ લાગુ કરતાં ઓક્ટોબરના અંત સુધી દેશમાં ૪૮ લાખ ટન ખાંડ બજારમાં આવશે. દેશમાં ખાંડની સરેરાશ માસિક વપરાશ ૨૦થી ૨૨ લાખ ટન છે. ઓક્ટોબરના અંત સુધી ખેડૂતો ૩૭ ટકા ખાંડનો સંગ્રહ કરી શકે છે. ગુજરાતમાં પણ આ સિઝનમાં ૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન રહેતાં મિલો પાસે ૩.૫ લાખથી ૪ લાખ ટન ખાંડનો સ્ટોક છે.
દેશમાં ખાંડના પૂરતા સ્ટોક વચ્ચે ભાવવધારો એ આપણી કમનસીબી કે સરકારની નિષ્ફળતા છે. સરકાર ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૪,૦૦૦થી વધુ ન થાય તેની ચિંતા કરીને બેસી રહી છે. નવેમ્બર ૨૦૧૫માં ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨,૭૦૦ની આસપાસ હતો. હાલમાં ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ સરેરાશ ૩,૮૦૦થી ૩,૯૦૦ છે. છૂટકમાં તો ખાંડનો ભાવ પ્રતિ કિલો ૪૦થી ઉપર છે. તહેવારોમાં ખાંડના ભાવ ઊંચકાશે અને ખાનારને વધુ ભાવ ચૂકવવા પડશે. દેશમાં નવી સિઝનમાં શેરડીનું વાવેતર ૪૫ લાખ હેક્ટરમાં જ હોવાથી ખાંડનું ઉત્પાદન ૨૨૨થી ૨૩૨ લાખ ટન થવાનો અંદાજ મુકાયો છે. એન્ડિંગ સ્ટોક ૪૫ લાખ ટન આસપાસ રહે તેવી શક્યતાઓ છતાં ખાંડના ભાવ નીચા જાય તેવી કોઇ સંભાવના નથી. દેશમાં આ વર્ષે ઘટ છે પણ ૧૬ લાખ ટન ખાંડની નિકાસ થઇ હોવાનું સાબિત કરે છે કે દેશમાં કૃષિના આયાત-નિકાસના નિર્ણયોમાં દૂરંદેશીતાનો સદંતર અભાવ છે. મિલોને ખાંડના ઊંચા ભાવથી બખ્ખાં છે. મિલો હાલમાં સારા ભાવથી નફો નહીં પણ દેવું વસૂલ કરી રહી હોવાનું ગાણું ગાઇ ખેડૂતોને નવી સિઝનમાં શેરડીના ઊંચા ભાવ ન આપવા માટે છટકબારી શોધી રહી છે પણ ગુજરાતમાં તો શેરડીના ખેડૂતોને ઊંચા ભાવ મળે તેવી પૂરી શક્યતા છે.
દેશમાં શેરડીની એફઆરપી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૩૦થી વધારીને રૂ. ૨૬૦થી ૨૭૦ થાય તેવી પૂરી સંભાવના છે. સરકારે પણ શેરડીની ખેતીમાં વધારો થાય તે માટે પ્રોત્સાહન આપવું એ અતિ જરૂરી છે. ખાંડનાં ઉત્પાદનમાં ઘટાડો ભારત માટે જોખમી છે. દેશમાં ખાંડની વપરાશ જેટ ગતિએ વધી રહી છે. સરકાર મોંઘવારી રોકવા માટે કદાચ ખાંડની આયાત કરે તેવી પણ સંભાવના છે.
એશિયામાં ખાંડનાં ઉત્પાદનમાં ઘટાડાથી વિશ્વમાં પણ ખાંડના ભાવ ઊંચકાયા છે. વિશ્વમાં ખાંડની ૧૭.૪૦ કરોડ ટન વપરાશ સામે આ વર્ષે ઉત્પાદન ૧૬.૯૦ કરોડ ટન થયું છે. બ્રાઝિલમાં ઓગસ્ટના ક્વાર્ટરમાં ૧૧ લાખ ટન ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. દેશમાં ૫૩૨ ખાંડમિલો પૈકી ૧૦૦ પાસે સરકારી નિયમો કરતાં વધુ ખાંડનો સ્ટોક છે.
દેશમાં સતત ત્રણ વર્ષ વપરાશ કરતાં ખાંડનું ઉત્પાદન ઘટતાં નવી સિઝનમાં ખેડૂતોને શેરડીના ઊંચા ભાવ આપવા એ મિલો અને સરકારની મજબૂરી છે. પ્રતિ કિલો રૂપિયા ૩૩ના ખર્ચ સામે ખાંડના વધુ ભાવથી મિલોને હાલમાં પ્રતિ માસ ૧,૦૦૦ કરોડ રૂપિયા કમાણી થઇ રહી છે.

No comments:

Post a Comment