લસણનું
દેશમાં વાવેતર ઘટતાં ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો નોંધાશે : લસણનો શરૃઆતનો સરેરાશ ભાવ
પાંચ રૃપિયા ઊંચો ખૂલ્યો : ઓછા ઉત્પાદનથી ભાવ કિલોએ રૃપિયા ૫૦ ને આંબશે : મધ્યપ્રદેશ
અને ગુજરાતની આવકો શરૃ થઇ
દેશભરમાં
લસણના ઉત્પાદનમાં ૩૦ ટકા ઘટાડો થવાની સંભાવનાને પગલે લસણની ખેતી ખેડૂતો માટે સફેદ સોનું
સાબિત થશે. ૨૦૧૧-૧૨માં દેશમાં લસણનું ઉત્પાદન ૧૨ લાખ ટન થયું હતું જે ચાલુ વર્ષે ૭.૫થી
૮.૫ લાખ ટન રહે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. લસણનો નિકાસભાવ સારો હોવાની સાથે ઉત્પાદનમાં
પણ ઘટાડાથી લસણનો ભાવ કિલોના રૃપિયા ૫૦ થવાની સંભાવના છે. હાલમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી
આવક શરૃ થતાં લસણનો સરેરાશ ભાવ ૨૦થી ૨૫ રૃપિયા કિલો છે. ૨૦૧૨માં લસણની ખેતીમાં રડનાર
ખેડૂતોને લસણની ખેતી આ વર્ષે ચાંદી કરાવશે. લસણની સીઝન મહિનો મોડી હોવાથી આવકો પણ મોડી
શરૃ થતાં જૂના લસણની પણ માંગ નીકળી છે. જૂના લસણની પણ માર્કેટમાં ચારથી પાંચ હજાર બોરી
આવકો આવી રહી છે. મધ્યપ્રદેશમાં લસણની હાલની આવક ૭૦થી ૮૦ હજાર બોરી છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં
૨૦૦૦ બોરીની આવકો આવી રહી છે. ચોમાસાની સીઝન સારી રહી તો વાવેતર વધવાની શક્યતાથી ખેડૂતોને
ભાવમાં ફાયદો થશે. ગત સપ્તાહે હાપા યાર્ડમાં લસણનો ઉંચો ભાવ મણે રૃપિયા ૮૫૦થી ૯૦૦ રહ્યો
હતો.
ભારતમાં
લસણનું સૌથી વધુ વાવેતર મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન હરિયાણા અને પંજાબમાં થાય છે. લસણનું મોટા પાયે ઉત્પાદન કરતા આ રાજ્યોમાં લસણની સીઝન એક માસ મોડી છે. મધ્યપ્રદેશમાં નિમચ, પીપલીયા,
મંદસોર, જાવરા, ઈન્દૌરમાં સ્થાનિક જાત અને ઉટી પ્રકારના લસણનું વાવેતર વધારે થાય છે પણ ૨૦૧૨ની સીઝનની સરખામણીએ
મધ્યપ્રદેશમાં લસણનું વાવેતર ૩૦ ટકા ઓછું છે. મધ્યપ્રદેશમાં સામાન્ય રીતે નવા લસણની
૧૫ જાન્યુઆરીથી આવક થવા લાગે છે પણ આ વર્ષે
આવક મોડી ચાલુ થઈ છે. ગુજરાતમાં પણ એપ્રિલમાં આવક શરૃ થઇ છે. રાજસ્થાનમાં કોટા, જોધપુર, મથાણિયા, છીપાબડોદ વિસ્તારોમાં
લસણનું ગત સાલની સરખામણીએ ચાલીસ ટકા ઓછું વાવેતર છે. ઉત્તરપ્રદેશમાં પુરાવલી, એટા,
ધીરોર, લસણના વિસ્તારોમાં ગત વર્ષે ભાવ ઓછા મળવાના કારણે ખેડૂતોએ વાવેતર ઘટાડયું છે.
પરિણામે સારી માંગ અને ઓછી આવક ખેડૂતોને ફાયદો કરાવશે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં
લસણના ભાવ આસમાને પહોંચે તેવી શકયતા
રાજ્યમાં
ખરીફ સીઝન માટે લસણનું વાવેતર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થતું હોય છે. દેશમાં ચાલુ વર્ષે
વરસાદનું પ્રમાણ સારું રહ્યું તો ખેડૂતો સારા ભાવને પગલે વાવેતર વિસ્તાર વધારશે જે
દરમિયાન ઓછા ઉત્પાદનને પગલે અને નિકાસ બજારમાં પણ લસણની ખેંચ રહેવાને પગલે લસણનો ભાવ
કિલોએ રૃપિયા ૫૦ થાય તેવી સંભાવના વેપારી સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. લસણના ભાવ માટે
ચોમાસામાં સારો વરસાદ થાયતો તે પણ અગત્યની
ભૂમિકા ભજવશે.
દેશમાં
લસણના ઉત્પાદનમાં ૩૦ ટકા કાપ
દેશમાં
૨૦૧૦-૧૧માં લસણનું ૨ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૦ લાખ ટન થયું હતું જ્યારે
૨૦૧૧-૧૨માં વાવેતર વિસ્તારમાં ૪૨ હજાર હેક્ટરનો વધારો થતાં ઉત્પાદનનો આંક ૧૨ લાખ ટનને
આંબી ગયો હતો. ચાલુ વર્ષે દેશમાં વરસાદના અભાવે લસણના વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો
છે પરિણામે ઉત્પાદનમાં ૩૦ ટકા ઘટાડો થાય તેવી શક્યતા છે. દેશમાં ગુજરાતમાં વાવેતર વિસ્તાર
ઓછો હોવા છતાં રાજ્યની હેક્ટરદીઠ ઉત્પાદકતા વધારે હોવાથી ગુજરાત એ દેશમાં ઉત્પાદન પર
ટોપ પર હોય છે. પરંતુ ચાલુ વર્ષે માત્ર ૯૫૦૦ હેક્ટરમાં વાવેતરથી ગુજરાતમાં લસણના ઉત્પાદનમાં
મોટો કાપ આવશે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ વાવેતર વિસ્તાર ઘટતાં ઉત્પાદનમાં
ઘટાડો આવવાની સંભવનાના પગલે દેશમાં ચાલુ વર્ષે ૭.૫થી ૮.૫ લાખ ટન લસણનું ઉત્પાદન થાય
તેવી સંભાવના છે.
૨૦૧૨માં
રાજ્યોમાં નોંધાયેલા
વાવેતર
અને ઉત્પાદનના આંક
રાજ્ય વાવેતર ઉત્પાદન
આસામ ૯,૬૮૭ ૬૨,૫૨૯
બિહાર ૪,૨૫૦ ૪,૦૦૦
ગુજરાત ૩૯,૨૦૦ ૨,૭૭,૪૫૫
હરિયાણા ૧,૩૬૪ ૧૧,૬૧૧
હિમાચલ
પ્રદેશ ૧,૪૭૩ ૨,૦૫૧
કર્ણાટક ૫,૬૯૩ ૬,૦૦૦
મધ્યપ્રદેશ ૬૦,૦૦૦ ૨,૭૦,૦૦૦
મહારાષ્ટ્ર ૩,૫૦૦ ૪૦,૦૦૦
મિઝોરમ ૧,૩૦૦ ૫,૬૦૦
ઓરિસ્સા ૧૦,૯૦૦ ૩૫,૫૦૦
પંજાબ ૩,૭૦૦ ૪૫,૦૦૦
રાજસ્થાન ૫૯,૪૪૬ ૨,૩૫,૯૭૯
ઉત્તરપ્રદેશ ૩૪,૪૨૭ ૧,૭૭,૯૧૯
ઉત્તરાખંડ ૧,૨૦૦ ૭,૨૨૦
પશ્ચિમ
બંગાળ ૩,૩૫૦ ૪૦,૦૦૦
નોંધ
ઃ વાવેતર હેક્ટરમાં અને ઉત્પાદન ટનમાં છે.
૧૦થી
૧૫ કળીઓ વાળા લસણની નિકાસ માંગ વધુ
લસણ
અગત્યનો મસાલા પાક હોવાથી પરદેશમાં સૂકા લસણ અને તેના પાઉડરની ખૂબ જ માંગ રહેતી હોવાથી નિકાસની વિપુલ તકો છે. લસણના વેપાર સાથે સંકળાયેલા
વેપારીઓના જણાવ્યા અનુસાર, ૧૦થી ૧૫ જેટલી કળીઓ હોય તેવા લસણની પરદેશમાં ખપત વધારે રહે
છે. બાંગ્લાદેશ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, નેપાળમાં ભારતના લસણની સારી માંગ રહે
છે. ભારત દેશ લસણના વાવેતરમાં બીજું અને ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે. દેશમાં ગુજરાત લસણ ઉત્પાદન કરતું અગ્રણી રાજય છે.
ગુજરાતમાં જામનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, પંચમહાલ, સાબરકાંઠા અને ડાંગમાં લસણનો પાક
વધારે થાય છે. લસણમાંથી નીકળતું તેલ પણ ખૂબ જ વપરાશમાં લેવાય છે. અખાતના દેશોમાં આ
તેલની માંગ રહે છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment