Thursday, 26 March 2015

૫૦ વીઘામાં દાડમની કોન્ટ્રાક્ટથી ખેતી કરતો લુંધિયાનો ખેડૂત


બગસરાના લુંધિયા ગામના ખેડૂતે વર્ષ ૨૦૧૩માં મહારાષ્ટ્રની એક ખાનગી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી ૫૦ વીઘામાં દાડમની ખેતી અપનાવી હતી : કંપની દ્વારા ખાતર, દવા અને કટિંગથી લઈને ખરીદી કરવામાં આવે છે : ખેડૂતના ભાગે માત્ર નીંદામણ અને પિયતનો ખર્ચ રહે છે : ખેડૂતને પ્રથમ વર્ષે ૫૦૦૦ છોડ પરથી ૩૦૦૦૦ કિલો ઉતારો મળશે : ૨૪ રૃપિયા પ્રતિ કિલોના ભાવે કંપનીને વેચાણ કરી ખર્ચ બાદ કરતા ખેડૂત રૃ.૬.૭૦ લાખની કમાણી કરશે

કો ન્ટ્રાક્ટ ર્ફાિંમગ એક એવો વ્યવસાય છે કે, જેમાં ખેડૂતની મહેનત ઓછી અને કમાણી વધારે થાય છે. આજે રાજ્યમાં કોન્ટ્રાક્ટ ર્ફાિંમગથી ખેડૂતો સારી કમાણી કરતા થયા છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના લુંધિયાના ૫૪ વર્ષીય બિપીનભાઈ કલ્યાણભાઈ ગજેરાએ વર્ષ ૨૦૧૩માં કોન્ટ્રાક્ટથી દાડમની ખેતી અપનાવી છે. જેમાં કંપની દ્વારા મોટાભાગનો ખર્ચ ઉઠાવવામાં આવે છે. જ્યારે ખેડૂતના ભાગે નજીવો ખર્ચ આવે છે. કોન્ટ્રાક્ટ ર્ફાિંમગ અંગે વાત કરતા બિપીનભાઈએ જણાવ્યું હતું કે, અમારી પાસે કુલ ૭૦ વીઘા જમીન છે. જેમાં ૫૦ વીઘાની અંદર દાડમની ખેતી અપનાવી છે. જ્યારે બાકીના ૨૦ વીઘામાં કપાસની વાવણી કરવામાં આવી છે. આ વર્ષે ૨૦ વીઘામાં કપાસ કર્યો છે. જ્યારે આગલા વર્ષે રાજમાનું વાવેતર કર્યું હતું. આ પહેલાં ડુંગળીના બિયારણની ખેતી અને હળદરની પણ ખેતી અપનાવી હતી. જો કે મને નવી નવી ખેતી કરવાનો શોખ છે એટલે વર્ષ ૨૦૧૩ની અંદર ૫૦ વીઘાની અંદર મહારાષ્ટ્રની ખાનગી કંપની સાથે કોન્ટ્રાક્ટ ર્ફાિંમગથી દાડમની ખેતી અપનાવી હતી.
જેમાં જમીનની ભાગીદારી હિસાબે કરાર કર્યો હતો. જેમાં દાડમની તમામ ટ્રીટમેન્ટ કંપની કરે છે. કંપની દ્વારા ખાતર, કટિંગ અને દવાઆનો છંટકાવ પણ કરવામાં આવે છે. એટલે ખેડૂતને મુશ્કેલી સર્જાતી નથી. જ્યારે નીંદામણ, પિયત ખેડૂતને કરવાનું રહે છે. દાડમનું જે ઉત્પાદન આવે છે તેને ૨૪ રૃપિયા પ્રતિ કિલોના ભાવે કંપની દ્વારા ખરીદી લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટ ર્ફાિંમગથી વર્ષ ૨૦૧૩ની અંદર જુલાઈ મહિનામાં ૫૦ વીઘાની અંદર કુલ ૯૦૦૦ રોપાની વાવણી કરી હતી. જેમાં બે છોડ વચ્ચે હારમાં ૮ ફૂટ અને પાટલામાં ૧૨ ફૂટ અંતર રાખ્યું હતું. કુલ ૧ વીઘામાં (૧૬ ગુંઠામાં) ૧૮૦ રોપાની વાવણી કરવામાં આવી હતી એટલે ૫૦ વીઘાની અંદર ૯૦૦૦ રોપાની વાવણી થઈ હતી. આ તમામ રોપાની એક હેક્ટરે ૩૨ હજાર રૃપિયા જેટલી સબસિડી મળી હતી એટલે રોપા બિલકુલ મફતના ભાવે પડયા હતા. જ્યારે ૭૦ વીઘામાં ડ્રિપ અપનાવી હતી. જેનું વીઘે ૭૦૦૦ રૃપિયાનું બજેટ આવ્યું હતું એટલે કુલ  ૭૦ વીઘાની અંદર રૃપિયા ૪ લાખ ૯૦ હજાર જેટલો ખર્ચ થયો હતો. જે કંપની સાથે કરાર કર્યા હતા તેના સૂચન મુજબ નીંદામણ અને પિયત કર્યું હતું. વળી ડ્રિપમાં વોટર સોલ્યુબલ ખાતરો પણ કંપનીના માણસો દ્વારા ભલામણ પ્રમાણે આપવામાં આવતાં હતાં. આ સિવાય કંપનીના માણસો આવીને પીલા સાફ કરી દેતા હતા અને મહારાષ્ટ્રથી માણસો આવીને દાડમના કટિંગ કરી જતા હતા. તો દર અઠવાડિયે હવામાન અનુકૂળ ન હોય તો કંપનીના માણસો આવીને દવાઓનો સ્પ્રે કરતા હતા. કંપની દ્વારા સ્થાનિક લેવલે બગસરામાં કન્સલટન્ટ રાખવામાં આવ્યા છે. જે કંપનીને સૂચન કરે છે. ત્યારબાદ કંપનીના માણસો આવીને ફાર્મની માવજત કરે છે. બગસરા ખાતે એક ટીમ પણ રાખવામાં આવી છે. જે આવીને ફાર્મમાં દવાઓનો છંટકાવ કરી દે છે. આ સિવાય મેજર પ્રોબ્લેમ હોય તો મહારાષ્ટ્રથી માણસો આવી જાય છે એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાતી નથી. 


ખાનગી કંપની સાથે ૧૨ વર્ષનો કરાર
હાલ દાડમના તમામ છોડ ૧૯ મહિનાના થઈ ગયા છે. જેના પર ફ્રૂટ આવવાનું શરૃ થઈ ગયું છે. અત્યારે એક છોડ પરથી એવરેજ ૩૦થી ૩૫ નંગ ફળ લાગેલાં છે. એટલે ૫થી ૭ કિલો જેટલો ઉતારો રહેશે. કુલ ૯,૦૦૦ છોડ છે તેમાંથી સરેરાશ ૫૦૦૦ છોડ પર ફ્લાવરિંગ શરૃ થઈ ગયું છે. કુલ ૫૦૦૦ છોડનો ઉતારો ૬ કિલો એવરેજ ગણીએ તો ૩૦,૦૦૦ કિલો જેટલો ઉતારો રહેશે. આ ઉતારો એપ્રિલ-મે માસની વચ્ચે મળી રહેશે. જેને કંપની દ્વારા ૨૪ રૃપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદી કરવામાં આવશે એટલે કુલ રૃપિયા ૭ લાખ ૨૦ હજારની આવક મળશે. જેની સામે ખેડૂતના ભાગે નીંદામણ અને લાઈટ બિલનો ખર્ચ રહેશે. નીંદામણ પાછળ વીઘે ૫૦૦ રૃપિયા જેટલો ૧૨ મહિનાનો ખર્ચ લાગ્યો છે એટલે કુલ ૫૦ વીઘામાં ૨૫,૦૦૦ રૃપિયા જેટલો ખર્ચ થયો છે. જ્યારે વર્ષ દરમિયાન ૨૨,૫૦૦ રૃપિયા જેટલો લાઈટબિલ પાછળ ખર્ચ થયો છે એટલે સાત લાખ ૨૦ હજારની આવક સામે ૫૦ હજાર રૃપિયા જેટલો ખર્ચ બાદ કરતા ૬ લાખ ૭૦ હજાર રૃપિયા જેટલી ચોખ્ખી આવક થઈ જશે. આ આવક પહેલાં વર્ષે થશે. જ્યારે બીજા વર્ષે દાડમનું ઉત્પાદન પ્રતિ છોડ દીઠ ૧૫ કિલો રહેતા આવકમાં પણ વધારો થશે. જ્યારે ત્રીજા અને ચોથા વર્ષે ૨૦ કિલો ઉપર ઉતારો રહેતા આવક ત્રણ ગણી વધી જશે એટલે કમાણીની દૃષ્ટિએ કોન્ટ્રાક્ટ ર્ફાિંમગ બિલકુલ ઉત્તમ છે. અમે કંપની સાથે કુલ ૧૨ વર્ષનો કરાર કર્યો છે એટલે ૧૨ વર્ષ દરમિયાન આ ખેતીની ચિંતામાંથી બિલકુલ મુક્તિ મળી જશે.

પાક ફેલ જાય તો કંપની અને ખેડૂતને માથે અડધો ખર્ચ
બિપીનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ ર્ફાિંમગ અંગેનો વિચાર એટલા માટે આવ્યો કે કંપની પાસે તજજ્ઞાો હોય અને કંપની વાવેતર કરાવતી હોય તો એક્સપોર્ટ (નિકાસ) લાઈનમાં પણ ધ્યાન રાખતી હોય છે. ઘણી વાર ખેડૂતો જાતે ખેતી કરે તો ઘણું ધ્યાન રાખવાનું રહે છે. જેની સામે કંપની પૂરતું ધ્યાન રાખે છે. એટલે પાક બગડયો તો પણ કંપનીની જવાબદાર રહે છે. જો કે ઘણી વાર કુદરતી આફત આવે ત્યારે કંપની અને ખેડૂત બંનેના ભાગે ખર્ચ રહે છે. કંપની બને ત્યાં સુધી પાકને નિષ્ફળ થવા દેતી નથી, પરંતુ જો કુદરતી આફત આવી ગઈ અને આખેઆખો પાક ફેલ જાય તો કંપની અને ખેડૂત બંનેએ ભાગીદારીમાં ખર્ચ ભોગવવાનો રહે છે. ઘણી વાર એક પાક ફેલ ગયો તો તેને રેસ્ટ આપી દેવામાં આવે છે અને કાપણી કરી નાંખવામાં આવે છે. જેથી ફરીથી ફ્લાવરિંગ આવે છે એટલે નુકસાની જાય તો ફરીથી આસાનીથી નફો મેળવી શકાય છે. આમ, આ ખેતી બિલકુલ ઉત્તમ છે અને ખેડૂત માટે પણ અનુકૂળ છે.

સંપર્ક ઃ ૮૧૨૮૯ ૧૭૩૪૫
published in Gujarat leading agriculture news paper Agro sandesh..