Wednesday, 23 October 2013




મકાઈનું ઉત્પાદન વધવાની શક્યતાથી ભાવ દબાશે

અમેરિકામાં બાયોફ્યુઅલ અને ઇથેનોલનો વપરાશ ઘટાડવાની પર્યાવરણ રક્ષણ એજન્સીએ દરખાસ્ત કરતાં વૈશ્વિક બજારમાં ગાબડાં પડયાં

રાજ્યમાં મધ્ય ગુજરાતમાં મોટાપાયે ખેડૂતો મકાઈની ખેતી કરે છે. રાજ્યમાં ચાલુ ખરીફ સીઝનમાં ૩.૪૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં મકાઇનો સરેરાશ વાવેતર વિસ્તાર ૪ લાખ હેક્ટર છે. ગત ખરીફમાં પોણા ચાર લાખ હેક્ટરમાં આ સમયગાળા દરમિયાન વાવેતર થયું હતું. દેશમાં મકાઇનો વાવેતર વિસ્તાર ૧૧ ટકા વધીને ૮૨.૨૪ લાખ હેકટર થયો છે.
સારા વરસાદને પગલે મકાઈનો વાવેતર વિસ્તાર ઊંચકાયો છે. મકાઈનો ખાદ્યપદાર્થો ઉપરાંત ઇંધણ બનાવવા માટેનાં વિવિધ તેલ મેળવવામાં ઉપયોગ થતો હોવાથી મકાઇની વૈશ્વિક માંગ વધી રહી છે. જોક, ચાલુ વર્ષે મકાઇના પુરવઠાનો સ્ટોક જોતાં ભાવો દબાયેલા રહે તેવી શક્યતા છે. ગત વર્ષે ખરીફ સીઝનના કૃષિ વિભાગે બહાર પાડેલા પ્રાથમિક અંદાજમાં મકાઈનું ઉત્પાદન ૧૬૦ લાખ ટન થવાની શક્યતા દર્શાવી હતી. ચાલુ વર્ષે પ્રથમ અંદાજમાં મકાઇનું ઉત્પાદન ૧૭૮ લાખ ટન થવાની સંભાવના દર્શાવાઈ છે. ઓક્ટોબરના અંતમાં વરસેલા વરસાદે રવી સીઝનનેે પણ ફાયદો કરાવતાં રવીમાં પાકતી મકાઇના ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. રવી સીઝનમાં ૬૦ લાખ ટન મકાઇનું ઉત્પાદન થાય છે. જેમાં ચાલુ વર્ષે વધારો નોંધાશે. આમ રવી અને ખરીફનું ઉત્પાદન ૨૫૦ લાખ ટનને આંબે તેવી શક્યતાઓ છે. મકાઇના આંતરરાષ્ટ્રીય બજારમાં આર્જેન્ટિના, બ્રાઝિલ અને કાળા સમુદ્રના દેશોમાં પણ મકાઇનો મોટો પાક ઊતર્યો હોવાથી મકાઇનો વૈશ્વિક પુરવઠો વધુ રહેવાની શક્યતા છે. વૈશ્વિક બજારમાં ગત સપ્તાહે મોટાં ગાબડાં પડયાં હતાં અને ભાવ ૩૬ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા હતા.
અમેરિકામાં મકાઇનો પાક ધારણા કરતાં વધુ આવવાની જાહેરાતથી બજારમાં કડાકો બોલી ગયો હતો. શિકાગો વાયદો ૪.૩૨ ડોલરની સપાટી પર પહોંચી ગયો હતો. આ સપ્તાહે પણ બજારમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે.
અમેરિકામાં બાયોફ્યુઅલ અને ઇથેનોલનો વપરાશ ઘટાડવાની પર્યાવરણ રક્ષણ એજન્સીએ દરખાસ્ત કરતાં અમેરિકાના આ સમાચારે મકાઇ બજારમાં ગાબડાં પાડયાં હતાં. 

મકાઇનું મોટું વાવેતર કરતા આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ સારો રહ્યો છે. જ્યાં ઉત્પાદન વધવાની શક્યતા છે. હવે બજારમાં ખરીફ પાકનું આગમન થવાની શક્યતાઓ વચ્ચે મકાઇના ભાવમાં ગાબડાં પડવાની શક્યતાઓ છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment