Wednesday, 5 November 2014

કડવા કોઠિંબાઃ મજાક બનેલી ખેતીમાં આજે ખેડૂત માલામાલ


પાંચ વીઘામાં કડવા કોઠિંબાની ખેતીમાં કેશોદના ખેડૂતોની પહેલ : લાખો રૃપિયાની કમાણી  કરી : ખેડૂતે કોઠિંબાનું ઘરે જ પ્રોસેસિંગ કરી કાતરી બનાવીને વેચાણ શરૃ કરતાં વિદેશમાં ૬૦ ટકા અને સ્થાનિક ૪૦ ટકા વેચાણથી બમણો નફો મેળવ્યો : આયુર્વેદની દૃષ્ટિએ અતિ ઉત્તમ ગણાતા કોઠિંબાની સફળ ખેતી

મજાક બનેલી ખેતી આજે ખેડૂતને લાખો રૃપિયાની કમાણી કરાવી રહી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામના ખેડૂતે બહુ ઓછા લોકો અપનાવે તેવી કડવા કોઠિંબાની ખેતી અપનાવીને રાજ્યના ખેડૂતોને એક નવો રાહ ચિંધ્યો છે. માત્ર પાંચ ચોપડી અભ્યાસ કરેલા પ્રગતિશીલ ખેડૂત દંપતિએ જાણકારોને પણ પાછળ રાખી દીધા છે. કડવા કોઠિંબાની ખેતી અંગે ખેડૂત હરસુખભાઇએ જણાવ્યું હતું કે, રાજ્યભરના ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઇ આ ખેતી અપનાવાની શરૃઆત કરી છે. હાલમાં કડવા કોઠિંબાની સીઝન શરૃ થઇ હોવાથી મોટીસંખ્યામાં ખેડૂતો આ ખેતીને જોવા ઉમટી રહ્યા છે.  હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરીયા નામના ખેડૂતની કડવા કોઠિંબાની ખેતી અંગે શરૃઆતથી માહિતી જોઇએ તો  શરૃ-શરૃમાં હરસુખભાઇએ બે વીઘામાં વાવેતર કરતાં  આજુબાજુના શેઢા પાડોશી, સગા સંબંધી મિત્રો અને ઘણા ખરા આગેવાનોએ ખેતી અંગે મજાક શરૃ કરી હતી. કારણ કે કડવા કોઠિંબા શેઢા પાળા અને ખુલ્લા વિસ્તારમાં ઉગી નીકળતા હોવાની સાથે તેને કોઈ અડે નહીં, પશુ ખાય નહીં અને બિલકુલ નકામા સાબિત થતા હતા. જો કે થોડા મહિનાઓ બાદ કોઠિંબાનું ઉત્પાદન આવ્યું અને તેની સુકવણી કરીને કાતરી બનાવીને તેમને ઘરેથી જ વેચાણ શરૃ કર્યું ત્યારે સૌ સગા સબંધીઓ અને મિત્રો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 એટલું જ નહી આ કાતરી સગા સંબંધી મારફત વિદેશમાં પણ જવા લાગી અને સારી એવી કમાણી થવા લાગી હતી.

તેમણે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૧૫ વર્ષથી કડવા કોઠીંબાની ખેતી અપનાવીએ છીએ, કુલ પાંચ વીઘામાં શ્રાવણ મહીનો અડધો જતા વીઘે-૧૦૦ ગ્રામ જાતે જ તૈયાર કરેલું બીજ બે હાર વચ્ચે ૩૬ ઈંચ અને બે છોડ વચ્ચે ૫ ઈંચનું અંતર રાખીને વાવેતર કર્યું હતું. આ ખેતીમાં દવા-ખાતર કે પિયતની જરૃર બહુ પડતી નથી એટલે ખેંચ પડે ત્યારે જ પિયત આપ્યું હતું.  કુલ વીસ દિવસે ફાલ અને ૪૦ દિવસે ઉત્પાદન શરૃ થયું હતું. હાલ એક વીઘામાં અંદાજે ૨૫૦થી ૩૦૦ મણ ઉત્પાદન થશે. હરસુખભાઈએ જણાવ્યું હતું કે, કાતરી બનાવવા માટે કોઠિંબા હળવા કેસરી રંગના થઈ જાય એટલે તેનો ઉતારો કરવામાં  આવે છે અને તેના ફાડા કરીને  ૨૦ કિલો કોઠિંબાએ  ૫૦૦ ગ્રામ મીઠું નાંખીને બરાબર હલાવીને એક ડોલમાં ૧૮ કલાક સુધી ભરી રાખવામાં આવે છે. ત્યારબાદ ૮થી ૧૦ કલાકે પલટાવવામાં આવે છે અને ૧૦થી ૧૫ દિવસ સૂકવી દીધા પછી ૨૦૦થી ૫૦૦ ગ્રામ સુધીના પ્લાસ્ટિક કોથળીમાં પેક કરી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ૧૦થી ૧૨ ટન કાતરીનું વેચાણ થાય છે. એક કિલો કાતરીનો ભાવ ૪૦૦ રૃપિયા રહે છે. એટલે વર્ષ દરમિયાન લાખો રૃપિયાની કમાણી થાય છે.      સંપર્કઃ ૯૮૨૫૭ ૪૭૦૨૫

published in Gujarat leading agriculture news paper Agro sandesh..


No comments:

Post a Comment